Santaap - 8 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | સંતાપ - 8

સંતાપ - 8

૮. નસીબના ખેલ...!

 બીજે દિવસે જયરાજની ઊંઘ ઊડી ત્યારે સવારના અગિયાર વાગી ગયા હતા.

 સરસ ઊંઘ આવી જવાને કારણે એનું મગજ હળવું ફૂલ જેવું થઇ ગયું હતું.

 એણે ચા મંગાવીને પીધી અને થોડી વારમાં જ નિત્યકર્મથી પરવારી ગયો.

 બાર વાગી ગયા હતા.

 જમવાનું પણ એણે રૂમમાં જ મંગાવી લીધું.

 હોટલના મેનેજરે થાળીની સાથે જ ભોજનનું બીલ પણ મોકલ્યું હતું. જયરાજ પાસે કોઈ રકમ લેણ ન રહે એમ કદાચ તે ઈચ્છતો હતો.

 સાડા બાર વાગે જયરાજ નીચે ઊતરીને રીસેપ્શન પર આવ્યો. રીસેપ્શન કાઉન્ટર પાછળ મેનેજર સિવાય એક બીજો માણસ પણ મોજૂદ હતો. એ એક મજબૂત શારીરિક બાંધો તથા શ્યામવર્ણો દેખાતો માનવી હતો.

 જયરાજને જોઇને મેનેજરે એ માનવીને કશુંક કહ્યું.

 એ માણસની નજર તરત જ જયરાજ સામે સ્થિર થઇ ગઈ. 

 જયરાજ મનોમન ચમક્યો. મેનેજરે એ માનવીને પોતાને વિશે કશુંક જણાવ્યું છે, એટલું તો તે સમજી જ ગયો હતો.

 એ ભાવહીન ચહેરે દરવાજા તરફ આગળ વધી ગયો.

 ‘મિસ્ટર આકાશ...!’ અચાનક મેનેજરની બૂમ તેને સંભળાઈ.

 જયરાજે પીઠ ફેરવીને પ્રશ્નાર્થ નજરે તેનું સામે જોયું. હોટલના રજીસ્ટરમાં એણે પોતાનું નામ આકાશ જ લખાવ્યું હતું.

 ‘અહીં આવો મિસ્ટર આકાશ...! અડધો કપ ચા અમારી સાથે પણ પીવો...!’ મેનેજરે કહ્યું.

 જયરાજે થોડી પળો માટે કશુક વિચાર્યું. પછી એ પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવતો ફેરવતો તેમની પાસે પહોંચ્યો.

 શ્યામવર્ણો માનવી એકીટશે એના ચહેરા સામે જ તાકી રહ્યો હતો. જાણે જયરાજના વાસ્તવિક ચહેરાને પારખવા માંગતો હોય એવા હાવભાવ એની આંખોમાં તરવરતા હતા.

 જયરાજ કાઉન્ટર ની પાછળ પડેલી એક ખુરશી પર બેસી ગયો.

 ‘આમને મળો મિસ્ટર આકાશ..!’ મેનેજરે શ્યામવર્ણા માનવી તરફ સંકેત કરતાં કહ્યું, ‘આ સુંદરલાલ પાવાગઢી છે અને તેમને તમારું કંઇક કામ છે !’

 ‘મારું ?’ જયરાજે ચમકીને પૂછ્યું.

 બાકી સુંદરલાલ વાસ્તવમાં ક્યાં દ્રષ્ટિકોણથી સુંદર છે, એનો તાગ મેળવવામાં તેને ખૂબ જ તકલીફ પડી હતી. નામ હતું સુંદરલાલ અને દેખાવ હતો કદરૂપો...!

 ‘હા, મિસ્ટર આકાશ !’ સુંદરલાલ વચ્ચેથી જ બોલી ઊઠ્યો, ‘હું તમને થોડી પૂછપરછ કરવા માંગુ છું. તમે ના નહીં પાડો એવી મને આશા છે !’

 એનો અવાજ તેનો અટક “પાવાગઢી” થી બિલકુલ વિપરીત ફાટેલા વાંસ જેવો હતો.

 ‘બરાબર છે, પરંતુ આવી કોઈ પૂછપરછ કરવાનો તમને શું હક છે ?’ જયરાજે સ્વસ્થ અવાજે કહ્યું.

 એનો સવાલ સાંભળીને પાવાગઢીના હોઠ પર ભેદભર્યું સ્મિત ફરક્યું.

 ‘મારે તમારું એક ખાસ કામ છે...!’ તે સહેજ આગળ નમીને એકદમ ધીમા અવાજે બોલ્યો, ‘પોલીસના બધાં દાવપેંચથી વાકેફ હોય એવા કોઈ યોગ્ય માણસને જ હું શોધતો હતો.’

 ‘તમે ખોટો દરવાજો ખટખટાવો છો મિસ્ટર પાવાગઢી !’ જયરાજે કહ્યું, ‘પોલીસ ખાતાના પેંતરાની એ.બી.સી.ડી. થી પણ હું વાકેફ નથી.’

 ‘એમ ? તમને પૂરી ખાતરી છે ?’

 ‘કોઈ પણ માણસ પોતાને વિશે જે કંઈ જાણતો હોય છે, એની તેને ખાતરી પણ હોય છે...!’

 ‘બરાબર છે...પણ જો તે સામા માણસ પાસે ખોટું ન બોલતો હોત તો !’

 ‘હું તો એમ માનતો હતો કે મેનેજર સાહેબે મને ચા પીવા માટે બોલાવ્યો છે !’ જયરાજે ત્રાસી નજરે મેનેજર સામે જોતાં કહ્યું.

 ‘ચા તો બસ, આવતી જ હશે..!’ મેનેજર સ્મિત ફરકાવતાં બોલ્યો.

 ‘હું જઉં છું ! મારે મોડું થાય છે !’ કહીને જયરાજે ઊભા થવાનો ઉપક્રમ કર્યો.

 એ જ વખતે અચાનક પાવાગઢીએ પૂરી તાકાતથી એનું બાવડું પકડી લીધું.

 ‘જ્યાં સુધી હું જવાની મંજૂરી ન આપું, ત્યાં સુધી મારી પાસેથી કોઈ નથી જઈ શકતું મિસ્ટર આકાશ...!’ કઠોર અવાજે આટલું કહીને એણે જોરથી ફૂંક મારી.

 જયરાજે ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને ઊંડો શ્વાસ લીધો.

 ‘આ તો બળજબરી કહેવાય...!’

 ‘તમે બળજબરી માનતા હો તો એમ રાખો..! તમારી માન્યતાથી મને કોઈ ફર્ક નથી પડતો. પરંતુ એટલું હું જરૂર કહીશ કે પોલીસ તમારી સાથે દાખવી શકે તેમ છે, એના કરતાં આ બળજબરી ઘણી ઓછી છે !’

 ‘મારી સાથે...? એક સજ્જન નાગરિક સાથે ?’

 ‘ના ....એ બદમાશ સાથે કે જે રિવોલ્વરના જોરે ચાલુ ટ્રેને છોકરાઓને નીચે કૂદી પાડવા માટે લાચાર કરી મૂકે છે ...!’ આટલું કહીને પાવાગઢીએ જોરજોરથી બે-ત્રણ ફૂંક મારી.

 એનું કથન સાંભળીને જયરાજ સ્તબ્ધ બની ગયો.

 એની નજર સામે ટ્રેનમાં બનેલો બનાવ તરવરી ઊઠ્યો.

 ‘પરંતુ એ બદમાશ સાથે મારે શું લાગે-વળગે છે ..?’ એણે સ્વસ્થ અવાજે પૂછ્યું.

 ‘તમારે એની સાથે લાગે જ છે .....વળગતું કશુંય નથી ...!’ પાવાગઢી લુચ્ચું સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તમે જે યુવાનોને કૂદી પાડવા માટે લાચાર કર્યા હતા, તેમાંનો એક મારો ભાણેજ પણ હતો....!’

