Santaap - 6 books and stories free download online pdf in Gujarati

સંતાપ - 6

૬ દિલીપનો તર્ક ......!

 ગલીના ખૂણે પહોંચતાં જ નાગપાલે રાજેન્દ્રના ઘરમાં થતી રોકકળનો અવાજ સાંભળી લીધો. એણે એક ઊંડો શ્વાસ ખેંચીને જીપને બ્રેક મારી.

 દીકરાના મોતના સમાચાર જાણે કે પાંખો ફૂટી હોય એ રીતે રાજેન્દ્રની વિધવા મા પાસે પહોંચી ગયા હતાં. કોઈક પરિચિતે જ આ સમાચાર પહોંચાડ્યા હતા. 

 ‘હવે રાજેન્દ્રના ઘેર જવાનો કોઈ અર્થ નથી !’ દિલીપ બોલ્યો. 

 ‘હા...તેમને સમાચાર તો પહોંચી જ ગયા છે !’ નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પોસ્ટમોર્ટમ થયા પછી લાશ પણ મોકલી આપવામાં આવશે !’

 એણે જીપનું ગિયર બદલીને પછી વાળી.

 થોડી પળોમાં જ તેઓ મુખ્ય સડક પર પહોંચી ગયા.

 એ જ વખતે સડક પર બેન્ડવાજા વગાડતી એક જાન પસાર થવા લાગી.

 એક તરફ ખુશી અને બીજી તરફ શોક !

 જિંદગીની આ જ હકીકત હતી !

 નાગપાલે પોતાનો હોઠ કરડ્યો. અને જાનના પસાર થઇ ગયા પછી જીપ આગળ ધપાવી. પાઈપના કસ ખેંચતો તે જયરાજ ચૌહાણ વિશે વિચારતો હતો. જયરાજે રાજેન્દ્ર પર ઉપકાર કર્યો હતો. પરંતુ એ ઉપકારનો અંજામ રાજેન્દ્રના મોત પર આવીને અટકશે એવી તો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય !

 જયરાજ આ ઉપકાર કરીને પુણ્ય કમાયો હતો કે પાપ ? આ બાબતમાં તે ચોક્કસપણે કશું ય નક્કી ન કરી શક્યો. એના ગોરા-ચિટ્ટા ચહેરા પર ગહન વિચારના હાવભાવ છવાયેલા હતા. 

 ‘અરે...? આ ભીડ શાની છે ?’

 દિલીપના અવાજથી એની વિચારધારા તૂટી.

 એણે જોયું તો બસોએક વાર દૂર લોકોની ભીડ એકઠી થયેલી હતી. એ ભીડમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાતા હતા.

 તેમની નજીક પહોંચીને નાગપાલે સડકને કિનારે જીપ ઉભી રાખી દીધી.

 જોગાનુજોગ રામસિંહ નામના જે સિપાહીએ જમશેદની અંતિમ જુબાની લીધી હતી, એ જ જીપ પાસે આવ્યો. નાગપાલને તે બહુ સારી રીતે ઓળખતો હતો.

 જીપ પાસે પહોંચીને એણે નાગપાલનું અભિવાદન કર્યું. 

 ‘જયહિંદ, નાગપાલ સાહેબ !’

 ‘જયહિંદ !’ નાગપાલે ધીમેથી માથું હલાવીને તેના અભિવાદનનો જવાબ આપ્યો અને પછી પૂછ્યું, ‘શું થયું ભાઈ રામસિંહ ?’

 ‘ખૂન થઇ ગયું છે સાહેબ !’ રામસિંહે જવાબ આપતાં કહ્યું, ‘કોઈકે ધોળે દિવસે અને એ પણ પોલીસ સ્ટેશનની સામે જ એક છોકરાને ગોળી ઝીંકી દીધી છે !’

 ‘તો તો પછી લોકોએ ખૂનીને પણ જરૂર જોયો હશે ?’ નાગપાલે ભાવહીન અવાજે પૂછ્યું.

 ‘ના, સાહેબ !’ રામસિંહે નકારમાં માથું હલાવ્યું, ‘ગોળી છૂટવાનો અવાજ જ નહોતો થયો. કોઈકે સાયલેન્સરયુક્ત રિવોલ્વરમાંથી ગોળી છોડી હોય એવું લાગે છે !’

 એનું કથન સાંભળીને નાગપાલ એકદમ ચમક્યો. એના કલ્પના-ચક્ષુ સામે જમશેદ નામના કારીગરનો ચહેરો તરવરી ઊઠ્યો. 

 એ તરત જ જીપમાંથી નીચે ઊતરીને જમશેદની લાશ પાસે પહોંચ્યો.

 જમશેદને ઓળખીને એના ચહેરા પર નિરાશા ફરી વળી.

 એ જ વખતે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર બારોટ નાગપાલ પાસે આવી પહોંચ્યો.

