Santaap - 9 books and stories free download online pdf in Gujarati

સંતાપ - 9

૯ બ્લેક વોરંટ .....!

 કમિશનર ભાટિયાના સંકેતથી નાગપાલ એની સામે પડેલી ખુરશી પર બેસી ગયો.

 ભાટિયાનો ચહેરો અત્યારે બેહદ ગંભીર હતો.

 ‘આપ ખૂબ જ ચિંતાતુર લાગો છો સર?’

 ‘હા...અને એ ચિંતાનું કારણ તું છો ....! ભગવાન જાણે તેં જગદેવ મરચંટને શું કહ્યું છે કે એ ખૂબ જ રાતો-પીળો થઇ ગયો છે ..!’

 ‘મેં તો એને જે સાચું હતું એ જ કહ્યું છે !’ નાગપાલ શાંત અવાજે બોલ્યો.

 ‘તારી સાચી વાતમાં એક વાત એ પણ હતી કે તારી તપાસના રીપોર્ટ મુજબ જયરાજ ચૌહાણ સ્પષ્ટ ગુનેગાર નહીં, પણ શંકાસ્પદ આરોપી છે ...!’

 ‘હા...અને એ સાચું પણ છે !’

 ‘જો આ વાત પણ સાચી હોય અને એ વાત પણ સાચી હોય તો એક સાચી વાત બીજી પણ છે કે જગદેવ ફરીથી મંત્રી પાસે ગયો હતો. એણે મંત્રીને એમ જણાવ્યું છે કે જે સી.આઈ.ડી. ઇન્સ્પેકટરની આ કેસ માટે નિમણુંક કરવામાં આવી છે, તે ભાગેડુ ગુનેગાર જયરાજનો મિત્ર છે. એટલું જ નહીં, આ ઇન્સ્પેક્ટર હાઇકોર્ટ દ્વારા કાઢવામાં આવેલા વોરંટને પણ કાળું વોરંટ કહે છે ! હવે મંત્રી સાહેબ મને એમ પૂછે કે હું કોર્ટની અવગણના કરનાર ઇન્સ્પેક્ટર નાગપાલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શા માટે નથી કરતો ..?’

 ‘પછી ...? આપે તેમને શું જવાબ આપ્યો ...?’

 ‘મેં તારી જ તરફેણ કરી છે. મારી વિનંતીને માન આપીને તેં આ કેસમાં અંગત રસ લીધો છે એટલે તને સસ્પેન્ડ કરવાનો વિચાર પણ મને કેવી રીતે આવે ...? અરે, ભાઈ....સાચી વાત કહેવી જરૂરી છે , એ તો હું પણ જાણું છું. પરંતુ કોઈ આંધળાને સૂરદાસ પણ કહી શકાય છે .’

 ‘મેં જગદેવ મરચંટને ઘણું સમજાવ્યો હતો કે સુમન તથા અજીતની ખૂની જયરાજ નહીં, પણ બીજું કોઈક હોઈ શકે છે. એવી શક્યતા પ્રત્યે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. મારી તપાસનું તારણ પણ એ જ છે ..!

 ‘ખરેખર ...?’

 ‘હા..’

 ‘તો પછી જયરાજ વિરુદ્ધ કાઢવામાં આવેલું બ્લેક વોરંટ ...?’

 ‘એ વોરંટ પરિસ્થિતિજન્ય સાક્ષીઓના આધારે કાઢવામાં આવ્યું હતું. જયરાજના બચવાનો મુદ્દો પણ કોર્ટમાં મૂકવો જોઈએ એમ હું માનું છું.’

 ‘ખેર ,આપણે કોર્ટના વોરંટ નું માન તો જાળવવું જ પડશે ...!’

 ‘પછી ભલે એ કોર્ટના વોરંટને કારણે એક બાહોશ ઇન્સ્પેક્ટર નિર્દોષ હોવા છતાંય માર્યો જાય ખરું ને ?’ નાગપાલના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

 ‘હા...તો પણ ...!’ ભાટીયા ભારપૂર્વક બોલ્યો, ‘હું ત્રણ-ત્રણ દીકરીઓનો બાપ છું ...! મારે હજુ તેમનાં લગ્ન કરવાનાં બાકી છે ! હું મારી નોકરી જોખમમાં મૂકી શકું તેમ નથી...!’

 ‘આપણી વાત સાથે હું સહમત છું સર...! પરંતુ જયરાજ સિવાય બીજું કોઈક પણ ખૂની હોઈ શકે છે !’

 ‘તો પછી એ બીજા કે ત્રીજાને પકડીને કાયદેસર તેની વિરુદ્ધ ચાર્જશીટ મૂક. એને કોર્ટમાં રજૂ કર. પરંતુ જે વસ્તુનું માન જાળવવું તારી નોકરી અને વર્દીની લાચારી છે, એનું ભગવાનને ખાતર અપમાન ન કર !’

 ‘સર, જે વસ્તુને માન મેળવવું હોય, તેને બીજાને માન આપવા માટે લાચાર બનવું પડે એવું હું નથી માનતો સર..! જો એવું જ હોય તો આ વસ્તુઓ માન મેળવવાને લાયક નથી.’

 ‘નાગપાલ,તે વકીલાતની ડિગ્રી પણ મેળવી છે, એની મને ખબર છે. પરંતુ તારો ઓફિસર, મિત્ર અને સાથે સાથે પ્રશંસક પણ છું. મારે તારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી પડે એવું પગલું ભરીશ નહીં...’

 ‘ઓ.કે. સર !’

 સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી.

 ‘જગદેવ કદાચ તારી પાસે પોતાની દોલત, લાગવગ અને પહોંચનો રૂઆબ છાંટવા માટે આવશે ! એને વ્યવસ્થિત જવાબ આપીને વળાવી દેજે...’

 નાગપાલ ધીમેથી માથું હલાવીને દરવાજા તરફ આગળ વધી ગયો.

 ભાટીયા રીસીવર ઊંચકીને વાતો કરવા લાગ્યો.

- અને ભાટીયાનું અનુમાન સાચું જ પડ્યું.

નાગપાલ પોતાની ઓફિસમાં પહોંચ્યો ત્યારે જગદેવ અગાઉથી જ ત્યાં બેઠો હતો.

 ‘હું દસ મિનિટથી તમારી રાહ જોઉં છું.’ એણે શોધપૂર્ણ નજરે નાગપાલના ચહેરા સામે તાકી રહેતાં કહ્યું, ‘શું કમિશનર સાહેબને મળવા ગયા હતા ?’

 ‘હા..’

 ‘કોઈ નવી માન્યતા નક્કી થઇ ?’ જગદેવના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

 ‘હા..’ નાગપાલ એકદમ શાંત અને ગંભીર અવાજે બોલ્યો, ‘તમારી બુદ્ધિ સામે અમારો સી.આઈ.ડી વિભાગ નકામો છે ! જયરાજ જ ખૂની છે, એવી તમારી માન્યતા સો એ સો ટકા સાચી છે ! હવે અમારો પ્રયાસ જયરાજને જીવતો પકડીને ફાંસીના માંચડે લટકાવી દેવાનો અને જો જીવતો હાથમાં ન આવે તો જ્યાં દેખાય ત્યાં એને શૂટ કરી નાંખવાનો છે !’

 ‘તમે તમારી માન્યતા જરૂર બદલશો એ હું જાણતો જ હતો !’ જગદેવે ગર્વભેર કહ્યું.