 ‘પરંતુ આનાથી એવું ક્યાં પુરવાર થાય છે કે હું જ એ માણસ હતો ...?’

 ‘કારણ કે એણે એ માણસના દેખાવનું જે વર્ણન જણાવ્યું હતું, તે તમારું જ હતું. ફર્ક માત્ર એટલો જ છે કે અત્યારે તમે ગંદા અને ફાટેલાં વસ્ત્રોને બદલે નવાં વસ્ત્રો પહેર્યાં છે ...!’

 ‘પરંતુ હરદ્વાર આવતાં મોટા ભાગના માણસોનો દેખાવ આવો જ હોય છે !’

 ‘ખભા સુધી લટકતા વાળ....જટા જેવી લાંબી દાઢી ....ગોળ ઓજસભર્યો ચહેરો ...કપાળ પર અર્ધ-ચંદ્રાકાર ઝખમનું નિશાન ...! આ બધી ખાસિયતો દરેક માણસના દેખાવમાં નથી હોતી....!’

 એ જ વખતે વેઈટર આવીને કાઉન્ટર પર ચાના કપ મૂકી ગયો.

 મેનેજરે એ બંને સામે એક એક કપ સરકાવ્યા.

 ‘તમારી ઝેર ભરેલી વાતોનો ક્રમ ચા પીતી વખતે ચાલુ નહીં રહે એવી હું આશા રાખું ....?’

 ‘ચોક્કસ ... બાકી જો હું કોઈને ઝેર આપું તો તે શુદ્ધ ઝેર જ હોય છે ...! તેને ચામાં ભેળવવાની જરૂર નથી હોતી. છતાંય તમને એવી કોઈ શંકા હોય તો તમે ખુશીથી કપની અદલા બદલી કરી શકો છો !’

 ‘ના...’ જયરાજ કપ ઊંચકીને તેમાંથી ઘૂંટડો ભરતાં બોલ્યો, ‘એ જ મારે માટે પુરતું છે !’

 ‘તમે અહીં રૂમ લીધો છે ને....?’

 ‘હા, કેમ ..?’

 ‘આપણે જે વાતો કરવાની છે, તે આપણી જ વચ્ચે જ રહે એમ હું ઈચ્છું છું ...!’

 ‘કેવી વાતો ...?’ જયરાજે આંખો પટપટાવતાં પૂછ્યું.

 પાવાગઢીના રૂપમાં તેને પોતાના ઓળખી જવાનું જોખમ દેખાતું હતું.

 ‘જેમ કે તમારી પાસે રિવોલ્વર ક્યાંથી આવી અને કાલે સાંજે તમે ..’ કહેતાં કહેતાં પાવાગઢી અટકી ગયો.

 ‘કાલે સાંજે ...?’ જયરાજ ચમક્યો. એની નજર સામે ગંગામાં કૂદીને આપઘાત કરી ચુકેલા માનવીનો ચહેરો તરવરી ઊઠ્યો. પછી તેને પોતાની રિવોલ્વર યાદ આવી.

 ‘મેં કહ્યું ને કે લૂંટફાટની વાતોનો ઉલ્લેખ આપણે એકાંતમાં જ કરવો જોઈએ ...!’ પાવાગઢી વિજયસૂચક સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તમારા પર સતત નજર રાખવામાં આવે છે ..!’

 ‘આપણે રૂમમાં જ જઈને નિરાંતે બેસીએ ...!’ જયરાજે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

 ‘તમે સમજદારીભરી વાત કરી છે ...!’ પાવાગઢી હસીને બોલ્યો, ‘બાકી જો તમે ના પાડી હોત તો હું પુરાવો પણ રજૂ કરત...! એ પુરાવો કાલે સાંજે ઘાટ પરથી તમારા વસ્ત્રો નીચેથી ગુમ કરવામાં આવ્યો છે ..!’

 જયરાજની નજર સામે પોતાની સર્વિસ રિવોલ્વર તરવરી ઊઠી.

 જયારે પાવાગઢીના હોઠ પર અર્થસૂચક સ્મિત ફરકતું હતું

ચા પીને બંને જયરાજની રૂમમાં પહોંચ્યા.

પાવાગઢીએ મૈત્રીભાવથી તેની સામે સિગારેટ પેટાવી.

‘તમે જ મારી રિવોલ્વર ગુમ કરી હતી .....?’ સિગારેટ પેટાવ્યા પછી જયરાજે એની આંખોમાં પોતાની આંખો પરોવતાં પૂછ્યું.

‘મેં નહીં, પણ તમારી પાછળ પાછળ ફરતા મારા માણસે ગુમ કરી હતી ! એ રિવોલ્વર મારી પાસે છે અને તે હું તમને પછી સોંપી દઈશ ,,,!’ પાવાગઢીએ ગંભીર અવાજે કહ્યું.

‘પહેલાં મારી રિવોલ્વર મને પાછી આપી દો ....!’ જયરાજના અવાજમાં કારમી ઠંડક હતી.

‘રિવોલ્વર સલામત છે એમ જ તમે માની લો ...! એ તમને પાછી પણ મળી જશે ....પરંતુ વિધિ પૂરી થયા પછી જ મળશે ...!’

‘વિધિ ..?’

‘હા...આજનાં જમાનામાં સ્વાર્થ વગર કોઈ કોઈના પર ઉપકાર નથી કરતુ! આજે દુનિયા આખી “ગિવ એન્ડ ટેઈક” ના સિદ્ધાંત મુજબ ચાલે છે . મને પણ તમે એવો જ એક માણસ માની શકો છો ...! તમારે રિવોલ્વર પાછી જોઈતી હોય તો તેના બદલામાં મારું એક કામ કરવું પડશે ..!’

‘હું તમારું કયું કામ કરી શકું તેમ છું ...?’

‘એક એવું કામ કે જે તમારા જેવો બાહોશ ઇન્સ્પેક્ટર જ પાર પાડી શકે તેમ છે ..!’ પાવાગઢીના અવાજમાં ભરપુર આત્મવિશ્વાસ હતો .

જયરાજની આંખોમાં વ્યાકુળતાના હાવભાવ તરવરી ઊઠયા.

‘હું ઇન્સ્પેક્ટર છું, એ વાતની તમને કેવી રીતે ખબર પડી ..?’ એણે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘તમારો ફોટો અને રિવોલ્વરના નંબરો સરખાવ્યા પછી ....!’

‘પરંતુ રિવોલ્વરના નંબરોનો તો ઉલ્લેખ જ નહોતો ....!’

‘ચાર-પાંચ મહિના પહેલાં જે જાહેરાત છાપી હતી, તેમાં રિવોલ્વરની નંબર પણ હતો...!’

‘ખેર, તમારે મારું શું કામ છે ....?’

‘તમે મારા સાત વર્ષના દીકરાને મારી પાસે પાછો લાવો એમ હું ઈચ્છું છું ..!’

‘એટલે...?’

‘મારી વાત બહુ લાંબી છે ...! તમારી પાસે ફુરસદ તો છે ને ...?’

‘હા....હું તમારી દયા પર છું એટલે હવે મારે કોઈ ઉતાવળ નથી ..!’ જયરાજ તિરસ્કારભર્યા અવાજે બોલ્યો.

 ‘ના...તમે મારી દયા પર નથી ...! તમે એક એવા મદદગાર છો કે જે મારા દીકરાને મારી પાસે પાછો લાવી શકો તેમ છો ...! ખેર, હું તમને શું કહીને બોલવું ....? જયરાજ કે આકાશ ....?’

 ‘તમે મારું નામ પણ જાણી ચુક્યા છો ...?’

 ‘હા, દોસ્તોનું નામ જાણ્યા વગર દોસ્તી પાકી નથી થતી...!’

 ‘તમે મને આકાશ કહીને જ બોલાવજો ..! એક ભાગેડુની સલામતી માટે એ જ સંબોધન વધુ યોગ્ય રહેશે એમ હું માનું છું ...! અલબત્ત, કોઈ ત્રીજો માણસ હાજર ન હોય ત્યારે “ચૌહાણ” કહીને પણ બોલાવી શકો છો !’

