EXPRESSION - 4 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 4

અભિવ્યક્તિ.. - 4

ઘણાયે તર્ક છે તને કન્વિન્સ કરવા અને મારી વાત મનાવવા..
એમાંના થોડા ઘણા અત્યારે સાંભળ,..

જો હું રાધા હોત,..

તો હું ચોક્કસ બધું જ છોડીને તારી સાથે નીકળી જાત. તારી દરેક ઈચ્છાઓ ને માન આપતી હોવા છતાં તને એકલા મોકલવાની વાતનો સ્વીકાર હું ક્યારેય ન કરત.

નાની એવી ગણતરી તો મેં સૌથી પહેલા જ કરી લીધી હોત. કે - સુભદ્રા હોય કે રુક્મિણી હોય - જિંદગી પોતાના પ્રિય પાત્ર સાથે જ જીવાય. એનો પૂરાવો જો તું એમને આપી ચુક્યો હોય તો મારા તારી પાછળ, તારા પગલે ચાલી આવવાના નિર્ણયને તું નકારી જ નહોતો શકવાનો.

આખા સંસારમાં ભાગ્યે જ કોઈ હશે જેણે તને ઓળખ્યો નહિ હોય. સમગ્ર વિશ્વ ને પાછળ મૂકતાં માત્ર કૃષ્ણમય થઇ જવાનું જ મારુ ધ્યેય હોત.

પોતાની માં નો દરજ્જો કોઈ પારકી ઔરતને આપીને તું એક સ્ત્રી ને આસમાન ઉપર બેસાડી શકે એ વાતનું ગૌરવ હું માથું ઊંચકીને કરતી હોત.

ચોરીનું માખણ ખાધા પછી અને આખા ગામની ફરિયાદોનો ભોગ બન્યા પછી પણ જો તું દરેક નો આટલો પ્રિય હતો, અને આવું તારા જેવું પ્રિય વ્યક્તિ જો મારી પાછળ આટલું પાગલ હોય તો એ પ્રેમ ને એકલો પડવા દઉં એવું હું ક્યારેય ના બનવા દેત.

જાત અને ઉંમર, ઘર અને પરિવાર કશું જ જોયા વિના જો હું તને પ્રેમ કરી શકું, તો એ બધું જ તારી માટે ત્યાગ કરી દેતા મને એક ક્ષણ પણ ના લાગત.

સાંદિપની ઋષિને ત્યાં તારી સાથે રહેવાનું કોઈ ને કોઈ બહાનું શોધી નાંખત.
વરસતા વરસાદમાં લાકડા લેવા જયારે જંગલમાં ગયો હતો ત્યારે પણ સુદામા ની સાથે તને મેં એકલો ના જ જવા દીધો હોત. સુખ, દુઃખ, ખુશી અને તકલીફ તારી જ માટે સહુ છું એ અહેસાસ મને ક્યારેય દુઃખી થવા જ ના દેત.

પુત્ર ને પરત પામીને ઋષિ અને ઋષિપત્ની નો તારા પ્રત્યેનો અહોભાવ અને એમનો સંતોષી ચહેરો જોઈને તને મળતી ખુશીથી હું દુનિયાના તમામ દર્દ સહન કરવાની શક્તિ પામી જાઉં.

નાગણોની વિનંતીથી કાળી નાગ ને છોડીને અને યમુનાને વિષયુક્ત કરીને તું મારી નજરમાં કેટલાય ઘણું સન્માન વધારી ચૂક્યો હતો, જેણે મને પ્રેરણા આપી હોત, કે તને પ્રેમ કરવાની સાથે સાથે આવું જ તારી જેવું જ કશૂંક કરી શકું.

મીરાંના ઝેરના પ્યાલાને પી જવા છતાં એને જીવંત રાખીને જો તું એની આસ્થા વધારી શકતો હોય તો મને તો તું દિલના ઊંડાણ થી પ્રેમ કરતો હતો, તારી સાથે રહેવાનો હક તો હું પરવાનગી વગર પામી ગઈ હોત. તારી આસપાસ રહેતા તો મને તું ખુદ પણ રોકી ના શકત.

