Connection-Rooh se rooh tak - 24 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 24

૨૪.તારો મારો સાથ


શિવ ઘરે પહોંચ્યો. એ સમયે રાધાબા અને જગજીતસિંહ બંને હજું જાગતાં હતાં. એ તરત જ હોલમાં આવીને રાધાબા પાસે બેઠો. જગજીતસિંહ સોફાની સામે રહેલી ખુરશીમાં બેઠાં હતાં. શિવ આવીને તરત જ રાધાબાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. રાધાબા પ્રેમથી એનાં વાળમાં હાથ ફેરવવા લાગ્યાં.
"રાકાનો કોઈ પત્તો લાગ્યો?" જગજીતસિંહે તરત જ પૂછ્યું.
"શોધખોળ શરૂ કરી દીધી છે. પરિણામ પણ ટૂંક સમયમાં જ સામે હશે." શિવે આંખો મીંચીને કહ્યું.
"બેટા! અપર્ણા ઠીક તો છે ને?" અચાનક રાધાબાએ પૂછ્યું, "આપણાં લીધે એને કોઈ પરેશાની નાં થવી જોઈએ."
"ઠીક? એ એક નંબરની સનકી છોકરી છે." શિવે અચાનક જ રાધાબાના ખોળામાંથી ઉભાં થઈને કહ્યું, "આજે રસ્તા વચ્ચે જ એણે ત્રણ છોકરાંઓને કેવાં માર્યા, અમારે એને હોસ્પિટલમાં એડમિટ કરવાં પડ્યાં." શિવે કંઈક વિચારીને ઉમેર્યું, "એ છોકરીનું કંઈ સમજાતું જ નથી. ક્યારે શું વિચારે? કંઈ કહી નાં શકાય. જોતાં તો એકદમ ભોળી લાગે. પણ, જ્યારે બોલવાનું ચાલું કરે, બંધ જ નાં થાય. જ્યારથી એ મારી લાઇફમાં આવી છે. બધું જાણે બદલી ગયું છે."
"એણે છોકરાંઓને કારણ વગર તો નહીં જ માર્યા હોય." રાધાબાએ શાંત અવાજે કહ્યું, "બાકી તે છેલ્લી વાત તો સાચી કહી. અપર્ણાનાં આવ્યાં પછી ખરેખર બધું બદલી ગયું છે. તારાં બાપુની ઈચ્છાને યોગ્ય રસ્તો મળી ગયો છે."
"પણ, વચ્ચે અપર્ણાએ નવી મુસીબત ઉભી કરી છે, એનું શું?" શિવ મનોમન જ વિચારવા લાગ્યો.
શિવનાં વિચારોનો સીધો ઈશારો તાન્યા તરફ હતો. અપર્ણાએ તાન્યા અને વિશ્વાસના લગ્ન રોકવા જે પ્લાન બનાવ્યો હતો. એ કામ કરશે કે નહીં? એનો જવાબ તો હાલ શિવ પાસે પણ ન હતો. પણ, એ અપર્ણાની મદદ કર્યા વગર પાછળ હટી શકે એમ ન હતો. એમ કરવાથી એનું દિલ એને નાં પાડી રહ્યું હતું. સાથે જ શિવ અજય મલ્હોત્રાને લીધે વિશ્વાસ અને એનાં સ્વભાવથી પણ સારી રીતે જાણકાર હતો. એટલે એ ખુદ પણ તાન્યાને વિશ્વાસ સાથે લગ્ન કરવાથી રોકવા માંગતો હતો. હવે તાન્યાને બચાવવાં જતાં શિવ કેવી નવી મુસીબતમાં ફસાસે? એ તો ઈશ્વર જ જાણે!
શિવને વિચારોમાં ખોવાયેલો જોઈને રાધાબાએ પૂછ્યું, "શિવ! અપર્ણા તને કેવી લાગે?"
"મતલબ? હું સમજ્યો નહીં." શિવે વિચારોમાંથી બહાર આવીને પૂછ્યું.
"એ આ ઘરમાં આવી પછી આ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે." રાધાબાએ માંડીને વાત કરી, "તારાં કડક સ્વભાવના બાપુ પણ એની સામે નરમ થઈ જાય છે. એ આ ઘરમાં હોય, ત્યારે ઘરમાં રોનક આવી જાય છે. છોકરી દેખાવે અને વાતો પરથી સારી પણ જણાય છે." એમણે આગળ ઉમેર્યું, "તું કહે છે એમ જો એણે મુંબઈ જેવાં શહેરમાં એકલાં હાથે ત્રણ છોકરાંઓને માર્યા હોય, અને કોઈ પણ ડર વગર આ શહેરમાં એકલી રહી શકતી હોય. તો એ બહાદુર પણ ખરી!" એમણે અંતમાં શિવનાં ખંભે હાથ મૂકીને કહ્યું, "મને તો એ છોકરીમાં તારો પડછાયો નજર આવે છે."
"બસ, આટલેથી જ અટકી જાવ." શિવે અચાનક જ હાથ બતાવીને થોભવાનો ઈશારો કરતાં કહ્યું, "હું તમારી વાતનો મતલબ સરખી રીતે સમજી ગયો. પણ, જે તમે વિચારો છો, એ શક્ય નથી."
