Connection-Rooh se rooh tak - 18 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 18

૧૮.યોજના



શિવે ઘર આવતાં જ જીપને બ્રેક મારી. જગજીતસિંહ તરત જ દરવાજો ખોલીને નીચે ઉતર્યા, અને ઘરની અંદર આવી ગયાં. હાલ સાંજનાં સાત વાગી રહ્યાં હતાં. શિવ પણ જીપ પાર્ક કરીને અંદર આવ્યો. બંનેએ અંદર આવીને જોયું, કે અપર્ણા હજું પણ અહીં જ હતી. જગજીતસિંહે અપર્ણાને જોયાં પછી એક નજર શિવ તરફ કરી. જે હજુ પણ દરવાજે જ ઉભો હતો. એણે તો વિચાર્યું પણ નહીં હોય, કે અપર્ણા હજું પણ અહીં જ હશે. શિવનાં મનમાં શું ચાલી રહ્યું હતું? એ જગજીતસિંહ જાણતાં ન હતાં. એટલે એમણે હાલ પૂરતું મૌન રહેવાનું જ ઉચિત સમજ્યું. એ અંદર આવીને સોફા પર ગોઠવાયાં. શિવ તરત જ ડાઇનિંગ પર બેસેલી અપર્ણા સામે આવીને ઉભો રહી ગયો.
"તું હજું પણ અહીં જ છે?" શિવે અપર્ણા સામે આંખો ફાડીને પૂછ્યું.
"શિવ! આ કેવી રીત છે છોકરી સાથે વાત કરવાની?" શિવનો અવાજ સાંભળીને, રાધાબાએ કિચનમાંથી બહાર આવીને થોડાં સખ્ત અવાજે કહ્યું, "અપર્ણા આપણાં ઘરની મહેમાન છે, અને છોકરી પણ! મેં તને આવાં સંસ્કાર આપ્યાં છે, કે મહેમાન સાથે અને ખાસ કરીને એક છોકરી સાથે આમ ઉંચા અવાજે વાત કરવાની?"
"માફ કરજો મમ્મી! બોલાઈ ગયું." શિવે માથું ઝુકાવીને કહ્યું.
અપર્ણા ખુરશી પર બેસીને શિવની હાલત પર હસી રહી હતી. બહું કંટ્રોલ કરવા છતાંય એનાંથી જોરથી હસાઈ ગયું. શિવે તરત જ એની સામે તિરછી નજરે જોયું, અને રાધાબા સામે જોઈને બોલવાં લાગ્યો, "જોયું ને તમે? આ હસી રહી છે. આ મહેમાન નહીં, મુસીબત છે. ગળે પડેલી મુસીબત!"
"બસ કર હવે, શિવ." વાત વણસે એ પહેલાં જગજીતસિંહે સોફા પરથી ઉભાં થઈને કહ્યું, "શું નાનાં બાળકોની જેમ લડાઈ કરે છે? મુંબઈનો બિઝનેસ ટાયકૂન છે, પણ વર્તન બિલકુલ નાનાં બાળક જેવું છે."
"પણ બાપુ..."
"પણ બણ કંઈ નહીં. તું અપર્ણાને એની ઘરે મૂકી આવ. બહાર અંધારું થવા લાગ્યું છે. એનું એકલાં જવું ઠીક નથી." જગજીતસિંહે શિવની વાત વચ્ચે જ કાપતાં કહ્યું.
"એ તો જાદુગરની છે ને! તો ઘરે પણ જાદુ કરીને જતી રહેશે. એને મારી શું જરૂર?" શિવે મોઢું બગાડીને કહ્યું.
"મારે તારી જરૂર પણ નથી." અપર્ણાએ કહ્યું, અને એ પણ શિવ સામે મોઢું બગાડીને જગજીતસિંહ પાસે આવી ગઈ, "બાપુ! મારે ઘરે નથી જવું. તમે પહેલાં મને એ કહો, કે મુના બાપુનાં બંગલે શું થયું?"
