Connection-Rooh se rooh tak - 22 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 22

૨૨.અપર્ણાનો ગુસ્સો



અપર્ણા કાફેમાંથી નીકળીને ગુસ્સામાં રોડ પર ચાલ્યે જતી હતી. થોડે દૂર જતાં અચાનક જ ત્રણ છોકરાં એની સામે આવીને ઉભાં રહી ગયાં અને અંદરોઅંદર કહેવા લાગ્યાં, "શું ફટાકડી છે યાર, ઐસી ખૂબસૂરત લડકી કભી નહીં દેખી."
એક છોકરો પોતાનાં નીચલા હોઠને દાંત વડે દબાવીને કહેવા લાગ્યો, "હેય બ્યૂટીફુલ! અમારી સાથે ડેટ પર આવીશ?"
"પ્લીઝ! મારો રસ્તો છોડો અને મને જવાં દો." અપર્ણાએ હાથ જોડીને થોડાં ગુસ્સા સાથે કહ્યું અને ચાલવા લાગી તો એમાંના એક છોકરાએ અપર્ણાનો હાથ પકડી લીધો. અપર્ણાએ આગ ઝરતી નજરે એ છોકરાં સામે જોયું અને પછી તો જે ખેલ થયો છે! અપર્ણાએ એ ત્રણેય છોકરાઓને મારી મારીને ધોઈ નાખ્યા. એટલામાં જ શિવ એની રેગ્લર જીપમાં ત્યાં આવી પહોંચ્યો.
"હેય, આ શું કર્યું તે?" શિવે નીચે રોડ પર પડેલાં ત્રણેય છોકરાંઓ પર એક નજર કરીને અપર્ણાને પૂછ્યું.
"દેખાતું નથી? મેં એમને માર્યા છે." અપર્ણાનાં અવાજમાં હજું પણ થોડી તીખાશ હતી.
"દેખાય છે, પણ શાં માટે માર્યા?" શિવે ચિંતાજનક અવાજે પૂછ્યું. ત્યાં સુધીમાં તો ત્યાં ભીડ એકઠી થઈ ગઈ.
"લોકો સાચું જ કહે છે. કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે એને પરેશાન નાં કરવી. પણ, એ વાત આમને કોણ સમજાવે?" અપર્ણાએ રોડ પર પડેલાં ત્રણેય છોકરાંઓ તરફ નજર કરીને કહ્યું, "હું કાફેમાંથી ગુસ્સામાં નીકળી હતી, અને રોડ પર ચુપચાપ ચાલ્યે જતી હતી. એમાં આ ત્રણેય આવ્યાં અને મને કહેવા લાગ્યાં. 'શુ ફટાકડી છે યાર! ઐસી ખૂબસૂરત લડકી કભી નહીં દેખી.' તો બીજાએ મને ડેટ પર આવવાં પૂછ્યું. છતાંય મેં શાંતિથી હાથ જોડીને એમને મારો રસ્તો છોડવાં કહ્યું. પણ, માને કોણ?" એણે રોડ પર પડેલાં ત્રણેય છોકરાંઓ પર એક આગ ઝરતી નજર કરી અને આગળ ઉમેર્યું, "એકે તો મારો હાથ પકડી લીધો. પછી શું? મને આવ્યો ગુસ્સો અને મેં બધાંને ધોઈ નાંખ્યા. જે સ્ત્રી ઘરમાં કપડાં ધોઈ શકે એ જ સ્ત્રી આવાં ટપોરીઓને પણ ધોઈ શકે. એ વાત આ લોકો કેમ ભૂલી જાય છે? એ જ નથી સમજાતું મને!" એનો ગુસ્સાનો પારો વધું જ હાઈ થઈ રહ્યો હતો, "આગને બસ એક ચિનગારીની જરૂર હોય છે અને હું એ જ આગ છું. એ આ લોકો જાણતાં નથી. એ આગનો હાથ પકડીને આ ત્રણેયે એને ભડકાવી દીધી. મને ફટાકડી કહી હતી. હવે ફટાકડી ફૂટે પણ ખરાં! એ વાત આ લોકો ભૂલી ગયાં એમાં મારો શું વાંક?"
"તારો કોઈ વાંક નહીં મારી માઁ! પણ, હવે આ લોકોનું કરવું છે શું? એક કામ કર આમને અહીં જ છોડ આપણે જઈએ." શિવે કહ્યું.