 ‘આપ મરનારને ઓળખો છો સર ?’ એણે નાગપાલ સાથે હાથ મિલાવતાં પૂછ્યું.

 ‘હા...એનું નામ જમશેદ છે અને તે મોટરસાઈકલનો કારીગર હતો. તે જે ગેરેજમાં નોકરી કરતો હતો, એ ગેરેજના માલિકનું પણ ગોળી ઝીંકીને ખૂન કરી નાંખવામાં આવ્યું છે. એના ખૂનમાં પણ સાયલેન્સરયુક્ત રિવોલ્વરનો ઉપયોગ થયો છે !’

 ‘આનો અર્થ એ થયો કે ખૂનના આ મામલામાં આપ પણ અમને સહકાર આપશો ખરું ને ?’ બારોટે પ્રસન્ન અવાજે પૂછ્યું.

 ‘અંકલ, આપણે જેને શોધતા હતાં, તે આ રીતે લાશના રૂપમાં મળશે એવી તો આપણને કલ્પના પણ નહોતી !’ દિલીપ બોલ્યો. 

 ‘તો ખૂનીને કોઈએ નહોતો જોયો એમ ને ?’ નાગપાલે બારોટ સામે જોતાં પૂછ્યું.

 ‘ના...પરંતુ બનાવ બન્યા પછી તરત જ પાણીની લારીવાળાએ એક કારને જરૂર પૂરપાટ વેગે નાસી જતી જોઈ હતી. કારની નંબરપ્લેટ કાદવથી ખરડાયેલી હોવાને કારણે એ તેનો નંબર નહોતો જોઈ શક્યો. તે એક લીલા કલરની મારૂતી કાર હતી !’ સબ-ઇન્સ્પેક્ટર બારોટે જવાબ આપ્યો.

 ‘એક ખાસ વાત કહેતાં તો હું સાવ ભૂલી જ ગયો સાહેબ ! મરનાર પોતાના મોત પહેલાં આ શબ્દો બબડ્યો હતો !’ વાત પૂરી કર્યા બાદ રામસિંહે ગજવામાંથી એક કાગળ કાઢીને નાગપાલના હાથમાં મૂકી દીધો.

 નાગપાલે કાગળ પર લખેલા શબ્દો વાંચ્યા.

 ગજાનને....ચૌહાણ સાહેબનો પત્ર....રાજેન્દ્રનું પણ...!

 એણે એ કાગળ દિલીપ સામે લંબાવ્યો.

 ‘તમારી શંકા સાચી પડી અંકલ !’ લખાણ વાંચીને દિલીપ ધીમેથી માથું હલાવતા બોલ્યો, ‘જમશેદ ખૂનીથી પરિચિત હતો. એણે ચૌહાણના કોઈક પત્રનો ઉલ્લેખ કરીને તેના ખૂન તરફ સંકેત કર્યો છે. કદાચ તે ખૂની વિશે પોલીસને જણાવવા માંગતો હતો. પરંતુ તે મોં ઉઘાડી શકે એ પહેલાં જ ખૂનીએ હંમેશને માટે એનું મોં બંધ કરી દીધું. પરંતુ આ ગજાનન કોણ હશે ?’

 ‘હું માનું છું ત્યાં સુધી હબસી જેવો મેકઅપ કરનાર માણસનું નામ જ ગજાનન હોવું જોઈએ !’ નાગપાલે પોતાનું અનુમાન વ્યક્ત કરતાં કહ્યું, ‘કારણ કે જમશેદે સૌથી પહેલાં એનું જ નામ ઉચ્ચાર્યું હતું. આ રીતે કોઈના હાથેથી મરનાર માણસ સૌથી પહેલાં ખૂની વિશે જ જણાવે એ તો સ્પષ્ટ જ છે.’

 ‘આપ સાચું કહો છો !’ સબ-ઇન્સ્પેક્ટર બારોટ એની વાતને સમર્થન આપતાં બોલ્યો, ‘આ સંજોગોમાં કોઈ પણ માણસ સૌથી પહેલાં પોતાના ખૂનીનું જ નામ ઉચ્ચારે !’

 એ જ વખતે પોલીસ ફોટોગ્રાફર તથા ફોરેન્સિક વિભાગના કર્મચારીઓ ત્યાં આવી પહોંચ્યા.

 ‘બારોટ !’ નાગપાલ બોલ્યો, ‘આ કેસમાં સી.આઈ.ડી.ને પણ રસ છે એ તો તમે સમજી જ ચૂક્યા છો. હું મારી રીતે આ કેસની તપાસ કરું છું.’

 ‘જરૂર...’ બારોટે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘આપ આ કેસમાં રસ લો છો એ તો મારે માટે આશ્ચર્યની જ વાત છે !’

 ‘થેંક્યું...’ કહીને નાગપાલ ફોટોગ્રાફર તરફ આગળ વધી ગયો.

