AABHA - 18 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 18


*.........*.........*.........*.........*.........*


બધા ખુશ હતાં. રાહુલ અને રિયા ના ભવિષ્ય વિશે સપનાંઓ જોઈ રહ્યા હતાં. ઘરની નાની વહુ તરીકે રિયા એકદમ પરફેક્ટ લાગતી હતી. રિયા પહેલાં થી જ બધાને પસંદ હતી. પણ નાની વહુ તરીકે એને પસંદ કરનાર આભા જ હતી. રાહુલ ને હજુ વિશ્વાસ નહોતો આવતો કે તેને પોતાનો પ્રેમ આમ આસાનીથી મળી રહ્યો છે. ‌‌‌‌‌પણ આકાશ ની એક વાત થી દરેક નાં મનમાં એક અજંપો ઘર કરીને બેઠો હતો. રિયા ને ઘરની નાની વહુ બનાવવાનાં સપના સાથે સુખપર જવા નીકળેલ પરિવાર મનમાં એક ડર સાથે આગળ વધી રહ્યો હતો. રિયા ને ઘરની નાની વહુ બનાવવા જતાં મોટી વહુ આભા ને કંઈ કેટલીય તકલીફો માંથી પસાર થવું પડશે. તેના જખ્મો જે સ્મૃતિ સાથે જ વિસરાઈ ચૂક્યા હતા એનાં પર ફરી ઉઝરડા પડશે. એ ફરી પોતાના દુઃખો વાગોળશે અને ભૂતકાળ તાજો થયાં બાદ તેનાં ભવિષ્ય માટે એ શું નિર્ણય લેશે એ ચિંતા વિશે આકાશ પાસે બધા કરગર્યા હતાં. પણ આકાશ ટસ નો મસ થવા રાજી નહોતો. એનો નિર્ણય અફર હતો. અને એને સાથ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આવનાર સમય માં બનનારી દરેક ઘટના અગાઉ થી ઘડાઈ ચૂકી હતી. દરેક વ્યક્તિ એ મુજબ જ વર્તી રહી હતી. અને આભા એ બધાં થી અજાણ પોતાના પરફેક્ટ પરિવાર માટે ભવિષ્યનાં સપનાં સજાવી રહી હતી.


*..........*.........*.........*.. .......*.........*


" આવો, આવો વેવાઈ." રિયા ના બાપુજી તેમનાં પરિવારજનો અને અન્ય કુટુંબીજનો સાથે સ્વાગત કરવા પહોંચી ગયા હતા.

મોટા વડીલો એકબીજા સાથે હળીમળી રહ્યા હતા. બીજી તરફ સગાઈ ની તૈયારી શરૂ થઈ ગઈ હતી.

મંડપ નીચે રિયા અને રાહુલ માટે સુંદર સ્ટેજ સજાવ્યું હતું. રાહુલ ની આસપાસ આભા, આકાશ અને તેનો પરિવાર રિયા ની આવવાની રાહ જોઈ રહ્યા હતાં. અને સગાઈ નું મુહૂર્ત થતાં રિયા તેની ભાભી સાથે પ્રવેશી. બધા તેને જોતા જ રહી ગયા.
રિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. શરમ ની લાલી તેને શોભાવી રહી હતી.

" કમાલ છે, મને હતું કે હવે આ સગાઈ અટકી જશે. પણ લાગે છે કે કોઈ ને કાંઈ ફેર નથી પડતો કે છોકરી એકાદ રાત કોઈ બીજા સાથે વિતાવી ને આવેલી હોય." મંડપ નીચે આવી એક યુવાન બધા ને સંબોધીને બોલી રહ્યો હતો.

" શું બકવાસ છે આ??" હર્ષદભાઈ આ વણ આમંત્ર્યા મહેમાન ને પૂછી રહ્યા.

" બકવાસ? હું તો તમારા ભલા માટે સચ્ચાઈ કહું છું." તેણે કહ્યું.

" સચ્ચાઈ......? " બધા એક સાથે બોલી પડ્યા.

" પરમ દિવસની રાત્રે રિયા હોટલ ની એક રૂમમાં મારી સાથે હતી. " એ યુવાન ઘટસ્ફોટ કરતા બોલ્યો.