"નહીં, અપર્ણા એટલી બધી પણ ખરાબ નથી." અપર્ણાએ કહ્યું, "માન્યું આ લોકોએ ભૂલ કરી છે. છતાંય આ પણ કોઈનાં દિકરા, ભાઈ કે પતિ હશે. જેમને આ લોકોની ચિંતા હશે. તો આપણે આમને હોસ્પિટલમાં એડમિટ કરાવી દઈએ." અપર્ણાએ વિચારીને કહ્યું.
"જેવી તારી મરજી." શિવે કહ્યું.
"ચાલ તું આ બધાંને મારી કાર સુધી લઈ જવામાં મારી મદદ કર,." અપર્ણાએ પેલાં છોકરાંઓ પાસે જઈને કહ્યું.
"એક મિનિટ! તારી કાર ક્યાં છે?" શિવે આજુબાજુ જોઈને પૂછયું.
"અરેરે! કાર તો કાફેની બહાર જ રહી ગઈ." અપર્ણાએ પોતાનું માથું પકડી લીધું.
"તો ક્યાંક તું એવું તો નથી ઈચ્છતી ને કે હું હનુમાનજીની જેમ આ ત્રણેયને મારાં ખંભે ઉંચકીને કાફે સુધી લઈ જાવ?" શિવ આંખો પહોળી કરીને અપર્ણા સામે જોવાં લાગ્યો.
"હું એટલી પણ પાગલ નથી. તારી જીપ છે તો તારે આ લોકોને ખંભે ઉંચકીને કાફે સુધી લઈ જવાની શું જરૂર?" અપર્ણાએ કહ્યું.
અપર્ણાની વાતમાં પોઈન્ટ તો હતો. બંને મળીને છોકરાઓને શિવની જીપમાં બેસાડવા લાગ્યાં. ત્યાં જ એક અવાજ અપર્ણાના કાને પડ્યો, "હેલ્લો! પોલીસ સ્ટેશન..." અપર્ણાએ એક સણસણતી નજર ભીડ તરફ કરી અને ચિલ્લાઈને બોલી, "અબે રુક ઓય!"
"હવે તને શું થયું?" શિવે પૂછ્યું.
"એક મિનિટ!" કહીને અપર્ણા ભીડમાં મોજુદ એક શખ્સ તરફ આગળ વધી જે કાને ફોન લગાવીને ઉભો હતો. એણે એની પાસે જઈને એનાં હાથમાંથી ફોન લઈ લીધો, "તને પોલીસને બોલાવવાની કોઈ ચરબી ચડી છે ને કંઈ! જ્યારે આ લોકો મારી સાથે જબરદસ્તી કરી રહ્યાં હતાં. ત્યારે તું ક્યા હતો? હવે જ્યારે એક છોકરીએ એકલાં હાથે ત્રણ છોકરાંઓને માર્યા તો એ તારાથી હજમ નાં થયું અને લાગી ગયો પોલીસને બોલાવવા." એણે એ વ્યકિતનો ફોન પોતાનાં જીન્સના ખિસ્સામાં નાંખી દીધો, "હવે બોલાવ પોલીસને." એણે વ્યકિતની આંખોમાં આંખો પરોવી. ત્યાં જ એની નજર એ વ્યકિતની બાજુમાં પડેલી બાઈક પર પડી, "આ બાઈક તારી છે?" એણે પૂછ્યું તો વ્યક્તિથી ડોક હાં માં ધુણાવાઈ ગઈ. એણે આગળ વધીને બાઈકની ચાવી લઈને એ પણ ખિસ્સામાં નાંખી દીધી, "તારું પાકીટ આપ." એણે હાથ આગળ વધાર્યો.
"બેન જવાં દો ને." વ્યક્તિએ કરગરીને કહ્યું.
"ઓ હેલ્લો! મારે એક જ ભાઈ છે, અને મને કોઈને ભાઈ બનાવવાનો શોખ પણ નથી. તારાં જેવાને તો બિલકુલ નહીં." અપર્ણાનાં અવાજમાં કડકાઈ આવી ગઈ, "જ્યારે પેલાં નમૂનાઓ મને પરેશાન કરતાં હતાં ત્યારે તું ક્યાં ગયો હતો? હવે વાત બાઈકની ચાવી અને ફોન પર આવી તો બેન બનાવી લીધી. કમાલ છે હો તું! ચાલ પાકીટ આપ હવે." એણે ફરી કહ્યું. વ્યકિતએ પાકીટ નાં આપ્યું. તો અપર્ણાએ જાતે જ એનાં પાછળનાં ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું, "હવે ચાલીને જ પોલીસ સ્ટેશન સુધી જા. હું પણ જોવ તારામાં કેટલો દમ છે?" કહીને અપર્ણા ચાલતી થઈ ગઈ.