 ફોટોગ્રાફરે આવતાંવેંત પોતાનું કામ શરૂ કરી દીધું હતું.

 તે જુદા જુદા એંગલથી મૃતદેહના ફોટા પાડતો હતો.

 ‘મિસ્ટર સ્વામી...!’ નાગપાલ સડકને કિનારે એક તરફ સંકેત કરતાં બોલ્યો, ‘અહીં એક કાર ઉભી હતી. આ સ્થળે ધૂળ હોવાને કારણે ટાયરની છાપ પડી ગઈ છે. તમે એ છાપના ફોટા પણ પાડી લેજો.’

 ફોટોગ્રાફરે હકારમાં માથું હલાવ્યું અને પછી કેમેરો લઈને નાગપાલે સંકેત કરેલા સ્થળ તરફ આગળ વધી ગયો.

 આ સિવાય ધ્યાન ખેંચે એવું ત્યાં કશુંય નહોતું.

 ખૂની કારમાંથી બહાર સુધ્ધાં નહોતો નીકળ્યો એટલે ત્યાંથી બીજા કોઈ પુરાવાઓ મળવાની બિલકુલ શક્યતા નહોતી. ખૂનીએ કારમાં બેઠા બેઠા જ આરામથી જમશેદને ગોળી ઝીંકી દીધી હતી અને પછી તે કાર લઈને નાસી છૂટ્યો હતો.

 કાર મારૂતી હતી અને તેનો રંગ લીલો હતો.

 આ કોઈ અગત્યની માહિતી નહોતી.

 આવડા મોટા શહેરમાં લીલા રંગની અનેક મારૂતી હોઈ શકે તેમ હતી.

 અલબત્ત, ગોળીના આધારે રિવોલ્વર કઇ હતી, તે જરૂર જાણવા મળી શકે તેમ હતું.

 નાગપાલ જીપ પાસે ઊભેલા સબ-ઇન્સ્પેક્ટર બારોટ પાસે પહોંચ્યો.

 ‘ઓ.કે....બાકીની કાર્યવાહી તમે પતાવો !’ એણે જીપમાં બેસતાં પહેલાં બારોટને ઉદ્દેશીને કહ્યું, ‘કમિશનર સાહેબને મળવાનું હવે ખૂબ જરૂરી બની ગયું છે !’

 બારોટે ધીમેથી હકારમાં માથું હલાવીને તેની સાથે હાથ મિલાવ્યા.

 આ વખતે જીપની ડ્રાઈવિંગ સીટ પર દિલીપ બેઠો હતો. 

 ‘કમિશનર સાહેબ પાસે જવું છે ?’ એણે પૂછ્યું.

 ‘હા...’ નાગપાલે જવાબ આપ્યો.

 દિલીપે જીપ સ્ટાર્ટ કરીને પોલીસ હેડક્વાર્ટર તરફ દોડાવી મૂકી.

 નાગપાલ ચૂપચાપ પાઈપના કસ ખેંચતો હતો.

 થોડી વાર પછી દિલીપે હેડક્વાર્ટરના કંપાઉન્ડમાં પહોંચીને જીપ ઉભી રાખી.

 પાંચ મિનિટ પછી તેઓ કમિશનરસાહેબની સામે બેઠા હતાં.

 કમિશનર ભાટીયાએ પ્રશ્નાર્થ નજરે નાગપાલ સામે જોયું.

 ‘સર....!’ એની નજરનો અર્થ પારખીને નાગપાલ મક્કમ અવાજે બોલ્યો, ‘જયરાજ ચૌહાણ ખરેખર નિર્દોષ હતો, એવું મારું અનુમાન સાચું પડતું જાય છે !’

 ‘એટલે ...?’ ભાટીયાએ ચમકીને પૂછ્યું, ‘શું આ વાતનો કોઈ પુરાવો મળ્યો છે ?’

 ‘હા..આજે બે ખૂનો થયાં છે ! આ બંને ખૂન એ વાત તરફ સંકેત કરે છે કે કોઈક શખ્સ જયરાજ ચૌહાણને મારી નાંખવા માટે અધીરો બની ગયો છે !’ નાગપાલે ગંભીર અવાજે કહ્યું, ‘પહેલું ખૂન રાજેન્દ્ર નામના એક ગેરેજ માલિકનું થયું છે. તે જયરાજનો વફાદાર અને ભરોસાપાત્ર મિત્ર હતો.’

 ‘અને બીજું ખૂન ....?’

 ‘બીજું ખૂન રાજેન્દ્રના ગેરેજમાં જ કામ કરતાં જમશેદ નામના એક કારીગરનું થયું છે. આ બનાવ બન્યો તે બંને જગ્યાએ ગોળી છૂટવાના અવાજો નથી સંભળાયા એટલે બંનેનાં ખૂન સાયલેન્સરયુક્ત રિવોલ્વર વડે કરવામાં આવ્યાં હશે તેમ માની શકાય !’