આવેલા દરેક જણ વચ્ચે ગણગણાટ શરૂ થયો. રિયા નાં કેરેક્ટર પર સવાલ ઉઠવા લાગ્યા. રિયા અને તેનો પરિવાર ધરતી ફાટે તો એમાં સમાય જાય એવું લાગતું હતું.

" શું તમે એવી છોકરીને તમારા ઘરની વહુ બનાવશો જે એક આખી રાત ઘરની બહાર પોતાના પ્રેમી સાથે વિતાવી ને આવી હોય?" એ યુવાને પ્રશ્ન કર્યો.

" અમારી ખુશી માં ભાગીદાર થવા આવેલા મહેમાનોની હું ક્ષમા ચાહું છું. આ અમારાં ઘરની અંગત વાત છે તો આપ સહુને વિનંતિ કે આપ જમ્યા બાદ જશો." રાહુલ ગુસ્સા માં બોલી ત્યાંથી ઘરની અંદર જતો રહ્યો.

મહેમાનો તેની વાત સાંભળી ત્યાં થી ખસવા લાગ્યા.
પરિવાર ના સભ્યો સાથે એ વણ આમંત્ર્યા મહેમાને ઘરની અંદર તરફ પ્રયાણ કર્યું.

" રિયા... તું કોઈ બીજા ને પસંદ કરે છે એ તારે પહેલા જ કહી દેવું હતું. આ રીતે....." રાહુલ થોડા દુઃખ અને આવેશ માં બોલી રહ્યો હતો.

" જેટલું તું મને ઓળખે છે એનાં પરથી તારે વિચારવાનું છે તારે મારા પર વિશ્વાસ કરવો કે નહીં." રિયા એ રાહુલને આગળ કંઈ કહે એ પહેલાં જ કહી દીધું.

" અમારી રિયા પવિત્ર છે.... પ્રણય એને જબરજસ્તી ઉઠાવી ગયો હતો..." રિયા ના બા, બાપુજીએ રાહુલ અને તેના પરિવારને સમજાવવા પ્રયત્ન કર્યો.

" એ જે હોય એ. અમે કદાચ માની પણ લઈએ કે રિયા પવિત્ર હશે.પણ સમાજનું શું? " વનિતા બેને પ્રશ્ન કર્યો.

" અરે આન્ટી, સમાજ તો એ કહેશે જે એણે જોયું છે, જે સત્ય છે."
" જો રાહુલ..... હું અને રિયા સ્કૂલમાં સાથે ભણતા હતા. ક્યારે એકબીજાને પસંદ કરવા લાગ્યા એ ખબર જ ન પડી. એકબીજા સાથે લગ્ન કરવાની કસમો ખાધી હતી. પણ થોડા દિવસ પહેલાં એક નાનકડી વાત ને લીધે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો. એને બહાર ફરવા જવું હતું. મસ્તી કરવી હતી. અને હું એક કામ ના લીધે એને ના લઈ ગયો. એટલી વાત માં.. એણે......"
" તું પૈસાદાર છે.. એટલે હવે એને તું પસંદ આવ્યો છે. પણ હું એને બહુ પ્રેમ કરું છું. આમ એ બીજા કોઈની થઈ જાય એ મારા થી સહન ના થયું એટલે....." પ્રણય રડી પડ્યો..

બધા પ્રણય ની વાત સાંભળી રિયા ને શક અને તિરસ્કાર ની નજરે જોવા લાગ્યા. રિયા હજુ પણ પોતે નિર્દોષ હોય સ્વાભિમાન સાથે મક્કમતાથી ઊભી હતી. રાહુલ સાથે નજર મળતાં જ એણે કહ્યું......

" હું નિર્દોષ છું કે નહીં એ બાબતે મારે કોઈ સફાઈ નથી આપવી. સમાજ શું કહેશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. તું શું વિચારે છે??? " રિયા એ રાહુલને પૂછ્યું.

રાહુલ અસમંજસ માં પડી ગયો. એને રિયા પસંદ હતી. એ પોતાના પરિવાર સામે વિવશતા થી જોઈ રહ્યો. તેના મમ્મી, પપ્પા સમાજની પરવાહ કરી રહ્યા હતા.

" શું કહેશે સમાજ??" સવાલ પૂછી બધા આભા સામે જોઈ રહ્યા.
અત્યાર સુધી શાંત ઊભેલી આભાની આંખો માંથી અશ્રુ વહી રહ્યાં હતાં. જાણે કંઈ યાદ આવી રહ્યું હતું. રિયા ના શબ્દો એનાં મગજમાં ઘૂમી રહ્યા હતા.

