Premno Ahesaas - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 6

આપણે જોયું કે કાવ્યાને બદલાયેલી જોઈ ટીનાએ પૂછયું કે,
" શું વાત છે કાવ્યા ?"

પણ કાવ્યાએ વાત ટાળી દીધી હવે જુઓ આગળ...

કાવ્યા આખો દિવસ શરદ વિશે વિચારતી રહી.શરદ ન આવ્યો એટલે એ ઉદાસ થઈ ગઈ હતી. એની ઉદાસી એનાં મોં પર સાફ સાફ દેખાય રહી હતી. સ્કુલ છૂટતાં એ ગાડીમાં પાછી ઘેર આવવાં નીકળી.

શિલ્પાબેન રસોડામાં કામ પતાવી એમની રુમમાં જઈ આરામ કરવા ગયા. હેમંતભાઈ અને યશ આજે વહેલાં ઘરે આવી ગયાં. એટલે શિલ્પાબેન પાછાં સાંજની તૈયારીમાં લાગ્યાં. એટલામાં હેમંતભાઈના મોબાઈલમાં રીંગ વાગી,

"હેલ્લો "

"હેલ્લો હેમંત હું વસંત બોલું છું. "

"હા હા યાર બોલને અને આ કોનો નંબર છે? તું કયાં છે?"

વસંતભાઈનો અવાજ ભારે લાગતા હેમંતભાઈ સોફા પરથી ઊભા થઈ ગયા અને બોલ્યાં,

"તારો અવાજ કેમ આવો લાગે છે? તું રડે છે યાર ? બોલને કંઈ થયું છે?તું કોઈ મુશ્કેલીમાં છે?"

"હેમંત શરદનો એકસીડન્ટ થયો છે?"

"શું ? કયારે ?કયાં છે હાલ તું? હું અને તારાં ભાભી હમણાં જ આવીએ છીએ."

"સીટી હોસ્પિટલમાં, એ હોશમાં તો આવી ગયો પણ..."

"કંઈ નહી થાય આપણાં શરદને તું ચિંતા ના કર. અમે આવીએ છીએ ત્યાં હો."

ગાડીમાંથી ઉતરી કાવ્યા ઘરમાં એન્ટર થઈ અને હેમંતભાઈએ શિલ્પાબેનને બુમ પાડી,

"ઓ શિલ્પા, તું જે કામ કરતી હોય તે રહેવા દે આપણે હોસ્પિટલમાં જવાનું છે. "

"અરેરે કેમ કાવ્યાના પપ્પા?આમ અચાનક?તમારી તબિયત તો સારી છે ને?"

"અરે મને કંઈ નથી થયું વસંતભાઈનો ફોન હતો કે શરદનો એકસીડન્ટ થયો છે. "

"હે..ભગવાન! આ શું થઈ ગયું અચાનક?બિચારા માનસીબેન તો રડી રડીને બેહાલ થઈ ગયાં હશે.અને કેમ ના રડે?એકનો એક દીકરો છે..લગ્ન પછી કેટલાં વર્ષે એનો જન્મ થયો. ચાલો આપણે જઈએ.માનસીબેન અને વસંતભાઈને હૂંફ રહેશે."

કાવ્યા આ સાંભળી ગઈ. એની આંખમા આંસુ આવી ગયા.કોઈ જુએ નહીં એમ લૂછી દીધાં અને શિલ્પાબેન પાસે જઈને બોલી,

"મમ્મી મને લઈ જાવને. મને પણ આવવું છે શરદ પાસે."

"ઠીક છે બેટા ! ચાલ."

હેમંતભાઈ,શિલ્પાબેન અને કાવ્યા હોસ્પિટલમાં આવ્યાં. શિલ્પાબેનને જોતાં માનસીબેન ફરીથી રડી પડ્યા. શિલ્પાબેન આશ્વાસન આપતાં બોલ્યાં,

"રડો નહી માનસીબેન.શરદ જલ્દી સાજો થઈ જશે. કાના પર શ્રદ્ધા રાખો."

કાવ્યા તો શરદને જોવાં તલપાપડ થઈ રહી હતી. હેમંતભાઈ ત્રણેયને શરદના બેડ પાસે લઈ ગયા. હવે હોંશ આવતાં શરદને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરી દીધો હતો. કાવ્યાને જોતાં શરદ ખુશ થઈ ગયો પણ એ કંઈ બોલી ના શક્યો.બસ કાવ્યાની સામે એકીટશે જોઈ રહ્યો. એની આંખો ઘણું બધું બોલતી હતી. કાવ્યા શરદને જોતાં ખુદને રોકી ના શકી અને રડી પડી.કાવ્યાને રડતાં જોઈ શરદની આંખોમાંથી પણ આંસુ નીકળવા માંડ્યા. શિલ્પાબેન શરદની પાસે ગયાં અને બોલ્યાં,

"જો શરદ તને મળવા કોણ આવ્યું છે? કાવ્યા આવી છે.તું જલ્દી સાજો થઈ જઈશ બેટા ચિંતા ના કરીશ."

આમ બોલતાં બોલતાં તો શિલ્પાબેન પણ ઢીલાં પડી ગયાં. થોડી વાર બેસીને પછી બધાં બહાર જવાં તૈયાર થયાં ત્યાં કાવ્યા બોલી,

" અંકલ - આંટી તમે પરમીશન આપો તો થોડી વાર હું શરદ પાસે બેસુ ?"

માનસીબેન બોલ્યાં,

"હા બેટા! બેસને."

બધાં બહાર ગયાં. રુમમાં હવે શરદ અને કાવ્યા જ હતા.શરદના બેડ પાસે જઈને કાવ્યા બેસી ગઈ.શરદ તો એને ટગર ટગર જોતો હતો. કાવ્યા બોલી,

"એય શરદ તને ખબર છે આજે મેં તારી કેટલી રાહ જોઈ?
અને મને તને મારવાનું મન થાય છે!બોલ.તને ખબર નહી પડતી ધીરે ડ્રાઈવ કરવાની?તને વધારે વાગી ગયું હોત તો ?"

શરદ મનોમન બોલ્યો,

"તને મળવાની ઉતાવળમાં તો અથડાઈ ગયો.મારી લે ને પણ..તને કયાં ના છે ? વધારે વાગ્યું હોત તો શું થાત ?"

"એય શરદ શું બાઘાની જેમ મારી સામે જુએ છે?કંઈ બોલ તો ખરો !"

""મને છે ને તારો અવાજ બહું ગમે છે. કેટલું જોરદાર ગીત ગાય છે તું. દર વખત તું જ નંબર લઈ જાય છે. ચાલને મને એક સંભળાવને પ્લીઝ."

"અને હવે તો તું કવિતા પણ સરસ કરે છે. ગઈકાલે તું બોલ્યો હતોને?કેટલી મસ્ત હતી.તને ખબર છે મને આખી રાત ઊંઘ નથી આવી.બસ તારી જ યાદ આવતી હતી.."
કાવ્યા કયારે એ બધું બોલી ગઈ એનું ભાન જ એને ના રહયું. થોડી વાર રહીને એને ખ્યાલ આવ્યો કે એ આ શું બોલી ગઈ ! એ શરમાઈ ગઈ.

શરદ તો કાવ્યાની વાતો સાંભળી ખુશ ખુશ થઈ ગયો.બોલવાં ટ્રાય કર્યો પણ બોલી ના શકયો.

કાવ્યાએ તો અનાયાસે શરદને દિલની વાત જણાવી દીધી.એની વાતો પરથી તો એવું લાગવાં લાગ્યું હતું કે શરદને એ પણ પસંદ કરતી હતી.

શરદને ચૂપ જોઈ કાવ્યા બોલી,
" એય શરદ તું કંઈક તો બોલ.હું તને પસંદ કરવાં લાગી છું. તારી સાથે રહેવું મને વધું ગમે છે. મન કરે છે કે બસ તને સાંભળ્યા કરું. પણ તું તો કંઈ બોલતો જ નથી"

કાવ્યા અથાક પરિશ્રમ કરી હતી શરદને બોલાવવા માટે.

શું શરદ પણ કાવ્યાને પોતાનાં દિલની વાત કહી શકશે.? કે પછી આ લવસ્ટોરી આગળ વધતાં પહેલાં જ અટકી જશે ?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે....."આ શાનદાર સફરમાં ...જે વાંચકો મને પ્રોત્સાહીત કરે છે એમનો દિલથી ખુબ ખુબ આભાર...આમ જ પ્રેમ વરસાવતાં રહો..