 ‘પરંતુ એનાથી જયરાજ ચૌહાણ નિર્દોષ છે, એવું ક્યાં પુરવાર થાય છે ?’ ભાટીયાએ નર્યા અચરજથી નાગપાલના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.

 ‘સર, તપાસ દરમિયાન અમુક ચમકાવી મૂકનારા મુદ્દાઓ બહાર આવ્યા છે. કાલે સાંજની ટપાલમાં રાજેન્દ્ર પર જયરાજનો કોઈ પત્ર આવ્યો હતો. આ પત્રની ત્યાં નોકરી કરતા જમશેદ નામના કારીગરને ખબર પડી ગઈ. એણે એ પત્ર વિશે ચપટું નાક તથા હબસી જેવા દેખાતા એક માણસને જણાવી દીધું. એ હબસી કાયમ ગેરેજની સામે આવેલી ચાની લારી પાસે બેસી રહેતો હતો. એણે જયરાજ વિશે માહિતી પૂરી પાડવા માટે જમશેદને લાલચ આપી હશે તે સ્પષ્ટ થઇ જાય છે. ખેર, જમશેદ પાસેથી માહિતી મળ્યા પછી ખૂનીએ જયરાજનો એ પત્ર કબજે કરવા માટે જ રાજેન્દ્રને મારી નાંખ્યો. જમશેદને જયારે આ ખૂનના સમાચાર મળ્યા ત્યારે એણે પોલીસને મળવાનું નક્કી કર્યું. પરંતુ ખૂની ખૂબ જ ચાલાક હતો. જમશેદ આવું કોઈક પગલું જરૂર ભરશે એ વાતની જાણે કે તેને પૂરી ખાતરી હતી. એણે પોલીસ સ્ટેશનની સામે જ જમશેદનું ખૂન કરી નાખ્યું અને આરામથી નાસી છૂટ્યો.’

 ‘બરાબર છે ...પરંતુ આનાથી રાજેન્દ્ર પર કોઈ પત્ર આવ્યો હતો અને તે જયરાજનો જ હતો એવું ક્યાં પુરવાર થાય છે ? તારા કહેવા મુજબ એ પત્ર તો ખૂની પોતાની સાથે લઇ ગયો છે !’

 ‘ચાની લારી પર કામ કરતા એક છોકરાના કહેવા મુજબ એણે જમશેદને એવું કહેતાં સાંભળ્યો હતો કે -----“ચૌહાણનો પત્ર આવ્યો છે ...!” આ વાત જમશેદે પેલા હબસીને જણાવી હતી.’

 ‘ઓહ.!’ ભાટીયાએ રોમાંચભર્યા અવાજે કહ્યું, ‘તો તો જરૂર રાજેન્દ્ર અને જમશેદના ખૂનને જયરાજના કેસ સાથે સાંકળી શકાય તેમ છે !’

 ‘સર...!’ દિલીપ તેમની વાતચીતમાં ભાગ લેતાં બોલ્યો, ‘જયરાજનો જીવ જોખમમાં છે !’

 ‘આવું તું કયા આધારે કહે છે ?’ ભાટીયાએ ચમકીને દિલીપ સામે જોતાં પૂછ્યું.

 ‘સર, એ પત્ર જયરાજનો જ હતો, એ વાત પુરવાર થઇ ગઈ છે, ખરું ને ?’

 ‘હા..’

 ‘તો એમાં જયરાજે પોતાનું વર્તમાન સરનામું પણ જરૂર લખ્યું હશે. અહીં શું બની ગયું છે, એ વાતથી જયરાજ બિલકુલ અજાણ હશે. હવે જો ખૂની જયરાજ સુધી પહોંચી જશે તો તેનું પરિણામ ભયંકર આવશે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે !’

 ‘પરંતુ પત્રમાં જયરાજે પોતાનું સરનામું લખ્યું જ હોય એ કંઈ જરૂરી નથી...!’

 ‘બિલકુલ જરૂરી નથી. પરંતુ મારી આવી માન્યતા પાછળ બે કારણો છે...!’

 ‘બોલ...’

 ‘જયરાજ જયારે વિશાળગઢમાંથી નાસી છૂટ્યો ત્યારે તેની પાસે ગજવામાં જે કંઈ રકમ કે અન્ય કીમતી વસ્તુ હતી, એ જ એની મૂડી હતી. એમાંથી તે વધુ દિવસો સુધી પેટનો ખાડો પૂરી શકે તેમ નહોતો. તેને પૈસાની જરૂર પડે જ એ તો સ્વાભાવિક જ છે. એણે રાજેન્દ્ર પાસે પૈસા મંગાવ્યા હોય તે બનવાજોગ છે. અને આ રૂપિયા તેને કોઈક સરનામે જ મળી શકે તેમ હતાં એટલે પત્રમાં એણે પોતાનું સરનામું પણ જરૂર લખ્યું હશે એ વાત સ્પષ્ટ થઇ જાય છે.’