 ‘થેંકયુ ...! હવે હું ઈમાનદારીથી મારે વિશે જણાવું છું. મારું નામ તો એ જ છે કે જે હું તમને જણાવી ચૂક્યો છું. અર્થાત સુંદરલાલ પાવાગઢી ..! હું બે નંબરનું કામકાજ કરીને મારું ગુજરાન ચલાવું છું. મારી બધી સુખ સાહ્યબી ગુનાની આવકને આભારી છે.....મારો મુખ્ય ધંધો દાણચોરીનું સોનું વેચવાનો છે ..હું દાણચોરો પાસેથી સોનું ખરીદીને વાજબી નફો ચડાવીને બજારમાં વેચી નાખું છું. આ કામ ખૂબ જ જોખમી અને ખતરનાક છે, એટલે લાચારીવશ મારે ભાડૂતી ગુંડાઓ રાખવા પડ્યા છે ...! પોલીસ ખાતાને પણ હપ્તો ચૂકવવો પડે છે ..’

   ‘મિસ્ટર પાવાગઢી ...તમે શું ને કેવીરીતે ધંધો કરો છો, એ જાણવામાં મને બિલકુલ રસ નથી. હું એટલું જ જાણવા માગું છું કે તમારે મારું શું કામ છે .?’

 ‘રાઈટ ....સાંભળો ..મારો સાત વર્ષનો દીકરો ચિરાગ ગુમ થઇ ગયો છે 

. એનું અપહરણ કરી લેવામાં આવ્યું છે . તમે એને શોધવામાં મને મદદ કરો એમ હું ઈચ્છું છું, પ્લીઝ ...!’ કહેતાં કહેતાં પાવાગઢીની આંખોમાં આંસુ ચમકવા લાગ્યાં.

 ‘જો હું ના પાડું તો આ કામ પાર પાડવા માટે તમે મને લાચાર કરશો ...?’જયરાજે વેધક અવાજે પૂછ્યું.

 ‘કરીશ કે નહીં ? એ વાત જવા દો ...! માત્ર એટલું સમજી લો કે હું લાચાર કરી શકું તેમ છું ..! હું તમારી વાસ્તવિકતા વિશે પોલીસને જણાવી શકું તેમ છું ...! તમારું ખૂન કરીને બદલામાં દસ હજારનું ઇનામ પણ મેળવી શકું છું !’

 ‘પરંતુ કારણ વગર કોઈનું લોહી રેડવામાં નથી આવતું ! મારો સવાલ હજુ એમ ને એમ જ છે ...! હું તમને કોઈ ઉપયોગમાં આવી શકું તેમ નથી.’

 ‘હું તમારી સાથે દોસ્તી કરવા માટે આવ્યો છું, એ વાત તમારે યાદ રાખવી જોઈએ ..! હું તમને કોઈ ગેરકાયદેસર કામ કરવાનું નથી કહેતો ....!’

 ‘અત્યારની પરિસ્થિતિમાં હું પોતે જ મારી જાત માટે તકલીફરૂપ છું. હું તમારી કોઈ મદદ કરી શકું તેમ નથી મિસ્ટર પાવાગઢી ...!’ જયરાજ નિર્ણયાત્મક અવાજે બોલ્યો.

 પાવાગઢીનો ચહેરો ઊતરી ગયો.

 જયરાજના ઇન્કારથી તે નારાજ થયો હોય, એવું તેના ચહેરા પરથી જરા પણ નહોતું લાગતું.

 ‘સાંભળો મિસ્ટર ચૌહાણ ...!’ એણે ગજવામાંથી પોતાનું વીઝીટીંગ કાર્ડ કાઢીને ટેબલ પર મૂકતાં કહ્યું, ‘આ મારું સરનામું છે ....! ફોન નંબર પણ લખેલો છે ...! જો તમારે કોઈ મિત્રની જરૂર હોય તો જરા પણ સંકોચ રાખ્યા વગર ચાલ્યા આવજો ...! એક મિત્ર તરીકે હું હંમેશા તમારું સ્વગત કરીશ ...!’

 ‘તમે મારે વિશે શું જાણો છો ...?’

 ‘અખબારોમાં સમાચાર તથા જાહેરાતના સ્વરૂપમાં જે કંઈ છપાય છે, એ બધું જ જાણું છું. પત્ની તથા પ્રેમીનાં ખૂનો કરનાર ખૂનીના રૂપમાં કાયદાના રખેવાળો તમને શોધે છે . તમને જીવતા કે મરેલા પકડવા માટે બ્લેક વોરંટ કાઢવામાં આવ્યું છે એની પણ મને ખબર છે ...!’ કહી હોઠ સંકોચીને એણે ફરીથી ફૂંક મારી.

 ‘તમે તેને બ્લેક વોરંટ માનો છો ..?’ જયરાજે ચમકીને પૂછ્યું.

 ‘હા.....કારણ કે એ બંને ખૂનો તમે નથી કર્યા એની મને ખબર છે ! તમારા ચહેરા પર રહેલી શરાફત અને માસૂમિયત જોઇને હું આ વાત દાવા સાથે કહી શકું તેમ છું .’ કહીને એણે વધુ એક ફૂંક મારી.

 ‘તમારા દાવા સાથે કાયદાને કશીયે નિસ્બત નથી ....!’ જયરાજ સ્પષ્ટ અવાજે બોલ્યો, ‘મારી વિરુદ્ધ કાઢવામાં આવેલું વોરંટ છે, તે એક હકીકત છે !’

 ‘ખેર, મારે માટે સમય ફાળવવા બદલ આભાર મિસ્ટર ચૌહાણ ..! હવે હું જઈશ ...!’ પાવાગઢીએ સિગારેટનું પેકેટ ઊંચકતાં કહ્યું.

 ‘ક્યાં ? પોલીસ પાસે જશો ...?’

 ‘ના,..હું તમને મિત્ર બનાવવા માટે આવ્યો હતો....!’ એક ફૂંક મારીને પાવાગઢી બોલ્યો, ‘હું તમને દુશ્મન બનાવવા નથી માંગતો ..!’

 ‘પરંતુ મેં તમારું કામ કરવાની ના પાડી છે મિસ્ટર પાવાગઢી ..!’

 ‘કોઈ નેતાના અર્થહીન અને પોકળ વચન કરતાં એ ઇનકાર વધુ સારો છે ..! મિસ્ટર ચૌહાણ, તમે મારું કામ કરવાની હા પાડો એ મારે માટે જરા પણ મહત્વનું નથી. મહત્વ તો એ વાતનું છે કે તમે પૂરી ઈમાનદારીથી મારું કામ કરો ....!’

 ‘હું તમને ભ્રમમાં રાખવા નહોતો માંગતો...! જો મારા પર મારી જાતને નિર્દોષ પુરવાર કરી બતાવવાની જવાબદારી ન હોત તો હું ચોક્કસ જ તમને મદદ કરત !’

 ‘નકારાત્મક જવાબ સાંભળ્યા પછી તેનું કારણ જાણવાથી કોઈ લાભ નથી થતો...! કોઈ પણ વાત માટે માત્ર પરિણામનું જ મહત્વ હોય છે, કારણનું નહીં ...! તમે ના પાડી છે ...! શા માટે ના પાડી છે, એ તમારા માથાનો દુઃખાવો છે....!’

 ‘થેંક્યું મિસ્ટર પાવાગઢી ...!’

 ‘અરે, હા....!’ અચાનક યાદ આવ્યું હોય એમ પાવાગઢી ગજવામાંથી રિવોલ્વર કાઢીને તેની સામે લંબાવતાં બોલ્યો, ‘તમારી રિવોલ્વર હું સાથે જ લાવ્યો છું. આ રિવોલ્વર ખૂનીઓથી રક્ષણ કરવા માટે તમારે રાખવી ખૂબ જ જરૂરી છે ....! મેં તમને મિત્ર માન્યા છે એટલે એક મિત્ર પાસેથી તેના રક્ષણનું સાધન હું આંચકી લેવા નથી માંગતો ..!’

 જયરાજે સ્ફૂર્તિથી તેના હાથમાંથી રિવોલ્વર લઈને તેનું નિરીક્ષણ કર્યું અને ચેમ્બર પણ તપાસી જોઈ.

 બધું યથાવત જ હતું.

 પાવાગઢી દરવાજા સુધી પહોંચી ગયો હતો.

 ‘ઊભા રહો મિસ્ટર પાવાગઢી ...!’જયરાજ ગંભીર અવાજે બોલ્યો, ‘તમે મને મિત્ર કહ્યો, અને રિવોલ્વર પાછી સોંપીને એનો પુરાવો પણ આપી દીધો ...!’

 ‘તમે ...તમે સાચું કહો છો ..?’ પાવાગઢીએ કંપતા અવાજે પૂછ્યું.

 ‘હા, મિત્રો પાસે ક્યારેય ખોટું નથી બોલાતું ...!’ જયરાજે આત્મીયતાથી એનો ખભો થપથપાવતાં કહ્યું, ‘ચિરાગ તમારો દીકરો છે તો મારો પણ ભત્રીજો છે ....!’

 ‘તમે મને નિરાશ નહીં કરો, એ હું જાણતો જ હતો !’ પાવાગઢી ખુરશી પર પાછો બેસતાં બોલ્યો.

 ‘તો સૌથી પહેલાં મને બધી વિગત જણાવો કે કેવી રીતે ને કયા સંજોગોમાં ચિરાગનું અપહરણ થયું હતું! કોઈ વાત છુપાવશો નહીં ...!’

 ‘સાંભળો....! બે-ત્રણ અઠવાડિયાં પહેલાની વાત છે 

. મને તારીખ પણ યાદ છે 

. ૨૫મી ડીસેમ્બર ....! તે દિવસે સાંજે ચિરાગ ક્રિકેટ રમવા ગયો હતો. પાછા ફરતી વખતે એની સાથે રમી રહેલાં બાળકોએ તેને એક કાળી એમ્બેસેડરમાં બેસતો જોયો હતો! કારનો નંબર જાણવા નથી મળ્યો. અહીં એક વાતની ચોખવટ કરી લઉં કે આ કામ મારા કોઈક દુશ્મનનું છે. પરંતુ આ દુશ્મન કોણ છે, એ હું નથી જાણતો. તેમ મને કોઈના પર શંકા પણ નથી.!’

 ‘ચિરાગનું અપહરણ કરવામાં આવ્યું છે, એવું તમે કયા આધારે કહો છો ?’

 ‘કારણ કે મારી પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે ...!’

 ‘બે કરોડ ..?’ જયરાજના મોંમાંથી આશ્ર્યોદગાર સારી પડ્યો, ‘આટલી ગંજાવર રકમ છે તમારી પાસે ?’

 ‘ના...સવાલ જ ઊભો નથી થતો ....! તેમને માંગેલી રકમ મારી કલ્પના બહારની વાત છે !’

 ‘મિસ્ટર પાવાગઢી...રકમ માંગવાનો સવાલ છે ત્યાં સુધી અપહરણ કરનારાઓ પોતાના શિકારની હેસિયત જોઈને જ રકમની માંગણી કરે છે ...! તમે બે કરોડ ચૂકવી શકો તેમ છો, એવા ભ્રમમાં તેઓ શા માટે રાચે છે એ હું જાણવા માંગુ છું !’

 ‘તેઓ દાણચોરીના, સોનાના એક કન્સાઈનમેન્ટ વિશે વાત કરતાં હતાં. બે કરોડ રૂપિયાનું સોનું ભરતપુરમાં લૂંટવામાં આવ્યું હતું. પછી મેં જ બે કરોડનું સોનું લુંટ્યું હતું. એમ માનીને કે સોના સાથે મારો સંબંધ જોડી દેવામાં આવ્યો હતો!’

 ‘આ ક્યારની વાત છે ?’

 ‘લગભગ બે વર્ષ પહેલાની ....! જે દિવસે ભરતપુરની એ પાર્ટીનું સોનું લૂંટવામાં આવ્યું હતું, તે દિવસે હું ભરતપુરમાં ગોલ્ડન બીચ પર ઊભેલી એક બોટમાં મોજુદ હતો. પરંતુ સોના વિશે હું કશુંય નથી જાણતો .’

 ‘એ બોટનું નામ શું હતું ..?’

 ‘સાગર પરી ...!’

 ‘તમે એ બોટમાં શા માટે મોજુદ હતાં ....?’

 ‘વાત એમ છે કે મારે એક કન્સાઈનમેન્ટનું પેમેન્ટ ચૂકવવાનું હતું. જે શખ્સને પેમેન્ટ ચૂકવવાનું હતું, એ પણ “સાગર પરી” માં જ હતો. એને પેમેન્ટ ચૂકવીને હું તરત જ ત્યાંથી રવાના થઇ ગયો હતો .’

 ‘અને હવે લગભગ બે વર્ષ પહેલાં લૂંટવામાં આવેલા સોનાના કન્સાઈનમેન્ટ સાથે તમને સાંકળવામાં આવ્યા છે ...! આ માટેનું કોઈ યોગ્ય કારણ તમને જણાવવામાં આવ્યું હતું?’

 ‘હા, એ કારણ એ હતું કે થોડા દિવસ પહેલાં મેં પચાસ લાખનું સોનું વેચ્યું હતું કે જે ગોલ્ડન બીચ પરથી લૂંટવામાં આવ્યું હતું.!’

 ‘એ કન્સાઈનમેન્ટ કોનું હતું ?’

 ‘શું આ સવાલનો જવાબ આપવો જરૂરી છે ?’

 ‘હા......ચિરાગનો છુટકારો શક્ય છે કે નહીં, તેનો બધો આધાર આ સવાલના જવાબ પર જ છે ...!’ જયરાજે એક સિગારેટ પેટાવતાં કહ્યું.

 ‘એ માલ ભરતપુરની અંધારી આલમના ડોન પરવેઝ સિકંદરનો હતો....!’

 ‘શું ...?’ જયરાજે ચમકીને પૂછ્યું , ‘તમે આંતરરાષ્ટ્રીય દાણચોર કે જેને ઇન્ટરપોલ પણ શોધે છે, જેની પાસે બેશુમાર દોલત છે અને જે ધારે તો ભારતનું વિદેશી દેવું પણ ભરપાઈ કરી આપવાની હેસિયત ધરાવે છે, એ સિકંદરની વાત કરો છો ..?’

 ;હા....એનું એક શક્તિશાળી સંગઠન છે ...! સોનું ગુમ કરનાર માનસ બીજું કોઈ નહીં, પણ સુંદરલાલ પાવાગઢી જ છે એમ તે કહે છે ....! પરંતુ આ વાત સત્યથી બિલકુલ વેગળી છે ..!’

 ‘એનો માલ તમારા દ્વારા વેચવામાં આવ્યો છે, એવો દાવો તે કયા આધારે કરે છે ?’

 ‘બે કરોડનું એ સોનું બીસ્કુતના સ્વરૂપમાં હતું એણે તેના પર અંગ્રેજી મૂળાક્ષરનો “P” કોતરેલો હતો .’

 ‘તો “P” ના મોનોગ્રામવાળું સોનું તમે બજારમાં વેચ્યું હતું ખરું ણે ?’ સવાલ પૂછતી વખતે જયરાજની નજર સામે બે વ્યક્તિના ચહેરા તરવરી ઉઠ્યાં હતા.

 ‘હા..પચાસ લાખનું એ સોનું વેચવામાં મને કમીશન તરીકે પાંચ લાખ મળ્યા હતાં ...!’

 ‘એ સોનું તમારી પાસે ક્યાંથી આવ્યું ?’

 ‘હું નથી જાણતો ...પરંતુ એટલું તો ચોક્કસ છે કે એ સોનું મારા ગુપ્ત ગોડાઉનમાં જરૂર પહોંચ્યું હતું. કેવી રીતે પહોંચ્યું હતું, એની મને કંઈ ખબર નથી ...!’

 ‘એક વાત તો સ્પષ્ટ છે કે તમારા સંગઠનના જ કોઈક માણસે આ દગાબાજી કરી છે. અથવા તો પછી કોઈક ચાલબાજી રમીને તેને પણ મૂરખ બનાવવામાં આવ્યો હશે 

. ખેર, માલ તમને કઇ પાર્ટીએ વેચવા માટે આપ્યો હતો, એ જાણવાનું કોઈ સાધન કે માધ્યમ નથી ..?’

 ‘ના...કારણ કે દાન્ચોરોના ધંધામાં બધું વિશ્વાસ પર જ ચાલે છે ..! અહીં એક વાત જણાવી દઉં કે હું હરદ્વારમાં નહીં, પણ ભરતપુરમાં જ રહું છું .’

 ‘તમારો દીકરો પણ ભરતપુરમાંથી જ ગુમ થયો હતો ...?’

 ‘હા...જ્યુબીલી ગાર્ડનના પ્લેગ્રાઉન્ડ પાસેથી ...!’

 ‘ત્યાર બાદ તમારો સંપર્ક સાધવામાં આવ્યો ખરું ણે ...?’

 ‘હા, બે વખત ...!’

 ‘ક્યાં ...?’

 ‘ભરતપુરમાં જ ..’ 

 ‘અત્યારે તમે હરદ્વારમાં છો, એ વાત આશ્ચર્યજનક નથી ?’

 ‘મારો ભાણેજ ભરતપુર આવ્યો હતો. એણે જ મને ટ્રેનમાં પોતાની પાસે બનેલા બનાવ વિશે જણાવ્યું હતું. એના કહેવા મુજબ એણે ભિખારી જેવા માણસ પાસે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે હોય છે, તેવી રિવોલ્વર જોઈ હતી. એની વાત સાંભળીને મને તરત જ તમે યાદ આવ્યા હતાં !’

 ‘કેમ ? હું શા માટે ?’

 ‘એટલા માટે કે આપણા બંનેની મંઝિલ એક જ છે !’ પાવાગઢી ભેદભર્યા અવાજે બોલ્યો, ‘હું તમને એક બીજી ખાસ વાત પણ કહેવા માંગતો હતો. પરંતુ હું કહું, એ પહેલાં જ તમારે નાસી છૂટવું પડ્યું હતું...!’

 જયરાજના મગજમાં અચાનક વીજળીની માફક એક વિચાર ચમક્યો.

 ‘છઠ્ઠી જુલાઈની રાત્રે એક શુભેચ્છકે મને ફોન પર જણાવ્યું હતું કે મારી પત્ની તેના ભૂતપૂર્વ પ્રેમી સાથે ભૂપગઢના ફ્લેટમાં મોજૂદ છે ! મને ફોન કરનાર એ શુભેચ્છક તમે જ છો ખરું ને ?’

 ‘હા...મેં જ એ ફોન કર્યો હતો...! પરંતુ ત્યાં તમને તમારી પત્ની અને તેના પ્રેમીના મૃતદેહો જોવા મળશે અને તમારે તાબડતોબ નાસી છૂટવું પાડશે એની મને એ વખતે ખબર નહોતી. પરંતુ આ વાતની તમને કેવી રીતે ખબર પડી એની મને ખૂબ જ નવાઈ લાગે છે !’

 ‘તમારી બોલવાની ખાસ રીત પરથી..!’ જયરાજે કહ્યું, ‘તમે અવાજ બદલીને બોલતા હતા. પરંત ઉવત પૂરી થયા પછી તમારી ફૂંક મારવાની જે ટેવ છે, તે ટેલીફોન પર વાત કરતી વખતે પણ તમે નહોતા છોડી શક્યા. મેં તમારી આ ટેવ પરથી જ અનુમાન કર્યું હતું !’

 ‘વાહ...!’ પાવાગઢી પ્રશંસાભરી નજરે એની સામે જોતાં બોલ્યો, ‘બસ, આ કારણસર જ હું માત્ર તમને જ મળવા માંગતો હતો !’ 

 ‘એટલે ?’

 ‘એટલે એમ કે આજની તારીખમાં તમે પણ તમારી પત્ની તથા એના પ્રેમીના ખૂનીઓ વિશે જાણવા માંગો છો, એ વાતની મને ખબર હતી. હું પણ મારા દીકરાના છુટકારા માટે એ ખૂનીઓને શોધીને તેમના વિશે પરવેઝ સિકંદરને જણાવીને મારી વાત સાચી હોવાનો ઘૂંટડો એના ગળે ઉતરાવી શકું તેમ હતો !’

 ‘પરંતુ મારી પત્ની આ સમગ્ર મામલામાં ક્યાંય સંડોવાયેલી હતી, એવો દાવો તમે ક્યા આધારે કરો છો ?’ જયરાજે આશ્ચર્યસભર અવાજે કહ્યું.

 ‘કારણ કે બે વર્ષ પહેલાં તે પણ પોતાના પ્રેમી સાથે ભરતપુરમાં હતી ! તમે સુમન સાથે લગ્ન નહોતાં કર્યા ત્યારની આ વાત છે.’ પાવાગઢી ધીમેથી બોલ્યો, ‘અજીત મરચંટ અને સુમન બે કરોડનાં સોનાની લૂંટ વિશે જાણતા હતાં એવા સંકેતો મને મળ્યા છે.’

 ‘તો હવે એ સંકેત વિશે પણ જણાવી દો મિસ્ટર પાવાગઢી...!’

 ‘કારણ કે અજીત મરચંટે એ લૂંટારાઓને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ કારણસર જ તે સુમનની સાથે માર્યો ગયો હતો.’

 ‘અજીત મરચંટ સોનાની લૂંટ વિશે કશુંય જન્ત ઓહતો અને એણે લૂંટારાઓને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો, એવું તમે ક્યાં આધારે કહો છો ?’

 ‘કારણ કે આ વાત મેં મારા સગા કાને સાંભળી હતી. અને એટલા માટે જ હું આવો દાવો કરું છું. હું અજીતથી પરિચિત હોવાને કારણે કશીયે રોકટોક વગર તેની ઓફિસમાં જઈ શકતો હતો. સાતેક મહિના પહેલાં હું તેની ઓફિસમાં દાખલ થયો ત્યારે તે રીવોલ્વીંગ ચેર પર બેસીને ફોનમાં કોઈકની સાથે વાત કરતો હતો. એની પીઠ મારી તરફ હોવાને કારણે તેને મારા આગમનની ખબર નહોતી પડી. તે ફોન પર કોઈકને ધમકી આપીને પચીસ લાખ રૂપિયાની માંગણી કરતો હતો. જો પોતાને રૂપિયા પહોંચાડવામાં નહીં આવે તો પોતે સોનાની લૂંટ તથા ગાર્ડના ખૂન વિશે પરવેઝ સિકંદરને જણાવી દેશે એમ પણ એણે કહ્યું હતું. આટલું સાંભળીને હું ચૂપચાપ બહાર નીકળી આવ્યો અને થોડી પળો બાદ મોટેથી અવાજ કરતો કરતો અંદર દાખલ થયો. એ વખતે અજીત ક્રેડલ પર રિસીવર મૂકતો હતો.’

 ‘આ વાત કેટલા વાગ્યાની છે ?’

 ‘લગભગ અગિયાર વાગ્યાની...!’ વાત પૂરી કરીને પાવાગઢીએ આદત મુજબ જોરથી ફૂંક મારી.

 ‘ખેર, એક વાત તો હજુ સુધી તમે મને જણાવી જ નથી !’

 ‘કઇ વાત ?’

 ‘એ જ કે તમે મને શા માટે ફોન કર્યો હતો ?’ જયરાજે સહેજ કઠોર અવાજે પૂછ્યું, ‘તમે જ સુમન અને અજીતનાં ખૂનો નહીં કર્યા હોય, એ વાતની શી ખાતરી છે ?’

 ‘મ...મારે તેમના ખૂન કરવાની શું જરૂર હતી ?’ પાવાગઢી હેબતાયો.

 ‘ગમે તે કારણ હોઈ શકે છે !’

 ‘કમાલ કહેવાય !’ પાવાગઢીના અવાજમાં નારાજગીનો સૂર હતો, ‘મેં તમને મિત્ર માન્યા છે અને તમારી બરબાદી માટે તમે મને જ કારણરૂપ માનો છો ?’

 ‘તો પછી મને એક વાતનો જવાબ આપો કે માણસના જીવનમાં હંમેશાં જોગાનુજોગ જ બને છે ?’

 ‘એટલે ?’

 ‘અજીત બ્લેકમેઈલર તરીકે કોઈની સાથે વાત કરતો હતો. બરાબર એ જ વખતે તમે એની ઓફિસમાં પ્રવેશ્યા ! આ થયો પહેલો જોગાનુજોગ ! બીજો જોગનુજોગ, જે માણસે તમને મારે વિશે જણાવ્યું, તે તમારો ભાણેજ નીકળ્યો ! ત્રીજો જોગાનુજોગ એ કે તમે અજીત અને સુમનને ભૂપગઢનાં ફાર્મહાઉસમાં જોયાં.....!’

 ‘આમાંથી પહેલાં બે જોગાનુજોગ બરાબર છે, ત્રીજો નહીં ! જયારે મને ખબર પડી કે અજીત કોઈકની કમજોર નસ દબાવીને પચીસ લાખ રૂપિયા કમાવા માંગે છે, ત્યારે મેં પણ આ કમાણીમાં ભાગ પડાવવાનું નક્કી કર્યું. મારો એક માણસ અજીતની પ્રત્યેક હિલચાલ પર નજર રાખતો હતો. અને આ કારણસર જ છઠ્ઠી જીલાઈની રાત્રે અજીતના ભૂપગઢવાળા ફાર્મહાઉસમાં હોવાની મને ખબર પડી હતી.’

 ‘અજીત પર નજર રાખતા માણસે તાબડતોબ તમને આ વાતની જાણ કરી હતી ?’

 ‘હા...એ તમારી પત્નીને ઓળખતો હતો. સુમન તમારી પત્ની બની, તે પહેલા અજીતની પ્રેમિકા હતી એની પણ તેને ખબર હતી ! આ માહિતી એણે તાબડતોબ મને જણાવી હતી અને ત્યાર પછી મેં તરત જ તમને ફોન કર્યો હતો !’

 ‘મને ફોન કરવા પાછળ તમારો શું આશય હતો ?’ જયરાજે વેધક નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું, ‘મને ફોન કરવાને બદલે તમે અજીતને પણ બ્લેકમેઈલ કરી શકો તેમ હતા !’ 

 ‘જરૂર કરી શકું તેમ હતો. પરંતુ હું સામે આવવા નહોતો માંગતો. અજીત ડઘાઈને કોઈક ખોટું પગલું ભરી બેસે એટલી હદ સુધી હું તેને ગભરાવી મૂકવા માંગતો હતો !’

 ‘તમારો આ જવાબ મારે ગળે નથી ઉતરતો છતાંય હાલતુરત હું એ કબૂલ રાખી લઉં છું. હવે પૂરી ઈમાનદારીથી મારા એક સવાલનો જવાબ આપી દો...’

 ‘શું આ સવાલ-જવાબનો ક્રમ ક્યારેય પૂરો નહીં થાય ?’

 ‘મિસ્ટર પાવાગઢી...!’ જયરાજ ગંભીર અવાજે બોલ્યો, ‘ચિરાગને શોધવા માટે મારા બચાવની વાત પણ મગજમાં રાખવી જરૂરી છે ! ખૂનીઓ મારું પણ ખૂન કરી નાંખશે એવી મને શંકા છે !’

 ‘કેમ ?’ પાવાગઢીએ ચમકીને પૂછ્યું.

 ‘જો એવું ન હોત તો તેમણે મને ફસાવવાનું કામ કર્યું હોત....! મને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થશે એમ તેઓ માનતા હતાં..! પરંતુ તેમની માન્યતાથી વિપરીત હું નાસી છૂટ્યો ..! ખેર, તમારા આદેશથી જે માણસ અજીત પર નજર રાખતો હતો, એના વિશે હું જાણવા માંગુ છું...!’

 ‘એ માણસનું નામ જગત ચૌધરી છે અને તે એક પ્રાઇવેટ ડિટેકટીવ છે ...! તે વિશાળગઢ ખાતે ગાંધી સોસાયટીમાં રહે છે ...!’

 ‘છઠ્ઠી જુલાઈની રાત્રે જયારે સુમન તથા અજીતનાં ખૂનો થયાં, એ વખતે તમે ફાર્મહાઉસની આજુબાજુમાં જ હતાં ..?’

 ‘ના..મેં મારો માણસ ગોઠવ્યો હતો તો પછી મારે ત્યાં જવાની શું જરૂર હતી ..?’

 ‘તો શું જગત ચૌધરી ત્યાં હતો ..?’

 ‘હા..એના કહેવા મુજબ તે ભૂપગઢના બસ સ્ટેશન પાસે પાનની એક દુકાન પાસે બેસી રહ્યો હતો.’

 ‘એણે ફોન ક્યાંથી કર્યો હતો ...?’

 ‘બસ સ્ટેશન પાસે આવેલા એક ક્લિનિકમાંથી...! એણે સાંકેતિક ભાષામાં નામ જણાવ્યાં હતાં. પરંતુ તમે જગત ચૌધરીમાં આટલો બધો રસ શા માટે દાખવો છો ...?’

 ‘એટલા માટે કે છઠ્ઠી જુલાઈની રાત્રે ફાર્મહાઉસ પાસેની ઝાડીઓમાં કોણ છુપાયું હતું એ હું જાણવા માંગુ છું. ઝાડીઓમાં કોણ હતું એ વાત મને જગત ચૌધરી જણાવી શકે તેમ છે ! મેં ફાર્મહાઉસની ઈમારતમાં આવતી અને જતી, બંને વખતે ઝાડીઓમાં સળવળાટનો અવાજ સંભાળ્યો હતો! ખેર, આ જગત ચૌધરી કેવો માણસ છે ..?’ જયરાજે પોતાનું પેકેટ ખાલી થઇ ગયું હોવાથી પાવાગઢીના પેકેટમાંથી સિગારેટ કાઢતાં પૂછ્યું.

 ‘તે મહત્વાકાંક્ષી માણસ છે . તે એક આધેડ વયનો, ક્લીન શેવ્ડ અને આકર્ષક ચહેરો ધરાવે છે . એની ઊંચાઈ આશરે છ ફૂટ જેટલી છે ! એના ચોકઠામાં બસ એક જ વાતની ખામી છે ! તે જ્યારે બોલે છે ત્યારે એના પીળા દાંત ખૂબ જ બેડોળ લાગે છે !’

 ‘જગત ચૌધરી પાસેથી જ આ વાત જાણી શકાય તેમ છે !’ જયરાજ સ્વગત બબડ્યો. ત્યાર બાદ તે સિગારેટ પેટાવવામાં મશગુલ થઇ ગયો.

 ‘કઇ વાત...?’ પાવાગઢીએ આશ્ચર્યથી પૂછ્યું. એનું સમગ્ર ધ્યાન જયરાજ પર જ કેન્દ્રિત થયેલું હતું. એટલું જ નહીં, તેના કાન પણ એકદમ સરવા હતાં તે સ્પષ્ટ થઇ જતું હતું.

 ‘હું મારી પત્નીનો વિચાર કરતો હતો. તે મૃત્યુ પહેલાં જન્મજાત હાલતમાં પોતાના ભૂતપૂર્વ પ્રેમી સાથે હતી...!’

 ‘એના વિશે શું વિચારો છો તમે ...?’

 ‘એ જ કે મારા પ્રેમમાં શું ખોટ હતી...? મેં એને ફરીથી સન્માનજનક હાલતમાં જીવવાને યોગ્ય બનાવી હતી. એના પર મને અતુટ ભરોસો હતો. લગ્ન પહેલાં તે જરૂર ભરમાઈ ગઈ હતી. પરંતુ લગ્ન પછી ...? એણે મારા વિશ્વાસને ઠેસ પહોંચાડી હતી..!’ કહેતાં કહેતાં જયરાજનો અવાજ ગળગળો થઇ ગયો.

 ‘તમે આ વાત તમારા મગજમાંથી કાઢી નાંખો મિસ્ટર ચૌહાણ ...! સુમન તથા અજીત અગાઉ પણ મળતાં હતાં કે એ બાબતમાં મેં જગત ચૌધરીને પૂછ્યું હતું. જેના જવાબમાં એણે ના પાડી હતી. તમારા લગ્ન પછી પહેલી વાર જ તેઓ મળ્યાં હતાં. સુમને પોતે જ કદાચ અજીતને બોલાવ્યો હતો. કારણ કે એ જયારે તમારા ફ્લેટ પર પહોંચ્યો ત્યારે એણે હસીને તેનું સ્વાગત કર્યું અને તેને ફ્લેટમાં લઇ ગઈ હતી. દસેક મિનિટ પછી એ બને રવાના થયાં હતાં .’

 ‘તેઓ કયા વાહનમાં ગયાં હતાં.?’

 ‘ચોકલેટી કલરની મારુતિ વન થાઉંઝંડમાં ...! કાર અજીત ચલાવતો હતો’

‘મેં તો ફાર્મહાઉસ પાસે આવી કોઈ કાર નહોતી જોઈ.!’

‘ખૂની અથવા તો ખૂનીઓ એની કાર લઇ ગયા હોય તે બનવાજોગ છે !’ પાવાગઢી પોતાનું અનુમાન વ્યક્ત કરતાં બોલ્યો, ‘બાકી એક વાત તો હું ખાતરીઓઉર્વક કહું છું કે સુમને તમારી સાથે વિશ્વાસઘાત નથી કર્યો! તમને ખૂની પુરવાર કરવામાં કોઈ કસર બાકી ન રહે એટલા માટે જ તેને મારી નાંખ્યા પછી ખૂનીએ એ હાલતમાં સુવડાવી હતી.’

‘જો સુમન એટલી જ સતી સાવિત્રી હતી તો પછી એણે અજીતની સાથે તેના ઉજ્જડ ફાર્મહાઉસમાં જવાની શું જરૂર હતી ?’ જાણે પોતાની જાતને પૂછાતો હોય એવો અવાજ જયરાજના મોંમાંથી નીકળ્યો.

‘સુમન તે દિવસે કોઈક ખાસ હેતુસર જ અજીત સાથે ગઈ હતી! વાસ્તવમાં એનો હેતુ શો હતો આ વાતનો જવાબ તો માત્ર તે જ આપી શકે તેમ હતી. એણે આ બાબતમાં તમને કશુંય નહોતું જણાવ્યું ...?’

‘ના છઠી તારીખની સવારે, પોતે કોઈકના ચહેરા પરથી નકાબ ઊતારશે એવું કંઇક એ જરૂર કહેતી હતી. પરંતુ આ વાત એણે આગલા દિવસે શા માટે ટાળી દીધી હતી .’

‘કેમ ....?’

‘કારણ કે સાતમી જુલાઈએ એની જન્મદિવસ હતો. તે પોતાના જન્મદિવસ નિમિત્તે મને સનસનાટીભરી ભેટ આપવા માંગતી હતી. એ છઠ્ઠી તારીખે મારે મીટીંગમાં પહોંચવાની ઉતાવળ ન હોત તો હું કોઈ પણ સંજોગોમાં આ વાત જાણ્યા વગર નહોતો રહેવાનો ! કાશ.સુમને સસ્પેન્સ ઊભું કરવાને બદલે છઠ્ઠી તારીખે જ મને જણાવી દીધું હોત કે પોતે કયા માણસનાં ચહેરા પરથી નકાબ ઉતારવા માંગે છે તો ઘણું સારું થાત ...!’

‘સુમને તમને જરૂર કંઇક ને કંઇક જણાવ્યું હશે એમ હું માનતો હતો. અને એટલા માટે જ હું તમને મળવા આતુર હતો!’

‘ના  એણે કશુંય નહોતું જણાવ્યું .! તે જે માણસનાં ચહેરા પરથી નકાબ ઉતારવા માંગતી હતી એ કદાચ નસીબનો બળવાન હતો .!’

‘તમારે તમારી પત્નીની ડાયરી તપાસવી જોઈએ. કદાચ આ બાબતમાં એણે પોતાની ડાયરીમાં કંઇક લખ્યું હોય એ બનવાજોગ છે !’

‘ના.... એ ડાયરી નહોતી લખતી.’

‘ઓહ..તો તો પછી કોઈ ઉપાય નથી...! સુમન કોના ચહેરા પરથી નકાબ કાઢવા માંગતી હતી એ જાણવું આપણે માટે ખૂબ જ જરૂરી છે !’

જયરાજે કશુંય બોલ્યા વગર સીગારેટનો અંતિમ કસ ખેંચીને તેનું ઠુંઠું એશ ટ્રેમાં પધરાવ્યું.

‘તમે ચિરાગના છુટકારા માટે ઈમાનદારીથી પ્રયાસ કરશો એવી હું આશા રાખું ..?’

‘હું મારાથી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશ. જો પરવેઝ સિકંદરને ખાતરી થઇ જાય કે સોનાની લૂંટ સાથે તમારે કાંઈ સંબંધ નથી તો એ કદાચ ચિરાગને છોડી દેશે.’

‘તમે ભરતપુર જશો ?’

‘હા, તમે મને મિત્ર માનો છો એટલે જવું જ પડશે.’

‘તમે જે માણસને બચાવવા માટે ગંગા નદીમાં કુદ્યા હતા એ કોણ હતો ?’

‘એક માણસ...! અને કોઈ પણ માણસને મોતના જડબામાં જતો જોઇને તેને બચાવવાની મારી ફરજ હતી.’ જયરાજ ભાવહીન અવાજે બોલ્યો.

‘આજે સવારે એની લાશ મળી ગઈ છે. મેં તપાસ કરાવી હતી. મને એમ કે એ તમારો કોઈક પરિચિત હશે. કારણ કે જોગાનુજોગ એ પણ વિશાલગઢનો વતની હતો. એના પેન્ટના ગજવામાંથી એક સુસાઇડ નોટ મળી હતી. એનું નામ મોહનલાલ પટેલ હતું.’

મોહનલાલ પટેલ !

આ નામ સાંભળતા જ જયરાજ આશ્ચર્યથી ઊછળી પડ્યો.

એની નજર સામે અનિતા અને માસૂમ પપ્પુના ચહેરા તરવરી ઊઠ્યા.

‘શું વાત છે ? તમે ચમક્યા શા માટે ?’ પાવાગઢીએ મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું, ‘તમે એના ચહેરાથી નહીં પણ નામથી પરિચિત હતા એવું લાગે છે.’

‘હા, નામથી પરિચિત હતો !’ કહીને જયરાજે તેને અનિતા પટેલ વિશે જણાવી દીધું.

એની વાત સાંભળીને પાવાગઢીના આશ્ચર્યનો પાર ન રહ્યો.

‘જે છોકરીએ તમને પોતાના પિતાને શોધવાની જવાબદારી સોંપી હતી, એ પિતાની લાશને જ તમે લૂંટી લીધી એમ ને ?’

‘ત્યારે આ વાતની મને ખબર નહોતી. ખેર, હવે હું એ રૂપિયા અનિતાને સોંપી દઈશ. મેં માત્ર એના કોટની જ તલાશી લીધી હતી.’

એ જ વખતે દરવાજા પર ટકોરા પડ્યા.

‘કોણ છે...?’ પાવાગઢીએ જ પૂછ્યું.

‘મેનેજર !’

‘શું કામ છે ?’

‘મિસ્ટર આકાશનો એક પત્ર આવ્યો છે !’

જયરાજે ઊભા થઈને દરવાજો ઉઘાડ્યો.

મેનેજર તેના હાથમાં એક કવર મૂકીને ચાલ્યો ગયો. કવર પર મોકલનાર તરીકે અનિતાનું નામ લખેલું હતું.

જયરાજે કવર ઉઘાડ્યું. એમાં માત્ર એક ફોટો જ હતો. મોહનલાલનો ફોટો...!

‘મોહનલાલનો ફોટો મળ્યો તો પણ માત્ર ઓળખવા પૂરતો જ !’ એ બોલ્યો.

‘થોડા દિવસ પહેલાં તેની દીકરી અને દીકરો બંને હરદ્વાર આવ્યા હતા. પરંતુ એ વખતે પિતાની મુલાકાત તેમના નસીબમાં નહોતી. કારણ કે પિતાનું મોત જ હરિદ્વારમાં લખાયેલું હતું...!’

‘આ જ તો જિંદગીની માયાજાળ અને ફાંટેબાજ કુદરતની કરામત છે, મિસ્ટર પાવાગઢી !’ જયરાજ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘હવે તમારે મારું એક કામ કરવું પડશે.’

‘બોલો !’

‘મોહનલાલ પટેલનો મૃતદેહ વિશાલગઢ પહોંચાડવાનું કામ તમે પોતે કરો એમ હું ઈચ્છું છું. અહીં હરદ્વારમાં પણ તમારી ધાક છે એ હું જોઈ ચૂક્યો છું. પોલીસ પણ તમને હેરાન નહીં કરે.’

‘આ કામ થઈ જશે ! પણ કોઈ અજાણ્યા માટે...!’

‘ના...’ જયરાજ વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં બોલ્યો, ‘અનિતા મારે માટે અજાણી હોવા છતાંય અજાણી નહોતી ! તમે અજાણ્યા હોવા છતાંય હવે મારા મિત્ર થઈ ગયા છો એ જ રીતે !’

‘તમે કમાલના માણસ છો, મિસ્ટર ચૌહાણ !’ પાવાગઢી મંત્રમુગ્ધ અવાજે બોલ્યો.

‘હું આજે જ ચિરાગના છૂટકારાની વાત કરવા માટે ભરતપુર જવા માગું છું.’

‘કેવી રીતે કરશો...?’

‘થઈ જશે...!’ જયરાજ આત્મવિશ્વાસ ભર્યા અવાજે બોલ્યો, ‘પરવેઝ સિકંદરનો ખાસ અંગત કહી શકાય એવો એક માણસ મારો મિત્ર છે ! તે પરવેઝ સિકંદરની ખૂબ જ નિકટ છે અને તેના પર પરવેઝને પૂરેપૂરો ભરોસો પણ છે.’

‘મિસ્ટર ચૌહાણ !’ પાવાગઢીએ ગળગળા અવાજે કહ્યું, ‘ચિરાગની જિંદગીનો દાવ રમવાનાં બધાં પત્તાં મેં તમને સોંપી દીધા છે...!’

‘મને ખબર છે...!’ જયરાજ રૂંધાતા અવાજે બોલ્યો, ‘હું એક અઠવાડિયામાં પાછો આવી જઈશ તો તમારો ચિરાગ ફરીથી જ્યુબીલી ગાર્ડનમાં રમતો હશે. જો હું ન આવું તો માની લેજો કે દીકરાના અંતિમ સંસ્કાર કરવાનું પણ તમારા નસીબમાં નહોતું લખ્યું...!’

પાવાગઢીએ એક ઊંડો શ્વાસ લીધો.

‘અને હા... તમારા ભાણેજથી તમે દૂર રહેજો ! ભિખારીએ એને તથા એના મિત્રોને શા માટે ચાલુ ટ્રેને કૂદવા માટે લાચાર કર્યા હતા એ તો કાંઈ એણે તમને નહીં જ જણાવ્યું હોય...?’

‘એના કહેવા મુજબ એ ભિખારી તેમને લૂંટી લેવા માંગતો હતો !’

‘આ વાત બિલકુલ ખોટી છે .....!’ જયરાજ એક એક શબ્દ પર ભર મૂકતાં બોલ્યો, ‘સાચી વાત એ છે કે તમારો આ શૂરવીર ભાણેજ તથા તેના લોફર સાથીદારો ભેગા થઈને અનિતાની આબરૂ લૂંટવા માંગતા હતા ! આવા નીચ માણસને તમારા આંગણામાં પગ પણ મૂકવા દેશો નહીં મિસ્ટર પાવાગઢી ..!’

‘શું ,,?’ પાવાગઢીની આંખો નર્યા અચરજ અને અવિશ્વાસથી પહોળી થઇ ગઈ.

‘હા...હું કંઈ એનો દુશ્મન નથી કે મારે ખોટું બોલવું પડે. બાકી તો તે તમારો ભાણેજ છે . એ ક્યારેય તમારી લાગણી સાથે રમત કરી જાય તો પછી એમ કહેશો નહીં કે ચૌહાણે મિત્ર હોવા છતાંય મને સાવચેત નહોતો કર્યો...!’

‘સલાહ માટે આભાર મિસ્ટર ચૌહાણ . એક વાતની તમે ખાતરી રાખજો કે એ નાલાયક હવે મારી નજીક પણ નહીં ફરકી શકે ...!’ આટલું કહ્યા બાદ પાવાગઢીએ ગજવામાંથી સો સો રૂપિયાવાળી નોટોનાં બે બંડલો કાઢીને ટેબલ પર મૂકી દીધાં.

‘આ શું ..?’ જયરાજે ચમકીને પૂછ્યું.

‘તમે મોહનલાલને શોધી કાઢો એમ અનિતા ઈચ્છતી હતી. એણે બે હજારમાંથી પાંચસો રૂપિયા તમને આપ્યા હતાં...! હું વીસ-પચ્ચીસ લાખનો આસામી છું એટલે વીસ હજાર રૂપિયા આપવાનો મને પણ હક છે !’

‘મિસ્ટર પાવાગઢી ..!’ જયરાજ ગળગળા અવાજે બોલ્યો, ‘મારી આર્થિક હાલત એવી નથી કે હું આ રકમ લેવાની ના પાડું. પરંતુ જેને ભત્રીજો માન્યો છે, તેને શોધવા માટે તમારી પાસેથી વીસ હજાર રૂપિયા લેતાં મને કંઈ નું કંઈ થઇ જાય છે ..!’

‘હું જાણું છું ..! પરંતુ ભત્રીજાની સલામતી માટે પણ તમારે આ કડવો ઘૂંટડો ગળે ઉતારવો જ પડશે !’

‘કવરની પાછળ અનિતાએ પોતાનું સરનામું લખ્યું છે, તે યાદ રાખજો !’ જયરાજે કહ્યું.

‘હા ..’ પાવાગઢી ઊભો થતાં બોલ્યો, ‘અહીંથી નીકળીને હું સૌથી પહેલું કામ એ જ કરવાનો છું .’

જયારે પાવાગઢી આવ્યો ત્યારે તે જયરાજને જોખમી લાગતો હતો. પરંતુ તે ગયો ત્યારે એક મિત્રના રૂપમાં ગયો હતો.

સિગારેટનું પેકેટ પણ તે ભૂલી ગયો હતો.

‘હરી ઈચ્છા બળવાન ...!’ જયરાજ એક ઊંડો શ્વાસ લઈને સ્વગત બબડ્યો.

ત્યાર બાદ એક સિગારેટ પેટાવીને એ ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

*********

Rate & Review

Kalyani Pandya

Kalyani Pandya 2 months ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 months ago

BHARAT PATEL

BHARAT PATEL 7 months ago

Hina Thakkar

Hina Thakkar 7 months ago

Ranjan Patel

Ranjan Patel 7 months ago