AABHA - 11 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 11


અત્યાર સુધી આભા દ્વારા આગળ વધી રહેલી વાર્તા હવેથી ત્રીજા પુરુષ તરીકે આગળ વધારી રહી છું.
આપને જરૂર પસંદ પડશે. એવી આશા સહ🙏🏻🙏🏻

*...........*..........*.......…..*..........*........*

"હોટલ પર જે થયું એ ઠીક નથી થયું. આપણે આભાને સત્ય કહી નહીં શકીએ અને જે દ્રશ્ય એને જોયું એના માટે ‌‌‌એ શું ધારી બેઠી છે?" હેમંતભાઈ ના ચહેરા પર ચિંતા ના ભાવ ફરી રહ્યા હતા.

"મોટાભાઈ ચિંતા ના કરો.. અને મને લાગે છે આપણે એને બધું સાચું કહી દેવું જોઈએ." મોટાભાઈ ની ચિંતા જોતા હર્ષદભાઈ બોલી પડ્યા.

"શું કહો છો તમે? આભાને કઈ રીતે સાચું કહી શકીએ આપણે?? ડૉક્ટરે કહ્યું છે કે આ રીતે અચાનક બધી હકીકત જાણી એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે." વનિતાબેન પોતાના પતિ ની વાત સાથે સહમત નહોતાં.

" આકાશ બેટા, અંતિમ નિર્ણય તારો છે, આભાએ ઓલરેડી આકૃતિ અને રિયા વિશે ખોટું ધારી લીધું છે. એનાથી પણ એની તબિયત તો સારી નહીં જ રહે. કોઈ સ્ત્રી પોતાના પતિ ને બીજી સ્ત્રી સાથે જુએ એટલે એ સહન ન જ કરી શકે. એને સાચું કહી દેવાથી કદાચ એને સંભાળવા માટે આસાની રહેશે." જીજ્ઞાબેન પોતાના દિયર સાથે સહમત હતા.

" આઈ થીંક આપણે ભાભીને બધું ના કહીએ, પણ અડધું સત્ય કહી અત્યારે સંભાળી લઈએ." રાહુલે પોતાનો મંતવ્ય જણાવ્યો.

" રાહુલ, તું કહેવા શું માંગે છે?? અડધું સત્ય એટલે??" રિયા પ્રશ્નાર્થ નજરે જોઈ રહી...

" જુઓ, ભાભીને આપણે સાચું કહી દઇએ કે આકૃતિ એમની દીકરી છે. એમના એક્સિડન્ટ ના લીધે એ બધું ભૂલી ગયા એટલે એને સુરત રાખેલી... બીજું કંઈ અત્યારે કહેવાની જરૂર નથી." રાહુલ પોતાના વિચારો રજૂ કરી રહ્યો હતો.

" અને જો એ આકૃતિને અહીં લાવનાર રિયા વિશે પૂછે તો??" આકાશ હજુ પણ આ વાત માટે અવઢવમાં હતો.

" રિયા.....?? હા એને મારી ફ્રેન્ડ તરીકે ઈન્ટ્રોડ્યુસ કરશું..? કોઈ પણ બીજું બહાનું કહી શકાય? રાહુલ પાસે દરેક પ્રશ્નનો ઉકેલ હતો.

સર્વાનુમતે બધાએ નક્કી કર્યું કે આભાને અડધુ સત્ય જણાવવું.

થોડી વારમાં આભા ભાનમાં આવી ગઈ. આકાશ ને જોતા જ એ બોલી, " મિત્ર, મારી ઢીંગલી ક્યાં છે?? આટલી નાની, મમ્મી વગર કઈ રીતે રહી હશે??? "

આકાશ વિમાસણમાં હતો, " શું આભાને બધું યાદ આવી ગયું?? તેણે મને મિત્ર કેમ કહ્યું?? આ રીતે તો એણે ક્યારેય નથી બોલાવ્યો..?? "

" શું જુએ છે તું? આકૃતિ ક્યાં છે? " કહેતાં તો એની આંખોમાં આંસુ આવી ગયાં.

