Love - Ek Kavataru - 1 books and stories free download online pdf in Gujarati

લવ – એક કાવતરું - 1

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧

બેલાને આજે કોલેજથી આવતાં મોડું થઇ ગયું હતું. તે વિચારતી હતી કે ઘરમાં બધાં પોતાના કામમાં વ્યસ્ત હશે એટલે જલદી કોઇને ખ્યાલ આવશે નહીં અને કદાચ પૂછશે પણ નહીં. પોતે મેહુલને મળવા જવામાં જ મોડી પડી હતી. તેણે ઘર માટે રિક્ષા પકડી અને મેહુલ સાથેની મુલાકાતોને મનમાં વાગોળવા લાગી.

કોલેજના છેલ્લા વર્ષમાં તેને એક દુકાનમાં ખરીદી વખતે મળેલા મેહુલ સાથે પ્રેમ થઇ જશે એવી કલ્પના ન હતી. પિતાના મૃત્યુ પછી મેહુલ એન્જીનીયરીંગ કરવાનું છોડીને એમની સારી ચાલતી કાપડની દુકાન પર બેસી ગયો હતો. બેલા જ્યારે પહેલી વખત એની દુકાન પર ગઇ ત્યારે એના માણસોએ જ કપડાં બતાવ્યા હતા. એ જ્યારે પૈસા ચૂકવવા ગઇ ત્યારે મેહુલ સાથે મુલાકાત થઇ હતી.

બેલાએ કપડાંની કિંમત થોડી વધારે હોવાની જ્યારે એને દલીલ કરી ત્યારે એણે 'જો બીજે આનાથી સસ્તુ મળતું હોય તો પૈસા પાછા લઇ જજો' એમ કહ્યું હતું. જવાબમાં બેલાએ કહ્યું હતું કે,'બધાં જ વેપારીઓ આવું કહે છે.' ત્યારે મેહુલે એને પડકાર ફેંકતા કહ્યું હતું કે,'તમે કાપડ લઇ જાઓ અને જો બીજે એક રૂપિયો પણ સસ્તુ મળતું હોય તો ત્યાંથી લઇ લેજો અને આ કાપડ પાછું આપી જજો. જો સસ્તુ ના મળે તો પૈસા આપજો.' બેલાએ એનો પડકાર સ્વીકારી લીધો હતો. કેમકે એને મેહુલનો ચહેરો જ નહીં તેનો સ્વભાવ ગમી ગયો હતો. તેણે ફરી મુલાકાત માટેનું બહાનું ઊભું કરી દીધું હતું.

ચાર દિવસ પછી એ અન્ય દુકાનમાં ભાવ પૂછ્યા વગર જ ફરી મેહુલની દુકાને ગઇ હતી અને પૈસા ચૂકવીને આભાર માન્યો હતો. મેહુલે એને પૂછ્યું હતું કે,'બીજી દુકાને ભાવ પૂછ્યો નથી?' ત્યારે બેલા શરમાઇ ગઇ હતી. પછી તો મેહુલની દુકાને એ ખરીદીના બહાને જવા લાગી હતી. એ મુલાકાતોએ એને મેહુલના પ્રેમમાં પાડી હતી. હવે બંને બહાર મળતા થયા હતા. બેલાએ મેહુલના પરિવાર વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો પણ એક મા સિવાય કોઇ ન હોવાનું એણે કહ્યું હતું. એમની અને બેલાની આર્થિક પરિસ્થિતિ સરખી જ હતી. બંનેના વિચારો એકબીજા સાથે મળી રહ્યા હતા. ઘણી વખત બેલાને ન જાણે કેમ એમ લાગતું હતું કે મેહુલ કંઇક છુપાવી રહ્યો છે. તેણે કોલેજ કયા શહેરમાં શરૂ કરી હતી અને ખરેખર ભણવાનું કેમ છોડી દીધું હતું એનો સ્પષ્ટ ખુલાસો કરી રહ્યો ન હતો. તેની ફોન પર કોઇની સાથે થતી વાતો પણ રહસ્યમય લાગતી હતી.