 ‘હા....જો હું મારી માન્યતા ન બદલત તો તપાસનીસ અધિકારી જ બદલાઈ જાત ! અને આવું થાય એમ હું ઈચ્છતો નથી. તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે જયરાજ તાબડતોબ પકડાઈ જાય અથવા તો માર્યો જાય !’

 ‘હું રાત-દિવસ એ જ પ્રાર્થના કરું છું ! મારા દીકરાના ખૂનીની લાશ જોયા પછી પણ કદાચ મને સંતોષ નહીં થાય !’ જગદેવ કઠોર અવાજે બોલ્યો, ‘જ્યાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતપુર પાછો ન જવાની મેં પ્રતિજ્ઞા લીધી છે..!’ 

 સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી.

 ‘હલ્લો...’ નાગપાલે રીસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું, ‘મેજર નાગપાલ સ્પીકિંગ...!’

 ‘હું એડવોકેટ જગમોહન બક્ષી બોલું છું નાગપાલ સાહેબ...!’ 

 ‘બોલો બક્ષી સાહેબ...!’ નાગપાલે પૂછ્યું. જગમોહન બક્ષી સુપ્રીમ કોર્ટનો વકીલ હતો, એની નાગપાલને ખબર હતી.

 ‘આપે કોઈક જયરાજ ચૌહાણ વિશે જાહેરાત આપી હતી ખરું ને ?’

 ‘હા..’ નાગપાલ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘બેવડા ખૂન કેસની ગૂંચ ઉકેલી શકાય, એવો કોઈક મુદ્દો અમે શોધીએ છીએ..!’ 

 ‘મારી માહિતીથી કેસ ઉકેલાશે કે વધુ ગૂંચવાશે એ તો હું નથી જાણતો. પરંતુ એક સજ્જન નાગરિક હોવાને નાતે મારે મારા ધંધાના સિદ્ધાંતોને તોડવા પડે છે !’

 ‘એટલે ?’

 ‘એટલે એમ કે છઠ્ઠી જુલાઈના રોજ બપોરે બે વાગે મિસિસ સુમન ચૌહાણ મારી પાસે આવી હતી.’

 ‘મિસિસ સુમન ચૌહાણ, અર્થાત ઇન્સ્પેક્ટર જયરાજની પત્ની ?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

 ‘હા...તેમણે મને એક કવર આપ્યું હતું. કવર પેક હતું અને તેના દરેક સાંધા પર સીલ મારેલું હતું. આ સીલ પોતાના પતિ ઓળખી લેશે એવો દાવો એમણે કર્યો હતો.’

 ‘એ કવર તમારી પાસે છે ?”

 ‘હા...! મિસિસ ચૌહાણે મને એવી સૂચના આપી હતી કે જો એ દિવસે તેમને કઇ થઇ જાય અથવા તો તેઓ ફોન પર મને બીજી કોઈ સૂચના ન આપે તો મારે બીજે દિવસે એ કવર તેમના પતિને સોંપી દેવું. પરંતુ મિસ્ટર જયરાજ તો તે દિવસથી જ ગુમ થઇ ગયા છે. પછી મેં આપની જાહેરાત વાંચી તો મને લાગ્યું કે મારે એ કવર મિસ્ટર જયરાજને બદલે હવે પોલીસને જ સોંપી દેવું જોઈએ !’

 ‘તમે એ કવર લઈને અહીં આવી શકો તેમ છો ?”

 ‘ના...મેં આપણે જાણ કરી દીધી છે. સાંજ સુધી હું ઘેર જ છું. મારું સરનામું...’ 

 ‘સરનામાની મને ખબર છે. હું એકાદ કલાકમાં જ તમારી પાસે આવું છું.’

 ‘એક કામ કરીએ....હું પોતે જ ત્યાં આવું છું.’

 ‘જી...હમણાં તો તમે મને આવવાનું કહેતા હતા ?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

 ‘વાત એમ છે કે મારે મારી દીકરીને તેડવા માટે સ્કૂલે જવાનું હતું. વાંધો નહીં, હેડક્વાર્ટરથી પાછા ફરતી વખતે તેને તેડતો આવીશ !’ 

 ‘ભલે...હું રાહ જોઉં છું. ખેર, મિસિસ ચૌહાણે કવર વિશે કશુંય જણાવ્યું હતું ?’

 ‘હા....એ કવર અમુક ખૂનીઓના ચહેરા પરથી નકાબ કાઢી નાંખશે એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે જો તેમનું ખૂન થઇ જાય તો જે માણસોનાં નામ કવરમાં મૂકેલા પત્રમાં લખેલાં છે તેમને જ એને માટે જવાબદાર માનવા..’

 ‘એ કવર અત્યારે અમારે માટે ખૂબ જ કીમતી બલ્કે અમૂલ્ય છે...! તે સી.આઈ.ડી. ની આબરૂ બચાવી શકે તેમ છે ! એક ઇન્સ્પેક્ટરના માથા પર લાગેલું કલંક એ કવરથી જ ભૂંસી શકાય તેમ છે !’

 ‘આપ બેફીકર રહો ! હું એક કલાકમાં જ હેડક્વાર્ટરે પહોંચી જઈશ !’ કહેતાંની સાથે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

 ‘મિસ્ટર મરચંટ !’ નાગપાલ રીસીવર મૂકીને જગદેવ સામે જોતાં બોલ્યો, ‘મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે મારો મિત્ર ખરેખર નિર્દોષ છે ! એક કલાક પછી પુરવાર પણ થઇ જશે કે તે ખરેખર નિર્દોષ જ છે.’

 ‘પુરવાર થઇ જશે ? કેવી રીતે પુરવાર થઇ જશે ?’

 ‘કારણ કે ખૂનીઓનાં નામ એક કલાકમાં જ અહીં આવી જશે !’

 ‘કેવી રીતે ?’

 ‘જાદુના જોરથી ! મેં પેલા અલ્લાદીનના જાદુઈ ચિરાગના જીનને મોકલ્યો છે. તે એક કલાકમાં આવવાનું કહી ગયો છે !’ વાત પૂરી કરીને એ ખડખડાટ હસી પડ્યો.

 ‘આપનું મગજ તો ઠેકાણે છે ને ..?’

 ‘બિલકુલ ! મેં જે વોરંટને કાળું કહ્યું હતું, તેને હવે હું બૂમો પાડી પાડીને “કાળું વોરંટ” કહી શકું એટલા માટે પણ મારે મારા મગજને ઠેકાણે જ રાખવાનું છે.’

 ‘આનો અંજામ જાણો છો ?’ જગદેવ આગ્નેય નજરે તેની સામે તાકી રહેતાં બોલ્યો, ‘તમારા શરીર પર વર્દી નહીં રહે...’

 ‘કેમ ?’ નાગપાલે બરછીની ધાર જેવા તીખા અવાજે પૂછ્યું, ‘મારી વર્દી કોણ ઉતારશે ? તું...? તું એક બેવકૂફ માણસ ! એક એવો માણસ કે જેને એટલી પણ ખબર નથી કે ખૂનીને પરિસ્થિતિજન્ય સાક્ષીઓના આધારે નહીં, પણ તપાસ દ્વારા પકડવામાં આવે છે !’

 ‘હું તમારા પર માનહાનિનો દાવો કરીશ !’

 ‘જરૂર કરજો...હું ના નથી પડતો ! પરંતુ એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો ! આવા મામલામાં બે સાક્ષીઓની જરૂર પડે છે. અને તમારી પાસે કોઈ સાક્ષી નથી.’