" આકૃતિ ઘરે જ છે. તને...?"

"હા આકૃતિ આપણી દીકરી છે મને યાદ આવી ગયું છે." આકાશ પ્રશ્ન પૂર્ણ કરે એ પહેલાં જ આભા એ જવાબ આપી દીધો.

"આપણી??" આકાશ મનોમન વિચારી રહ્યો હતો.
" તને બધું યાદ આવી ગયું.?" આકાશે ગભરાતા સ્વરે પૂછ્યું..

" બધું એટલે?? યૂ આર માય હસબન્ડ એન્ડ આકૃતિ ઈઝ અવર ડૉટર?? રાઈટ? આનાથી મોટી હકીકત મારા માટે બીજી કઈ હોઈ શકે ? " આભા એ જવાબ આપ્યો.

" મતલબ,?? હજુ એને બધું યાદ નથી આવ્યું." મનોમન વિચારતા આકા‌શને હાશકારો થયો.

બધા એને આરામ કરવા કહી રહ્યા હતા અને એ આકૃતિને મળવા જીદ કરી રહી હતી. રિયા બધાથી દૂર ચૂપચાપ ઊભી હતી. પણ આભાને આકૃતિ સિવાય બીજે કશે ધ્યાન જ નહોતું. આભાને બીજું કંઈ યાદ નહોતું આવ્યું એટલે અત્યાર પૂરતી બધાના મનમાં શાંતિ થઈ.

" મારી ઢીંગલી ને મારી પાસે લાવો, પ્લીઝ..." આભા આકૃતિ માટે વલોપાત કરી રહી હતી.

" એ રાહુલના રૂમમાં જ સુતી છે. હવે એને ક્યાંય નહીં મોકલીએ બસ..હવે તું પણ થોડીવાર આરામ કર." જીજ્ઞાબેન એને સમજાવી રહ્યા હતા.

" તારી પોતાની તબિયત ખરાબ છે તો તું આકૃતિને કઈ રીતે સંભાળીશ?." આભાને શાંત કરવા વનિતાબેન તેને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

" મને એક વાર આકૃતિને મળવા દો. પછી તમે લોકો જેમ કહેશો એમ જ હું કરીશ. પ્લીઝ એક વાર..." આભા કરગરી રહી હતી.

"ઓકે, હું લઈ આવું છું એને પણ તારે પ્રોમિસ કરવું પડશે કે તું વધુ વખત આકૃતિ પાસે નહીં રહે અને આરામ કરશે." આભાની જીદ સામે આકાશ હારી ગયો.

" પણ આકૃતિને ઊંઘ માંથી જગાડશો તો એ રડારોળ કરશે." રિયા થી બોલી પડાયું...

" હું એને જગાડીશ નહી બસ. એની પાસે શાંતિથી બેસીશ." હવે આભામાં માતૃત્વ છલકાઈ રહ્યું હતું.

રિયા નાં બોલવાથી થોડીવાર બધા સ્તબ્ધ થઈ ગયા. બધાને હતું, કે આભા રિયા વિશે પ્રશ્ન કરશે પણ આભા ફક્ત આકૃતિ વિશે જ વિચારી રહી હતી તેથી તેનું ધ્યાન રિયા તરફ ગયું જ નહીં.

આકાશ એને આકૃતિ પાસે લઈ ગયો. ગુલાબી ફ્રોક, દૂધે ધોયેલી હોય તેવી કોમળ ત્વચા, ગુલાબની પાંખડી જેવા કોમળ હોઠ, નિર્દોષ ચહેરો....શાંતિથી ઊંઘતી આકૃતિ કોઈ રમકડાંની ઢીંગલી જેવી જ લાગતી હતી.

*.........*..........*.........*...........*

" મને લાગે છે હવે મારે જવું જોઈએ." કહેતા રિયા જવા માટે તૈયાર થઈ.

" હા, ભાભી નું ધ્યાન તારા તરફ જાય એની પહેલા તારું જતું રહેવું બેટર છે." રાહુલને રિયા ની વાત યોગ્ય લાગી.

