AABHA - 16 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 16

*.........*...........*.........*.........*

" ઘર આવી ગયું...." આકાશે ગાડી રોકી.
" ઓહ...હા.." આભા પોતાના વિચારો માંથી બહાર આવી.
ત્યાં બધા રાહ જોઈને ઉભા હતા. આકાશે ગાડી માંથી ઉતરતા પહેલા આભા માથા પર સાડી નો પલ્લું લેવડાવ્યો. આજ સુધી ઘરે ક્યારેય કોઈ રોકટોક ન કરનાર આકાશનું વર્તન આભા ને નવાઈ પમાડી રહ્યું હતું. પણ એ આકાશની ઈચ્છા મુજબ જ વર્તી રહી હતી.

"આવો આવો મે'માન." અતિ હેતાળ અવાજે અમને આવકાર આપ્યો.

"કેમ છો બાપુજી? કેમ છો બા ?" કહી આકાશ તેમને પગે લાગ્યો. અને આભા પણ માથા પર નો પલ્લું સરકી ના પડે એમ પલ્લું સંભાળતા આકાશ ને અનુસરી. નાનકડી આકૃતિ પણ બાપૂ, બા કહેતા એમની પાસે દોડી આવી. આકાશે રિયા ના બા, બાપૂ, મોટા હિતેશભાઈ, ભારતી ભાભી એમના સંતાનો હેમાલી અને દર્શિલ બધાંનો પરિચય આપ્યો. બધાંએ ખૂબ પ્રેમથી આવકાર્યા તેથી આભા ની પણ એમના વિશે બંધાયેલી ખોટી ગ્રંથી દૂર થઈ. થોડી જ વારમાં તે ભારતી ભાભી સાથે આવનાર મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં જોડાઈ ગઈ. થોડી જ વારમાં મહેમાનો પણ આવી ગયા. મહેમાનો ની આગતાસ્વાગતા માં કોઈ કમી ના રહી. રિયા ને જોવા આવેલ છોકરો મનન, અને તેના મમ્મી પપ્પા સ્વભાવે સારા લાગતા હતા. તેમના પરિવાર માં મનન ઉપરાંત તેના મોટા બે ભાઈઓ હતા. તે બંનેનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. પણ પોતાની સ્વતંત્રતા ના નામે સ્વછંદ બની પરિવાર થી અલગ રહેતા હતા. એક ભાભી રિસાઈ ને એમના પિયર જતા રહેલા એ વાત જાણ્યા બાદ એમના સારા સ્વભાવ વિશે રિયા ના પરિવારજનો થોડા વહેમાયા.ભારતી ભાભી પોતાના મામા મામી ના દિકરા સાથે પોતાની નણંદ પરણાવે તો ત્યાં પણ તેના માનપાન વધે એટલે તેઓ આ સંબંધ કરાવવા ઉત્સુક હતા. જેથી કરીને આ ઘરમાં એ રિયા ના સુખ નાં બદલામાં પોતાની મનમાની કરી શકે. આ વાત બા, બાપુજી ના ધ્યાનમાં હતી જ. પણ હિતેશ પોતાના માતાપિતા નાં બદલે પોતાની પત્નીનો સાથ આપી રહ્યોં હતો. અને રિયાની ઉંમર ની બધી છોકરીઓ લગ્ન કરી ચૂકી હતી અને એમની રિયા એક જ બાકી છે એ વાત એમના ગામ માં બહુ મોટી હતી. એ બધી ચિંતાઓ માં તેઓ પણ આ સંબંધ અંગે કંઈ કહી શકતા નહોતા. અને રિયા તો ક્યારેય મોટેરાઓના નિર્ણય માં વચ્ચે બોલવાનું શીખી જ નહોતી. પણ આભા આખી પરિસ્થિતિ પામી ચૂકી હતી. આકાશ પણ બધું જાણતો હતો.પણ એ કરે પણ શું?

"રિયાબેન રાજ કરશે એ ઘરમાં..." મહેમાનો નાં ગયા પછી ભારતી ભાભી એ વાત ઉખાળી.

"હા, છોકરો અને એના મા બાપ પણ બહુ સીધા છે." હિતેશભાઈ પણ પતિધર્મ સારી રીતે નિભાવી રહ્યા હતા.

" પૈસેટકે સુખી છે.." બા ને બીજુ કંઈ સૂઝ્યું નહીં.

