AABHA - 14 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 14



આકાશ આભા ને એ બધું જ કહી દેવા ઈચ્છતો હતો જે એ ભૂલી ગઈ હતી. અને એટલે જ એણે સુખપર જવાનું નક્કી કર્યું હતું. ઘરના બધાંએ એને ખૂબ જ સમજાવ્યો પણ પોતે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. આકાશ ને સમજાવવામાં નિષ્ફળ રહેલ બધા ભારે હૈયે પોતાના કામમાં વ્યસ્ત બની ગયા હતા. આકાશે આભા ને એક બે દિવસ માટે સામાન પેક કરવા જણાવી દીધું હતું.

" વોર્ડરોબ ના ઉપરના ખાનામાં તારી સાડીઓ હશે એમાંથી એક બે લઈ લેજે.."આકાશ ને યાદ આવતા તેણે આભાને કહ્યું.

" સાડી? સાડી કેમ? " આભા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

" સુખપર એક નાનકડું ગામ છે. અને ત્યાં બધા થોડા રૂઢિચુસ્ત છે તો ત્યાં ડ્રેસમાં સારું નહીં લાગે. અને એમ પણ તુ રિયા ની ભાભી છે તો સાડી ઠીક રહેશે." આકાશે તેને સમજાવતા કહ્યું.

" અહીંયા મમ્મી, પપ્પાજી, કાકાજી, કાકીમાં કોઈએ મને સાડીનું નથી કહ્યું. તો પછી ત્યાં શું કામ સાડી પહેરું, એન્ડ રિયા તને ભાઈ માને છે એ હિસાબે હું તેની ભાભી થાઉં પણ હું તેની સગી ભાભી તો નથી ને.? તો સાડી જરૂરી છે?" આભા નાં મનમાં હજી ઘણા પ્રશ્નો હતા.

" તું કોઈ પણ પ્રશ્ન કર્યા વગર મારી વાત માનીશ? પ્લીઝ. લાવ હું સામાન પેક કરી દઉં." કહી આકાશ પોતે સામાન પેક કરવા લાગ્યો.

આભાને હતું કે આકાશને સામાન પેક કરવા માટે એની જરૂર પડશે. પણ આકાશે તો બધી જ વસ્તુ યાદ કરી કરીને વ્યવસ્થિત રીતે સામાન પેક કરી દીધો. આભા રાહુલ વિશે વાત કરવા ઈચ્છતી હતી. પણ સાંજે જમ્યા બાદ નીકળવાનું કહી આકાશ ઓફિસે એક મિટિંગ માટે જતો રહ્યો. આભા રસ્તામાં આકાશ સાથે વાત કરી લેશે એવું વિચારી પોતાના કામમાં પરોવાઈ ગઈ.

સાંજે જમ્યા બાદ બધો સામાન ગાડીમાં રખાવ્યો અને પરિવારના આશીર્વાદ લઇ આકાશ સુખપર જવા આભા અને આકૃતિ સાથે નીકળ્યો. બધાએ ભારે હૈયે તેમને વિદા કર્યા. બધાંનાં મનમાં વિષાદ હતો પણ બહાર ખોટું હાસ્ય પાથરી બધા ખુશખુશાલ જણાતા હતા.

" આકાશ આપણે તો એક જ બેગ પેક કરી હતી ને?
ગાડીમાં તો બે બેગ છે બીજી બેગ?" આભા એ વધુ સામાન જોઈ પૂછ્યું.

" બીજી બેગમાં રિયા અને તેના પરિવાર માટે થોડો સામાન છે. આપણે ત્યાં ખાલી હાથે જઈએ એ સારું ન લાગે ને એટલા માટે.." આકાશે આભાના પ્રશ્નોનું સમાધાન કરતા કહ્યું.

આકૃતિ પાછળની સીટમાં આરામથી ઊંઘી ગઈ હતી. થોડીવાર આમ તેમની વાતો કરી આભા એ રાહુલ રિયા ને પસંદ કરે છે એ આકાશને જણાવી દીધું. પોતે એ વાત જાણે છે અને એટલે જ એ આભાને લઈ સુખપર જઈ રહ્યો છે એમ કહી તેણે આભાના મન ને શાંત કર્યું. હવે આભા થોડી જ વારમાં નિંદ્રાધીન થઈ જશે એવું લાગતું હતું. અને આકાશ કાર ડ્રાઈવ કરતા કરતા પોતાના સ્મરણો વાગોળી રહ્યો હતો.