 ‘મારું કહેવું જ પૂરતું છે...!’ ક્રોધાવેશથી જગદેવ જોરથી તાડૂક્યો, ‘યુ બાસ્ટર્ડ...’

 ‘સટાક...’

 વળતી જ પાળે નાગપાલના રાઠોડી હાથની એક જોરદાર થપ્પડ પૂરી તાકાતથી જગદેવના ગાલ પર ઝીંકાઈ, ‘હરામખોર...!’ લોખંડ સાથે કાનસ ઘસાય એવો અવાજ નાગપાલના મોંમાંથી નીકળ્યો, ‘જે લોકોને તારી ગુલામી કરીને રોજી-રોટી મળતી હશે, તેઓ તારી ગાળ સહન કરતા હશે ! ભવિષ્યમાં ક્યારેય ગાળ બોલીશ તો તારી જીભ કાપીને જંગલી પશુને ખવડાવી દઈશ...! હવે ચાલતો થા અહીંથી...નહીં તો તારા માથા પર એટલા જોડા મારીશ કે એક વાળ પણ સલામત નહીં રહે !’

 જગદેવ તમતમતા ચહેરે પોતાનો ગાલ પંપાળતો પંપાળતો બહાર નીકળી ગયો.

 નાગપાલ પોતાના હૃદયમાં અપાર શાંતિ અને ઠંડક અનુભવતો હતો.

 ઘૂંટાતી સચ્ચાઈને જાણે કે ગુંગળામણથી છુટકારો મળી ગયો હતો.

 એણે તરત જ ઇન્ટરકોમ પર ભાટિયાનો સંપર્ક સાધ્યો.

 ‘સર...હું નાગપાલ બોલું છું.’

 ‘બોલ..’

 ‘સર, એક ઓન ડયુટી ઓફિસરને ગાળ આપવાનો મિસ્ટર મરચંટને કોઈ હક છે ?’ નાગપાલે રૂક્ષ અવાજે પૂછ્યું.

 ‘એટલે ? તું કહેવા શું માંગે છે ?’

 ‘મિસ્ટર મરચંટે મને ગાળ આપી છે...અને એ પણ ત્યારે કે જયારે હું મારી ફરજ બજાવતો હતો.’

 ‘એ જગદેવની બહુ મોટી ભૂલ છે !’

 ‘મેં એ ડોકરાને બરાબરનો પાઠ ભણાવ્યો છે ! એ બસ, આંધી-તોફાનની જેમ આપની પાસે જ આવતો હશે..’

 ‘બહુ સારું કર્યું ! આ નાલાયક મને નિરાંતનો શ્વાસ પણ નથી લેવા દેતો ! એક તો જયરાજને ભાગેડુ ગુનેગાર જાહેર કરવાથી હું આમેય પરેશાન હતો અને ઉપરથી આ ડોકરો....બહાર કદાચ એ જ લાગે છે !’

 ‘સર...મને એક કડી મળી છે. જયરાજ વાસ્તવમાં નિર્દોષ છે અને ખૂની કોઈક બીજું જ છે, એનો પુરાવો એક કલાકમા જ આપણને મળી જશે !’

 ‘જો એવું બનશે તો ખરેખર મને આનંદ થશે. તું એક કલાક પછી મને મળજે. જો તને મળેલી કડી અને પુરાવો મજબૂત હશે તો જયરાજ વિરુદ્ધ કાઢવામાં આવેલું વોરંટ પાછું ખેંચી લેવામાં આવશે !’

 ‘થેંક્યુ વેરી મચ સર.....!’ કહીને નાગપાલે ઇન્ટરકોમનું રીસીવર મૂકી દીધું.

 ત્યાર બાદ તે પાઈપ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

 હવે તે આતુરતાથી જગમોહન બક્ષીના આવવાની રાહ જોતો હતો.

*******

 પાવાગઢીના ગયા પછી જયરાજે સિગારેટ ફૂંકતાં ફૂંકતાં જ પોતાનો સામાન પેક કરી લીધો. પાવાગઢીએ આપેલા વીસ હજાર રૂપિયા એણે પોતાના ગજવામાં મૂકી દીધા.

 ત્યાર બાદ રૂમને તાળું મારીને એ નીચે આવ્યો.

 રીસેપ્શન કાઉન્ટર પાછળ બેઠેલો મેનેજર વિચિત્ર નજરે તેની સામે તાકી રહ્યો હતો.

 ‘આકાશસાહેબ....!’ બંનેની આંખો ચાર થતાં જ મેનેજર સન્માનસૂચક અવાજે બોલ્યો, ‘આપે આપના વિશે પહેલાં શા માટે ન જણાવ્યું ?’

 ‘શું ?’ જયરાજે હસીને પૂછ્યું.

 ‘એ જ કે આપ ભરતપુરના ખૂબ જ ધનાઢ્ય ઉદ્યોગપતિ છો અને ધારો તો આ આખી હોટલ ખરીદી શકો તેમ છો ...! મારાથી અજાણતાં જે ભૂલ થઈ છે એને માટે હું આપની માફી માંગુ છું .’

 પાવાગઢીએ મેનેજરને જુલાબ આપી દીધો છે એ વાત જયરાજ તરત જ સમજી ગયો.

 ‘વાંધો નહીં ....!’ જયરાજ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘હવે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો...! જો મારા નામથી કોઈ પત્ર કે મનીઓર્ડર આવે તો લઇ લેજો. પોસ્ટમેન તો તમને ઓળખતો જ હશે...?’

 ‘હા....ઓળખે છે.’

 ‘છતાંય જો તે કઈ આનાકાની કરે તો તમારા કોઈ પણ માણસને આકાશ તરીકે ઓળખાવીને પત્ર કે મનીઓર્ડર લઇ લેજો. હું ભવિષ્યમાં ગમે ત્યારે લઇ જઈશ.’

 ‘શું આપ જાઓ છો ....?’

 ‘હા...સાંજે કોઈક ટેક્ષી મંગાવી દેજો....! અહીંથી ટેક્ષીમાં વિશાળગઢ અને ત્યાંથી પ્લેનમાં ભરતપુર જઈશ....!’

 ‘ઓ.કે. સર ....!’ 

 ‘આ લો ...’ જયરાજે દસ રૂપિયાવાળી એક નોટના બે ટુકડા કરીને તેમાંથી એક ટુકડો તેની સામે લંબાવતાં કહ્યું, ‘આ નોટનો બાકીનો ટુકડો જે કોઈ લઈને આવે તેને મારો સામાન આપી દેજો.’

 ‘સામાન ...?’

 ‘સામાનમાં ખાસ કશુય નથી. એક ધાબળો છે ...મેં થોડા દિવસો પહેલાં શોખ ખાતર પહેરેલાં ફાટેલાં-તૂટેલાં કપડાં છે ...! મારા અનુભવોની યાદગીરી તરીકે હું તેણે સાચવી રાખવા માંગુ છું .’

 ‘ભલે સાહેબ ..!’ મેનેજરે અડધો ટુકડો પોતાના ગજવામાં મુક્યા બાદ હકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું

જયરાજ બહાર નીકળીને સડક પર આવ્યો.

એ થોડી ચીજવસ્તુઓ ખરીદવા માંગતો હતો.

