Aa Janamni pele paar - 47 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૪૭

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૭

દિયાનની સાથે 'હા...હા...હા...' કહીને હેવાલી પણ હસવા લાગી.

હવે બધાંને જ હ્રદયમાં ફાળ પડી કે અત્યાર સુધી તેઓ જેને દિયાન- હેવાલી સમજીને વાતચીત કરી રહ્યા હતા એ મેવાન-શિનામીના ભૂત જ છે. એનાથી દિયાન અને હેવાલી કેવી રીતે છૂટકારો મેળવશે? એવી ચિંતા થવા લાગી.

અચાનક જેકેશ અને રતીના પણ 'હા...હા...હા...' કરતાં હસવા લાગ્યા. દિનકરભાઇ અને સુલુબેન આભા થઇને ચારેયને જોઇ રહ્યા હતા.

સુલુબેન તો રડવા જેવા થઇ ગયા હતા. આખરે દિયાન બોલ્યો:'માફ કરજો મમ્મી-પપ્પા, અમે મજાક કરતા હતા...'

'તો પછી આ જેકેશ અને રતીનાને અચાનક શું થયું છે તો એ પણ હસી રહ્યા છે?' સુલુબેનના અવાજમાં હજુ ડર હતો.

'અમને પણ માફ કરજો. દિયાન અને હેવાલી ખોટું હસી રહ્યા છે એનો ખ્યાલ આવતાં અમે પણ હસવા લાગ્યા હતા!' જેકેશે હસવાનું ખાળતાં ખુલાસો કર્યો.

દિનકરભાઇ કહે:'અમે છેલ્લા ઘણા દિવસોથી ચિંતામાં હતા. આ તો જેકેશ અને રતીના પાસેથી થોડી વિગત જાણી ત્યારથી એ બાબતે રાહત હતી કે તમે બંને એ ભૂત બેલડીથી જરૂર બચી જશો. અમે સતત એ માટે પ્રાર્થના કરતા હતા...'

'હા બેટા, અમે બહુ ઉચાટમાં જીવતા હતા. છેલ્લે તને સહજ રીતે અલગ થવાની પરવાનગી આપી દીધી હતી પણ અમારું દિલ માનતું ન હતું. તમે અમારા દુ:ખથી વધારે દુ:ખી ના થાવ એટલે અમે અલગ થવા સંમતિ આપી હતી. અમને ખબર હતી કે તમે અમારા દિલને ઠેસ પહોંચાડી છે એનો રંજ થતો રહેતો હશે. તમે પણ મજબૂર હતા. હું અત્યારે તમારી સ્થિતિ વિશે વિચારું છું ત્યારે આંખ સામે જાણે અંધારું છવાઇ જાય છે. ભૂત જોડે જીવન જીવવાનું કેવું કહેવાય? કોઇ નહીં ને એમને તમે જ બે મળી ગયા?'

'મા, ખરેખર અમે ગયા જન્મમાં એમના જીવનસાથી હતા. અમને એમના પૂર્વજન્મ વિશે બધી જ માહિતી મળી હતી અને એ સત્ય હતી. જેકેશ અને રતીના ઘણુંખરું જાણે છે. પણ અમે અલગ થવા માટે પ્રકૃતિ બંગલા પર ગયા અને ત્યાં શું થયું એ કોઇ જાણતું નથી...' કહી દિયાને આ ઘર છોડ્યા પછી પોતે કેવી રીતે શિનામી સાથે રહ્યો અને હેવાલી કેવી રીતે મેવાનની સાથી બનીને રહી એની બધી જ વાત જણાવી દીધી. બંને ભૂતની પરીક્ષાઓ વિશે સાંભળીને બધાંની આંખો પહોળી થઇ ગઇ.

એમની વાત ચાલતી હતી ત્યારે જ હેવાલીના માતા-પિતા આવી પહોંચ્યા. હેવાલીએ પોતે દિયાનને ત્યાં હેમખેમ હોવાની જાણ કરીને બંનેને બોલાવી લીધા હતા. એમણે પણ આખી વાત જાણી ત્યારે હેરત પામ્યા.

ચંદનબેન બોલ્યા:'હેવાલીનો ફોન ના આવ્યો હોત તો અમે એવું જ સમજતા હોત કે એ એના રૂમમાં છે. આ ભૂત યુગલે તો ભારે કરી! અને તમને બંનેને દાદ આપવી જોઇએ કે એ ભૂતથી તમે પીછો છોડાવી શક્યા. એ વિશે તમારે બધું જ કહેવું પડશે. ભૂત છોડી દેશે એવો આત્મવિશ્વાસ તમે કેવી રીતે મેળવ્યો હતો?'

'હા, અમે બધું જ કહીશું. હજુ ઘણી એવી વાતો છે જે જાણીને તમે વધારે નવાઇ પામશો. પણ એ માટે તમારે આવતીકાલે સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી રાહ જોવી પડશે....' હેવાલીએ રહસ્ય ઊભું કરતાં કહ્યું.

સુલુબેન કહે:'હવે અમને વધારે રાહ ના જોવડાવશો. આમ પણ તમે કહ્યું છે કે મેવાન અને શિનામીના ભૂત કાયમ માટે અહીંથી જ નહીં માનવ વસ્તીથી દૂર જતા રહ્યા છે તો એમના પાછા આવવાનો કોઇ પ્રશ્ન જ નથી ને?'

'મા, અમે જે વાત કહેવાના છે એ સવારે અહીંયા નહીં કોઇ મંદિરના પરિસરમાં જઇને જણાવીશું...' દિયાને પોતાની આગળની યોજના જાહેર કરી.

'મંદિર જવાની જરૂર છે?' દિનકરભાઇએ નવાઇથી પૂછ્યું.

'હા પપ્પા, મંદિરમાં કોઇ ભૂત-પ્રેત પ્રવેશી શકતા નથી. એ વિસ્તાર પવિત્ર ગણાય છે. ત્યાં ભૂત-પ્રેત આવી શકતા નથી કે એમની કોઇ શક્તિ ચાલતી નથી. અમે જે રહસ્ય ખોલવા માગીએ છીએ એ માટે મંદિર શ્રેષ્ઠ જગ્યા છે.' દિયાને કારણ આપ્યું.

'ઠીક છે. તમારે સાવધાની રાખવી પડે. તમે કહો છો એમ જ કરીશું. અમારા માટે ખુશીની વાત એ છે કે તમે એ ભૂતની પકડમાંથી મુક્ત થઇ ગયા અને પાછા એક થઇ ગયા.' સુલુબેનની આંખમાં ખુશીના આંસુ ચમકી રહ્યા.

બધાં આવતીકાલે સવારે નજીકમાં આવેલ માતાજીના મંદિરમાં ભેગા થવાનું નક્કી કરી છૂટા પડ્યા.

દિયાન અને હેવાલી સિવાયના બધાંને એવા વિચાર કરીને ઊંઘ ના આવી કે બંને કયું મોટું રહસ્ય ખોલશે. જ્યારે દિયાન અને હેવાલી ઘણા દિવસ પછી એકબીજાને મળ્યા હોવાથી એકબીજામાં એવા ઓતપ્રોત થયા કે ઊંઘવાનો સમય જ ન મળ્યો!

ક્રમશ: