Love - Ek Kavataru - 4 - last part books and stories free download online pdf in Gujarati

લવ – એક કાવતરું - 4 - છેલ્લો ભાગ

પ્રકરણ-૪

આજની સવાર રમેશભાઇના પરિવાર માટે અલગ હતી. સવારથી જ ઘરમાં મેહુલને પોલીસના હાથે પકડાવાની યોજનાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે બેલાને હિંમત આપીને સમજાવવામાં આવ્યું હતું કે તેણે મેહુલને રોજની જેમ સામાન્ય સ્થિતિમાં જ મળવાનું છે. એ કોઇ હરકત કરે એ પહેલાં જ તેને પકડીને પોલીસને સોંપી દેવાનો છે. રમેશભાઇ વિચારતા હતા કે અત્યાર સુધી એ બીજી છોકરીઓની વાતો વાંચીને- સાંભળીને ચિંતા કરતા હતા ત્યારે ઘરમાં જ આવો કિસ્સો હશે એની કલ્પના ન હતી. બેલા ભોળી છે. પ્રેમના નામે તેની સાથે કાવતરું થઇ રહ્યું છે. એને ચેતવી દીધી ના હોત તો કદાચ વાત ઘણી આગળ વધી ગઇ હોત.

જયેશ અને કમલેશ પોતાના મિત્રો સાથે વાતચીત કરીને બધું ગોઠવી આવ્યા હતા. અને સાંજ પડવાની રાહ જોઇ રહ્યા હતા. આજે બેલાને કોલેજમાં રજા પડાવી હતી.

બધાંને એમ હતું કે દિવસ દરમ્યાન મેહુલનો ફોન આવશે પણ આવ્યો નહીં. તેણે સરપ્રાઇઝ આપવાનું કહ્યું હતું. નક્કી એ બેલાને ભગાડીને લઇ જઇ શકે છે.

બપોરે ત્રણ વાગ્યા એટલે રમેશભાઇ અને નરેશભાઇ સાથે એક રિક્ષામાં બેલા બેઠી. જયેશ અને કમલેશ પોતાના મિત્રો સાથે અલગ- અલગ રિક્ષામાં નીકળ્યા.

બેલા દરરોજ કોલેજ નજીકના જે સ્થળે મેહુલને મળતી હતી તેનાથી થોડે દૂર – દૂર રિક્ષાઓ ઊભી રાખી તેની રાહ જોવા લાગ્યા. જયેશ બેલાને સતત સમજાવી રહ્યો હતો. પોલીસમાં જાણ કરી દીધી હતી અને ચાર વાગે પોલીસ પણ છુપા વેશમાં આવી પહોંચવાની હતી. શહેરમાં બની રહેલા લવ- જેહાદના કિસ્સાઓને કારણે પોલીસ અધિકારીએ આ વાતને ગંભીરતાથી લીધી હતી.

ચાર વાગવાની તૈયારી હતી અને દૂરથી હાથમાં ફૂલના બુકે સાથે મેહુલ આવતો દેખાયો. તેણે પઠાણી ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે બીજા મુસ્લિમ યુવાનો પણ હતા. બધાંએ કુર્તા – પાયજામો પહેરેલો હતો. જયેશના મનમાં ગુસ્સો વધી રહ્યો હતો. તેણે મિત્રોને કહ્યું:'નક્કી આજે એ કોઇ મકસદથી આવ્યો છે. આપણે એને સફળ થવા દેવાનો નથી.

બેલાએ જ્યારે મેહુલને મુસ્લિમ વેશમાં એના મિત્રો સાથે આવતા જોયો ત્યારે એ અંદરથી ધ્રૂજી ગઇ. તેનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. તેને થયું કે તે મેહુલને એક તમાચો મારી દે. પણ બધાંએ પહેલાં મેહુલની પ્રતિક્રિયા જોવાની સૂચના આપી હતી. અને બધા જ એની મદદ માટે નજીકમાં ઊભા હતા એ વાતથી એ રાહત અનુભવી રહી.