નરસિંહ મહેતાની દીકરી ના દહેજ માટે હોય માટે કે પછી દ્રૌપદીના ચીર પૂરવા માટે હોય કે પછી ગાંધારી નો શાપ સ્વીકારવાનો હોય - સ્ત્રીઓ પ્રત્યેનું તારું રિસ્પેક્ટ જોઈને હું તો શું કોઈ પણ સ્ત્રીના દિલમાં પ્રેમ અને સન્માન સાથે પોતાના પ્રેમી માટે ગર્વ નો અનૂભવ થઇ આવે.

રુક્મણી ને જોયા વિના જ એક પત્ર માં પોતાના પ્રત્યેનો રુક્મિણીનો વિશ્વાસ જોઈને માત્ર મારો જ પ્રેમી એને પોતાની જિંદગીમાં સ્થાન આપી શકે એ વાત નો ગૌરવ હું ખુલ્લે આમ કરતી હોત.

સત્યભામા ની સુંદરતા ની ઈર્ષ્યા ના બદલે તારી પ્રત્યેનો એનો મોહ મને વધારે સ્નેહ કરવા મજબૂર કરતો હોત..

કેદ માંથી છૂટીને સમાજમાં સ્થાન નહિ મળે તથા પોતાના સ્ત્રીત્વ પર સવાલ થશે એ ડરથી આપઘાત કરવા તૈયાર થયેલી 16000 સ્ત્રીઓને પોતાની પત્નિઓ તરીકે સ્વીકારવા છતાં આજીવન બ્રહ્મચારી થઈને જીવતો મારો પ્રેમી મારી નજરમાં સર્વ શ્રેષ્ઠ છે એ વાતનો હું દિવસ રાત ગર્વ કરતી હોત.

આટલી બધી સ્ત્રી ઓ ને છોડો - કુબજા ની વાત કરીએ
કુબજા જેવી સ્ત્રી જે એક ગણિકા હતી .. જેને ત્યાં જવાનું સભ્ય લોકો ટાળે ...
તું એના આમંત્રણ ને સ્વીકારે અને એ પણ એ કુબજા ની શરત મુજબ
"મુખ્ય દ્વારે થી આવજો અને હું જેના માટે આમંત્રણ આપું એના માટે આવજો" ... એક ગણિકા શેનું આમંત્રણ આપે ? તોય તું કહે કે - "હું આવીશ"

મિત્ર થઇ ને ઉદ્ધવ સમજાવે કે - "ના જવાય આને ત્યાં - અરે એના મન નો મેલ નથી દેખાતો ? તું જરાક તો અંદાજો લગાવ કે એ શું માંગવાની છે ?"
તોયે કોઈનો ભરોસો ના તોડી શકે એવો મારો પ્રેમી તું ઉદ્ધવ ને જવાબ આપે, - "હું જઈશ અને સમાજ જોતો હશે તેમ જઈશ - મુખ્ય દ્વારે થી જઈશ - અને એ જે માંગશે એ આપીશ - એટલું બધું આપીશ કે એને ફરી ક્યારેય કોઈની પાસે કઈ જ ના માંગવું પડે ... "

ઉદ્ધવ સહીત દરેક ને લાગે કે તું છકી ગયો છું પરંતુ હું તને જોતી હોત, અને એક સ્ત્રી ને તેં આપેલું રિસ્પેક્ટ જોતી હોત.. હું એ જોતી હોત કે - દરેક સ્ત્રી ની જરૂરત વખતે તું હાજર હોય છે,.. ચાહે જેની જેવી જરૂરિયાત હોય ...

હે કૃષ્ણ,
આખી દુનિયા તારી સમક્ષ પોતાના દિલને ઠારવા આવતી હોય અને તું તારું દિલ ઠારવા મને શોધતો હોય તો હું તને જીવનમાં એકલો કેમની મૂકી શકું ?