અપર્ણાની વાત સાંભળીને જગજીતસિંહ શિવ સામે જોવાં લાગ્યાં. આખો પ્લાન એનો જ તો ઘડેલો હતો. જગજીતસિંહને તો બે મિનિટ શાંતિથી બેસીને એની સાથે વાત કરીને કંઈ જાણવાનો મોકો પણ મળ્યો ન હતો. એવામાં અપર્ણાને શું કહેવું શું નહીં? એમની કંઈ સમજમાં નાં આવ્યું. શિવ હવે બરાબરનો અકળાયો હતો. બે દિવસથી એ પાગલની જેમ અહીંથી તહીં ભટકી રહ્યો હતો. સરખી ઉંઘ પણ કરી ન હતી. એવામાં અપર્ણા એની એક વાત માનવા તૈયાર ન હતી.
જગજીતસિંહને શિવ સામે જોતાં જોઈને અપર્ણાએ પૂછ્યું, "મુના બાપુએ કોઈ ધમકી તો નથી આપીને?"
"અરે ના ના, એવું કંઈ નથી." જગજીતસિંહે નરમ અવાજે કહ્યું.
"તો પછી શું થયું છે?" અપર્ણાએ માસૂમ ચહેરો બનાવીને પૂછ્યું.
"કંઈ નથી થયું. તું ચાલ હું તને તારી ઘરે મૂકી જાવ." અચાનક જ શિવે અપર્ણાનો હાથ પકડીને કહ્યું.
"મારે નથી જવું ક્યાંય." અપર્ણાએ પોતાનો હાથ છોડાવીને જગજીતસિંહનો હાથ પકડી લીધો.
"તો શું મારાં માથાં પર ચડીને ડાંસ કરવો છે?" શિવે ચિડાઈને કહ્યું, "તારી પાસે મને હેરાન કરવા સિવાય બીજું કોઈ કામ નથી?"
"મારી પાસે બહું બધાં કામ છે. ઓલરેડી હું આજનો આખો દિવસ શૂટિંગ માટે નથી જઈ શકી." અપર્ણાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું, "તું મને ખાલી મુના બાપુનાં બંગલે શું થયું? એટલું જણાવી દે એટલે હું જતી રહીશ."
"તો સાંભળ!" શિવે થોડાં ઉંચા અવાજે કહ્યું, "મુના બાપુની છોકરી તારાં ભાઈને પસંદ કરે છે. કદાચ તારો ભાઈ પણ એને પસંદ કરે છે. મારી પાસે મુના બાપુને ઈમોશનલ બ્લેકમેઇલ કરીને બચવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. એટલે મેં એક કહાની ઘડી કાઢી. જે મેં આ વિડિયો જોયાં પછી ઘડી હતી." શિવે ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢીને, એક વિડિયો પ્લે કરીને, મોબાઈલ અપર્ણાને આપ્યો.
"આ તો અનોખી છે. પણ, આના પપ્પા તો હસમુખ અંકલ છે. મુના બાપુ આના પપ્પા કેવી રીતે હોઈ શકે?" વિડિયો જોયાં પછી અપર્ણાએ કહ્યું.
"એ હસમુખ અંકલ અનોખીનાં પપ્પા નહીં, મામા છે." કહીને શિવે મુના બાપુનાં ભૂતકાળ વિશે અપર્ણાને જણાવ્યું. બધું સાંભળ્યાં પછી અપર્ણા કંઈ બોલી જ નાં શકી. એનો ખુદનો ભાઈ રોજ અનોખીને મળતો, અને એ અનોખી મુના બાપુની છોકરી હશે. એની કલ્પના તો એણે ક્યારેય કરી પણ ન હતી. માત્ર અપર્ણા અને નિખિલ જ નહીં. એમનો પરિવાર પણ આ વાતથી અજાણ હતો. અનોખીને બધાં હસમુખભાઈની છોકરી તરીકે જ ઓળખતાં હતાં. જ્યારે હકીકતે એ અનોખીના મામા હતાં.
