Avaavaru Railway Station - 3 books and stories free download online pdf in Gujarati

અવાવરું રેલ્વે સ્ટેશન - 3

ભાગ - ૩

સવાર પડ્યું...ભોં ભાખરું થયું અને લોકો લોટે જવા નીકળ્યા અને ભૂમલાના ઘરમાં કોઈ બાઈ માણસ જોયું. ગામમાં દેકારો મચી ગયો કે ભૂમલો કોઈ બાઈ ને ઉપાડી લાવ્યો છે, કશું જ જાણ્યા કર્યા વગર ગામના માણસો ભેગા થયા,વાત એવી ઊડી કે ભુમલો કોઈને ઉઠાવી લાવ્યો છે. આમેય ટોળા ને વિવેક બુદ્ધિ હોતી નથી, ટોળું હમેંશા આંધળું અનુકરણ કરતું હોય છે, ટોળાને પોતાની કોઈ જ વિચારસરણી હોતી નથી, ટોળામાં હિંસક અને ખોટી વાતો ફેલાવી ટોળા ને સરળતાથી ગેર માર્ગે દોરી શકાય છે. ગામના કહેવાતા દોઢ ડાહ્યા માણસો ભૂમલા ને ભેરવી દેવા અને ફસાવી દેવા રાતે પાણીએ થયા,પરંતુ કહેવાય છે ને કે જેની સાથે ખુદ ભગવાન હોય તેનો વાળ પણ વાંકો થતો નથી. ગામ ના ચોક માં ભુમલો અને ગૌરી ને હાજર થવાનો હુકમ થયો.

ગૌરીને પૂછવામાં આવ્યું કે બોલ શું તકલીફ છે?? ભુમલો તને બળજબરીથી  ઉઠાવી લાવ્યો છે?? ન્યાય કરવા વાળા જ ગુનેગારો હોય તો ગરીબ માણસ ન્યાય ની અપેક્ષા કોની જોડે રાખે, ગૌરી પણ એક જ રાતમાં ભૂમલા ને સારી રીતે જાણી ગઈ હતી કે ભૂમલો ભગવાનનું માણસ છે,એનો અંતરાત્મા જાગી ગયો હતો એટલે તેણે નક્કી કર્યું કે હું મારા ભગવાન ભૂમલા જોડે અડીખમ રહીશ.

ગૌરીએ કહ્યું કે ભૂમલો મને ઉપાડી લાવ્યો નથી મને આશરો આપ્યો છે, તે મારો ભગવાન છે. આવો અણધાર્યો અને ના કલ્પેલો જવાબ સાંભળી સોંપો પડી ગયો, કારણ કે આજે કેટલાક લોકો લાકડીઓ લઈને જ આવ્યા હતા કે બાઈ માણસ ભૂમલા વિશે કંઈક આડુ અવળું બોલે એટલે લાકડીઓ લઈને ભૂમલા ઉપર તૂટી પડવાનું અને અગાઉની બધી દાઝ કાઢી નાખવી તેવું નક્કી કરીને જ આવ્યા હતા, વળી  ભૂમલા ને ઢીબી નાખવા પૂરી તૈયારી સાથે આવ્યા હતા પરંતુ ગૌરી નો જવાબ સાંભળી તેની ઉપર પાણી ફરી વળ્યુ. અંતે બધા છુટા પડ્યા...

ઘણીવાર કુદરત ના કાયદાઓ ને સમજવા અઘરા હોય છે, એ ખ્યાલ નથી આવતો કે ગૌરી માટે આશરો ભૂમલો છે કે પછી ભૂમલા માટે ગૌરી આશરો છે?? જેમ વેરાન વનવગડામાં  કોઈ સુકાયેલા વૃક્ષ ઉપર એક નાનકડી કુંપણ ફૂટે તેમ ભૂમલા માટે કદાચ ગૌરી... એ નાનકડી કુંપણ સમાન હતી અને ગૌરીને ભૂમલા માટે જ ભગવાને મોકલી હોય તેવું પણ લાગતું હતું. ગૌરી એ ભૂમલા માટે નાનકડી કુંપણ હતી જે ભૂમલાના આંગણા નું વટવૃક્ષ બનવાની હતી, જેને ખુદ પરમાત્માએ મોકલી હોય તેવું લાગતું હતું.

બન્ને ને સાથે જીવન ગુજારવા માટે નાનકડું ખેતર હતું અને વળી ગામની ગાયો ભેંસો ને ચરાવવા લઈ જવા માટે વર્ષે દહાડે ભૂમલાને અનાજ ની ૪-૫ બોરીઓ મળી રહેતી, ઘણીવાર જેની જરૂરિયાત ઓછી તેના માટે સુખ ની વ્યાખ્યા કંઇક જુદી જ હોય છે. રેલ્વે સ્ટેશન વાળા વૃદ્ધ સ્ટેશન માસ્ટર ભૂમલા ને સારી રીતે જાણતા હતા કે આ ભૂમલો ભલે લોકો ના પાકીટ મારતો હોય પરંતુ મન નો ચોખ્ખો છે, તે બદદાનત વાળો નથી, શરુઆત માં ગૌરી ભૂમલા ને ઘેર જવા તૈયાર થઈ ત્યારે તેમને ચિંતા હતી પરંતુ ગામ વચ્ચે ગૌરી એ જુબાની આપી પછી ભૂમલા બાબતે તેમના મનમાં કોઈ જ શંકા રહી નહિ.