હૉસ્પિટલ...
સુખપર........
મહુવા........
કેટલી બધી ભાગદોડ......
કોઈ અંગત થઈ ગયેલી વ્યક્તિ નાં મૃત્યુનો વિષાદ......
વિષાદ ના માહોલ માં પોતાના જીવન નો સૌથી વધુ આનંદ નો પ્રસંગ........
આકૃતિ નો ખિલખિલાટ......
અને
આભા......

આકાશને પોતાના સ્મરણો અને કાર ડ્રાઇવિંગ નો થાક જણાયો. એને થોડા આરામની જરૂર લાગી એટલે તેને હાઇવે પરની એક હોટલ પર ગાડી થોભાવી. પોતાના સ્મરણોમાંથી બહાર આવ્યો અને એની નજર આભા તરફ ગઈ. આભાના ચહેરા પર વાળની એક લટ હતી. એના તરફ નમી હળવે હાથે તેણે લટને દૂર કરી. પોતાના પ્રિયજન નો સ્પર્શ મળતા જ આભાના ચહેરા પર નિંદ્રામાં પણ હાસ્યની એક રેખા ઊપસી આવી.

" સુખપર આવી ગયું? " આભા ની આંખો ખુલતા જ એણે પૂછ્યું.

" ના, થોડા રૅસ્ટ માટે ગાડી ઉભી રાખી છે." આકાશે જવાબ આપ્યો.

" બહુ થાકી ગયો??" આભાને ચિંતા થઈ આવી ને પોતાના હાથ આકાશની બાહુ આસપાસ વીંટાળી દીધા.

" ના, બસ થોડો." આકાશે આભાના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું.

હોટેલ પર ચા નાસ્તો પતાવી, થોડો આરામ કરી તેઓ ફરીથી નીકળી પડ્યા. રાતના બે વાગ્યે તેઓ સુરેન્દ્રનગર પહોંચી ચૂક્યા હતા. આકાશે બે ત્રણ કલાક ત્યાં એકાદ હોટલમાં રોકાઈ સવારે વહેલા સુખપર જવાનું નક્કી કર્યું. તેણે એક હોટલ પર ગાડી થોભાવી રૂમ બુક કર્યો. આભા અને આકૃતિની સાથે આ રીતે એ પહેલી વાર બહાર હતો. ખુશી અને ગમના મિશ્ર ભાવો તેના હૃદયમાં આવતા જતા હતા. બે ત્રણ કલાકની ઊંઘ લઈ તે જાગી ગયો.

" આભા...." આભાના માથા પર હાથ ફેરવતા તેણે પ્રેમથી તેને જગાડી.

" તું નાહિ ને તૈયાર થઈ જા. ત્યાં સુધીમાં હું નાસ્તો લઇ આવું ." આભાને જગાડી તેણે કહ્યું.

" ઓકે.." આભા એ ઉભા થતાં કહ્યું.

આકાશ આભા ફ્રેશ થાય એટલી વારમાં તેના સામાન માંથી સાડી કાઢી બહાર મૂકી નાસ્તો લેવા નીચેના રેસ્ટોરન્ટમાં ગયો. થોડી જ વારમાં આકાશ નીચેના રેસ્ટોરન્ટ પરથી નાસ્તો લઈ ઉપર આવ્યો.

આભાને જોતા તે જાણે મંત્રમુગ્ધ બની ગયો. લાલ રંગની સાડી, ચહેરા પર હળવો મેકઅપ, ગુલાબી હોઠ, કપાળમાં એક નાનકડી લાલ બિંદી, કમર થી નીચે લહેરાતો ચોટલો.... આભા ને જોઈને લાગે જ નહીં કે એ બાળકની મમ્મી છે. ને આકાશે પહેલી વાર એને આ રીતે તૈયાર થતા જોઈ હતી. હોસ્પિટલ થી આવ્યા બાદ એ ઘણીવાર તૈયાર થતી પણ મોટાભાગે પંજાબી સલવાર કે લેગીન્સ કુર્તી તો ક્યારેક જીન્સ ટોપ માં હોય. પણ આજે સાડીમાં એ કમાલ લાગતી હતી.

મનમાંથી આભા માટેના પોતાના ભાવ ખંખેરી તે ટેબલ પર નાસ્તો ગોઠવવા લાગ્યો.

" લાવ હું કાઢું." કહી આભા એ તેના હાથમાંથી નાસ્તાની બેગ લઈ લીધી અને પોતે ગોઠવવા લાગી.

ત્યાં સુધીમાં આકાશ આકૃતિને જગાડી પ્રેમથી તેને તૈયાર કરી રહ્યો હતો. આકૃતિ પણ પોતાના પપ્પાની દરેક વાત તરત જ માની લેતી. આકાશ પણ સરસ રીતે આકૃતિને સમજાવી શકતો. બાપ દીકરીનું વ્હાલ આભા નિરખી રહી.. આભા ને તેમની નજર ઉતારવાનું મન થઈ આવ્યું.

