Matsyavedha - Gujarati Web Series Review books and stories free download online pdf in Gujarati

મત્સ્યવેધ - ગુજરાતી વેબ સીરીઝ રીવ્યુ

મત્સ્યવેધ - ગુજરાતી વેબ સીરીઝ રીવ્યુ

આજે માનવ ગોહીલ અને આર જે દેવકી અભિનીત ગુજરાતી વેબ સીરીઝ મત્સ્યવેધ જોવાનો મોકો મળ્યો. ગુજરાતી ભાષામાં આટલી સરસ વેબ સિરીઝ બને એ દરેક ગુજરાતીએ ગર્વ લેવા જેવી વાત તો છે જ.

આ વેબ સિરીઝમાં માત્ર બે જ પાત્રો છે. માનવ ગોહીલ અને આર જે દેવકી. બંને પાત્રો વચ્ચેની વાતચીતમાં જ આખી વાર્તા રચાય છે. આખી વેબ સિરીઝમાં જ્યારે માત્ર બે જ પાત્રો હોય અને આટલી રસપ્રદ વાર્તા જ્યારે તમારી સમક્ષ રજૂ થાય તો એ ખરેખર ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી જ વાત છે ને!! શેમ્મારું મી પર આ વેબ સીરીઝ ઉપલબ્ધ છે.

વાર્તાના પ્રકાર વિષે વાત કરીએ તો આ એક ક્રાઈમ થ્રીલર પ્રકારની વાર્તા છે. પરંતુ આ વાર્તા દરેક પ્રકારના સામાન્ય દર્શકો માટે નથી પરંતુ જેમને કંઈક અલગ પ્રકારનું કન્ટેન્ટ જોઈએ છે એમના માટે છે. જેમને પોતાના મગજને જોર આપવું ગમે છે એમના માટે આ વાર્તા છે.

આખી વાર્તાના સંવાદોમાં મહાભારતમાં અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં જે મત્સ્યવેધ કર્યો હતો એ ઘટના મુખ્ય ભૂમિકામાં છે અને એ માછલીની આંખ ને લક્ષ્ય બનાવીને મત્સ્યવેધ કરવાની પાર્થ (માનવ ગોહીલ)ની કોશિશમાં એના સારથિ બને છે ક્રિષ્ના (આર જે દેવકી) અને એને મદદ કરે છે. જેમ મહાભારતમાં કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપવા માટે માત્ર અર્જુનને જ પસંદ કર્યો હતો એવી જ કંઈક વાત આ વેબ સીરીઝમાં પણ છે. એક સરસ ડાયલોગ પણ છે કે, મહાભારતમાં અર્જુને કૃષ્ણને પોતાના સારથિ તરીકે પસંદ કર્યા હતા કે પછી કૃષ્ણએ અર્જુનને મિત્રતાને પાત્ર માનીને પસંદ કર્યો હતો! વાર્તા વિષે વધુ કશું નહીં કહું કારણ કે, એ માટે તો તમારે આ વેબ સિરીઝ જોવી જ રહી. બધાં રાઝ જો ખોલી દઈશ તો વાર્તા જોવાની મજા કંઈ રીતે આવશે?

આર જે દેવકીની તો કદાચ આ પહેલી જ વેબ સિરીઝ છે. હા! નાટકોમાં એણે કામ કર્યુ છે. પણ કદાચ ઓ.ટી.ટી પરનો એનો આ કદાચ પ્રથમ અનુભવ છે. આર જે હોવાના કારણે એની સ્પીચ વિશે તો જેટલું લખીએ એટલું ઓછું જ પડે. અને એક્ટિંગ તો એમના લોહીમાં જ છે એટલે એને તો વ્યાખ્યાયિત કરવાની કદાચ જરૂિયાત જ નથી. વાર્તાના એક એક સંવાદો જયારે દેવકીના મુખેથી બોલાય છે ત્યારે વધુ નીખરીને બહાર આવે છે. અને માનવ ગોહીલ! એનું તો કહેવું જ શું? એ તો આટલાં વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરે છે એટલે ખૂબ જ મંજાયેલો કલાકાર છે. એનાં વિષે તો જેટલું લખીએ એટલું ઓછું જ પડે. અને નીરવ બારોટનું દિગ્દર્શન પણ ખૂબ જ જોરદાર છે. ઝીણી ઝીણી બાબતોને પણ ખૂબ સારી રીતે વાર્તામાં વણી લીધી છે એ તો તમે જ્યારે આ વેબ સીરીઝ જોશો ત્યારે જ સમજાશે.

અને આખી સીરીઝનાં દરેક ભાગના ટાઈટલ અને એની સાથે નતાશા રાવલ (સ્પર્શ)ની કલમે લખાયેલી કવિતાઓ પણ ખૂબ જ જોરદાર છે. જતન પંડ્યાની કલમે લખાયેલી આ વાર્તાના નીરવ બારોટે પડદાં પર ખૂબ જ સરસ રીતે કંડારી છે.

હું આને મસ્ટ વોચ વેબ સીરીઝ કહીશ. અર્જુને કૃષ્ણને પસંદ કર્યા કે પછી કૃષ્ણએ અર્જુનને એનો જવાબ મેળવવા પણ તમારે આ વેબ સીરીઝ જરૂર જોવી જોઈએ.

તો મિત્રો! અંતમાં હું આપ સર્વેને કહીશ કે, તમે લોકો આ વેબ સિરીઝ જરૂરથી જોજો. તમને ખૂબ જ મજા પડશે એ વાતની ગેરંટી છે અને તમને પણ ગર્વ થશે કે, ગુજરાતી સાહિત્યમાં આજે પણ આટલી રસપ્રદ વાર્તાઓ લખનારા લેખકો છે અને એનાં પરથી વેબ સિરીઝ બનાવનારા દિગ્દર્શક પણ છે. જરૂર જો જો હો..