એણે એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી જીન્સનાં બે પેન્ટ, ટી શર્ટ, એક સ્વેટર, એક ટુવાલ અને લીબર્ટીના સ્પોર્ટ્સ શૂઝ તથા મોજાં તેમજ પારદર્શક કોન્ટેક લેન્સ ખરીદ કર્યા. પછી આ બધી ચીજવસ્તુઓ મૂકવા માટે એક નાનકડી સૂટકેસ ખરીદી.

ત્યાર બાદ તે બધી વસ્તુઓ ભરેલી સૂટકેસ લઈને એક સલૂનમાં પ્રવેશ્યો. એણે પોતાના વાળ કપાવ્યા એટલું જ નહીં, હેર સ્ટાઈલ પણ બદલી નાખી. લાંબી જટા જેવી દાઢીને એણે કબીર બેદીની સ્ટાઈલ જેવી કરાવી નાખી અને પછી અરીસામાં પોતાના ચહેરાનું નિરીક્ષણ કર્યું. એનો દેખાવ ઘણો બદલાઈ ગયો હતો. સલૂનવાળાને ચા લાવવાના બહાને બહાર મોકલીને એણે પોતાની આંખોમાં કોન્ટેક્ટ લેન્સ ફીટ કર્યા. એની કાળી આંખો હવે સહેજ ભૂરી દેખાતી હતી.

આ કોઈ પરફેક્ટ ફેરફાર નહોતો. પરંતુ તેમ છતાંય તેણે સંતોષ હતો.

એણે એક થીયેટરના ટોઇલેટમાં જઈને જીન્સનું પેન્ટ ટી શર્ટ તથા સ્વેટર અને સ્પોર્ટ્સ શૂઝ તેમજ મોજાં પહેરી લીધાં.ઘણા વખત પછી સ્પોર્ટ્સ શૂઝ પહેરવાને કારણે તેણે થોડુંક વિચિત્ર લાગુ હતું. 

એ જયારે ટોઇલેટમાંથી બહાર નીકળ્યો ત્યારે રીસેપ્શન હોલમાં મોજુદ અનેક યુવતીઓની નજર તેના આકર્ષક દેખાવ પર સ્થિર થઈ ગઈ.

માણસનો દેખાવ અને વસ્ત્રો કેટલો પ્રભાવ પાડે છે, એ અત્યારે જયરાજ સ્પષ્ટ રીતે અનુભવી શકતો હતો.

પોતાનાં જૂનાં વસ્ત્રો તથા સ્લીપરને એણે સુટકેસમાં મૂકી દીધાં.

ત્યાર બાદ એ સીધો કાવેરી હોટલમાં પહોંચ્યો.

‘આકાશ સાહેબે રૂમમાંથી સામાન લેવા માટે મને મોકલ્યો છે ....!’ એણે દસની નોટનો બાકીનો ટુકડો મેનેજરની સામે મૂકતાં ભારે ભરખમ અવાજે કહ્યું.

‘અ ....આટલી જલદી ....?’ મેનેજરે આશ્ચર્યથી પૂછ્યું.

‘મોટા માણસોની મોટી વાતો ....! મોટા માણસોના મૂડ ક્યારે બદલાઈ જાય એનું કઈ નક્કી થોડું હોય છે ....!’

‘સાચી વાત છે ...!’ મેનેજર કાઉન્ટર પાછળથી બહાર નીકળતાં બોલ્યો.

ત્યાર બાદ એ પોતે જ તેણે જયરાજના રૂમ સુધી લઇ ગયો. અને જયારે જયરાજે પોતે જ ચાવી કાઢીને રૂમનું તાળું ઉઘાડ્યું ત્યારે એનો બધો ખમચાટ દૂર થઈ ગયો.

જયરાજ સામાન લઈને બહાર નીકળ્યો અને એણે મેનેજરને ટેક્સી બોલાવવાનું જણાવ્યું.

ટેક્સી આવી ત્યાં સુધીમાં એણે ચા મંગાવીને પીધી.

‘આ લો ...’ છેવટે તે ઊભો થઈને મેનેજરની સામે સો સો રૂપિયાવાળી પાંચ નોટો મૂકતાં બોલ્યો, ‘આ રૂપિયા આકાશ સાહેબે બક્ષિસ તરીકે તમારે માટે મોકલ્યા છે !’

રૂપિયા જોઈને મેનેજરનો ચહેરો હજાર વોલ્ટના બલ્બની માફક ચમકી ઊઠયો.

જયરાજ મનોમન હસીને વિદાય થયો.

*******

એડવોકેટ જગમોહન બક્ષીએ ગેરેજમાં ઊભેલી કારની ડ્રાઈવીંગ સીટ પર બેઠા પછી એન્જીન સ્ટાર્ટ કર્યું ત્યાં જ બેક વ્યુ મિરરમાં તેણે એક પ્રતિબિંબ દેખાયું.

વળતી જ પળે રિવોલ્વરની નળીનો ઠંડો સ્પર્શ એણે પોતાના લમણા પર અનુભવ્યો.

‘ક...કોણ છો તું ?’ એણે ભયભીત અવાજે પૂછ્યું 

‘કવર આપવા માટે જતો હતો ?’

‘ક...કેવું કવર ?’

‘હું એ કવરની વાત કરું છું જગમોહન, કે જે જયરાજની પત્નીએ તને આપ્યું હતું !’

‘આ વાતની તને કેવી રીતે ખબર પડી ?’

‘એ હું કહી શકું એમ નથી !’

‘તારે...તારે શું જોઈએ છે ?’

‘કવર...!’

‘ના, એ હું તને આપી શકું તેમ નથી !’ જગમોહને તીવ્ર અવાજે વિરોધ કરતા કહ્યું.

‘તારે એ કવર મને આપવું જ પડશે બક્ષી !’ રિવોલ્વરધારીના અવાજમાં હિંસકતા હતી.

‘તું...તું કોણ છો ?’

‘ચૌહાણ....! જયરાજ ચૌહાણ !’

‘જો તું જ જયરાજ ચૌહાણ હો તો હું તને કવર આપી દઈશ ! પહેલાં રિવોલ્વર ખસેડી લે ! એ કવર તને સોપીને મને ખૂબ જ આનંદ થશે ! પરંતુ મને પહેલાં એ વાતની તો ખબર પડવી જોઈએ ને કે ખરેખર તું જ જયરાજ ચૌહાણ છે !’

‘તને શું લાગે છે ?’

‘જયરાજ આ રીતે કદાપી રિવોલ્વર બતાવીને ધમકી ન આપે !’

‘મિસ્ટર જગમોહન, વકીલો બુદ્ધિના જોરે કેસો જીતે છે એવું મેં સાંભળ્યું છે ! અને તમારી પ્રેક્ટિસ તો બહુ સારી ચાલે છે !’

‘એટલે ? તું કહેવા શું માંગે છે ?’

‘કોઈ માણસ તમારી પાછળ રિવોલ્વર લઈને ઊભો હોય તો તે તમારું ખૂન કરીને પણ કવર આંચકી શકે છે, એની તમને ખબર છે ?’

‘હા, ખબર છે ! પરંતુ સાથે જ કોઈનું ખૂન કરવું સહેલું નથી એ પણ હું જાણું છું.’

‘સાંભળો...જો હું જયરાજ હોઉં તો એ કવર મને સોંપવામાં તમને કંઈ વાંધો ન હોવો જોઈએ. અને જો હું જયરાજ ન હોઉં તો પછી કોણ હોઈશ ? એ જ ખૂની કે જેને અત્યાર સુધીમાં કેટલાંય ખૂનો કરી નાંખ્યા છે. એટલે હું ખૂન કરી શકું તેમ નથી એવો ભ્રમ તમારા મગજમાંથી કાઢી નાખજો !’