 ‘અને બીજું કારણ?

 ‘બીજું કારણ, જયરાજ વિશાળગઢ પોલીસની તપાસનો રીપોર્ટ રાજેન્દ્ર પાસેથી મેળવવા માંગતો હોય એ બનવાજોગ છે . આ સંજોગોમાં રાજેન્દ્ર તેનો સંપર્ક સાધી શકે એટલા માટે પણ એણે પોતાનું સરનામું લખવું જરૂરી હતું!’

 દિલીપના તર્કમાં વજન હતું.

 ભાટિયા અને નાગપાલ પણ એની વાતથી પ્રભાવિત થયાં હતાં.

 ‘તું સાચું કહે છે દિલીપ ...!’ ભાટીયાએ કહ્યું, ‘હવે જયરાજને સાવચેત કરવાની આપણી ફરજ છે. પરંતુ આપણને તેના  સરનામાની ખબર નથી એટલે આપણે તેને સાવચેત કરીએ પણ કેવી રીતે ...?’

 ‘જો કોર્ટે જયરાજને જીવતો કે મરેલો પકડવાનું કાળું વોરંટ ન કાઢ્યું હોત તો આપણે અખબારોમાં જાહેરાત આપીને તેને સાવચેત કરી શકીએ તેમ હતાં ...!નાગપાલના અવાજમાં રોષની છાંટ હતી, ‘પરંતુ કોર્ટે ખૂબ જ ઉતાવળિયું પગલું ભરીને તેની વિરુદ્ધ વોરંટ કાઢી નાંખ્યું!’

 ‘તું એને કાળું વોરંટ કહે છે ?’

 ‘મેં તો શરૂઆતમાં જ કહ્યું હતું કે જયરાજ નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાંય આપે કોર્ટમાંથી તેની વિરુદ્ધ વોરંટ કઢાવ્યું !’

 ‘આ કામ મારું નથી. મારા પર તો કેન્દ્રીય મંત્રીઓનું દબાણ આવ્યું હતું કે હું જયરાજ વિરુદ્ધ ફાઈનલ રીપોર્ટ તૈયાર કરીને કોર્ટને સોંપી દઉં તથા તેને જીવતો કે મરેલો પકડવાનું વોરંટ કાઢવાની અને પકડવામાં મદદરૂપ થનારને ઇનામ આપવાની ભલામણ કરું ...!’ભાટિયા ભાવહીન અવાજે બોલ્યો.

 ‘છતાંય જે કંઈ થયું છે, તે ખોટું થયું છે ..! જગદેવ મર્ચન્ટે જે રીતે પોતાની લાગવગ અને પોતાના સંબંધોનો દુરુપયોગ કર્યો છે , તે ખૂબ જ શરમજનક છે !’

 ‘બરાબર છે, પરંતુ એક વાત તો આપણે પણ યાદ રાખવી જોઈએ નાગપાલ ....!’

 ‘કઇ વાત ..?’

 ‘એ જ કે આપણે કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કર્યું. સૌથી પહેલાં આપણે જાહેરાત આપી હતી કે જો જયરાજ ચૌહાણ નિર્દોષ હોય તો એણે આત્મસમર્પણ કરી દેવું જોઈએ. પરંતુ એણે એવું ન કર્યું. ત્યાર બાદ તેના ફ્લેટને સીલ મારવામાં આવ્યું ત્યારે પણ એ હાજર ન થયો. પછી તેને જીવતો કે મરેલો પકડવાનું વોરંટ કાઢતાં પહેલાં પણ તેની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે, તે દર્શાવતી જાહેરાત આપવામાં આવી, પરંતુ ત્યારે પણ તેણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. અને હવે જયારે તેના માથા પર દસ હજારનું ઇનામ જાહેર થઇ ચુક્યું છે, ત્યારે પણ તે સામે આવવા નથી માંગતો!’

 ‘સર, ઘણી હદ સુધી કાયદાનું પાલન કરવામાં આવ્યું છે, એ હું સ્વીકારું છું. પરંતુ તેને મરેલો પકડવાની વાત ન્યાયસંગત નહોતી. જયરાજ જ ખૂની છે, એ વાત માત્ર પરિસ્થિતિજન્ય સાક્ષીઓ દ્વારા જ પુરવાર થઇ હતી!’

 ‘પરંતુ કોઈ માણસ પોતાની નિર્દોષતા પુરવાર કરવાં જ ન માંગતો હોય તો ...? ઉપરાંત કાયદો તો મૌનને પણ સ્વીકૃતિનું જ લક્ષણ માને છે !’

 ‘જયરાજ કોઈ માણસની કેદમાં હોય એવું ન બને ?’ દિલીપે શંકાભર્યા અવાજે પૂછ્યું.