"તું ઇચ્છે તો બધું શક્ય છે." રાધાબાએ શિવની આંખોમાં જોઈને કહ્યું.
"તમને તમારાં દિકરાની આહૂતિ આપવાનો શોખ ચડ્યો છે કે શું?" જગજીતસિંહને બોલવું ન હતું. છતાંય એમનાથી રહેવાયું નહીં, "જે પાંચ વર્ષ પહેલાં નાં થયું. એ હવે કરવાની ઈચ્છા ખરી! રંગોની જગ્યાએ ખૂનની હોળી રમવી લાગે તમારે!" એમણે કટાક્ષ કરતાં કહ્યું.
"આવી અશુભ વાતો શાં માટે કરો છો?" રાધાબાએ ભરેલી આંખો સાથે કહ્યું.
"જે રસ્તે તમે શિવને ધકેલવા માંગો છો. એ રસ્તે જવાથી એવું જ થાશે, જેવું મેં કહ્યું." જગજીતસિંહે સ્વસ્થ અવાજે કહ્યું. જો કે પોતાનાં જ દિકરા વિશે એવું બોલતી વખતે એમનું હ્દય ચિરાઈ ગયું હતું. છતાંય એમનાં અવાજમાં એક સ્વસ્થતા હતી. જે એમનાં અનુભવના ઘડતરની નિશાની હતી. શિવની અંદર પણ એનાં બાપુનો આ જ ગુણ સામેલ હતો.
"બાપુ! આ વાતને અહીં જ ખતમ કરો." કહીને શિવ ઉભો થઈને જતો રહ્યો.
"એક પ્રયત્ન કરવામાં શું જવાનું?" શિવનાં જતાં જ રાધાબાએ આજીજી ભર્યા અવાજે પૂછ્યું.
"ઘણું બધું ગુમાવવું પડશે. એવું જે તમે ગુમાવી નહીં શકો." જગજીતસિંહે કહ્યું, "પહેલું તો મારું માન! બીજું તમારાં દિકરાનો...." એમણે એ વાક્ય અધૂરું જ છોડી દીધું. જગજીતસિંહનાં એવાં જવાબથી રાધાબા આગળ કંઈ કહી નાં શક્યાં.
શિવ રૂમમાં આવીને બારી સામે ઉભો હતો. રાધાબા અને જગજીતસિંહની વાતોએ એનું મન વિચલિત કરી નાખ્યું હતું. આજે એ અપર્ણાને મળ્યો, એને ચાર દિવસ થયાં હતાં. ચાર દિવસથી શિવની રાત અપર્ણાનાં વિચારોમાં જ પસાર થતી હતી. આખાં દિવસમાં એક વખત કોઈને કોઈ કારણોસર અપર્ણા સાથે મુલાકાત થવી, અને રાતે એનાં જ વિચારોમાં રાત પસાર કરવી. આ જાણે શિવનો નિત્યક્રમ બની ગયો હતો.
આ ચાર દિવસમાં શિવની જીંદગીમાં ઘણું બદલી ગયું હતું. જેમાં અમુક સારી તો અમુક ખરાબ બાબતો પણ હતી. આમ તો ખરાબ બાબતોમાં પણ સારી બાબતો છુપાયેલી હતી. જેમાં પહેલી બાબત તો શિવનું અપર્ણા તરફ ખેંચાવુ એનો સમાવેશ થતો હતો. આ ખેંચાણ એક રીતે શિવ માટે ખરાબ સાબિત થતું હતું. જ્યારે બીજી રીતે શિવને આ ખેંચાણ રોમાંચિત કરી જતું હતું. શિવ વિચારોમાં ને વિચારોમાં ખુદને જ સવાલ કરવાં લાગ્યો, "શું ખરેખર આપણાં બંનેનો કોઈ મેળ છે? કે પછી આપણે માત્ર એકબીજાનાં જીવનમાં બદલાવો લાવવાં જ મળ્યાં છીએ? આ સંબંધને ક્યારેય કોઈ નામ આપી શકાશે? શું જે કનેક્શન હું તારી સાથે અનુભવું છું, એ તું પણ અનુભવી શકે છે? આ કનેક્શનનો અંત કેવો હશે? સારો કે ખરાબ?"
શિવ માટે હાલ કોઈપણ નિર્ણય સુધી પહોંચવું ખૂબ જ અઘરું બની ગયું હતું. એ અપર્ણાને લઈને કંઈક વધારે પડતું જ વિચારી રહ્યો હતો. કદાચ એ કારણે જ એ કોઈ નિર્ણય સુધી પહોંચી શકતો ન હતો. લાખો છોકરીઓનાં દિલની ધડકન એવાં શિવની ધડકન અપર્ણાનાં નજીક જવાથી બેકાબૂ થઈ જતી હતી. પણ, એનાં જીવનમાં અપર્ણાનો સાથ કેટલે સુધી હતો? એ હાલ કોઈ જાણતું ન હતું.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"