"તમને શું લાગે છે???" બાપુજી એ આભા અને આકાશ ને પૂછ્યું.

"અમારા કરતા વધુ દુનિયા તમે જોઈ હશે? તમને લાગે છે કે રિયા એ ઘરમાં સુખી રહેશે.?" આભા એ પ્રશ્ન સાથે જ પોતાનો જવાબ પણ આપી દીધો.

"આભા, અમે રિયા બેન નું સારું જ ઈચ્છતા હોઈશું ને? " ભારતી ભાભી પોતાની બાજી બગડતી જોઈ બોલી પડ્યા.

" રિયા નું સારું? આ લોકો ને મળ્યા બાદ મને નથી લાગતું આમાં એનું કંઈ સારું થાય એમ. એનાં બે મોટા ભાઈ છે. એ લોકો અલગ રહેતા હોય પણ જો એમનાં સંબંધો સારા હોય તો એ લોકોએ આવવું જોઈએ ને?? અને એક ભાભી રિસામણે છે. એનું કોઈ કારણ તો હશે ને? અને વાતો મોટી મોટી ભલે હોય.. બાપદાદાની સંપત્તિ ખતમ થતાં કેટલી વાર લાગે? અને એ લોકોએ જ કહ્યું કે એમને થોડા વર્ષો પહેલા જ સો વીઘા જમીન હતી એમાંથી અત્યારે ત્રીસ વીઘા છે. એ પરથી આપણે વિચારી શકીએ કે આવતા થોડા વર્ષોમાં એમની સ્થિતિ શું હશે? ઉપર થી મનન હજુ કોઈ કામધંધો પણ નથી કરતો. એમાં એ રિયા નો ખ્યાલ કઈ રીતે રાખી શકશે? " આભા ના પ્રશ્નો થી બધાં જ વિચારમાં પડી ગયા.

" સારું માની લીધું કે આ સંબંધ રિયાબેન માટે ઠીક નથી. તો તું સારું ઠેકાણું ગોતી દે. આવતા એક બે મહિનામાં એના લગ્ન થઈ જવા જોઈએ. અમારી કાંઈ ઈજ્જત છે કે નહીં ગામમાં... આખી જિંદગી એને સાચવવાની છે ઘરમાં? "ભારતી ભાભી સંબંધ નહીં થાય એવી બીકથી ખીજાય પડ્યા.

"સારું ઠેકાણું? ‌‌‌‌‌‌‌‌‌ મને લાગે છે કે તમે ઈચ્છતા જ નથી કે રિયા ને સારું ઠેકાણું મળે... નહીંતર અત્યાર સુધી ના મળે એવું મને નથી લાગતું." આભા ભારતી ભાભી ના કાવાદાવા સમજી ચૂકી હતી.

" હા, અમે તો એનાં દુશ્મન છીએ. તને એટલું દાઝે છે ને તો હવે કરાવી લે રિયા નો સંબંધ. હું ય જોઉં તુ કેટલું સારું ઠેકાણું ગોતે છે." ભારતી ભાભી હવે વટમાં આવી ગયા હતા.

" ભારતી, બસ કરો હવે.. " બા આ કંકાસ પર પૂર્ણવિરામ મૂકવા ઈચ્છતા હતા.

" બસ ક્યાંથી કરે? હવે તો મારેય જોવું છે રિયાબેન ને ક્યાંથી મૂરતિયો મળશે એ??" ભારતી ભાભી કટાક્ષમાં બોલ્યા.

" મૂરતિયો? " આભા ના દિમાગમાં અચાનક એક ઝબકારો થયો.

" મૂરતિયો તો છે.. ઘર, પરિવાર દીવો લઈને શોધવા જાવ તો ય ના મળે એવા છે. તમને ગમે તો રિયા સુખ ની સાહ્યબી માં આળોટશે." આભા એ એક નજર ભારતી ભાભી સામે નાખી ને મલકાતા કહ્યું.

" મૂરતિયો, અમદાવાદમાં કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. એમના મમ્મી પપ્પા નો એકનો એક દીકરો છે. એમના પપ્પા અને એમના મોટા ભાઈ બંને આટલા વર્ષો પછી પણ સાથે જ રહે છે. એમના મોટા ભાઈ નો પણ એક દીકરો છે. એના લગ્ન થઈ ગયાં છે. એમનો પોતાનો બિઝનેસ છે. પૈસેટકે સુખી છે. " આભા પોતાના જ પરિવારના વખાણ કરવા લાગી.

"એવા મોટા માણસો ના મન મોટા ના હોય આભા. અને એવા અજાણ્યા માં દિકરી દુઃખી થાય તો જવાબદારી કોની?" ભારતી ભાભી નમતું જોખવા જરાય તૈયાર નહોતા ‌

"અજાણ્યા? અરે તમે બધાને જ ઓળખો છો. અને મૂરતિયો તો રિયા ને હથેળીમાં રાખશે. એને જરાય દુઃખ પડે તો જવાબદારી મારી બસ." આભા પણ ક્યાં ઓછી ઊતરે એમ હતી.

" મૂરતિયો ? કોની વાત કરો છો બેટા. " બાપુજી ઉત્સુક થઈ ગયા.

બા, ભારતી ભાભી, હિતેશભાઈ બધા આભા ના જવાબ ની રાહ જોઈ રહ્યા હતા. આકાશ સમજી ગયો હતો કે આભા કોનાં વિશે કહી રહી છે. અને એ પણ જાણતો હતો કે એ શક્ય નથી. આ લોકો આ વાત નહીં જ સ્વિકારે.

" રાહુલ, મારો દિયર." આભા નો જવાબ સાંભળીને બધા અવાક્ થઈ ગયા.

" રાહુલ." બા, બાપુજી એકબીજા સામે જોઈ રહ્યા.
રિયા પણ આશ્ચર્યચકિત થઈ આભા ને જોઈ રહી.
ભારતી ભાભી ના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. એ વિચારતા હતા કે આના માટે બધાંની ના જ હશે. અને પોતે લાવેલ માંગું થોડી રકઝક પછી સ્વિકારી લેવાશે.

" બેટા, રાહુલ? એ આકાશ નો ભાઈ છે. અને આકાશ ને અમે દિકરો માનીએ છીએ." બાપુજી પોતાના શબ્દો ને ગોઠવતા ગોઠવતા બોલ્યા.

"આકાશ ને તમે દિકરો માનો છો. પણ રાહુલ તો એનો પિતરાઈ ભાઈ છે. અને એ સિવાય ના કોઈ સંબંધ નથી અમારી સાથે. આ નવો સંબંધ રિયા માટે સુખદ રહેશે. " આભા સમજાવવાની પૂરી કોશિશ કરી રહી હતી.

" આભા, આપણે હવે જવું જોઈએ." આકાશે વાત સંકેલવા કહ્યું.

"ઠીક છે. " આભા સમજી ન શકી કે આકાશ આ વાત આવી રીતે અધૂરી કેમ મૂકી રહ્યો છે.

થોડી જ વારમાં બા, બાપુજી અને રિયા સાથે રહી આભાને એ પોતાના લાગવા લાગ્યાં. આકૃતિ પણ હેમાલી અને દર્શિલ સાથે જાણ એવી હળીમળી ગઈ કે જાણે સગા ભાઈ બહેન હોય. વિદાય લેતી વખતે ફરી આકાશ અને આભા બા, બાપુજી ને પગે લાગ્યા. બા ની આંખો માં તો ઝળઝળીયાં આવી ગયા. જતા જતા આભા એ ફરી રાહુલ સાથે રિયા ના સંબંધ માટે પૂછી લીધું.

" બેટા, તમારા ઘરે વાત કરી જુઓ. બધા રાજી હોય તો અમારા જેવું ભાગ્યશાળી બીજું કોણ?" બાપુજી એ એકતરફી હકારાત્મક જવાબ આપી દીધો.

ભારતી ભાભી અને હિતેશભાઈ ને વિશ્વાસ નહોતો કે બાપુજી આ સંબંધ આમ જ સ્વિકારી લેશે.
રિયા પણ આશ્ચર્યચકિત નજરે એમને જોઈ રહી. એની આંખોમાં પાણી આવી ગયા. પણ એ શેનાં હતાં.? એ સમજી શકાય એમ નહોતું.

આકાશ અચરજ ભરી નજરે જોઈ રહ્યો. એ જે હેતુ માટે આવેલો એ તો ના થયું અને આ નવો સંબંધ કે પછી નવી મુશ્કેલી?
બધા નાં મનમાં અલગ અલગ વિચારો ઘૂમરાઈ રહ્યા હતા.
અને આભા? એ તો પોતાના દિયર નાં લગ્ન ના સપના સજાવી રહી હતી.