Connection-Rooh se rooh tak - 32 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 32





૩૨.ધોખેબાજ વિશ્વાસ

વિશ્વાસ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદમાં એમનું કોઈ સગું નાં હોવાથી બધાં એક હોટેલમાં રોકાયાં હતાં. વિશ્વાસનાં મમ્મી-પપ્પા એની સગાઈ થવાની હતી. એ વાતથી બહું ખુશ નજર આવી રહ્યાં હતાં. વિશ્વાસનાં ચહેરાં પરની મોટી એવી સ્માઈલ પણ દૂર થઈ રહી ન હતી. હવે આ તાન્યા સાથે સગાઈ થવાની ખુશી હતી, કે એની પાછળ બીજું જ કોઈ રહસ્ય છુપાયેલું હતું. એ તો વિશ્વાસ જ જાણતો હતો. એ પોતાનાં રૂમમાં સગાઈમાં પહેરવાં માટેની શેરવાની જોઈ રહ્યો હતો. ત્યાં જ એનાં મોબાઈલની રિંગ વાગી. મોબાઈલ પર 'સ્વીટી' નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એ જોઈને એનાં હોંઠો પર લાંબી સ્માઈલ આવી ગઈ.
"હાં બોલ, સ્વીટી!" વિશ્વાસે મોબાઈલ કાને લગાવીને કહ્યું.
"તું સગાઈ કરી રહ્યો છે, અને મને જણાવ્યું પણ નહીં?" સ્વીટીએ થોડાં અણગમા સાથે કહ્યું.
"અરે બેબી! આ તો એક ગેમ પ્લાનિંગ છે." વિશ્વાસે આરામથી હોટેલ રૂમનાં બેડ પર બેસીને કહ્યું, "તને તો ખબર છે, અજય મલ્હોત્રાની પાર્ટીમાં એક છોકરીએ મારી કેવી બેઇજ્જતી કરી હતી? એ રાતથી અજય સર મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતાં. મને સિરિયલમાંથી કાઢી મુકવાની ધમકી આપી દીધી. આ બધું એ સનકી છોકરીનાં કારણે થયું. તો બદલો લેવો તો બને ને!"
"મતલબ? હું સમજી નહીં?" સ્વીટીએ અસમજની સ્થિતિમાં પૂછ્યું.
"સાંભળ! હું જેની સાથે સગાઈ કરવાનો છું. એ તાન્યા એ છોકરીની બેસ્ટ ફ્રેન્ડ છે." વિશ્વાસે માંડીને વાત કરી, "હવે એ છોકરીની કોઈ બહેન તો નથી, કે હું એને બદનામ કરીને‌ મારો બદલો લઈ શકું. તો મેં તાન્યાને ટાર્ગેટ કરી. અચાનક જ મારાં પપ્પાને એનાં એક ફ્રેન્ડ એ તાન્યા વિશે જણાવ્યું. પહેલાં તો હું એને મળવાની પણ નાં પાડવાનો હતો. પણ, પછી પપ્પાએ જેવો ફોટો બતાવ્યો. ત્યારે ફેસબુક પર સર્ચ કરવાથી મને ખબર પડી, કે એ તાન્યા તો એ છોકરીની બેસ્ટ ફ્રેન્ડ છે. જેણે મારી બેઇજ્જતી કરી હતી." એનાં ચહેરાં પર ખંધું સ્મિત ફરક્યું, "પછી શું? મને એ છોકરી સાથે બદલો લેવાનો મોકો મળી ગયો. મેં વિચાર્યું, એની કોઈ બહેન નાં સહી ફ્રેન્ડ જ સહી! એટલે મેં તરત જ લગ્ન માટે હાં પાડી દીધી. તાન્યા મારી સાથે વાત કરીને, મને મળીને જે ઇમ્પ્રેસ થઈ છે! એણે એની બેસ્ટ ફ્રેન્ડની વાત પણ નાં સાંભળી, અને લગ્ન માટે તૈયાર થઈ ગઈ. આમ તો હું તને આ વિશે જણાવવાનો જ હતો. પણ, એ છોકરીએ ધમકી આપી, કે એ અમારા લગ્ન રોકવાની કોશિશ કરશે. એટલે મેં આજે સગાઈ અને એક અઠવાડિયામાં જ લગ્નનું ગોઠવી નાખ્યું. લગ્નનાં દિવસે જ હું બધાંને તારાં વિશે જણાવીશ, અને તાન્યાને છોડી દઈશ. પછી જો એ છોકરીની જીંદગીમાં કેવી ધમાલ થાય છે?" કહીને વિશ્વાસ જોરજોરથી હસવા લાગ્યો.