એ શિવ પાસે આવી ગઈ. બંનેએ બાકી બચેલા એક છોકરાંને જીપમાં બેસાડ્યો. પેલો વ્યકિત એની બાઈકને જોઈ રહ્યો હતો. જેની ચાવી અપર્ણા પાસે હતી. અપર્ણા એક નજર એનાં પર કરીને સામે રહેલાં પાનનાં ગલ્લાં તરફ આગળ વધી ગઈ. શિવ એની હરકતો નોટિસ કરી રહ્યો હતો. અપર્ણાએ પાનનાં ગલ્લે આવીને કહ્યું, "કાકા! આ ચાવી, ફોન અને પાકીટ રાખો." એણે સામે રોડ પર ઉભેલાં વ્યક્તિ તરફ આંગળી ચીંધી, "જ્યાં સુધી પેલો પોતાની ભૂલ પર રડવા નાં લાગે. ત્યાં સુધી આ બધો સામાન તમારી પાસે રાખજો. જ્યારે એ હાર માનીને પગપાળા જ ચાલતો થઈ જાય. ત્યારે જઈને આ ત્રણેય વસ્તુઓ એને આપી દેજો અને કહેજો. 'અપર્ણા કમજોર નથી અને લોકો સમજે એટલી ખરાબ પણ નથી.' સમજી ગયાં ને?"
"હાં બેટા! સમજી ગયો." કાકાએ સ્મિત સાથે કહ્યું. અપર્ણા પણ હસીને શિવ પાસે આવતી રહી.
"ચાલ હવે." અપર્ણાએ જીપમાં બેસીને કહ્યું, "આ બધાંને પહેલાં હોસ્પિટલ પહોંચાડીએ. પછી તું મને બોમ્બે કાફે સુધી મૂકી જાજે."
શિવ જીપની ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને જીપને હોસ્પિટલ તરફ ચલાવી મૂકી. થોડે દૂર જતાં જ એને કંઈક સૂઝતાં એણે અપર્ણા તરફ જોઈને પૂછયું, "તું બોમ્બે કાફેમાં કરતી શું હતી? વળી પાછી કાર ત્યાં જ મૂકીને રોડ પર ચાલતી થઈ ગઈ. એવો બધો ગુસ્સો કંઈ વાતનો હતો?"
"છે એક નમૂનો મારી જીંદગીમાં!" અપર્ણાએ રોડ પર નજર કરીને કહ્યું, "એનાં મારી ફ્રેન્ડ સાથે લગ્ન નક્કી થયાં છે. કોણ જાણે અંકલે શું જોઈને એને પસંદ કર્યો? પણ, હું એનાં લગ્ન મારી ફ્રેન્ડ સાથે નહીં થવા દઉં."
"તો હવે શું કરીશ?" શિવે જીપ ચલાવતાં ચલાવતાં જ પૂછ્યું, "અને એ નમૂનો છે કોણ?"
શિવનો સવાલ સાંભળતાં જ અપર્ણા ઉંડા વિચારોમાં સરી પડી. એ વિશ્વાસને કહી તો આવી હતી, કે એ તાન્યા અને વિશ્વાસના લગ્ન નહીં થવા દે. પણ, લગ્ન રોકશે કેવી રીતે? એ વિશે અપર્ણાએ હજું સુધી કંઈ વિચાર્યું ન હતું. એનાં વિચારો વચ્ચે શિવે હોસ્પિટલ આવતાં જીપને બ્રેક મારી. જીપને બ્રેક લાગતાં જ અપર્ણાના વિચારોને પણ બ્રેક લાગી ગઈ. બંનેએ પેલાં ત્રણેય છોકરાંઓને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડોક્ટર શિવને સારી રીતે ઓળખતાં હતાં. એટલે કોઈ સવાલ જવાબ વગર જ કામ થઈ ગયું.
"આજ પછી કોઈ છોકરીને કમજોર સમજવાની ભૂલ નાં કરતાં." અપર્ણા ત્રણેય છોકરાંઓને ધમકી આપીને બહાર જતી રહી.



(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"