મેહુલ બધી રીતે સારો છોકરો લાગતો હતો પણ એક ડર મનમાં સતાવી રહ્યો હતો. આજે એ ડરમાં વૃધ્ધિ થઇ હતી. મેહુલ પર એક ફોન આવ્યો ત્યારે એણે કહ્યું હતું:'બોલ મમ્મીજાન!' અને બેલાને 'અમ્મીજાન' સંભળાયું હતું. બેલાએ જ્યારે માને અલગ સંબોધન કેમ કર્યું એમ પૂછ્યું ત્યારે એણે કહ્યું હતું:'હું મારી મમ્મીને મારા જીવથી વધારે ચાહું છું. એ મારી જાન છે. એના વગર મારું જીવન નથી. એટલે એને લાડથી 'મમ્મીજાન!' કહું છું. બેલાને થયું કે આજે દરેક સંતાન પોતાની માને અલગ- અલગ રીતે બોલાવતા હોય છે. દરેકને પોતાની મા માટે અનહદ પ્રેમ હોય છે. એમાં શંકા કરવા જેવું નથી. પણ એ ક્યારેય પોતાના ઘરે કેમ લઇ જતો નથી અને મમ્મી સાથે મુલાકાત કરાવવાનું પણ ટાળતો રહે છે એ વાત શંકા વધારે છે.

અચાનક રસ્તામાં ટ્રાફિક જામ થઇ ગયો. લોકો ગુસ્સામાં હોર્ન વગાડવા લાગ્યા ત્યારે એની વિચારધારા અટકી. ઘરે પહોંચવામાં હજુ મોડું થશે એમ વિચારી રિક્ષાવાળાને કહી રસ્તો બદલાવી નાખ્યો.

રિક્ષાવાળાને પૈસા ચૂકવી બેલા હાંફળી-ફાંફળી ઘરમાં પ્રવેશવા લાગી ત્યારે મા વિમળાબેને એને અટકાવી:'બેલા...કેમ મોડું થયું?'

બેલાએ જવાબ આપતાં પહેલાં ઘરમાં બેઠેલા સભ્યો પર એક નજર નાખી લીધી. પપ્પા રમેશભાઇ હજુ આવ્યા ન હતા. મોટાકાકા નરેશભાઇ અને એમનો દીકરો કમલેશ એની તરફ જોઇ રહ્યા હતા. પોતાનો ભાઇ જયેશ દેખાયો નહીં. ત્યાં જ તે બીજા રૂમમાંથી પ્રગટ થયો. એના ચહેરા પર ગુસ્સો હતો:'બેલા, માએ પૂછ્યું એનો જવાબ તેં હજુ આપ્યો નથી...'

'ભાઇ, આજે કોલેજમાં થોડું મોડું થયું... પછી રસ્તામાં ટ્રાફિકમાં અટવાઇ ગઇ...' બેલાએ હાથવગો જવાબ આપી દીધો.

જયેશ મા તરફ જોઇ રહ્યો.

'બેલા, હવે સમયસર ઘરે આવી જજે. તારા પપ્પાએ ખાસ તાકીદ કરી છે. આજકાલ શહેરમાં વાતાવરણ સારું નથી...તું ક્યાંક ફસાઇ ના જાય એની ચિંતા છે.' વિમળાબેનના સ્વરમાં લાગણી સાથે તાકીદ હતી.

બેલા કોલેજની બેગ પોતાના રૂમમાં મૂકવા જતાં બોલી:'મા, હું બે મિનિટમાં આવું છું. પછી વાત કરીએ...'

એણે દરવાજો બંધ કર્યો. પોતાના રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે એના કાન બહારની વાત સાંભળવા સતર્ક હતા.

નરેશભાઇ બોલી રહ્યા હતા:'જયેશ તારે અને કમલેશે બહેન પર ધ્યાન રાખવું પડશે. આપણી બેલા ભોળી અને નાદાન છે. ક્યાંક ફસાઇ ના જાય એ જોવું પડશે. આજકાલ કિસ્સા વધી રહ્યા છે....'

'હું તો કહું છું કે બંનેમાંથી જેને સમય મળે એણે એને કોલેજ મૂકવા-લેવાનું ગોઠવવું જોઇએ...' વિમળાબેને સૂચન કર્યું.