અપર્ણાનાં મનમાં હાલ એક જ સવાલ ચાલી રહ્યો હતો. એ એણે તરત જ શિવને પૂછ્યો, "અનોખી મુના બાપુની છોકરી છે. તો એણે અમને ખોટું શાં માટે કહ્યું, કે એનાં પપ્પા હસમુખ અંકલ છે?"
"અનોખીનાં મમ્મીનાં મૃત્યુ પછી એ અમદાવાદ જતી રહી હતી. એની એવી ઈચ્છા હતી, કે અમદાવાદમાં એને કોઈ મુના બાપુની છોકરીનાં નામે નાં ઓળખવું જોઈએ." શિવે કહ્યું, "અનોખીને મુંબઈમાં પણ બહું ઓછાં લોકો ઓળખતાં. આન્ટીએ એને મુના બાપુનાં કામનાં કારણે લોકોની નજરથી દૂર જ રાખી હતી. એ સ્કુલથી ઘર અને ઘરથી સ્કુલ સિવાય ક્યાંય નાં જતી. બસ એ કારણના લીધે અનોખીને અમદાવાદમાં નવી ઓળખ બનાવવામાં સફળતા મળી. ધીરે-ધીરે ઉંમરની સાથે એનો દેખાવ પણ બદલતો ગયો. હસમુખ અંકલે બધાંને એવું જણાવ્યું, કે એમને કોઈ સંતાન નાં હોવાથી એમણે અનોખીને ગોદ લીધી છે. એટલે લોકોએ સવાલો પણ નાં કર્યા."
"મતલબ હવે મારાં ભાઈનો જીવ વધું જોખમમાં છે." અપર્ણાએ કંઈક વિચારીને કહ્યું.
"મતલબ?" અપર્ણાની વાત શિવ સમજી નાં શક્યો.
"તે મુના બાપુને એમ કહ્યું, કે અનોખી નિખિલને પસંદ કરે છે. આ તે એક તુક્કો લગાવ્યો છે." અપર્ણાએ વિચારતાં વિચારતાં કહ્યું, "જો આ તુક્કો સાચો સાબિત થયો. તો બાપુ નિખિલને અનોખીથી દૂર કરવાની કોશિશ કરશે. જેનાં માટે એ કંઈ પણ કરી છૂટશે. નિખિલનો જીવ પણ...." કહેતાં કહેતાં અપર્ણા થોડીવાર અટકી ગઈ. એ આગળ નાં બોલી શકી. થોડીવાર અટક્યાં પછી એણે ઉમેર્યું, "મુના બાપુ ક્યારેય નહીં ઈચ્છે, કે મુંબઈ માફિયાની દિકરી કોઈ કમિશનરનાં ઘરની વહું બને. કારણ કે, ગુંડા અને કમિશનર એકબીજાનાં દુશ્મન હોય છે. એક પકડવા કરે, તો બીજો ભાગવા! એવામાં એ બંને એકબીજા સાથે સંબંધ તો જોડી જ નાં શકે."
અપર્ણાની વાત તો સાચી હતી. એની વાત સાંભળ્યાં પછી જગજીતસિંહ, શિવ અને રાધાબાએ વારાફરતી એકબીજા સામે જોયું. જગજીતસિંહ અને રાધાબાનો ચહેરો થોડો ગંભીર હતો. જ્યારે શિવ એકદમ સ્વસ્થ હતો. એણે અપર્ણા તરફ જોઈને કહ્યું, "મારી પાસે આ માટે પણ એક પ્લાન છે." કહીને એણે અપર્ણા અને જગજીતસિંહને આખો પ્લાન સમજાવ્યો. શિવનો પ્લાન સાંભળતી વખતે જગજીતસિંહની છાતી ગજગજ ફૂલી રહી હતી. એમનો દીકરો એમનું વર્ષો જૂનું સપનું પૂરું કરવાં માટે એક કદમ આગળ વધી ચૂક્યો હતો. એ જાણીને જગજીતસિંહની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"