જગમોહન સ્તબ્ધ બની ગયો. રહસ્યમય માનવીના તર્કમાં તેને પોતાનું મોત દેખાવા લાગ્યું.

‘પણ...પણ આ કવર મારે મેજર નાગપાલને સોંપવાનું છે !’ એણે થોથવાતા અવાજે કહ્યું.

‘જરૂર આપવાનું હશે ! પણ હવે નહીં સોંપો કારણ કે આ કવર તમે તેના હકદારને સોંપી ચૂક્યા છો ! એનો હકદાર તો જયરાજ જ હતો !’

‘પણ...પણ તું જયરાજ નથી લાગતો !’

‘તમે નાગપાલને કવર નહીં સોંપી શકો એટલે તમારે કોઈક બહાનું તો જોઇશે જ ને ? તમે એમ કહી દેજો કે એ કવર જયરાજ લઇ ગયો ! બસ, વાત પૂરી !’

જગમોહન કવર ખાતર પોતાનો જીવ ગુમાવવા તૈયાર નહોતો.

એણે કોટના અંદરના ગજવામાંથી કવર કાઢીને પાછળની સીટ તરફ લંબાવ્યું.

વળતી જ પળે એના માથા પર રિવોલ્વરની મૂઠનો ફટકો ઝીંકાયો.

જગમોહનના કંઠમાંથી તીણી ચીસ નીકળી પડી.

એની ચેતના લુપ્ત થઈ ગઈ.

************

જયરાજ અત્યારે ભરતપુરની અંધારી આલમના ડોન પરવેઝ સિકંદરના જમણા હાથ જેવા ઈબ્રાહીમ પટેલ તથા તેના સહકારી ટોની બ્રીગેન્ઝા સામે બેઠો હતો. પહેલાં તો ટોની તેને નહોતો ઓળખી શક્યો. પરંતુ પછી જયારે ઓળખ્યો ત્યારે તેના આનંદનો પાર નહોતો રહ્યો.

ત્રણેયે ઠંડી બીયરની બોટલ ખાલી કરી નાખી હતી.

એક પોલીસ ઇન્સ્પેક્ટર હતો જયારે બાકીના બે અંધારી આલમના ડોનના ખાસ માણસ હતા ?

તેમની દોસ્તી ખરેખર જ વિચિત્ર કહી શકાય તેવી હતી !

પરંતુ આ દોસ્તી એક હકીકત હતી !

ક્યાં ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર અને ક્યાં અપરાધી આલમના બદમાશો !

-ક્યાં પોલીસ અને ક્યાં અપરાધી આલમ ?

પરંતુ જયરાજે એક જમાનામાં આ અપરાધીઓની નૈતિકતા પણ જોઈ હતી. એક વખત તે લક્ઝરી બસમાં મુસાફરી કરતો હતો ત્યારે અચાનક જ ચાર ત્રાસવાદીઓ બસમાં ઘૂસી આવ્યા. તેમનો ઈરાદો બસનાં તમામ મુસાફરોને મારી નાખવાનો હતો. એ વખતે જયરાજ સિવાયના બે મુસાફરોએ પોતાના પ્રાણની બાજી લગાવીને ચારેય ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. અલબત્ત, આ પ્રયાસમાં એ બંને મુસાફરો મરણતોલ હાલતમાં પહોંચી ગયા હતા. ત્રાસવાદીઓના મુકાબલામાં જયરાજને પોતાને પણ એક ગોળી બાવડા પર લાગી હતી. એ તરત જ આ બંને ઘવાયેલા મુસાફરોને હોસ્પીટલે લઇ ગયો હતો. રસ્તામાં તેણે જાણવા મળ્યું કે એ બંને મુસાફરો ભરતપુરની અંધારી આલમના ડોન સિકંદરના ખાસ માણસો ઈબ્રાહીમ પટેલ તથા ટોની બ્રીગેન્ઝા હતા. ભલે તેઓ અપરાધી આલમના માણસો હતા, પરંતુ તેમ છતાંય તેમણે પોતાના જીવની પરવાહ કર્યા વગર પંચાવન મુસાફરોના જીવ બચાવ્યા હતા. આવા દિલેર માણસોને પોલીસને હવાલે કરતાં જયરાજનું મન ન માન્યું. એણે હોસ્પિટલમાં પણ તેમનાં ખોટા નામ લખાવ્યાં હતાં. અખબારવાળાઓ ઈન્ટરવ્યૂ લેવા તથા ફોટા પાડવા આવ્યા ત્યારે તેમનાં મોં પાટા-પિંડીથી ઢંકાયેલા હોવાને કારણે તેમને ઓળખી શકાય તેમ નહોતા. એક મહિના પછી એ બંને સાજા થયા અને તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે વિદાય લેતી વખતે –

‘તમે શું કરો છો ચૌહાણ સાહેબ ?’ ઈબ્રાહિમ પટેલે પૂછ્યું.

‘હું એક પોલીસ ઇન્સપેકટર છું..!’ જયરાજે જવાબ આપ્યો હતો.

 એનો જવાબ સાંભળીને બંને એકદમ ચમકી ગયા હતા.

‘મેં તમને બંનેને પોલીસને હવાલે શા માટે ન કર્યા એની તમને નવાઈ લાગે છે ખરું ને ? તમે બંને પરવેઝ સિકંદરના માણસો છો એની મને ખબર હોવાં છતાંય મેં આ પગલું શા માટે નથી ભર્યું એવો વિચાર તમને પણ આવતો હશે ! તો સાંભળો...વર્દીની પહેલાં હું ઈન્સાનિયતનું માન જાળવતાં શીખ્યો છું. અને તમે લોકો ઓળખાઈ ન જાઓ, તમારો ભેદ છતો ન થઈ જાય એટલા માટે મેં પરવેઝ સિકંદરને પણ આ બનાવની જાણ નથી કરી !’

‘ચૌહાણ સાહેબ...’ ટોનીએ ગળગળા અવાજે કહ્યું.

‘ઈન્સાનિયતનો જે પાઠ તમે ભણાવ્યો છે, એણે અમારાં દિલ જીતી લીધાં છે. અમે તમને ક્યારેય નહીં ભૂલી શકીએ ! જો ક્યારેય ભરતપુર આવવાનું થાય તો ચોક્કસ જ અમને મળજો.’ કહીને એણે જયરાજને પોતાનું વીઝીટીંગ કાર્ડ આપ્યું.

‘હું જરૂર આવીશ !’

‘ભાઈ ચૌહાણ..!’ પાંસઠ વર્ષની ઈબ્રાહીમ પટેલ ગંભીર અવાજે બોલ્યો, ‘અપરાધની દુનિયા બે પ્રકારની હોય છે ! એક તો એ કે જે લાશોના પાયા પર અપરાધનું સામ્રાજ્ય સ્થાપે છે. અને બીજી એ કે જે માત્ર પૈસાદારોનાં ગજવાં ખાલી કરીને ગરીબોના ભલાઈ માટેનું કામ કરે !’

‘એટલે ...?’ જયરાજે ચમકીને પૂછ્યું.