'મમ્મી, અમારી કોલેજનો સમય અલગ છે. એ શક્ય નથી. પણ તું બેલાને સાવધાન કરી દેજે...' કમલેશ પોતાની સ્થિતિ સમજાવતાં બોલ્યો.

બેલા જાણી જોઇને પોતાના રૂમમાં વધુ સમય રહીને વાતો સાંભળતી રહી. પછી બહાર નીકળીને સીધી રસોડામાં જતી રહી. તે આજે પોતાની મેહુલ સાથેની મુલાકાતની કોઇને શંકા ના જાય અને પોતાનાથી કંઇ બોલાઇ ના જાય એ બાબતે સાવધાન રહેવા માગતી હતી.

તે રસોઇમાં મોટાકાકી સરલાબેનને મૂંગા મોંએ મદદ કરી રહી હતી. સરલાબેને કોલેજનો દિવસ કેવો રહ્યો એમ પૂછ્યું ત્યારે તેને અભ્યાસને બદલે મેહુલ સાથેની મુલાકાત જ યાદ આવતી રહી. એણે 'સારો રહ્યો' કહીને વાતને આગળ વધારી નહીં. ત્યાં વિમળાબેન આવ્યા અને સરલાબેન સાથે આજની રસોઇ બાબતે ચર્ચા કરી બેલાને સંબોધન કરી બોલ્યા:'બેટા, તું સાવધાન રહેજે. આજકાલ આ લવ-જેહાદનું બહુ ચાલ્યું છે...'

વિમળાબેન નવાઇથી પૂછી રહ્યા:'વિમળા, આ નવું શું આવ્યું છે?'

'બેલાના પપ્પા કહેતા હતા કે આખા દેશમાં લવ-જેહાદનો મુદ્દો ચર્ચામાં છે. આપણા મહાનગરમાં બે કિસ્સા બહાર આવ્યા પછી દરેક દીકરીના મા-બાપ ગભરાયેલા છે. બેલાનું આ છેલ્લું વર્ષ છે. થોડા જ મહિના બાકી છે. બાકી એના હાથ પીળા કરીને સાસરે મોકલી દીધી હોત...' પુત્રી માટે લાલબત્તી ધરતા વિમળાબેન બેલા તરફ જોઇ રહ્યા. એ નીચી નજર કરીને ભાખરીનો લોટ બાંધી રહી હતી.

'આ લવ-જેહાદ અસલમાં છે શું ? એ તો પહેલાં સમજાવ...' સરલાબેનને જાણવાની ઉત્સુક્તા હતી.

'કેટલાક વિધર્મી યુવાનો નામ અને વેશ બદલીને હિન્દુ છોકરીઓને ફસાવે છે. પછી હેરાન કરે છે. આવા કિસ્સા બહુ ઓછા હોય છે પણ આવી રીતે છોકરીને ફસાવવાનું યોગ્ય ના કહેવાય. એક વિધર્મી છોકરાએ એક હિન્દુ છોકરીને છેતરીને તેની સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. બે-ત્રણ વર્ષ પછી છોકરીને ખબર પડી કે છોકરો મુસ્લિમ છે. તેણે પરિવારને જાણ કરી અને પરિવારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે એ વાત સાચી નીકળી. છોકરાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એ હિન્દુ છોકરીને પ્રેમ કરતો હતો પણ આ રીતે છેતરીને તો પ્રેમ ના કરી શકાય ને? આ પ્રેમ નહીં પણ ગુનો જ કહેવાય. છોકરીને સાચું કહ્યા પછી એ પોતાનો નિર્ણય લઇ શકી હોત. આજકાલના છોકરાઓ પ્રેમ કરે છે કે ગુનો એ સમજાતું નથી. શહેરમાં આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે....'  બોલીને વિમળાબેન પાણીનો ગ્લાસ લેવા ઊભા થયા.

બેલાને ગળામાં પાણીનો સોસ પડી રહ્યો હતો. એને થયું કે તરસને કારણે નહીં પણ એક ભયાનક વાસ્તવિક્તાનો એણે સામનો કરવો પડશે એના ડરને કારણે એનું ગળું સુકાઇ રહ્યું છે. પ્રેમના નામ પર તે એક કાવતરાનો શિકાર થઇ રહી છે.

ક્રમશ: