Shapit - 32 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 32







અવની, દિવ્યા, ચાંદની અને સુધા બધાં ગામનાં કુવા પાસે ઉભાં હતાં. કુવામાંથી પાણી બહાર કાઢવા માટે ત્રાંબાનો કળશ સુધા કુવામાંથી બહાર કાઢવા લાગી. પાણી ભરેલાં કળશને જોતાં સુધાના મોઢામાંથી ચીસ નીકળી જાઈ છે. કળશનું પાણી લાલ રંગનું હતું. દિવ્યા નીચે કુવામાં જોવાં લાગી ત્યાં કોઈની મલેરી લાશ ઉંધી વળીને તરતી હતી.

કુવા પાસે ઉભેલાં બધાં લાશ જોતાં ગભરાઈ જાઈ છે. આસપાસ રહેતાં ગામનાં લોકો બધાં કુવા કાંઠે એકત્રિત થઈ ગયાં. બહું મોટું અપશુકન થયું એવું મનમાં જાતજાતના વિચારો સુધા ઘડવા લાગી. સુધા કળશને કુવા કાંઠે પડતો મુકીને હવેલી તરફ ઝડપભેર આગળ ચાલવા લાગી. સુધાને ચાલતાં જોઈ ગભરાયેલી દિવ્યા અને ચાંદની પણ પાછળ ચાલવા લાગી. અવની કુવા કાંઠે ઉભીને કુવામાં એકીટશે નીચે બધું જોઈ રહી હતી.

દિવ્યા બાજુમાં આવીને અવનીનો હાથ ખેંચીને પોતાની સાથે ઘરે જવા માટે ખેંચી લાવી. અવનીની નજર કુવા કાંઠે હતી. સુધા અને અવની, દિવ્યા ચાંદની બધાં હવેલી પહોંચી આવ્યાં. હવેલી આવતાં વ્હેંત સુધા આકાશની મમ્મીને ગળે વળગીને રડવા લાગી. " બહું મોટું અપશુકન થયું દીદી ".

દિવ્યા બધાને પાણીમાં તરતી લાશ વિશે વાત કરે છે.‌ પીઠી લગાવીને બેઠેલાં આકાશને પંડિતજીએ બાથરૂમમાં જઈને સ્નાન કરવાનું સુચવ્યું. સવિતાબેનના મનમાં જે ડર અને અટકળો ચાલતી હતી એ ધીમે-ધીમે હકીકત બનવા લાગી હતી. આકાશનાં મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. એ લાશ કોની હશે ? કાલે એ કુવા કાંઠે હું અને અવની હતાં. મેં અવનીને કુવામાં ઢીંગલી ફેંકતાં જોઈ હતી.

આકાશ ફ્રેશ થઈને રૂમમાંથી બહાર આંગણામાં આવ્યો. " કુવામાં કોની લાશ હતી ? ". આકાશ બધાંને પુછવા લાગ્યો. આકાશની મમ્મી એને આવી બધી વાતોમાંથી દુર રહેવાનું કહે છે. છતાં આકાશનાં મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. સમીસાંજે થવા આવી હતી. સુર્યનારાયણ બધાને વિદાય લઇ રહ્યાં હતાં. શાંત વાતાવરણમાં આકાશમાં ઉડતાં પંખીઓનો કલરવ સંભળાતો હતો.

તેજપુર મહાદેવનાં મંદિરે સંધ્યા આરતીનો શંખનાદ ગુંજ્યો. જેવો શંખનાદનો અવાજ હવેલીએ સાંભળતા આંગણામાં બધાંની સાથે બેઠેલી અવની ઝડપથી દોડીને હવેલીમાં અંદર ચાલી જાઇ છે. આકાશ પોતાની જગ્યાએ ઉભો થવા જતાં એની મમ્મીએ રોકી લીધો. " બેટા !આકાશ કાલે સવારે તારાં લગ્ન થવાનાં છે. હવે તારાં ઘર સંસાર તરફ મન વાળી લેજે એટલો વધારે ખુશ રહીશ ". મમ્મીનો ઈશારો અવની તરફથી પાછાં વળવાનો હતો.


દિવ્યા : " આન્ટી બીજું બધું તો ઠીક, પણ હેન્ડસમ બોય આકાશની થનારી પત્ની કોણ છે ? ".

ચાંદની : " હા...! આન્ટી દેખાવમાં કેવી છે ? ".

સુધા : " ઉભી હોય તો આંગણામાં આંજવાળા પડે એવી સુંદર છે . દીદીએ જોઈ અને પસંદ કરી છે. એટલે કોઈ કમી થોડી હોઈ શકે. અમારા ખાનદાનની કુળવધુ બધાંથી અલગ તદ્દન ભિન્ન, સંસ્કારી અને ગુણવાન છે ".

ચાંદની : " ઓહો.....! હવે તો જલ્દીથી એમનાં દર્શન કરવાં પડશે. જેનાં આટલાં બધાં વખાણ સાંભળ્યાં ".

દિવ્યા : " તેમનું નામ તો લગ્નનાં આમંત્રણમાં લખ્યું નહોતું ? ".

સુધા : " રત્ના.... રત્ના નામ છે. મારાં આકાશની થનારી પત્નીનું ".

પિયુષ : " વાહ્... આકાશ વેડ્સ રત્ના....".

બાજુમાં બેઠેલી દિવ્યા ચાંદનીના કાનમાં ધીમેથી બોલી " આકાશ વેડ્સ અવની ‌...... કેટલું સુંદર લાગે ".

અક્ષય : " આન્ટી ! લગ્નમાં ડીજે તો હશે ને ? ".

સવિતાબેન : " બેટા અમારે અહીંયા હિન્દી ગીતો પર નહીં જાન ઢોલ અને શરણાઈના સૂરે વધુને પરણવા જાઈ છે ".

પિયુષ : " આન્ટી જાન ક્યાં જવાની છે ? આમંત્રણમાં તો ફક્ત આકાશનાં લગ્નનુ આયોજન આટલી તારીખે તેનાં નિવાસ સ્થાને રાખેલું છે. લગ્ન સ્થળ તેજપુર ગામ એવું લખેલું હતું ".

સવિતાબેન : " હા બેટા ! જાન અહીંયા ગામમાં જ જવાની છે. છોકરીનાં પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેથી કોઈ ખોટાં ખર્ચા કરવાનું ટાળ્યું છે. આથી વધારે લોકોને લગ્નમાં બોલાવ્યાં નથી ".

આકાશ બધાંની વાતો સાંભળી રહ્યો હતો. પરંતુ મનમાં અંદર અવની શું કરતી હશે એ સવાલ ઉઠતો હતો. વાતો વાતોમાં સમય વિતવા લાગ્યો અને રાત્રિના જમવાનો સમય થવા આવ્યો. બધાં મિત્રો જમનાના ટેબલ પર બેઠાં હતાં. આકાશને અવની નજરે ન આવતાં ચિંતા થવા લાગી. બાજુમાં બેઠેલા સમીરને અવનીને રૂમમાંથી બહાર બોલાવી લાવવાં કહ્યું.

સમીર દરવાજો ખોલીને અવનીના રૂમમાં દાખલ થયો. રૂમમાં ખુબ અંધારૂં હતું. સમીર દરવાજા પાછળથી લાઈટની સ્વીચ ચાલું કરે છે. સમીર રૂમમાં નજર કરતાં તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.

સમીરએ રૂમમાં શું જોયું હશે ? કુવામાં કોની લાશ હતી.
આગળનાં ભાગમાં જોઈએ.

ક્રમશ....