A childhood game books and stories free download online pdf in Gujarati

બાળપણની રમત

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી યાદગાર સમયગાળો બાળપણનો હોય છે. નાના હોય ત્યારે વહેલા મોટા થવું હોય છે અને મોટા થયા પછી બસ બાળપણ યાદ આવે. એટલે જ કહેવામાં આવ્યું છે કે "સ્વાર્થ વગરની દુનિયા એ જ બાળપણ."

જો આપણે મોટા થયા પછી બાળપણને ભૂલી નથી શકતા તો પછી બાળપણની આપણી રમતોને કઈ રીતે ભૂલી શકીએ?

પહેલાના સમયમાં આપણા સૌનું બાળપણ માટી(ધૂળ) સાથે જોડાયેલું હતું. જ્યારે આજની આધુનિક પેઢીના બાળકોનું બાળપણ મોબાઈલ અને ટેકનોલોજી સાથે જોડાયેલું છે. બંનેની જ્યારે તુલના કરીએ ત્યારે આપણા બાળપણનો એ સમય વધારે શ્રેષ્ઠ લાગતો.

એટલે જ કોઈ લેખકે કહ્યું છે ને કે, "હમણાં જ કંઈક પસાર થયુ બેફિકર ધૂળ માં દોડતું, પાછળ ફરીને જોયું તો એ બાળપણ હતું."

આપણા એ બાળપણની રમતોની તુલના આજની આ ટેકનોલોજી અને મોબાઈલ સાથે તો થાય જ નહિ. આપણા બાળપણની રમતો શું રમતો હતી.

દોરડા-કૂદ, કબડ્ડી, પકડા -પકડ,લંગડી, થપ્પો, લખોટી, કુકા, કોચંડી, ગિલ્લી-ડંડા, આમલી પીપળી, સોડાની બોટલના બિક્કા, માચીસ બોક્સની છાપો, સાયકલના નકામા ટાયર ચલાવવા - આ બધી રમતો આગળ શું આજના જમાનાની આ મોબાઇલ ગેમ્સની કોઈ તુલના થાય ખરી?

આ તમામ રમતોથી બાળકોનો શારીરિક અને માનસિક બંને પ્રકારનો વિકાસ થતો હતો, સાથે સાથે તેમનામાં સમૂહ ભાવના પણ કેળવાતી હતી. જ્યારે આજના બાળકો જ્યારે જોઈએ ત્યારે મોબાઈલમાં જ ખોવાયેલા જોવા મળે છે. તેનાથી તેમનો વિકાસ તો થતો નથી પરંતુ, તેમના માનસ પર વિપરીત અસર થાય છે. જેના પરિણામ આપણે છાપામાં જોઈએ જ છે કે બાળકો અમૂક ગેમ્સના કારણે આત્મહત્યા કે ખૂન કરતા પણ અચકાતા નથી.

બાળપણમાં જ્યારે ક્રિકેટની રમત રમતા ત્યારે તેના જે નિયમો ઘડવામાં આવતા તે તો કદાચ આજના ક્રિકેટ બોર્ડના નિયમ કરતા પણ જોરદાર.

નિયમ-૧ઃ
દડાને ખરીદવા માટે બધાએ મળીને ૧૦-૧૦ રૂપિયા કાઢવાના,


નિયમ-૨:
મીઠી સોપારીનું પ્લાસ્ટિક હવામાં ટોસ તરીકે
ઉછાળી હિંદી કે ઈંગ્લીશ એમ પૂછવામાં આવતું,

નિયમ-૩:
ફળિયા કે સોસાયટીમાં દિવાલ કૂદે તો
આઉટ અને દિવાલ પર ટપ્પી પડે તો સિક્સર,

નિયમ-૪:
એક ટપ્પી કેચ આઉટ,

નિયમ-૫:
કાચા અને નાની ઉંમરના ખેલાડીઓને પ્રથમ બેટિંગ આપવામાં આવતી,

નિયમ-૬ઃ
જેનાથી દડો અગાસીમાં જાય તેણે જ બોલ લેવા જવાનું,

નિયમ-૭:
છેલ્લે બેટિંગ ના મળે તો લડાઈ કરીને જ આવવાનું,

નિયમ-૮: જેનું બેટ તેની પ્રથમ બેટિંગ.

શું તમને લાગે આવા નિયમોવાળી ક્રિકેટની રમતની મજા આજના મોબાઈલમાં આવેલ ક્રિકેટ ગેમમાં હોય શકે?

અત્યારના બાળકો મોબાઈલમાં બાઈક રેસ અને કાર રેસ જેવી ગેમ્સ રમતા હોય છે. જ્યારે આપણા બાળપણમાં આપણે સાયકલના નકામા થઈ ગયેલા ટાયરને લાકડી મારીને આખા ફળિયામાં ધમાલ મચાવતા. શું આવો અનેરો આનંદ હોય શકે આ મોબાઇલ ગેમમાં?

બાળપણમાં બધા બાળકો ભેગા મળીને ચોર પોલીસની રમત રમતા તેના જેવી મજા આજની પબજી કે ફ્રિ ફાયર ગેમમાં થોડી આવી શકે.

એટલે જ મનમાં ઘણીવાર એવા સવાલ થાય કે વિડિયો ગેમ રમવાવાળી પેઢી, શું જાણે કેવી હતી ગલી અને ફળિયામાં રમાતી રમતો.

બાળપણમાં એક રવિવારનો દિવસ જ્યારે રજા મળતી અને ત્યારે આખો દિવસ રમતોમાં જ રચ્યા પચ્યા રહેતા. તમે માનો કે ના માનો, પરંતુ બાળપણવાળો એ રવિવાર હવે નથી આવતો!

બાળપણમાં વરસાદની ઋતુમાં કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકવાનો પણ અનેરો લ્હાવો ઉઠાવતા. ક્યાં મળે આવું બાળપણ અને ક્યાંથી મળે આવી મનોરંજન આપતી રમતો.

એટલે જ તો જગજીત સિંહ દ્વારા ગવાયેલી ગઝલમાં કેટલી સુંદર રજૂઆત કરવામાં આવી છે કે,

"યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો,
ભલે છીન લો, મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લોટા દો બચપન કા સાવન,
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની."

અંતે એક કવિની પંક્તિ દ્વારા મારી આ રચના પૂર્ણ કરીશ:

ઘૂંટણ એ તાજા છે બાળપણના નિશાન,
યાદો નું મલમ લગાવી ને આવું છું,
વર્તમાન ને કહો થોભી જાય,
બાળપણ ને મળીને આવુ છુ.

વાચકમિત્રો બાળપણની રમતને લગતા તમારા અનુભવો કૉમેન્ટ્સમાં જરૂરથી શેર કરશો અને જો આ કહાની તમને ગમી હોય તો પ્રતિભાવ જરૂરથી આપશો.

: જયેશ વાઘેલા (જય)