મેહુલે નજીક આવીને 'હાય' કહ્યું અને પોતાના મુસ્લિમ મિત્રો તરફ હાથ ચિંધીને બોલ્યો:'બેલા, આ મારા દોસ્ત છે...' પછી બધાંનો પરિચય કરાવતા બોલ્યો:'આ છે કાદીર, આ લીલા કપડામાં રીયાઝ, છેલ્લે ઊભો છે એ સઇદ અને અને તો તું ઓળખે જ છે! હું મુસ્તાક...'

'મુસ્તાક? પણ તું તો તને મેહુલ કહે છે...' બેલાએ ચોંકીને કહ્યું.

મેહુલ હસીને બોલ્યો:'કેમ હું તને મુસ્તાક લાગતો નથી? આજે હું તને નિકાહ માટે લઇ જવાનો છું...'

'મેહુલ... આ શું મજાક છે?' કહી બેલા બે ડગલાં પાછળ હઠી ગઇ.

'તને મજાક લાગે છે? આટલા દિવસોમાં તું મને ઓળખી ગઇ હોઇશ ને?' મેહુલે ગંભીર થઇને પૂછ્યું અને પ્રેમથી તેનો હાથ પકડીને ક્યાંક લઇ જવા આગળ વધ્યો. બેલા ફરી પાછળ ખસી ગઇ અને મેહુલનો હાથ હવામાં જ રહી ગયો.

જયેશમાં ધીરજ ના રહી. તે પોતાના મિત્રો સાથે દોડતો ત્યાં પહોંચી ગયો અને મેહુલની ફેંટ પકડીને બે અડબોથ મારી દીધી. મેહુલ પડી જતાં રહી ગયો. એ પોતાની જાતને સંભાળે એ પહેલાં જયેશના મિત્રોએ એના મિત્રોને મારવાનું શરૂ કરી દીધું. મેહુલ અને એના મિત્રો 'બચાવો બચાવો' ની બૂમો પાડવા લાગ્યા. ભારે હલચલ મચી ગઇ. રમેશભાઇ બેલાને બાજુ પર લઇ જતાં બોલ્યા:'હાશ! દીકરી તું બચી ગઇ....' મેહુલ અને એના મિત્રોને એવો ગડદાપાટુનો માર પડ્યો કે બોલવાના હોશ રહ્યા ન હતા. ત્યાં પોલીસ આવી પહોંચી અને કોઇની કંઇ વાત સાંભળ્યા વગર ઘાયલ મેહુલ સાથે એના મિત્રોને પકડી લીધા અને સહેજ ટકોર કરી:'તમારે આ રીતે એમને મારવાની જરૂર ન હતી...' ત્યારે જયેશ બોલ્યો:'સાહેબ, અમે બેલાના રક્ષણ માટે આ કર્યું છે. એ એને ખેંચીને લઇ જઇ રહ્યો હતો...'

'ઠીક છે.' કહી કોન્સ્ટેબલે બધાંને જીપમાં બેસાડવા ઇશારો કર્યો. પોલીસને એ વાતની ખુશી હતી કે લવ- જેહાદના એક કિસ્સાને એમણે ઉગતો જ ડામી દીધો હતો.

રમેશભાઇએ પોલીસ મથકમાં જઇ અધિકારીનો આભાર માન્યો અને મેહુલ સામે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરીને ઘરે આવી ગયા.

બેલાને હેમખેમ આવેલી જોઇ વિમળાબેન અને સરલાબેને એને ગળે લગાવી દીધી. બેલાએ બધાંનો આભાર માન્યો અને માફી માગતાં કહ્યું:'હું પ્રેમમાં ભાન ભૂલી જવાની હતી પણ તમે બધાંએ મને બચાવી લીધી છે. મેહુલ સારો છોકરો લાગતો હતો પણ મને શંકા વધતી જ રહી હતી. આજે સાબિત થઇ ગયું કે તે મુસ્લિમ જ હતો અને મને છેતરી રહ્યો હતો. એનામાં જરા પણ શરમ જેવું ના દેખાયું. જાહેરમાં કેવો મારો હાથ પકડીને નિકાહ માટે લઇ જવાની વાત કરવા લાગ્યો હતો. સારું થયું તમે બધાંએ સમયસર આયોજન કરીને એને જેલના સળિયા પાછળ ધકેલી દીધો...'