‘એટલે એમ કે પરવેઝ સિકંદરના સામ્રાજ્યમાં બે નંબરનું કામ જરૂર થાય છે પરંતુ ક્યારેય કોઈ નિર્દોષનું લોહો નથી રેડાતું ....! અલબત્ત, સામ્રાજ્યમાં કોઈ દોષિત ઠરે તો તેણે જરૂર મરવું પડે છે !.’

આટલું કહ્યા પછી એ બંને પ્લેન તરફ આગળ વધી ગયા હતા.

જયરાજને એ બધું યાદ હતું.

એ વખતે તે કાયદાનો રખેવાળ હતો અને આજે કાયદો તેનો પીછો કરતો હતો....!

‘ઈબ્રાહીમ સાહેબ.....!’ એ ધીમેથી બોલ્યો, ‘મેં તમને મારે વિશે બધું જ જણાવી દીધું છે. કાયદાના રખેવાળો મારી પાછળ પડ્યા છે . પરંતુ હું હજુ સુધી મારી જાતને નિર્દોષ પુરવાર નથી કરી શક્યો !’

‘તું બેફીકર રહે જયરાજ ....!’ ઈબ્રાહીમ પટેલે ક્રોધભર્યા અવાજે કહ્યું, ‘તેઓ બચી નહીં શકે ....! તને ખોટી રીતે સંડોવનારાઓને પોતાની કરણીની સજા ભોગવવી જ પડશે !’

‘ભાઈ જયરાજ ...!’ ટોની બોલ્યો, ‘તારી લડાઈ તું એકલો જ લડવા માંગે છે તથા અહીં કોઈક બીજા કારણસર તારે આવવું પડ્યું છે , એમ તું કહેતો હતો ખરું ને ?’

‘હા...શું એ વાત સાચી છે કે બે વર્ષ પહેલાં અહીના ગોલ્ડન બીચ પરથી પરવેઝ સિકંદરનું બે કરોડ રૂપિયાનું સોનું લૂંટી લેવામાં આવ્યું હતું ?’

ઈબ્રાહીમ પટેલ તથા ટોનીએ ચમકીને એકબીજા સામે જોયું.

‘આ વાત તું શા માટે જાણવા માંગે છે ?’

‘સવાલનો જવાબ મળશે તો કારણ પણ જણાવી દઈશ ઈબ્રાહીમ સાહેબ ...!’ જયરાજે ગંભીર અવાજે કહ્યું.

‘હા....સાચી છે ...! એ લૂંટની સાથે ચાર જણાનાં ખૂનો પણ થયાં હતાં અને આજ સુધી તેમની લાશો પણ નથી મળી.’ ઈબ્રાહીમ પટેલ બોલ્યો.

‘તમને આ બનાવ માટે કોના પર શંકા છે ?’

‘જયરાજ, આ અમારો અંગત મામલો છે . અમે પોતે જ સમજી લેશું. પરવેઝ સાહેબ પોતે જ આ મામલો સંભાળે છે !’

‘ઈબ્રાહીમ સાહેબ, પરવેઝ સિકંદરના સામ્રાજ્યમાં નિર્દોષનું લોહી નથી રેડાતું ....અને કદાચ રેડાય છે તો પણ જે માણસનું લોહી રેડાવું જરૂરી હોય તેનું જ રેડાય છે એમ તમે મને કહ્યું હતું ખરું ને ?’

‘હા...કહ્યું હતું અને હજુ પણ એ વાત પર હું અડગ છું .’

‘તો શું કોઈ આઠ વર્ષના માસૂમ બાળકનું લોહી રેડવાને લાયક હોય છે ?’

‘કેમ ...? આવું શા માટે પૂછે છે ...?’ ટોનીએ મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘બે કરોડના સોનાની લૂંટમાંથી પચાસ લાખનું સોનું સુંદરલાલ પાવાગઢી પાસેથી મળવાને કારણે આ લૂંટ માટે તેને જ જવાબદાર માનવામાં આવે છે, એ વાત સાચી છે ?’

‘હા’

‘તો પછી સુંદરલાલનો દીકરો ચિરાગ પણ તમારા કબજામાં જ હોવો જોઈએ ...!’

‘એનો દીકરો અમારી પાસે ક્યાંથી હોય ?’ ઈબ્રાહીમ પટેલે ચમકીને પૂછ્યું.

‘એટલા માટે કે જો લૂંટનું બે કરોડનું સોનું પાછું સોંપવામાં નહીં આવે તો ચિરાગને મારી નાંખવામાં આવશે એવી ધમકી પાવાગઢીને આપવામાં આવી છે. એના માસૂમ દીકરાનું ઘણા સમય પહેલાં અપહરણ કરી લેવાયું છે !’

ઈબ્રાહીમ પટેલ અને ટોનીના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઉતરી આવ્યું.

‘પાવાગઢી એમ કહે છે કે એનો દીકરો અમારી પાસે છે ?’ ઈબ્રાહીમ પટેલે આશ્ચર્યથી પૂછ્યું.

‘હા...હું પાવાગઢીને વચન આપીને આવ્યો છું કે ચિરાગ તેને એક અઠવાડિયામાં પાછો મળી જશે ...! ઈબ્રાહીમ સાહેબ, એ માસૂમની જીંદગી સાથે રમત કરવાનો તમને કોઈ હક નથી! પરવેઝ સિકંદરને સમજાવો કે ગુનાનું સામ્રાજ્ય પણ એક નિર્દોષના લોહીનો ભાર સહન નહીં કરી શકે !’

‘ભરતપુરમાં આપણો માણસ કોણ છે ....?’ ઈબ્રાહીમ પટેલે ટોનીને ઉદ્દેશીને પૂછ્યું, ‘સુલતાન એહમદ જ છે કે બીજું કોઈ ...?’ 

‘જી....સુલતાન એહમદ જ છે !’ 

‘એને ફોન કર ટોની ! આ પરાક્રમ એ નાલાયકનું જ હોવું જોઈએ !’

ટોનીએ તરત જ એસ.ટી.ડીની સુવિધાવાળા ફોનનું રીસીવર ઊંચકીને ભરતપૂરનો નંબર મેળવ્યો.

‘હલ્લો...!’ થોડી પળો બાદ સામે છેડેથી સુલતાન એહમદનો અવાજ તેને સંભળાયો, ‘સુલતાન સ્પીકિંગ !’

‘સુલતાનના બચ્ચા, હું ટોની બ્રીગેન્ઝા બોલું છું. લે...પટેલ સાહેબ સાથે વાત કર..!’ કહીને ટોનીએ ઈબ્રાહીમ સામે રીસીવર લંબાવ્યું.

‘સુલતાન...!’ ઈબ્રાહીમ એના હાથમાંથી રીસીવર લઈને કાને મૂકતા કઠોર અવાજે બોલ્યો, ‘પરવેઝ સાહેબે તારા ખુશી સમાચાર પૂછ્યા છે !’

‘હું મજામાં છું ઈબ્રાહીમ સાહેબ !’

‘ખેર, સોનાની લૂંટ વિશે તેં કોઈ પગલાં ભર્યા છે ?’

‘હા, બે નંબરના સોનાનું ખરીદ-વેચાણ કરતા એક માણસ પાસેથી પચાસ લાખનો માલ મળ્યો છે. અમે તેને પૂછપરછ કરીએ છીએ.’

‘કોણ છે એ માણસ ?’

