Connection-Rooh se rooh tak - 27 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 27

૨૭.નવલું નજરાણું


અપર્ણાનાં વર્તનથી શિવ બરાબરનો ચિડાયો. એ અપર્ણાની પાછળ પાછળ એનાં રૂમમાં આવી ગયો. અપર્ણા તો રૂમમાં આવીને, કાનમાં હેડફોન લગાવીને આરામથી ગીતો સાંભળી રહી હતી. શિવ આવીને એની સામે ઉભો રહી ગયો. અપર્ણા એની સામે મોઢું બગાડીને બારી સામે ઉભી રહી ગઈ. શિવ પણ આવીને એની પાસે ઉભો રહી ગયો. શિવને જોઈને અપર્ણા ત્યાંથી આવીને બેડ પર બેસી ગઈ. શિવ ફરી એની સામે ઉભો રહી ગયો. અપર્ણા ત્યાંથી પણ ઉભી થવા ગઈ. તો આ વખતે શિવે એનાં હાથ પકડીને એને રોકી લીધી. અપર્ણાએ પોતાનાં હાથ છોડાવવાની કોશિશ કરી. એ સમયે એનાં હાથમાં બાંધેલો દોરો શિવની ઘડિયાળમાં ફસાઈ ગયો, અને બંને બેડ પર ફસડાઈ પડયાં.
અપર્ણા શિવની એકદમ નજીક હતી. શિવનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. બંનેની આંખો એકાકાર થઈ ગઈ હતી. અપર્ણાનો એક હાથ શિવનાં હ્દય પર હતો. એ શિવનાં જોરથી ધબકતા હૃદયની ધડકનો મહેસૂસ કરી શકતી હતી. એણે જેમ તેમ કરીને ઉભાં થવાની કોશિશ કરી. ત્યારે એનાં કાનમાં લગાવેલાં હેડફોન નીચે પડી ગયાં. પણ, અપર્ણા ઉભી નાં થઈ શકી. શિવે એને હાથનાં ઈશારે જ શાંત રહેવા જણાવ્યું, અને પહેલાં પોતે ઉભો થયો. પછી અપર્ણા તરફ પોતાનો હાથ આગળ કરી દીધો. હવે અપર્ણા તો અપર્ણા રહી. એ શિવનો પોતાની તરફ આગળ વધેલો હાથ ઇગ્નોર કરીને જાતે જ ઉભી થઈ ગઈ.
એ ઉભી થઈને તરત જ ફરી રૂમની બહાર જવાં આગળ વધી. ત્યાં જ શિવે ફરી એનો હાથ પકડીને એને પોતાની તરફ ખેંચી લીધી. શિવે એક હાથે અપર્ણાનો હાથ પકડી રાખ્યો હતો, અને બીજો હાથ એની કમર ઉપર હતો. અપર્ણાનો એક હાથ શિવનાં હ્દય પર હતો. શિવનું હ્રદય હજું પણ તેજ ગતિથી ધડકી રહ્યું હતું.
"હવે મારાં સવાલનો જવાબ આપીશ?" અચાનક જ શિવે પૂછ્યું.
"નહીં." અપર્ણાએ તરત જ નાં પાડી દીધી.
અપર્ણાની નાં સાંભળીને શિવે એને પોતાની વધું નજીક ખેંચી. હવે બંને એકબીજાનાં શ્વાસ પણ મહેસૂસ કરી શકતાં હતાં. શિવે થોડાં નરમ અવાજે કહ્યું, "મારો પ્લાન અસફળ રહ્યો. તો મારાં કરતાં વધું દુઃખ બાપુને થશે. પ્લીઝ, જે હકીકત હોય, એ મને જણાવી દે."
બાપુનું નામ આવતાં જ અપર્ણા સહેજ ઢીલી પડી. એનાં ચહેરાનાં બદલતાં હાવભાવ જોઈને શિવે એનો હાથ છોડી દીધો. અપર્ણા બે કદમ પાછળ હટી, અને કહ્યું, "મને નિખિલનો કોલ આવ્યો હતો. તે મુના બાપુને જે કહાની ઘડીને કહી. એમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું? એ જાણવાં એમણે એમનાં એક આદમીને અમદાવાદ મોકલ્યો છે. જે નિખિલ અને અનોખી ઉપર નજર રાખે છે. એમનાં એક આદમીની નજર મારી ઉપર પણ છે." એણે અચાનક જ શિવનાં ચહેરાં તરફ જોઈને કહ્યું, "મને શંકા છે, કે મારી ઉપર નજર રાખવામાં આવી રહી છે. તો તારી ઉપર પણ કોઈ નજર રાખતું હશે. એટલે મેં તને કારને મારાં ફ્લેટથી દૂર પાર્ક કરીને, મારી બાજુનાં ઘરનાં પાછળનાં દરવાજેથી આવવાં કહ્યું. કારણ કે, જો કોઈ તારી ઉપર નજર રાખી રહ્યું હશે. તો એ ઘરની બહાર રહેશે, અંદર નહીં આવે. બીજી વાત એ, કે એ ગુમરાહ પણ થઈ જાશે. એને એમ હશે કે તું મને નહીં, બીજાં કોઈને મળવાં ગયો હશે. પણ, તું તો પાછળનાં દરવાજેથી મારાં ફ્લેટ પર આવી ગયો છે. જેની જાણ તારી ઉપર નજર રાખનાર વ્યક્તિને નાં થઇ શકે. પછી તારી કાર પણ બીજાં ઘરની બહાર પાર્ક છે. એટલે મારો પીછો કરનાર વ્યક્તિ પણ નહીં જાણી શકે, કે તું અહીં છે."
"પણ, તને કેમ ખબર કે મારો પીછો કરનાર વ્યક્તિ ઘરની અંદર નહીં આવે?" શિવે તરત જ પૂછ્યું.
"નિખિલ અને અનોખી ઉપર નજર રાખતો હતો. એ આદમી કોલેજની બહાર રહીને નજર રાખતો હતો." અપર્ણાએ કહ્યું, "મારી ઉપર નજર રાખતો હતો. એ મારી શૂટિંગનાં સેટની સામેનાં રોડ પર ઉભો રહીને મારી ઉપર નજર રાખી રહ્યો હતો. તો આ બંને પરથી એટલો અંદાજો તો આવી જ જાય, કે તારી ઉપર નજર રાખનારો આદમી પણ તારી પાછળ પાછળ નહીં ફરે. બસ તું જ્યાં જઈશ, એ જગ્યાની બહાર જ ઉભો રહેશે." એણે શિવ તરફ આંગળી ચીંધીને કહ્યું, "આને કહેવાય, લોજીક!"
"ઓકે, લોજીકની દેવી જી!" શિવે પોતાનાં બંને હાથ જોડીને કહ્યું, "તમારી વાતોમાં લોજીક હોય છે. એ વાત આજથી હું સ્વીકારું છું."
"અરે હજું એક વાત તો રહી જ ગઈ." અપર્ણાએ પોતાનાં કપાળે હાથ મૂકીને કહ્યું, "અનોખી કાલે મુંબઈ આવી રહી છે. નિખિલે મને કહ્યું, કે એણે મુના બાપુનાં આદમીને એમ કહ્યું છે, કે મુના બાપુ જે વિચારી રહ્યાં છે. એ સાચું છે. એ નિખિલને પસંદ કરે છે."
"તું મને માંડીને વાત કરીશ, કે હકીકતમાં નિખિલે તને શું શું જણાવ્યું છે?" શિવે થોડાં સિરિયસ અવાજે પૂછ્યું.
"ઓકે સાંભળ." કહીને અપર્ણાએ શિવને એ બધી વાતો કહી દીધી. જે નિખિલે એને કહી હતી.
અપર્ણાની આખી વાત સાંભળ્યાં પછી શિવે કંઈક વિચારીને કહ્યું, "તું નિખિલને કોલ કર, અને પૂછ કે એની અને અનોખી વચ્ચે ખરેખર કંઈ છે, કે પછી અનોખીએ મુના બાપુને પરેશાન કરવાં ખોટું કહ્યું હતું, કે એ નિખિલને પસંદ કરે છે?"
"ઓકે." કહીને અપર્ણાએ તરત જ નિખિલને કોલ કર્યો, "હેલ્લો નિખિલ! તું ક્યાં છે અત્યારે?" નિખિલનાં કોલ રિસીવ કરતાં જ અપર્ણાએ પૂછ્યું.
"મારાં રૂમમાં." નિખિલે જવાબ આપ્યો.
"હવે હું જે પૂછું એનો મને સાવ સાચો જવાબ આપજે." અપર્ણાએ ગંભીર અવાજે કહ્યું, "તું અને અનોખી એકબીજાને પસંદ કરો છો?"
અપર્ણા દ્વારા અચાનક પૂછાયેલા આવાં સવાલથી નિખિલ પહેલાં તો કંઈ બોલી નાં શક્યો. પણ, પરિસ્થિતિનો તાગ મેળવતાં એણે સાચું કહ્યું, "હાં દીદી! હું અનોખીને પસંદ કરું છું. પણ....એ મને પસંદ કરે છે કે નહીં? એની મને ખબર નથી."
"ઓકે, હવે આ વાત કોઈને ખબર નાં પડવી જોઈએ." અપર્ણાએ સિરિયસ થઈને કહ્યું, "તું અનોખીને પણ હાલ આ વાત નહીં જણાવે. હું બધી જાણકારી મેળવીને પછી તને કોલ કરું. ત્યાં સુધી તું સ્ટડીમાં ધ્યાન આપ." કહીને અપર્ણાએ કોલ ડિસકનેક્ટ કર્યો, અને તરત જ શિવ સામે જોયું, "નિખિલ અનોખીને પસંદ કરે છે. પણ, અનોખી નિખિલને પસંદ કરે છે કે નહીં? એ વાતની નિખિલને જાણ નથી. કદાચ બંને વચ્ચે આ બાબતે કોઈ વાત નથી થઈ."
"તો હવે એક જ ઉપાય છે." કહીને શિવ તરત જ જતો રહ્યો.
"અરે પણ ઉપાય તો જણાવતો જા." અપર્ણા બોલતી રહી ગઈ. ત્યાં સુધીમાં તો શિવ જતો રહ્યો, "અજીબ છોકરો છે. મેં એને આટલું જણાવ્યું. પણ, એ પોતાનાં મનની વાત પણ મને કહ્યાં વગર જ જતો રહ્યો." અપર્ણા એકલાં એકલાં જ બબડવા લાગી.
એ તરત જ પોતાનાં રૂમની બારી સામે આવીને ઉભી રહી ગઈ. ત્યારે જ એની નજર શિવનાં કોટ પર ગઈ. જે હજું પણ અપર્ણા પાસે જ હતો. શિવ બે વખત એ કોટ લેવાં અપર્ણા પાસે આવ્યો હતો. પણ, દર વખતે કોઈને કોઈ કારણોસર એ કોટ લીધાં વિના જ જતો રહેતો. લાસ્ટ ટાઈમ પણ શિવ ગુસ્સામાં અપર્ણા સાથે મુના બાપુનાં બંગલે નિખિલને છોડાવવા જતો રહ્યો. ત્યારે પણ એ ફરી કોટને અહીં જ ભૂલી ગયો હતો. આ કોટ બંનેની પહેલી મુલાકાતનું નવલું નજરાણું હતું. જેને અપર્ણાએ સંભાળીને પોતાનાં વૉર્ડરોબમા મૂકી દીધો. જેની પાછળનું એક જ કારણ હતું. એ હવે જાણી ગઈ હતી, કે એ કોટ શિવ માટે કેટલું મહત્વ ધરાવતો હતો? હવે શિવ માટે કોઈ વસ્તુ મહત્વની હોય, તો એ વસ્તુ અપર્ણા માટે કેટલી મહત્વની હોઈ શકે? એ વાત આપણે બધાં જાણીએ છીએ.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"