magic trap books and stories free download online pdf in Gujarati

માયાજાળ


અલ્પકાલિક મોહ કે મંત્રમુગ્ધ માયાજાળ?!?
લગ્નના દસ વર્ષ અને બે સુંદર બાળકો પછી, જો તમારા ઘરનું માણસ બીજી સ્ત્રીમાં રુચિ બતાવે, તો તમે એને શું કહેશો? હું પ્રાર્થના કરું છું કે તે અસ્થાયી મોહ હોય, કોઈ કાયમી નિરાશાજનક જંજાળ નહીં.

અમારું સગપણ માતા-પિતાએ ગોઠવ્યું હતું અને એમના આશીર્વાદ સાથે ઋષભ અને મારા એરેન્જ્ડ મેરેજ થયા હતા. હું એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી હતી, પરંતુ જોડિયા બાળકો થયા પછી, મેં ગૃહિણી બનવાનું પસંદ કર્યું અને ખુશી ખુશી મારો બધો સમય બાળકો અને પરિવાર માટે સમર્પિત કરી નાખ્યો. અત્યાર સુધીનું જીવન અત્યંત ઉમદા રહ્યું. અમારા દાંપત્ય જીવનના દાયકામાં ઋષભ એક અદ્ભુત પતિ અને જવાબદાર પિતા રહ્યો. મારી બહેનપણીઓ હમેશા મને ઈર્ષાની નજરે જોતી, "રોશની, તું ખૂબ નસીબદાર છે કે તને ઋષભ જેવો પતિ મળ્યો. કાશ અમને તેની ઝેરોક્સ કોપી મળી જાય!"
અને હું સામે ટિપ્પણી કરતી, "ઋષભ મારો છે, તમારી દુષ્ટ આંખો એનાથી મીલો દૂર રાખજો."

પણ હવે મને પહેલા જેવી ખાતરી નથી રહી. જ્યારથી મેં તેના મોબાઈલમાં પેલો મેસેજ વાંચ્યો ત્યારથી મારુ દિલ બેસી ગયું છે. તેમાં લખ્યું હતું, "ઓહ કમ ઓન ઋષભ! થોડી ઓફિસ ફ્લર્ટિંગ, છેડછાડ, મસ્તી મજાક તો કાંઈ નુકસાનકારક ન કહેવાય. મને તારી સાથે સમય પસાર કરવો ગમે છે અને હું જાણું છું કે તું પણ મારી તરફ આકર્ષિત છો. તો આજે રાત્રે ડિનર માટે શું કહે છે બોલ?"

ખૂબ જ ક્ષણિક રીતે ઋષભે મને એક દિવસ જાણ કરી હતી, કે એક પ્રભાવશાળી છોકરી, વંશિતા તેની ઓફિસમાં નિયુક્ત થઈ છે. એ વખતે મને ખબર નહોતી કે વંશિતા મારા માટે દુઃસ્વપ્ન બની જશે.

જ્યારે મેં ઋષભને તેની ફોન ગેલેરીમાં વંશિતાની તસવીરો વિશે પૂછ્યું, ત્યારે તેણે હસીને કહ્યું, "ઓહ રોશની! તું એક આધુનિક વ્યાપક માનસિકતા ધરાવતી સ્ત્રી છે. તને ખબર હોવી જોઈએ, આ ગળે લાગવું અને સેલ્ફી, બધું તથ્ય વગરનું હોય છે."

અલબત્તા, તેની હાસ્ય ભરેલી ફોન ઉપર લાંબી વાતો અને મોડી રાતના સહેલગાહ મારા જીવને અતિશય બેચેન કરી નાખતા. મને ક્યારેય આટલું અસુરક્ષિત નહોતું લાગ્યું. બધી ફિકર હોવા છતાં, મને વિચાર આવ્યો કે મિત્રો અને કુટુંબીઓની સામે રડવા કે ફરિયાદ કરવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જતે. મને ખાતરી હતી કે તેઓ સૌથી વિચિત્ર યોજનાઓનો સુજાવ આપતે. મારા પપ્પા કહેતે, "ઋષભને એક વડીલના ઠપકાની જરૂર છે. હું એની સાથે વાત કરીશ."