‘સુંદરલાલ પાવાગઢી ! એના કહેવા મુજબ તે ભારતમા સાત પાર્ટીઓ પાસેથી સોનું ખરીદે છે. આ સોનું એણે કઈ પાર્ટી પાસેથી ખરીદ્યું હતું એની તેને ખબર નથી. ગોડાઉનમા તે એવી રીતે સોનું મુકાવે છે કે કઈ પાર્ટીઓ, ક્યારે અને કયો માલ આપ્યો છે, એ જાણવું પણ તેને માટે મુશ્કેલ છે.’

‘તેં એની પાસેથી જાણવા માટે તેના પર કોઈ જાતનું દબાણ કર્યું છે ?’

‘જી ?’

‘પાવાગઢીના દીકરાનું અપહરણ તેં કર્યું છે ?’

‘હા...’

‘તો એને માનભેર પાવાગઢી પાસે પાછો મોકલી દે !’

‘પણ ઈબ્રાહીમ સાહેબ...પાવાગઢી આ રીતે જ મોં ઉઘાડશે....એનો દીકરો...!’

‘તારે જીવતા રહેવું હોય તો પાવાગઢીને તું પોતે જ જઈને તેનો દીકરો પાછો સોંપી આવ ! એટલું જ નહીં, તારે એની માફી પણ માંગવી પડશે !’ ઈબ્રાહીમ પટેલે કઠોર અવાજે કહ્યું.

‘ભલે....હું કાલે જ આ કામ પતાવી દઈશ !’

‘કાલે નહીં....કાલે નહીં...! આજે જ ! બલ્કે અત્યારે જ તારે જઈને પાવાગઢીને તેનો દીકરો સોંપી આવવાનો છે. પરવેઝ સાહેબને તારા આ પરાક્રમની ખબર નથી. નહીં તો તારે આના કરતાં પણ વધુ આકરી સજા ભોગવવી પડત ! ભવિષ્યમા ક્યારેય આવી ભૂલ કરીશ નહીં !’

‘હું દિલગીર છું ઈબ્રાહીમ સાહેબ !’

‘દિલગીરી મારી પાસે નહીં, પણ પાવાગઢી પાસે વ્યક્ત કરજે. તે આપણી લાઈનનો જ માણસ છે, એની તો તને ખબર જ છે !’

‘જી...’

‘ગુડ નાઈટ...!’કહીને ઈબ્રાહીમ પટેલે રીસીવર મૂકી દીધું.અને પછી જયરાજને ઉદેશીને બોલ્યો, ‘તારું કામ થઈ જ ગયું છે એમ જ તું માની લે ...!પાવાગઢીને એનો દીકરો પાછો મળી જશે ....!’

‘આ કામ ખૂબ જ જરૂરી હતું ઈબ્રાહીમ સાહેબ. કારણ કે મારા મામલામાં મને પાવાગઢી પાસેથી ઘણો સહકાર મળી શકે તેમ છે ...!’

‘પાવાગઢી તને શું મદદ કરી શકે તેમ છે ....?’

‘હું આ કૂતરાની જેમ જે ભટકતું જીવન જીવું છું, એની પાછળ પણ એ લૂંટ જ છે ..!’

‘આવું તને પાવાગઢીએ જણાવ્યું છે ....?’

‘હા’ કહીને જયરાજે પાવાગઢી સાથે થયેલી વાતચીતની વિગતો તેમણે કહી સંભળાવી.

‘આનો અર્થ એ થયો કે સોનાની લૂંટમાં કોનો હાથ હતો તે પાવાગઢી જાણે છે ...!’બધી વિગતો સાંભળ્યા પછી ઈબ્રાહીમ પટેલ ધીમેથી બોલ્યો, ‘આ મામલામાં અમારે પણ ઝંપલાવવું પડશે એમ મને લાગે છે . અને આ નુકસાન બે કરોડના સોના કરતાં વધુ છે....!કયા હરામખોરે આ પરાક્રમ કર્યું છે ?’

‘હાલ તુરત એ કામ મારા પર છોડી દો....! સોનાની લૂંટ કઈ પરિસ્થિતિમાં થઈ હતી એટલું જ હું જાણવા માંગુ છું .! ‘જયરાજે કહ્યું.

‘એ બનાવની મને વધુ ખબર છે !’ ટોની બોલ્યો, ‘આ વાત લગભગ બે વર્ષ પહેલાંની છે .માછીમારોની એક હોડીમાં એ માલ લઇ આવવાનો હતો. હૈદર અને ગુલઝાર, આ બે જણ એ કન્સાઈનમેંટ લેવા માટે ગોલ્ડન બીચ પર ગયા હતા. બસ , ત્યારથી માંડીને આજ સુધી નથી એ કન્સાઇનમેન્ટનો પત્ત્તો કે નથી હૈદર અને ગુલ્ઝારનો....! એ બંનેનાં ખૂનો કરી, તેમની લાશ સાથે વજનદાર વસ્તુ બાંધીને દરિયામાં પધરાવી દેવાઈ હશે એમ અમે માનીએ છીએ.’

‘શું પેલા માછીમારોને ખબર હતી કે તેમણે કઈ વસ્તુ સોંપાવાની છે ?’

‘હા..પરંતુ કમનસીબે એ બંને માછીમારોનો પણ કઈ પત્તો નથી. દુબઈની પાર્ટીના કહેવા મુજબ તેમણે માલ આ માછીમારોને સોંપી દીધો હતો. માછીમારોની જે બોટ ગોલ્ડન બીચ પરથી મળી હતી, તે લોહીથી ખરડાયેલી હતી. આ બનાવ રાત્રે એક વાગે બન્યો હતો એટલે તેનો કોઈ દાર્શનિક સાક્ષી નથી મળ્યો .’

‘શું એ માછીમારો પણ સામ્રાજ્યના માણસો હતા ...?’

‘ના ...તેઓ સામાન્ય માછીમારો જ હતા. પરંતુ આ જાતનાં કામ માટે તેમણે ઘણા પૈસા મળતા હતા. તેમાંથી એકનું નામ ગણેશ અને બીજાનું નામ શંકર હતું. આ કામ એ બંનેનું નથી એની તપાસ અમે કરી લીધી છે. તેમનાં કુટુંબીજનો અહીં જ રહે છે. તેમનાં પર નજર પણ રાખવામાં આવે છે . પરંતુ તેઓ આજે પણ કંગાળ હાલતમાં જ જીવે છે !’

‘હું કાલે રાતાના પ્લેનમાં રવાના થતાં પહેલાં ગણેશ અને શંકરના કુટુંબીજનોને પણ મળવા માંગુ છું.’

‘ભલે...એની વ્યવસ્થા થઈ જશે !’

‘શું એ માછીમારો અવારનવાર સામ્રાજ્ય માટે કામ કરતાં હતા ...?’

‘હા..’

જયરાજ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

‘આ કામ ખૂબ જ ખતરનાક છે, જયરાજ. તારે ડગલે ને પગલે સાવચેતી રાખવી પડશે.’ ઈબ્રાહીમ પટેલ ચિંતાતુર અવાજે બોલ્યો, ‘તું ટોનીને સાથે લઇ જજે !’

‘થેંક્યું ઈબ્રાહીમ સાહેબ ....! જો મને જરૂર પડશે તો હું ચોક્કસ તેને લઇ જઈશ. ખેર, ગોલ્ડન બીચ પર “સાગર પરી” નામની એક બોટ છે ...! આ બોટનો માલિક કોણ છે, એ હું જાણવા માંગુ છું .’