 ‘શું ગધેડાને તાવ આવે એવી વાત કરે છે ...!’ ભાટિયા મોં બગાડતાં બોલ્યો, ‘જો તે કોઈની કેદમાં હોત તો તેના પત્રનું અસ્તિત્વ શા માટે સામે આવત ...?’

 ‘આપની વાત સાચી છે ...!’ નાગપાલ એની વાતને સમર્થન આપતાં બોલ્યો, ‘આમેય એ પત્રને કારણે બે ખૂનો થઇ ચૂક્યાં છે એટલે જયરાજ કોઈની કેદમાં છે, એ વાત માની શકાય તેમ નથી.’

 જગદેવ મરચંટ અલગ હોબાળો મચાવે છે ! પોલીસ ખાતાની નિષ્ક્રિયતા વિશે અખબારોમાં પણ દરરોજ કંઇક ને કંઇક છપાતું રાહે છે. જયરાજ એક પોલીસ ઇન્સ્પેક્ટર હતો એટલે પોલીસ તેની વિરુદ્ધ કોઈ નક્કર પગલાં ભરવા નથી માંગતી એવા પાયા વગરના આક્ષેપો કરવામાં આવે છે! અઠવાડિયામાં એક વખત તો કોઈક ને કોઈક મંત્રીનો ફોન તો મારા પર જરૂર આવે છે !’ ભાટીયાએ ધૂંધવાતા અવાજે કહ્યું, ‘ પોલીસ અને સી.આઈ.ડી. ને હાથીના દેખાડવાના દાંત સાથે સરખાવવામાં આવે છે 

. જયરાજને કારણે વિભાગનો એટલો ફજેતો થયો છે કે મારો આઠ વર્ષનો પૌત્ર પણ જયરાજ વિશે બધું જ જાણે છે !’

 ‘મારું એક સુચન છે સર...!’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘અજીત મરચંટ અને જયરાજની પત્ની સુમનના ખૂનો વાસ્તવમાં કોઈક ષડ્યંત્રનું પરિણામ હતું, એવું જો આપણને વધુ યોગ્ય લાગતું હોય તો જ આ સૂચન કામનું છે !’ 

 ‘તું વાત તો કર...! શું સૂચન છે તારું ?’

 ‘આપણે એક જાહેરાત આપીએ ! એ જાહેર દ્વારા આપણે અજીત મરચંટ તથા સુમનનાં ખૂનો વિશે માહિતી ધરાવનારા શખ્સને સામે લાવવાનો પ્રયાસ કરી શકીએ તેમ છીએ. આ રીતે અસલી ખૂનીના ચહેરા પરથી નકાબ નીકળી જાય એવી કોઈક માહિતી આપણને મળી જાય તે બનવાજોગ છે.’

 ‘તારું સૂચન ઉત્તમ છે. પરંતુ હવે ઈચ્છા હોવા છતાંય આપણે એનું કરી શકીએ તેમ નથી.’

 ‘કેમ ?’

 ‘કારણ કે જે શખ્સને ગુનેગાર માનીને તેની વિરુદ્ધ વોરંટ નીકળી ગયું છે, એને જ હવે આપણે નિર્દોષ ઠરાવવાનો પ્રયાસ કરીશું તો પોલીસ ખાતા પર લોકોની શંકા વધુ ગાઢ બની જશે.’

 ‘આપની વાત મુદ્દાની છે. પરંતુ જયરાજ નિર્દોષ છે એવું આપણે નહીં દર્શાવીએ ! આપણે જે જાહેરાત આપીશું, તે અજીત મરચંટ અને સુમનનાં ખૂનો વિશે જ હશે ! આ જાહેરાત પરથી આપણે વાસ્તવમાં શું કરવા માંગીએ છીએ તે કોઈ નહીં પારખી શકે !’

 ‘જરૂર...આ જાતની જાહેરાત આપી શકાય તેમ છે. પરંતુ આ જાહેરાતથી આપણને ખાસ કોઈ લાભ થાય એવું મને નથી લાગતું !’

 ‘છતાંય આ આપણો ઈમાનદારીભર્યો પ્રયાસ તો કહેવાશે !’ નાગપાલ ધીમેથી બોલ્યો.

 ‘તારી કાબેલિયત પર મને પૂરેપૂરો ભરોસો છે નાગપાલ...!’ ભાટીયાએ કહ્યું, ‘જો જયરાજ નિર્દોષ પુરવાર થતો હોય તો મારે મારે એનાથી વધુ આનંદની વાત બીજી કઇ હોઈ શકે ?’

 નાગપાલ ઊભો થયો.

 દિલીપે પણ તેનું અનુકરણ કર્યું.

 ત્યાર બાદ વારફરતી ભાટીયા સાથે હાથ મિલાવીને તેઓ બહાર નીકળી ગયા.

 ‘અંકલ !’

 ‘બોલ.’

 ‘આ જાહેરાતવાળી વાત મને ન સમજાઈ !’