બેલાની વાત પૂરી થઇ ત્યાં ઘર પાસે પોલીસની વાન આવીને ઊભી રહી. રમેશભાઇ બોલ્યા:'બેલા, પોલીસ તારું નિવેદન લેવા આવી છે. તું જે હોય તે બધું ગભરાયા વગર સાચું જ કહી દેજે. એણે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી કેવી રીતે તને ફસાવી એ બધું જ કહેજે...'

પોલીસ ઇન્સ્પેક્ટર રાજન સિંહે આવીને કહ્યું:'રમેશભાઇ, મારે તમારી સાથે કેટલીક વાત કરવી છે...'

'આવોને, બેસો...' કહી રમેશભાઇ પણ બેસીને બોલ્યા:'સાહેબ, બેલાને તમે બધું જ પૂછી શકો છો. તેણે કેવી રીતે એને ફસાવી છે એ બધી જ વાત જણાવશે...'

'વડિલ, આ કેસમાં કાચું કપાયું લાગે છે...' કહી ઇન્સ્પેક્ટર રાજન સિંહે પોતાની પાસેની એક નાનકડી બેગમાંથી કેટલાક કાગળ કાઢીને બતાવતાં કહ્યું:'વડિલ, અમે મેહુલની પૂછપરછ કરી એમાં બીજી જ હકીકત બહાર આવી છે. એ એક હિન્દુ છોકરો જ છે... તેને તબીબી સારવાર અપાવી ત્યાર પછી એણે જે વાત કરી એ જાણીને અમે ચોંકી ગયા અને જુદા- જુદા વિભાગો પાસેથી પુરાવા મંગાવી ચકાસણી કરી ત્યારે એ વાત સાબિત થઇ કે મેહુલ હિન્દુ છે. તેના મિત્રો જરૂર મુસ્લિમ છે. એ બેલાને ભગાડી જવા આવ્યો ન હતો. અમે એની અગાઉની કોલેજના આચાર્યની મુલાકાત કરીને પણ ખાતરી કરી લીધી છે. છોકરાઓને બહુ ઇજા પહોંચી નથી એટલું સારું છે. વધારે સારી વાત એ છે કે એમણે તમારો કેસ ખોટો સાબિત થયા પછી તમારા વિરુધ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી નથી...'

ઇન્સ્પેક્ટર રાજન સિંહની વાત બધાં જ ફાટી આંખે સાંભળી રહ્યા હતા. બધાંને નવાઇ લાગી રહી હતી કે મેહુલ હિન્દુ હતો પછી શા માટે મુસ્લિમ યુવાનના વેશમાં મુસ્લિમ મિત્રો સાથે આવ્યો હતો.

'પણ એ તો મુસ્લિમ જ લાગતો હતો...' રમેશભાઇને હજુ વિશ્વાસ બેસતો ન હતો.

'એ બધી જાણકારી તમે મેહુલને રૂબરૂ મળીને મેળવી શકો છો. અમે કેસ બંધ કરી દીધો છે...' કહી ઇન્સ્પેક્ટર રાજન સિંહ ઊભા થયા અને આગળ બોલ્યા:'તમે એની એન્જીનીયરીંગની કોલેજ પર જઇને અત્યારે વધારે માહિતી મેળવી શકો છે. એ અને એના મિત્રો ત્યાં પહોંચી ગયા છે...'

ઇન્સ્પેક્ટર રાજન સિંહ ગયા પછી બેલા વિચારમાં પડી ગઇ. પોતાની શંકાઓ નિરાધાર હતી. પોતે મેહુલને અન્યાય કર્યો હતો. રમેશભાઇને પણ અફસોસ થવા લાગ્યો. તે બોલ્યા:'ચાલો, આપણે બધા એની કોલેજ પર જઇને માફી માગી લઇએ...'

રમેશભાઇનો પરિવાર એન્જીનીયરીંગ કોલેજ પર પહોંચ્યો ત્યારે દરવાજા પાસે વાહનો પાર્ક થયેલા જોયા અને કોલેજના વાર્ષિક દિવસની ઉજવણીનું બોર્ડ જોયું. બધાં અંદર ઓડિટોરિયમમાં પહોંચ્યા ત્યારે કોઇનું પ્રવચન ચાલી રહ્યું હતું. થોડી જ વારમાં મુસ્લિમ યુવાનના વેશમાં મેહુલ અને એના મિત્રો સ્ટેજ પર આવ્યા ત્યારે બધાંને કંઇક સમજાવા લાગ્યું.