‘અત્યારે તો એ કહેવું મુશ્કેલ છે. પણ કાલ સુધીમાં ખબર પડી જશે .’

‘આ બનાવ બન્યો ત્યારે “સાગર પરી” નામની બોટ ગોલ્ડન બીચ પર જ હતી. લૂંટના બનાવ સાથે આ બોટને જરૂર કૈંક ગાઢ સંબંધ હતો એમ હું માનું છું .’

‘આ વાત પણ તને પાવાગઢીએ જ જણાવી હશે ખરું ને ?’

‘હા...’ જયરાજે સહમતીસૂચક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો, ‘એક કામ બીજું પણ છે ...! કાલે કોઈ પ્લાસ્ટિક સર્જન મારો ચહેરો બદલી નાખે એમ હું ઈચ્છું છું. હું મારા અસલી ચહેરા સાથે વિશાલગઢમાં મારા પર તોળાતા જોખમોનો સામનો કરવા નથી માંગતો !’

‘મામુલી કામ છે. થઈ જશે . આ ઉપરાંત રૂપિયા-પૈસાની પણ જરૂર પડશે ખરું ને ?’

‘હા..’

‘એનો બંદોબસ્ત પણ થઈ જશે . પરંતુ એમાં એક શરત છે ....!’

‘શરત....?’

‘હા..’

‘કેવી શરત...?’

‘એ પૈસા તારે પાછા નથી આપવાના ..!’

‘ભલે...!’ જયરાજ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘નહીં આપું બસ ને ....?’

‘તને જરૂરી લાગતું હોય તો હું સુલતાનને પણ સૂચના આપી દઉં !’

‘ના....એની કંઈ જરૂર નથી ..! અલબત્ત, હું સુલતાન વિશે જરૂર જાણવા માંગુ છું .’

‘સુલતાન એહમદ અમારો ખૂબ જ ગુપ્ત કાર્યકર છે ! સોનાને બજારમાં વેચવાનું કામ એ જ કરે છે 

. એને પાંચ ટકા કમીશન આપવામાં આવે છે અને તે પણ એટલા માટે કે એના ચહેરા પર શારાફતનો બુરખો છે ...! તે કેટલીયે સંસ્થાઓનો ચેરમેન છે ..! અનેક સમાજસેવી સંસ્થાઓનો પ્રમુખ છે ! સોનાના વેપારીઓના સંગઠનનો અધ્યક્ષ પણ છે. રાજકીય ક્ષેત્રે પણ સારી એવી વગ ધરાવે છે .....! જરૂર પડ્યે પૈસાના જોરે નેતાઓને મત પણ અપાવી દે છે !’

‘ઓહ..આ કારણસર જ તેણે પાંચ ટકા કમીશન મળે છે એમ ને ..?’ જયરાજ હસ્યો.

ઈબ્રાહીમ પટેલે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો.

‘હવે તું જમીને આરામ કર જયરાજ.’ એણે કહ્યું, ‘બાકીની વાતો કાલે કરીશું .’

જયરાજે ધીમેથી માથું હલાવ્યું.

ત્રણેય ઉભા થઈને ડાઈનીંગ રૂમ તરફ આગળ વધી ગયા.

*******

 પ્લાસ્ટિક સર્જન ડોક્ટર ગુપ્તાએ બારીકાઈથી જયરાજના ચહેરાનું નિરીક્ષણ કર્યું અને પછી સંતોષથી માથું ધુણાવતાં બોલ્યો, ‘હવે તમે અરીસામાં તમારો ચહેરો જોઈ શકો છો !’

 ત્રણ કલાકની અથાગ મહેનતનો થાક ગુપ્તાના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.

 જયરાજે અરીસામાં પ્રતિબિંબ જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો.

 એનો ચહેરો એકદમ બદલાઈ ગયો હતો. અત્યારે તે પાંત્રીસ ને બદલે પચાસ વર્ષનો લાગતો હતો. એના માથાના વાળ સફેદ દેખાતા હતા. ચહેરા પર કરચલીઓ પડેલી હતી. આંખોની કીકીનો રંગ લીલો થઈ ગયો હતો. ચહેરા પરની ફ્રેંચકટ દાઢીના વાળ સફેદ હતા. એનું પાતળું નાક પણ સહેજ ચપટું થઈ ગયું હતું. એની આંખો પર સોનેરી ફ્રેમના સાદા કાચવાળા ચશ્માં ચડાવેલાં હતાં.

 ગુપ્તાની કારીગરીનો ઉત્તમ નમુનો અત્યાર તેની સામે અરીસામાં મોજુદ હતો.

 ‘વાહ...તમારા હાથમાં ખરેખર જાદુ છે મિસ્ટર ગુપ્તા ...!’ જયરાજ પ્રશંસાભર્યા અવાજે બોલ્યો.

 ‘થેન્કયુ ...!’ ગુપ્તાએ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘ હજુ તો સમય ઓછો હતો, નહીં તો હું આના કરતાં પણ વધુ સારું કામ કરી બતાવત ...!’

 ત્યાર બાદ પોતાનો સામાન સમેટીને એ ચાલ્યો ગયો .

 એ વિદાય થયો કે તરત જ ઈબ્રાહીમ પટેલ અને ટોની અંદર પ્રવેશ્યા.

 ‘હવે સંતોષ ....?’ ઇબ્રાહીમ પટેલે પૂછ્યું.

 ‘હા...’

 ‘’મેં બધી  તપાસ કરી લીધી છે. “સાગર પરી” નામની બોટ અબ્દુલ બુખાતીર નામના અરબ શેખની છે અને તે અવારનવાર ભારત આવે છે ત્યારે સહેલગાહ માટે તેનો ઉપયોગ કરે છે. તે ભારતની બહાર જાય ત્યારે આ બોટ એના મિત્ર મધુકર શીન્દેના કબજામાં રહે છે ! મધુકર પણ સોનાના ખરીદ-વેચાણનું કામ કરે છે એટલે બે કરોડના સોનાની લૂંટમાં “સાગર પરી” એ પણ કોઈક ભાગ ભજવ્યો હોય એવું માની શકાય તેમ છે !’ ટોનીએ કહ્યું. 

 ‘બસ, આટલી માહિતી પુરતી છે ....! ગણેશ અને શંકરના કુટુંબીજનોને હું પોતે મળી લઈશ ....!’

 ‘તારું નામ શું રાખીશ ...?’

 ‘રાજકુમાર કેમ રહેશે ..?’ જયરાજે હસીને પૂછ્યું.

 ‘સરસ ....!’

 ‘હું રાત્રે આઠ વાગ્યાના પ્લેનમાં નીકળી જવા માંગુ છું .’

 ‘વાંધો નહીં. હું ટીકીટ અને હોટલની વ્યવસ્થા કરી દઈશ ! વિશાળગઢમાં કઈ હોટલમાં ઉતરવું છે ...?’

 ‘હોટલ રોયલ પેલેસમાં ..! બંદર રોડ પર છે ...!’

 ‘રાજકુમારના નામથી જ ઉતરવાનો છે ...?’ 

 ‘હા ..’

 ‘ગણેશ અને શંકરના કુટુંબીજનો અહીં હુડકો સોસાયટીમાં રહે છે. હું એની સાથે તારી મુલાકાત કરાવી આપીશ.’ ટોનીએ કહ્યું.

 ‘ભલે ..’ જયરાજે હકારમાં માથું હલાવ્યું.

 ત્યાર બાદ એક સિગારેટ પેટાવીને તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

********