 બંને અત્યારે લોબીમાં ચાલતાં ચાલતાં વાતો કરતા હતાં.

 ‘આને તું અંધારાનું તીર પણ માની શકે છે !’ નાગપાલ સ્મિત સહ બોલ્યો.

 ‘એટલે ?’

 ‘એટલે એમ કે જો આ તીર નિશાન પર ચોંટશે તો આપણી તપાસને સાચી દિશા મળી જશે !’

 ‘હૂં...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘અને આજનાં બંને ખૂન ?’

 ‘એનું વળી શું છે ?’

 ‘પ્રેસ આ બંને ખૂનોના હેતુ પૂછશે. શું તમે તેમને સાચી હકીકત જણાવશો ?’

 ‘ના, બધાને નહીં ! પરંતુ “વિશાળગઢ સમાચાર” ના પત્રકાર દીવાકરને સાચી હકીકત જરૂર જણાવવામાં આવશે !’

 ‘તો તો તે છપાઈ પણ જશે !’

 ‘ભલે ને છપાય...’

 ‘તો પછી લોકોને સાચી હકીકતની ખબર નહીં પડે ?’ 

 ‘ના...’

 ‘કેમ ?’

 ‘કારણ કે એ માહિતી દીવાકરના અંગત અભિપ્રાયના આધારે જ છપાશે ! પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે એવો ઉલ્લેખ ક્યાંય નહીં હોય.’

 ‘એનાથી શું લાભ થશે ?’

 ‘જયરાજને ખૂની પુરવાર કરનારા લોકો હેબતાઈ જશે અને હેબતમાં ણે હેબતમાં આપણને ઉપયોગી નીવડે એવું કોઈક પગલું તેઓ ભરી બેસે એ બનવાજોગ છે !’ નાગપાલ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો.

 ‘તમારી કાર્યપદ્ધતિ ખરેખર નવાઈ પમાડે તેવી છે !’

 ‘નવાઈ પમાડે એનું પરિણામ લાવવા માટે કાર્યપદ્ધતિ પણ નવાઈ પમાડે એવી જ અપનાવવી પડે છે પુત્તર...!’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું.

 ‘તમે સાચું કહો છો.’ દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો.

 વાતો કરતાં કરતાં બંને નાગપાલની ઓફિસમાં આવીને બેઠા. 

 નાગપાલે પાઈપ પેટાવીને ઉપરા-ઉપરી ત્રણ-ચાર કસ ખેંચ્યા.

 ઓફિસમાં ‘પ્રિન્સ હેનરી’ તમાકુની કડવી-મીઠી મહેંક ફરી વળી.

 ‘એક વાત તો તું પણ કબૂલ કરીશ ને પુત્તર ?’

 ‘કઇ વાત ?’

 ‘એ જ કે આ દુનિયામાં કોઈ કામ કારણ અથવા તો હેતુ વગર નથી થતું !’

 ‘હા....એ તો સ્પષ્ટ જ છે. પરંતુ આ વાત કહેવા પાછળ તમારો શું ધ્યેય છે ?’

 ‘કહું છું....સાંભળ...!’ નાગપાલ પાઈપમાંથી કસ ખેંચતાં બોલ્યો, ‘સુમન ચૌહાણ અને અજીત મરચંટનાં ખૂનો શા માટે કરવામાં આવ્યાં એ આપણે જાણવું પડશે. એ બંનેનાં ખૂનનો હેતુ શો હતો ? જે જયરાજને ખૂની માનીએ તો ખૂનનો હેતુ સ્પષ્ટ છે કે પત્ની અને તેના પ્રેમીને શરમજનક હાલતમાં જોવાથી ઉશ્કેરાઈને એણે પોતાની સર્વિસ રિવોલ્વર વડે એ બંનેને શૂટ કરી નાંખ્યા...!’

 ‘હા...ખૂનનો હેતુ એ જ દર્શાવવામાં આવ્યો છે !’

 ‘જો ખરેખર એમ જ બન્યું હોય તો સવાલ એ ઊભો થાય કે કે જયરાજે પોતાની સર્વિસ રિવોલ્વર વડે શા માટે ખૂનો કર્યા...!’

 ‘એણે તો ખૂનનું હથિયાર પણ ગુમ કરી દીધું છે !’

 ‘કબૂલ... પરંતુ અહીં એક બીજી મુશ્કેલી છે !’

 ‘બીજી કઇ મુશ્કેલી ?’

 ‘બનાવના સ્થળે અર્થાત જે જગ્યાએ અજીત મરચંટ અને સુમનનાં ખૂન થયાં ત્યાં ગોળી છૂટવાનો અવાજ કોઈએ નથી સાંભળ્યો. અનો અર્થ એ થયો કે રિવોલ્વર પર સાયલેન્સર ચડાવેલું હતું.’

 ‘એ વાત પણ બરાબર છે !’