"પણ, તાન્યા જ શાં માટે? બદલો તો તારે પેલી છોકરી સાથે લેવો છે." સ્વીટીએ તરત જ પૂછ્યું.
"એને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડવાનો કોઈ ફાયદો ન હતો." વિશ્વાસે કહ્યું, "એને એકને નુકસાન પહોંચાડવાથી એ થોડાં સમયમાં ખુદને સંભાળી લેતી. પણ, એની બેસ્ટ ફ્રેન્ડ સાથે એવું કરીને હું એને બરાબરની તડપતી જોવાં માગું છું. તને તો ખબર છે, લગ્ન મંડપમાં છોડેલી છોકરી સાથે કોઈ છોકરો લગ્ન કરવાં તૈયાર નાં થાય."
"ઓહ, તો આ છે તારો માસ્ટર પ્લાન." સ્વીટીએ કહ્યું, "ઓકે, તો હું પણ તારાં લગ્નમાં આવીશ. મારે આ બધું મારી નજરે જોવું છે."
"ઓકે બેબી! બાકી આ વિશ્વાસ પર ક્યારેય શંકા નહીં કરવાની." વિશ્વાસે કહ્યું, "હું હંમેશા તારો હતો, અને તારો જ રહીશ. હું ભલે દરેક સારી છોકરી પાછળ રખડું, એને હેરાન કરું. પણ, મારી ઉપર તો માત્ર તારો જ હક છે."
"ઓહ વિશ્વાસ! યૂ આર સો સ્વીટ. આઈ લવ યૂ, બેબી." સ્વીટીએ ખુશ થઈને કહ્યું.
"આઈ લવ યૂ ટૂ, બેબી." વિશ્વાસે કહ્યું, અને કોલ ડિસકનેક્ટ કરીને બેડ પર ઉંધો પડ્યો, અને મનોમન જ વિચારવા લાગ્યો, "આઈ એમ સો સોરી અપર્ણા! પણ શું કરું? તું જ્યારથી મારી જીંદગીમાં આવી. લોકો મારી સામે મન ફાવે એવું વર્તન કરવાં લાગ્યાં છે. મને માફ કરી દેજે. તે દિવસે કાફેમાં મને પહેલેથી બધી ખબર હોવાં છતાં મેં નાટક કર્યું, કે તું તાન્યાની ફ્રેન્ડ છે એ મને ખબર જ નથી. એવું કરવું મારી મજબૂરી હતી. નહીંતર તાન્યા પણ મારી ઉપર શંકા કરતી. જે મને બિલકુલ મંજૂર ન હતું."

વિશ્વાસની મેલી રમતથી અજાણ એવી તાન્યા સગાઈનો લહેંગો પહેરીને અરિસા સામે બેઠી હતી. એની આંખોમાં હજારો સપનાઓની ચમક સાફ દેખાઈ રહી હતી. જે લગ્ન પહેલાં દરેક છોકરીની આંખોમાં જોવાં મળે છે. એ બસ વિશ્વાસને જ યાદ કરી રહી હતી. ત્યાં જ એનાં રૂમનાં દરવાજે કોઈએ ટકોરા દીધાં. એણે તરત જ દરવાજો ખોલ્યો. સામે ઉભેલી અપર્ણાને જોઈને એ એને ભેટી પડી.
"થેંક્યૂ સો મચ! તું મારી સગાઈમાં આવી." તાન્યાએ ખુશ થઈને કહ્યું.
"હાં, હવે તે નક્કી કરી જ લીધું હતું, કે તું વિશ્વાસ સાથે જ લગ્ન કરીશ. તો મારે તો આવવાનું જ હતું." અપર્ણાએ કટાક્ષમાં કહ્યું, અને અંદર આવીને ખુરશી પર બેસી ગઈ.
"મતલબ, તું હજું મારાં નિર્ણયથી નારાજ છે." તાન્યાએ અપર્ણાની સામે ઉભાં રહીને કહ્યું, "યાર, વિશ્વાસ સારો છોકરો છે. એ હવે સુધરી ગયો છે. તું એને એક મોકો તો આપ."