" શું જુએ છે તું." આભા ને પોતાની સામે જોતા જોઈ આકાશ પૂછ્યું.

" કશું નહીં. આઈ થીંક યુ આર ધી બેસ્ટ ફાધર." આભા એ કહ્યું.

દૂર રહે મારી ઢીંગલી થી.. એનો બાપ બનવાની કોશિશ ન કર.."
આકાશ ને થોડી વાર માટે કંઈક યાદ આવતા તે ચૂપ થઈ ગયો.

" શું થયું? શું વિચારે છે?" આભા એ એને ચૂપ ઉભેલો જોઈને પૂછ્યું.

" કંઈ નહીં. ચલો નાસ્તો પતાવી પછી ફટાફટ નીકળીએ. " આકાશ નાસ્તાટેબલ પાસે આકૃતિને લઈ બેસતા બોલ્યો.

નાસ્તો પૂરો કરી બધા નીકળી રહ્યા હતા. આકાશ રિસેપ્શન પર ચેક આઉટ કરાવી રહ્યો હતો. આકૃતિને લઈને આભા બહાર રાહ જોઈ રહી હતી. એ જ વખતે કોઈએ તેને અવાજ આપ્યો.

" હાઈ...... હાવ આર યુ? બહુ ઘણા ટાઈમ પછી મળી. આ તારી બેબી છે? બહુ બ્યુટીફુલ છે. બિલકુલ તારા જેવી.." એ આભા ને જોઈ ઉત્સાહિત થઈ બોલ્યો..

એટલી વારમાં આકાશ ત્યાં પહોંચી ગયો.
" એક્સક્યુઝમી, આપનો પરિચય?" આકાશે એ વ્યક્તિની ઓળખાણ જાણવા પૂછ્યું.

" માય સેલ્ફ અભિમાન. આભા તું ભૂલી તો નથી ગઈ ને મને? તારો નંબર ભી ચેન્જ કરી દીધો છે? એન્ડ તારો હસબન્ડ સાથે નથી? " અભિ એ પૂછ્યું..

અભિમાનના પ્રશ્નથી આકાશના મનમાં ડરનો ભાવ પેદા થઈ ગયો. એ બીજું કંઈ બોલે એની પહેલા જ એ બોલી પડ્યો.

" સૉરી, અત્યારે અમે લેટ થઈએ છીએ પછી વાત કરીએ. આ મારો નંબર છે. " આકાશ એ પોતાનું કાર્ડ અભિમાન ને આપ્યું. અને તરત જ આભાને આકૃતિ સાથે ત્યાંથી નીકળી ગયો.

" એ કોણ હતો? એ મને ઓળખતો હશે? તું સાથે તો પણ એણે એમ કેમ પૂછ્યું? " આભાના મનમાં ઘણા બધા પ્રશ્નો ખડા થઈ ગયા હતા. તે અભિમાન વિશે યાદ કરી રહી હતી.
અને એનો છેલ્લો પ્રશ્ન ??
જો એ મને સારી રીતે ઓળખતો હતો તો પછી એને આકાશને કેમ ન ઓળખ્યો??

આકાશ જાણતો હતો કે આભા અભિમાનને યાદ કરવા મથતી હશે. એણે તેના ખયાલો માંથી બહાર લાવવા તેણે મ્યુઝિક સિસ્ટમ પર ગીતો વગાડવા શરૂ કરી દીધા. એ ન્હોતો જાણતો કે જે ગીતો એ વગાડી રહ્યો છે એ જ ગીતો અભિમાન સાથે જોડાયેલા છે.

ગીતો વાગી રહ્યા હતા.
"તેરે લિયે......
ઘૂમૂ દિવાના બનકે તેરે લિયે.....
વાદા હે મેરા મે હુ તેરે લિયે....
હોના કભી તું જુદા....."

" અજનબી મુજકો ઇતના બતા..
દીલ મેરા ક્યોં પરેશાન હે....
દેખ કે તુજકો એસા લગે.....
જૈસે બરસો કી પહેચાન હૈ....."

" મુજસે શાદી કરોગી મુજસે શાદી કરોગી
મુજસે શાદી કરોગી મુજસે શાદી કરોગી...."

શાદી..... શબ્દ સાંભળતા આભા સામે એક લગ્ન પ્રસંગ ખડો થઈ ગયો.

*.........*.........*.........*.........*

આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.