" પણ અત્યારે, સુરેન્દ્રનગર સુધીની તો બસ મળી જશે પણ ત્યાંથી આગળ કઈ રીતે જઈશ?" વનીતાબેન ને રિયા ની ચિંતા થઈ.

" વનિતા સાચું કહે છે, અત્યારે નીકળીશ તો અડધી રાતે ત્યાં પહોંચીશ. પછી ત્યાંથી ગામ જવા માટે બસ નહીં મળે બીજું કોઈ વાહન પણ નથી જતું એટલે અત્યારે રોકાઈ જા." જીજ્ઞાબેને વનિતા ના સૂરમાં સૂર પુરાવ્યો.

" રિયા રોકાશે અને જો આભા તેને જોઈને પ્રશ્નો પૂછશે તો?" હર્ષદભાઈ ને હજુ આભા ની ચિંતા હતી.

" આપણે ધ્યાન રાખીશું રિયા આભાની નજરે ન પડે એનું." હેમંતભાઈ ને પણ રિયા અત્યારે ન નીકળે એ જ યોગ્ય લાગતું હતું.

" ઠીક છે તો હું સવારે વહેલા નીકળી જઈશ." રિયા એ કહ્યું.

" ઓકે, મને વહેલા ઉઠાડી દેજે હું બસસ્ટેશન પર મૂકી જઈશ." રાહુલે કહ્યું.
" ઓકે.." કહીને રિયા ગેસ્ટ રૂમમાં જતી રહી.

બધાના મનમાં ભય હતો કે આભાનું ધ્યાન રિયા તરફ જશે તો શું થશે??
અત્યારે તો એ રાહુલના રૂમમાં આકૃતિ પાસે હતી. પણ એને શું જણાવવું અને સત્ય કઈ રીતે રજુ કરવું એ દરેક જણ વિચારી રહ્યા હતા.

એનાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓ એ એને કેટકેટલા ઘાવ આપ્યાં હતાં. એ ઘાવ માંડ થોડા રુઝાયા હતાં. ત્યાં જ આ જીવલેણ ઘટના?? સદ્ભાગ્યે એનો જીવ બચી ગયો હતો. પણ એ પોતાનો ભૂતકાળ ભૂલી ગઈ . આ બાબત આકાશ માટે તો સારી જ હતી. પણ અત્યારે એનો લાભ લઈ એ આભા સાથે સહજીવન શરું કરે અને જો આભા ને ભૂતકાળ યાદ આવી જાય તો શું થઈ શકે એ વિચારી એ આગળ વધતા ખચકાતો હતો.
આ વાત બધા સમજતા હતા. સમય સાથે બધુ ઠીક થઈ જશે. એવું વિચારી મન ને હળવું કરી લેતા બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાહુલના રૂમમાં ભાઈ ભાભી હોવાથી એણે પણ બીજા ગેસ્ટ રૂમમાં
સૂવાનું નક્કી કર્યું.
*........*..........*........*..........*...........*



આભા આકૃતિનાં માથે પ્રેમથી હાથ પસવારી રહી હતી. આકાશ તેની બાજુમાં બેસી બંનેને પ્રેમથી નિહાળી રહ્યો હતો. આવી પળ માટે તે હંમેશા તરસ્યો હતો. તેણે ભગવાનને કેટ કેટલી પ્રાર્થનાઓ કરી હશે આ માટે. અને આજે ખરેખર એનું સપનું સાકાર થયું હતું. પત્ની અને પુત્રી સાથેની આ પળ એના માટે કેટલી સુખદ હતી.

આકૃતિને જોઈને આભાની આંખો છલકાઈ ગઈ. આકાશ પણ ગળગળો થઈ ગયો. બંનેની આંખમાં આંસુ હતા. પણ કારણો જુદા જુદા. એકની આંખોમ આંસુ હતા માતૃત્વનાં અને બીજાની આંખોમાં અધૂરપનાં.


*..........*...........*.............*..........*


આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.