"મોકો નહીં, એને તો હું મુક્કો આપું. જોરદાર મુક્કો! જેનાથી એનાં બધાં દાંત પડી જાય, અને એ જવાનીમાં જ ઘરડો થઈ જાય." અપર્ણા મનોમન જ વિચારવા લાગી, અને ઉભી થઈને તાન્યાને કહેવા લાગી, "હવે જે હોય તે, તું તૈયાર થઈ જા. હું અંકલ આન્ટીને મળતી આવું." કહીને અપર્ણા બહાર હોલમાં આવતી રહી. જ્યાં સગાઈ માટેનું સ્ટેજ ગોઠવાઈ ગયું હતું. બધાં મહેમાનો પણ આવવાં લાગ્યાં હતાં.
અપર્ણા તાન્યાનાં મમ્મી-પપ્પા પાસે આવીને, એમનાં આશીર્વાદ લઈને એમની સાથે વાતોએ વળગી. ત્યાં જ અપર્ણાનાં મમ્મી-પપ્પા, કાકા-કાકી અને નિખિલ એ બધાં પણ આવી ગયાં. બધાંએ અપર્ણાને અહીં જોઈ. તો તરત એની પાસે આવ્યાં. નિખિલનું તો અપર્ણા તરફ ધ્યાન પણ ન હતું. એ તો એનાં જ વિચારોમાં ખોવાયેલો હતો. જે છોકરીને એ પ્રેમ કરતો હતો. એ કોઈ માફિયાની દિકરી હશે. એવી તો એને બિચારાને ખબર પણ ન હતી.
"બેટા! તું ક્યારે આવી? ઘરે પણ નાં આવી." રોહિણીબેને અપર્ણાની પાસે આવીને પૂછ્યું.
"બસ હમણાં જ આવી, કાકી!" અપર્ણાએ કહ્યું, "ઘરે આવવાનો તો કોઈ સવાલ જ ન હતો. હવે તો એક કામયાબ એક્ટર બન્યાં પછી જ ઘરે આવીશ. મારી પપ્પા સાથે એ જ તો શરત હતી." અપર્ણાએ જગદીશભાઈ સામે જોઈને કહ્યું. અપર્ણાની વાત સાંભળીને એ મોઢું ફેરવી ગયાં.
તાન્યા અપર્ણાની બેસ્ટ ફ્રેન્ડ હતી. તો એનાં મમ્મી-પપ્પાએ અપર્ણાનાં પરિવારને પણ સગાઈમાં ઇન્વિટેશન આપ્યું હતું. ધીરે-ધીરે બધાં મહેમાનો આવવાં લાગ્યાં. તો બધાં એમની સાથે વાતોએ વળગ્યાં. અપર્ણા મોકો જોઈને નિખિલ પાસે આવી. એણે નિખિલનાં ખંભે હાથ મૂકીને કહ્યું, "અરે યાર ચિંતા નાં કર." અપર્ણાનો અવાજ સાંભળીને નિખિલે તરત જ અપર્ણા તરફ જોયું. હવે એને ભાન થયું, કે અપર્ણા પણ અહીં હતી. અપર્ણાએ એને સાઈડમાં લઈ જઈને કહ્યું, "અનોખીની મેટર પછી સંભાળી લઈશું. હાલ તો તારે મારો બીજાં એક કામમાં સાથ આપવાનો છે." કહીને અપર્ણાએ એને તાન્યાની સગાઈ રોકવાનો આખો પ્લાન સમજાવ્યો.
"દીદી! આપણે સગાઈમાં એન્જોય કરવા આવ્યાં છીએ, કે સગાઈ રોકવા? મારી તો કંઈ સમજમાં નથી આવતું." નિખિલે માથું ખંજવાળીને કહ્યું, "નક્કી આપણાં બંનેની જીંદગીને કોઈની નજર લાગી છે. એક પછી એક ખેલ આપણાં જીવનમાં થયાં જ કરે છે."
"ઓય, આવી ફાલતું વાતો છોડ." અપર્ણાએ નિખિલનાં માથે ટપલી મારીને કહ્યું, "જેટલું કહ્યું છે, એટલું કર." કહીને અપર્ણા મોબાઈલમાં કંઈક ટાઈપ કરતી કરતી ઘરની બહાર નીકળી ગઈ. નિખિલ પોતાનું માથું ખંજવાળતો એની જગ્યાએ જ ઉભો હતો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"