મેહુલે મિત્રો સાથે એક કવ્વાલીની સરસ પ્રસ્તુતિ કરી.

થોડીવાર પછી બધાં જ હોલની પાછળના ભાગમાં મેહુલને મળવા દોડી ગયા.

બેલાને એના પરિવાર સાથે જોઇ મેહુલ ખુશીથી બોલ્યો:'હું તો માત્ર તને જ આ કાર્યક્રમ જોવા લઇ જવા આવ્યો હતો. મને ખબર ન હતી કે તારો આખો પરિવાર જોવા આવશે!'

જયેશ બોલ્યો:'મેહુલ અમને માફ કરી દે. બેલાની ગેરસમજ થઇ અને અમે પણ ભૂલ કરી બેઠા. ઘણી વખત જે દેખાય છે એ સત્ય હોતું નથી. કોઇ ભ્રમને કારણે આપણે એ સત્ય જોઇ શકતા નથી...'

'એમાં માફી માગવાની ના હોય. ભૂલ તો કોઇની પણ થઇ શકે છે. તમે તમારી બહેનની ભલાઇ માટે જ આમ કર્યું હતું... ભૂલ તો મારી પણ છે. સરપ્રાઇઝ આપવાને બદલે સાચું કહી દેવાની જરૂર હતી. અસલમાં મેં એન્જીનીયરીંગ કોલેજ છોડી દીધી હતી પણ અગાઉથી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતો રહ્યો છું. એક વખત મેં વાર્ષિક કાર્યક્રમમાં મુસ્તાક કવ્વાલના રૂપમાં કવ્વાલી જ નહીં શેરોશાયરીથી બધાંના દિલ જીતી લીધા હતા એટલે પ્રિન્સિપલ સાહેબે મને એક ખાસ કૃતિ રજૂ કરવા કહ્યું હતું. હું બેલાને આ કૃતિ બતાવવા જ લેવા આવ્યો હતો...'

બેલા બોલી:'મેહુલ, મને માફ કરી દે. હું તને ઓળખી શકી નહીં...તારા પ્રેમને કાવતરું સમજવાની ભૂલ કરી દીધી. તારા વર્તન અને વ્યવહાર એક મુસ્લિમ યુવાન જેવા હતા એટલે થાપ ખાઇ ગઇ...'

મેહુલ કહે:'એમાં તારો વાંક નથી. હું ઘણા દિવસથી આ કાર્યક્રમ માટે તૈયારી કરતો હતો. એ માટે પાત્રમાં ઢળી રહ્યો હતો. મને આ લવ –જેહાદના મુદ્દાનો કોઇ ખ્યાલ જ આવ્યો ન હતો... લવ- જેહાદના કિસ્સાઓએ દરેક મા-બાપને ચિંતામાં મૂકી દીધા છે.' પછી રમેશભાઇ તરફ ફરીને બોલ્યો:'તમારો કોઇ વાંક નથી. બેલાએ બે-ચાર વખત શંકા વ્યક્ત કરી ત્યારે એની વાતને મજાકમાં ઉડાવી દીધી હતી. મને ખબર ન હતી કે એ વાતને ગંભીરતાથી લેતી હતી. હું તો એને સરપ્રાઇઝ આપવા માગતો હતો...'

રમેશભાઇ બોલ્યા:'મેહુલ... અમને બેલાએ રસ્તામાં તારા વિશે જે વાત કરી છે એનાથી અમે પ્રભાવિત થયા છીએ. પિતાના અવસાન પછી તેં સરસ રીતે ધંધો સંભાળી લીધો છે. તારામાં કોઇ એબ નથી એનો બેલાને વિશ્વાસ છે. અમે આજે જ તારા મમ્મીને લગ્ન માટે વાત કરવા આવી રહ્યા છે!'

મેહુલે બેલા તરફ જોયું ત્યારે એની નજરમાં શંકા નહીં પણ પ્રેમની જ લાગણી હતી.

*****