દિવસો ઉપર દિવસો પસાર થતા હતા,ગૌરી અને ભુમલો કયા સબંધ ને આધારે રહેતા હતા તે કોઈ જાણતું નહોતું, માનવે રચેલા સબંધો ની વ્યાખ્યા થી કંઈક જુદો જ સબંધ બન્ને વચ્ચે હતો કે જેનું કોઈ નામ નહોતું, પરંતુ બને પવિત્ર સબંધ ને સાચો ઠેરવતા હતા. સ્ટેશન વાળા વૃદ્ધ બાપા ને લાગતું હતું કે તેઓ આ સબંધ ની સાચી વ્યાખ્યા બનાવે એટલે કોઈને કહેવા પણું રહે નહિ. વર્ષો વીતવા માંડ્યા...એક દિવસ વૃદ્ધ સ્ટેશન માસ્તર ભૂમલા ના ઘેર આવ્યા અને કહ્યું કે તમે બન્ને પતિ પત્ની ના પવિત્ર સબંધ માં જોડાઈ જાવ. કેટલાય સમયથી રાહ જોતા બન્ને હૈયા ને આવી જ કોઈ વાત ની અધીરાઈ હતી. બન્ને એકબીજા સામે જોવા લાગ્યા અને આનંદથી ઝૂમી ઉઠ્યા. ગામ લોકો ની સાક્ષી એ ભૂમલાએ ગૌરી ને પત્ની તરીકે સ્વીકારી જ લીધી હતી.

પરંતુ ખરાખરીનો જંગ હવે ખેલાવાનો હતો તેનાથી બન્ને જણા અજાણ હતા, શું બનવાનું છે તેનાથી પણ બન્ને અજાણ હતા,જે ઘમાસાણ થવાનું હતું તેનાથી પણ બન્ને અજાણ હતા, કાળ નું ચક્ર બન્ને ઉપર ફરી વળવાનું હતું.

દિવસો ઉપર.. મહિનાઓ ઉપર..વર્ષો વિતી ગયા, અચાનક જે આભ ભુમલા અને ગૌરી ઉપર ફાટવાનું હતું તે સમય આવી ગયો, અને એક આવી જ સાંજે ટ્રેન આવી... મુસાફરો ઉતર્યા... તેમાં એક મુસાફર પણ ઉતર્યો, માથે ફાળિયું બાંધેલું હતું, ખભે ખેસ હતો અને હાથમાં લાંબી ડાંગ, ખભે થેલી સાથે ફાળિયું ઉલાળતો તે ટ્રેન માંથી ભૂસકો મારી ઉતર્યો. આજુબાજુ કરડી નજર કરી કોઈને શોધતો હોય તેમ સ્ટેશન માસ્ટર ની ઓરડી તરફ આગળ વધ્યો, દૂર ઉભેલા એ વૃદ્ધ સ્ટેશન માસ્ટર પાસે જઈને પૂછવા માંડ્યો કે વર્ષો પહેલા નાના બાળક સાથે કોઈ બાઈ આ સ્ટેશન ઉપર ઉતરી હતી?? વૃદ્ધ ની આંખો આ ભાઈને પારખવા માટે ઝીણી થઈ અને થોડોક અણસાર પણ આવ્યો કે આ માણસ ગૌરી માટે પૂછપરછ કરી રહ્યો છે, છતાં જાણવા માટે પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો?? અહીંયા તો ઘણા હજારો મુસાફર ઉતરતા હોય, મને એ નો ખબર પડે હો ભાઈ.... થોડીક વાર પછી એ માણસ બોલ્યો કે એ બાઈ નો ઘર વાળો હું છું એ બાઈ મારી ઘર વાળી છે એની જોડે જે બાળક છે તે મારું છે. થોડીક વાર એ વૃદ્ધ ને ચક્કર આવી ગયા કે ભૂમલો અને ગૌરી જે રીતે સુખેથી રહેતા હતા તેમાં આ રાહુ રમખાણ કરશે તે નક્કી, તેમણે વાત ફેરવીને કહ્યું આ ઉજ્જળ સ્ટેશન માં ઘણા ઉતરે અને ઘણા આવે જાય મને કંઈ યાદ નથી, એ માણસ જાણે પાકું કરી ને આવ્યો હોય તેમ બબડ્યો કે સાલી ને હું છોડીશ નહિ, હાથમાં આવે તો જાનથી મારી નાખીશ, ગમે ત્યાંથી શોધી લઈશ, એમ કહી ગામ તરફ આગળ વધતી કેડી ઉપર ચાલવા માંડ્યો. અજવાળા ને વિદાય આપી અંધારું પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું હતું, સુખેથી રહેતા ભુમલા અને ગૌરી માટે આ રાહુ રમખાણ કરવાનો હતો તે નક્કી હતું, એક ઘમસાણ થવાનું હતું.....

દેખાવમાં જ ગુંડા જેવા લાગતા આ ભંવરસિંહે ગામના ગોંદરે પહોંચી પૂછવાનું ચાલુ કર્યું કે કોઈ બાળક સાથે કોઈ બાઈ આ ગામમાં આવી છે??

અમુક વધારે દોઢ ડાહ્યા માણસો પણ ગામમાં હતા એમણે કશું જ બોલ્યા વગર મૌન ભાષા માં હાથના ઇશારે ભૂમલા ની ઝૂંપડી તરફ ઈશારો કર્યો.  ભંવરસિંહ પહોંચ્યો ભૂમલાની ઝૂંપડી ઉપર, બહાર ફરિયામાં ગૌરી બેઠી હતી અને એણે જેવો ભંવરસિંહ ને જોયો તો તરત ફાળ પાડી અને દોડી પોતાના ખેતર તરફ જ્યાં ભૂમલો ખેતરમાં કામ કરતો હતો. આગળ ગૌરી અને પાછળ ભંવરસિંહ... બૂમો પાડતી જાય બચાવો... બચાવો... ગામમાં તો કોઈ બચાવે તેવું હતું નહિ, દૂરથી ગૌરી ને દોડતી આવતા જોતા જ ભૂમલો સામે દોડ્યો, બન્ને ભેગા થઈ ગયા... પાછળ આવતો  ભંવરસિંહ પણ આવી પહોંચ્યો, આવી ને ગૌરીનો હાથ પકડ્યો, ચાલ મારી સાથે અને ભૂમલા સામે જોઈ કહ્યું કે આ મારી બાયડી છે, ભૂમલો બોલ્યો.. સૌથી પહેલા ગૌરી નો હાથ છોડી દે અને ગૌરી તારી જોડે આવવા રાજી હોય તો તું લઈ જા,ગૌરી એક ગભરાઈ ગયેલી હરણીની માફક ફફડતી હતી, ગૌરી એ ભૂમલા ને કહ્યું કે આ માણસ મારો ઘરવાળો છે પરંતુ રાક્ષસ જેવો છે, લોખંડના સળિયા ને ગરમ કરી મને ડામ દે છે, રોજે રોજ દારૂ પી ને મને લાકડીએ લાકડીએ મારે છે, મારા બાળક ને ઊંધું ટીંગાડી મને યાતના આપે છે આવા માણસ જોડે હું જવા ઈચ્છતી નથી..હવે ભૂમલાનો વારો હતો.. બોલ્યો હાલ ને હાલ અહીંથી નિકળ નહિતર તારો ઘડો લાડવો વાળી દઈશ એમ કહી એક જ મુક્કો માર્યો તો ભંવરસિંહ ગળથોલા ખાઈ ગયો.. બન્ને જણા બાથંબાંથી આવી ગયા છેવટે ભૂમલાના ઉપરા ઉપરી લાકડીના ઘા સામે ભંવરસિંહ ટકી ના શક્યો અને ભોંય ભેગો થઈ ગયો... સીધો ગામમાં પહોંચ્યો અને લોકો ને ભેગા કરીને કહેવા માંડ્યો કે મારી બાયડી ને આ ભૂમલો ઉપાડી લાવ્યો છે, ગામની પંચાયત બેઠી અને ન્યાય કરવા માંડી, આખરે ભુમલાની વિરૂદ્ધ પંચાયતે ચુકાદો આપ્યો કે ગૌરીને ભંવરસિંહ જોડે જવાનો હુકમ થયો તથા ભૂમલો અને ગૌરી જો આ હુકમ નો અનાદર કરશે તો ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. ગૌરીએ રડારોળ કરી મૂકી કે મારે  ભંવરસિંહ જોડે નથી જવું તે મને જીવતી સળગાવી દેશે..પરંતુ ગામ લોકો ને તો એક જ વાત હતી કે તું ભંવરસિંહ ની પત્ની છે, તારે એની જોડે જ રહેવાનું હોય. આ પંચાયત નો નિર્ણય સાંભળી પહાડ જેવડો ભૂમલો પણ રૂ ની પુણી જેવો ઢીલો થઇ ગયો. ગૌરી ના આવવાથી તેના જીવનમાં એક નવો જ ઉદય થયો હતો અને એને પણ જીવન જીવવા જેવું લાગતું હતું હવે ફરીથી ગૌરી ના જવાથી ફરીથી એ જ ઝૂંપડું ભેંકાર થઈ જવાનું હતું, એણે ગૌરી સાથે ફકત એક વખત એકાંત માં વાત કરવાની છેલ્લી ઈચ્છા પંચાયત ને જણાવી, ગામ લોકોએ હા પાડી. ગૌરીને એકાંત માં મળીને ભૂમલા એ કહ્યું સાંભળ ગૌરી..

ક્રમશ..