મને તારા આત્મા માં શ્વાસ ની જેમ વસાવી દીધા પછી તારા જ શ્વાસને તારાથી જ દૂર કરીને એક યંત્રવત જીવન જીવવાની મંજૂરી હું તને કેમની આપી શકું ?

તું ઈશ્વર નો અવતાર હતો એ સાચું પણ પ્રેમ તો તને પણ થઇ ગયો - મારી સાથે.. ઇન્સાન ઈશ્વર જેટલો મજબૂત તો હોતો નથી. એટલે મને તારી સાથે પ્રેમ થાય અને તારી ફિકર થાય એ એટલું જ સ્વાભાવિક હોય. મારા પ્રેમીની ફિકર કરવાનો હક મારાથી છીનવીને મને તારા વિના જીવવા મજબુર તું ખુદ પણ ના જ કરી શકે.

એથીયે મહત્વની વાત, કે - તારા ધરતી ઉપર આવવાના ધ્યેયને સફળ કરવાનું કામ ઑલરેડી તારા શિરે હતું જ,.. તારી છાયા બનીને, તારો થોડો સહારો બનવાનો લાભ જો હું ના લઇ શકું તો તને લાયક છું એવું કહેવાનો મને કોઈ હક ના બને..

તારી પાસેથી માત્ર એક જ વાત મેં માંગી છે કે - તને મારા પ્રેમ ની જરૂર હોય કે ના હોય, હું તને પ્રેમ કરી શકું. બદલામાં તારા પ્રેમની આશયે રાખ્યા વગર.. કેમ કે હું જાણું છું જન્મતા ની સાથે જ માતૃત્વ થી શરૂ કરીને દરેક પ્રકારના પ્રેમ ની મારા કરતા વધારે તને જરૂર છે.. તારી કૅપેસિટી ભલે મારા કરતા વધારે અને જોરદાર હોય પણ તારા ટક્કરની પ્રેમિકા બનીને આટલો મક્કમ ઈરાદો તો હું પણ રાખી જ શકું - તારા માટે. પામવા કરતા આપવામાં વધારે સંતોષ મળે છે એ તું ક્યાં નથી જાણતો ?

એક જ ઉદ્દેશ થી હું તને ક્યાંય પણ એકલા જવાની પરવાનગી ના જ આપી શકું. કે - દુનિયા તને એક નોર્મલ રીતે મારાથી દૂર જતા જોઈ રહી છે પરંતુ મને એ શીશા ની જેમ સાફ દેખાય છે કે તું તારી જાત થી જ અલગ થઇ રહ્યો છું. તારો એક હિસ્સો જમીન ઉપર ફસડાઇને ઢગલો થઇ ને મારી નજર સામે પડ્યો છે. હું જોઈ જ નહિ અનુભવી શકું છું કે મારો વિયોગ મારા કરતા વધારે અઘરો તારી માટે છે. તારું રોમ રોમ ટુકડાઓ માં વીખરાતું હોય અને હું કશું જ ના કરી શકું એ મારા માટે પણ એટલું જ અસહ્ય હોય. એ વાત તારાથી વધારે કોણ જાણે છે ?

તારાથી દૂર થઈને હું તને હર ગલીમાં, હર ઉપવનમાં, નદીમાં, પહાડોમાં, તને મહેસૂસ કરી શકીશ. અરે હવામાંયે હું તને જોઈ શકીશ પરંતુ તું,.. ? તું તો એ પણ નહિ કરી શકે,.. માફ કરજે, તારી કાબેલિયત ઉપર શંકા નથી કરતી, પણ તારી પાસે તો મને યાદ કરવા સુધ્ધાં નો સમય નથી હોવાનો.. તેં ઈશ્વર નો અવતાર માનવ થઇ ને લીધો હતો, અને એટલે જો માનવ ની જેમ પ્રેમ માટે થોડો સ્વાર્થી બનવાથી કોઈ પાપ નડતું હોય તો એ હું મારે શિરે લેવા તૈયાર હોત.

હું માત્ર તારું ધર્મ યુદ્ધ સરળ બનાવવા માંગુ છું. એ જાણતી હોવા છતાં કે - રાજનીતિ ના દાવપેચ માં હું કુશળ નથી કે નથી હું શાસ્ત્રો માં નિપુણ. હું એ પણ સ્વીકારું છું કે હું અસ્ત્ર-શસ્ત્ર પણ નથી ચલાવી શકું એમ. આમ જુઓ તો તારા યુદ્ધમાં હું કોઈ જ કામની નથી.... પરંતુ હું એ પણ જોઈ શકું છું કે - જો આપણે આજે અલગ થઇ જઈશું તો જીવનમાં મૃત્યુ સુધી ફરીથી મળી નહિ શકીએ. આખા સંસાર ને સુખી કરનાર પોતે દુઃખી થઇ ને જીવવા નું સ્વીકારે એ વાતને હું ના સ્વીકારી શકું.

એક વાત નો જવાબ તું તો શું આ સંસાર પણ મને નહિ આપી શકે કે - યુગ માં બદલાવ લાવી ધર્મ સ્થાપવાના મહત્વપૂર્ણ ધ્યેય માં ઈશ્વર હોવા છતાં ઇન્સાન ના ખોળિયામાં હોવાથી થાક તો તને પણ લાગવાનો જ છે બસ મારા તારી સામે હોવાના સહારાથી તારો થોડો ઘણો થાક ઉતારી શકું એ કોશિશ થી તું મને કેમ વંચિત રાખે ?

- યુદ્ધ હોય કે રાજસભા - થાકીને તું જયારે પાછો ફરે તો એક સ્માઈલથી તારું સ્વાગત કરી શકું એટલો હક માંગુ છું
- સંસાર માટે જે કઈ પણ કરવાનું છે એ તો જ તું કરે પણ તારા માટે બધું જ હું કરું એટલો અધિકાર માગું છું
- ના નામ, ના સહારો, ના સબંધ, ના અનુરાગ, હું તારી પાસેથી કશું જ માંગતી નથી. પણ હા, તને હું થોડો સ્નેહ આપી શકું એવો એક પડાવ માંગુ છું.
- તું સંસારની સમજણ બહાર નું પાત્ર છે પણ મારી માટે તું સર્વસ્વ છે. જેનાથી જીવન ટકતું હોય એવો મારો શ્વાસ છે તું. અને એટલે જ તારા સાનિધ્ય નો સહેવાસ માંગુ છું
- જે રાહ ઉપર તું જાય એમાં ફૂલો ના પાથરી શકુ તો કાંઈ નહિ, પણ તારી રાહના કાંટા તારા પગલાં પડે એ પહેલા વીણી લેવાનું સૌભાગ્ય માંગુ છું

શું હું રાધા થઈને કશું જ મારી માટે માંગુ છું ?
શું હું રાધા થઈને કશું જ ગલત માંગુ છું ?
શું હું રાધા થઈને રાધાથી વધારે કઈ માંગુ છું તારી પાસેથી ?

હે ક્રિષ્ણા,
તું મને થોડી સ્વાર્થી સમજવી હોય તો સમજ, પણ આ બધું હું માત્ર એટલા માટે જ માંગુ છું.. કેમ કે અભણ અને ગમાર થઈને પણ હું ભવિષ્ય ને જોઈ શકું છું કે જો હું તારાથી દૂર રહીને જીવીશ તો સંસારમાં તારા મારી પ્રત્યેના પ્રેમ કરતા મારો તારી માટે કરેલો ઇન્તજાર ઊંચું સ્થાન ધરાવતો હશે. અને સંસાર તારી પહેલા મારુ નામ લે એવું મારે જોવું નથી... મારી જાન, હું તારી પાસેથી મારા પ્રેમીનું માન માંગુ છું..

હે શ્યામ - તું તો એક વિદ્વાન છું. બસ મને એટલું સમજાવ કે -
તને મારો કરવો જરૂરી છે ? હું તારી થઈને જીવું એટલું કાફી નથી ??
મનમાં ઘુમરાયા કરતા આ એક જ સવાલનો જવાબ માંગુ છું ...

Rate & Review

Be the first to write a Review!