 ‘તો પછી એક વાતનો જવાબ આપ ...! જયરાજ સાયલેન્સરયુક્ત રિવોલ્વર લઈને ત્યાં ગયો. અર્થાત તે ખૂન કરવાના ઈરાદાથી જ ત્યાં ગયો હતો ખરું ને...?’

 ‘હા...એવું જ લાગે છે ...!’

 ‘તો પછી સવાલ એ ઊભો થાય છે કે એક પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાંય એણે ખૂન માટે આવી નાના બાળક જેવી યોજના શા માટે બનાવી ..?તે નાસી છૂટીને બચવા પણ માંગતો હતો.પોતાની નાસી છૂટવાની યોજનામાં તે આજની તારીખમાં સફળ પણ છ્હે.અર્થાત એણે યોજના બનાવી અને આવી વાહિયાત યોજનાનો અમલ પણ કરી નાંખ્યો. પરંતુ હું લખીને આપી શકું તેમ છું કે જયરાજ જેવો કાયદાનો જાણકાર માણસ જો કોઈનું ખૂન કરવાનું વિચારે તો તે ફુલપ્રૂફ અને જડબેસલાક, કાયદાની આંટીમાં ન આવી શકાય તેવી અને કોઈ તેની સામે આંગળી પણ ન ચીંધી શકે કે કોઈણે તેના પર રજમાત્ર પણ શંકા ન ઉપજે, એવી યોજના બનાવી શકે તેમ હતો!’ નાગપાલ મક્કમ અવાજે બોલ્યો.

 ‘એક વાત મને નથી સમજાતી અંકલ ..!’ દિલીપના અવાજમાં મુંઝવણનો સૂર હતો.

 ‘કઇ વાત..?’

 ‘એ જ કે જયરાજને નાસી છૂટવાની શું જરૂર હતી ...? એ પોતાની જાતને નિર્દોષ દર્શાવીને કાયદાને હવાલે પણ કરી શકે તેમ હતો...!’

 ‘પોતાની બેવફા પત્નીના ખૂની તરીકે કોર્ટમાં ઊભો રહેવા તે નહીં ઈચ્છતો હોય ! તે પોતે જ અસલી ખૂનીને શોધવા માંગતો હોય એ પણ બનવાજોગ છે. આ બાબતમાં તો આપણે માત્ર અનુમાન લગાવવા સિવાય બીજું કશુંય કરી શકીએ તેમ નથી.’

 એ જ વખતે એક ચપરાસી રજા લઈને અંદર આવ્યો.

 તે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ લાવ્યો હતો. રીપોર્ટ આપીને તે ચાલ્યો ગયો.

 નાગપાલે રીપોર્ટ વાંચ્યો.

 એમાં કોઈ ખાસ વાત નહોતી.

 અનુમાન પ્રમાણેનો જ રીપોર્ટ હતો.

 રાજેન્દ્ર અને જમશેદના ખૂનો બત્રીસ કેલીબરની રિવોલ્વર વડે કરવામાં આવ્યાં હતાં. બંનેનાં મોત મર્મસ્થાને ગોળી વાગવાને કારણે નિપજ્યાં હતાં.

 ‘રીપોર્ટમાં કોઈ ખાસ વાત નથી...!’ નાગપાલે રીપોર્ટવાળો કાગળ પેપર વેઇટ નીચે દબાવતાં કહ્યું, ‘આપણે હવે આપણું સમગ્ર ધ્યાન હબસી જેવા દેખાતાં શંકાસ્પદ ખૂની તરફ કેન્દ્રિત કરવું પડશે ...!’

 ‘શું એ ધંધાદારી ખૂની હોઈ શકે છે?’

 ‘એ તો કેમ કહી શકાય ? તે ધંધાદારીને બદલે મેકઅપ કરેલો ખૂની પણ હોઈ શકે છે !’ નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો.

 ‘ખેર, મારે માટે કોઈ કામ છે ?’

 ‘કેમ ..? નવરો બેસીને કંટાળી ગયો છે ?’ નાગપાલે હસીને પૂછ્યું.

 ‘હા...’

 ‘તો સાંભળ...તું અજીત મરચંટતથા સુમનના ભૂતકાળ ખોદી નાખ...! અજીતનું અંગત જીવન જરૂર લોહીથી ખરડાયેલું હશે એમ હું ઈચ્છું છું .’

 ‘ઓ.કે....’ દિલીપ ઊભો થતાં બોલ્યો, ‘હું અત્યારે જ કામે લાગી જાઉં છું .’

 ‘હું પણ જાહેરાત આપીને રીપોર્ટ તૈયાર કરીને રવાના થાઉં છું . આજે દોડાદોડીમાં લાંચ કરવાનો સમય પણ નથી મળ્યો .’

 દિલીપ ધીમેથી માથું હલાવીને બહાર નીકળી ગયો.

*********