મારી સહેલી શ્રુતિ ભડકી ઉઠતે, "રોશની, ઋષભથી છૂટાછેડા લઈ લે. તું એક સ્વતંત્ર સ્ત્રી છો. મને વિશ્વાસ છે કે તું તારું અને બચ્ચાઓનું સારી રીતે સંભાળ રાખી શકીશ."

મને વાસ્તવમાં કોઈની દખલગીરી નહોતી જોઈતી, કારણ કે તેઓ બધા ફક્ત મને ગેરમાર્ગે દોરતે. ઋષભ સાથેના મારા સંબંધની ગહેરાઈ મારા કરતાં વિશેષ કોઈ નહોતું જાણતું.

જ્યારે આ નિરાશાજનક વિચારો મારા મગજમાં પાયમાલ કરી રહ્યા હતા, ત્યારે હું અરીસાની સામે ઉભી મારી છબીની ચકાસણી કરી રહી હતી. મેં મારી જાતને પ્રશ્ન કર્યો, "ઋષભને એ વંશિતામાં એવું શું દેખાય ગયું જેનો મારામાં અભાવ હોય?"
જવાબમાં, મને મારી બેદરકાર અને અસ્તવ્યસ્ત પ્રતિબિંબ જોવા મળી, જાણે મારો મજાક ઉડાવતી હોય. સુધારણાની સખ્ત જરૂરત હતી, અને મારો મતલબ ફક્ત મારા બાહ્ય દેખાવથી નહોતો.

દૃઢ સંકલ્પ સાથે મેં શરૂ કર્યું. ઘર એ હોય છે જ્યાં તમારું હૃદય વસેલું હોય; અને હું ઋષભને એ જ અનુભવ કરાવવા માંગતી હતી. સૌ પ્રથમ મેં ઘરના ફર્નિચરને નવેસરથી ગોઠવ્યું અને કેટલાક નવા પડદા અને ચાદર ખરીદ્યા. ફૂલો હંમેશા આવકારદાયક હોય છે, તેથી મેં તાજા ફૂલોને પ્રવેશ દરવાજા પાસે ફૂલદાનીમાં રાખવાનું શરૂ કર્યું. મોંઘા ક્રોકરીનો સેટ હવે ખાસ પ્રસંગોની રાહ નહોતો જોવાનો. મેં દરરોજ રાત્રિભોજન તેમાં પીરસવાનું સુનિશ્ચિત કર્યું. રોજ સાંજે, બચ્ચાઓ અને હું વ્યવસ્થીત તૈયાર થઈ, સારા કપડા પહેરી, સ્મિત સાથે ઋષભનું સ્વાગત કરતા. ધીરે ધીરે, તેને ફેરફારોનો અહેસાસ થવા લાગ્યો. એક સાંજે, ઋષભે મારો હાથ પોતાના હાથમાં લીધો, આસપાસ નજર ફેરવી અને સ્મિત કર્યું. "રોશની, આ નવા બદલાવ મને ખુબ ગમ્યાં." મારી તરફ ઝૂકીને તેણે ધીમેથી કહ્યું, "એમાં તું પણ શામિલ થઈ ગઈ."

તેની પ્રશંસા સાંભળીને મને ખુશી થઈ, પરંતુ તે મારી ફક્ત અડધી જીત હતી, મુખ્ય લડાઈ હજી બાકી હતી. મેં ઋષભના જન્મદિવસ પર એક વિસ્તૃત પાર્ટીનું આયોજન કર્યું અને તેના બધા મિત્રો અને સહકર્મીઓને અમારા ઘરે આમંત્રિત કર્યા. મેં બધી ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખ્યું, કારણ કે મને પાર્ટી પરફેક્ટ બનાવવી હતી.

બ્યુટી પાર્લર, મનમોહક હેરસ્ટાઇલ અને નવું વેસ્ટર્ન ડ્રેસ; હું મહેમાનો અને મારી દુશ્મનને મળવા તૈયાર હતી!

પ્રારંભિક અતિથિસત્કાર, કેક કટિંગ અને ડ્રિંક્સ પછી, જ્યારે લોકો ચાઇનીઝ ભોજનનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે મેં વંશિતા અને ઋષભને જોયા. તેઓ એક ખૂણામાં ઉભા, પોતાની વાર્તાલાપમાં મગ્ન હતા. હવે મારા નાટકીય ઉચ્ચારણનો સમય આવી ગયો હતો. હું તેમની પાસે ગઈ, વંશિતા તરફ જોયું અને કહ્યું, "આશા છે કે તને અમારી પાર્ટીમાં મજા આવતી હશે."
તેણે સ્મિત કરતા ટિપ્પણી કરી, "હા! સરસ પાર્ટી છે, અને તમારું ઘર ખૂબ સુંદર છે."

મેં ઋષભનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, "આ અમારું સ્વર્ગ છે! અમારું ઘર ફક્ત આ બધી વસ્તુઓથી નથી શણગારેલું, પરંતુ એકબીજા માટે અને અમારા બચ્ચાઓ માટે પ્રેમ અને કાળજીથી ભરેલું છે."
વંશિતા ચોંકી ગઈ. મેં બોલવાનું ચાલુ રાખ્યું, "શું તું કુંવારી છો?"
"હા."
"પણ મારો પતિ કુંવારો નથી."
નક્કી મારા શબ્દોથી બંનેને ધક્કો લાગ્યો, પણ મેં આંખ આડા કાન કરતા તેને બીજો ચોંકાવનારો પ્રશ્ન પૂછ્યો, "વંશિતા, આ કંપનીમાં તારી સ્થિતિ એકદમ અસ્થાયી છેને?"
તે આશ્ચર્યચકિત રહી ગઈ. "આવું કોણે કહ્યું? હવે હું કાયમ માટે છું."
મને લાગ્યું કે ઋષભ મારી સામે આંખ કાઢતો હશે. મેં તેની અવગણના કરી અને વંશિતાને ટિપ્પણી કરી, "મને નથી લાગતું કે તારી જગ્યા આ કંપનીમાં કાયમી હોય વંશિતા. હું તને સલાહ આપીશ, કે તું કોઈ એવી નોકરી શોધીલે જ્યાં તું પરમનેન્ટ થઈ શકે, અને તને તારી પોતાની ખુશી મળી શકે."
હું મારા પતિ તરફ વળી, "રાઈટ ઋષભ?"

તેમના પ્રતિભાવની રાહ જોયા વિના, હું અન્ય મહેમાનો સાથે વાતચીત કરવા જતી રહી.

તે રાત્રે પાર્ટી પછી, જ્યારે હું સૂવાની તૈયારી કરી રહી હતી, ત્યારે ઋષભ મારી સામે આવીને ઊભો રહ્યો. તેણે મારા બંને હાથ પોતાના હાથમાં લીધા અને લાંબા સમય સુધી મારી સામે જોતો રહ્યો. મારું હૃદય ધબકી રહ્યું હતું! મને લાગ્યું જાણે તે વંશિતા સાથેના મારા વર્તન માટે મને ઠપકો આપશે. પણ પછી ઋષભે સ્મિત કર્યું અને હળવાશથી કહ્યું, "માણસ ચાહે જ્યાં પણ ભટકે, તેનું હૃદય હંમેશા ઘરે પાછું ફરે! રોશની, મને શરમાવ્યા વગર મારી ભૂલનો અહેસાસ કરાવવા માટે થેંક યું."
તેણે મારા કપાળને ચુંબન કર્યું અને મને આલિંગન કરી. "તું એક કમાલની સ્ત્રી છો. હું વચન આપું છું રોશની, હવેથી તને ચિંતા કરવાના કોઈ કારણ નહીં આપું."

તે દિવસ પછી, ઋષભ ફક્ત અમારા લગ્નની પ્રતિજ્ઞાના માયાજાળમાં મંત્રમુગ્ધ રહે છે.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
__________________________________

Shades Of Simplicity


This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/