" સમાજ શું કહેશે એનાથી મને કોઈ ફેર પડતો નથી..... મારો પરિવાર, મારા પોતાના શું વિચારે છે એ જરૂરી છે."

એનું રડવાનું વધી રહ્યું હતું. બધા સમજી ચૂક્યા હતા કે આભા પોતાના ભૂતકાળમાં સરી રહી છે. આકાશ નાં ચહેરા પર ચિંતા ના વાદળો ઘેરાયા હતા. પણ આભા ને પોતાના ભૂતકાળ સાથે જોડવાનો હેતુ પૂર્ણ થતો લાગ્યો.
પોતે ધારેલું થઈ રહેલું જોઈ એ થોડો શાંત હતો.

*.........*.........*..........*...........*..........*


" સમાજ શું કહેશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. મારા મમ્મી પપ્પાને મારા પર વિશ્વાસ છે. મારા માટે એ કાફી છે. અને રહી વાત તારી તો એ તું વિચારી લે." આભા આત્મવિશ્વાસ સાથે બોલી રહી હતી.

" આભા, તું...." પ્રણય કંઈ બોલવા જતો હતો.

" પ્રણય પ્લીઝ.... તારી મારી વચ્ચે શું છે એ તને ખબર જ છે. તો થોડી વાર રાહ જો... કેમ કે સાવ આસાનીથી તો હવે હું પણ તને નહીં જવા દઉં." આભા એ ધમકી ભર્યા અવાજે પ્રણય ને ચૂપ કરાવી દીધો.


" બેટા, આ છોકરી ગમે છે તને?? આજ સગાઈ નાં દિવસે આ છે.. હજુ બીજું કેટલુંયે હોય શું ખબર??" આદિત્યની બા એને સમજાવી રહ્યા હતા.

" શહેરની છોકરીઓ કેવી હોય એ રોજ રોજ આપણે સાંભળીએ છીએ. અને આ તો સુરત ની ને ઉપરથી પાછી નોકરી વાળી... બરાબર વિચારીને આગળ વધજો આદિ ભાઈ.." ભારતી ભાભીને ડર હતો કે નોકરી વાળી દેરાણી ઘરમાં આવશે તો એનું વર્ચસ્વ ઓછું થઈ જશે.

" મને તો લાગે છે કે છોકરી સારી છે. નહીં તો આવા વિશ્વાસ સાથે બોલી જ ના શકે. " હિતેશ ભાઈ આદિત્યની પસંદ સાથે સહમત હતા.

" હા, એમના પપ્પા નું એનાં ગામ માં મોટું નામ છે. શહેરમાં રેય છે પણ એમનો સ્વભાવ, એમની ઈજ્જત , એમની ખાનદાની બધું મોટું છે. " બાપુજી આભા નાં પિતાની ખાનદાની જોઈ આજની વાત ને સાચી માનવા તૈયાર નહોતા.

" ભાઈ, બીજા ને કાંઈ પૂછવાની જરૂર નથી. તમારું મન શું કહે છે? " રિયા પોતાના ભાઈ આદિત્ય ને પૂછી રહી.


" આભા સાથે મારે ઘણાં દિવસોથી વાત થાય છે. તેણે પોતાના બાળપણ થી લઇ અત્યાર સુધીની દરેક વાત મને કહી છે. તેના મિત્રો, તેમની સાથેની વાતચીત, તેનાં સ્વભાવ, રહેણીકરણી બધું જ... મને વિશ્વાસ છે કે આભા પ્રણય સાથે હોટલ રૂમમાં હોય જ ના શકે.." આદિત્ય એ વિશ્વાસ દાખવ્યો.

" ઓહ... તું ભૂલ કરી રહ્યો છે. મારી પાસે સબૂત છે. એ રાતે મારી સાથે હતી. અને આખી રાત....." પ્રણય ગમે તેમ કરીને આભા ની સગાઇ તોડવા પ્રયત્ન કરી રહ્યો હતો.

" અચ્છા, એ સબૂત પોલીસ ને બતાવજે. આવે જ છે. ગઈ કાલે મેં તને જવા દીધો.મને હતું કે તું બસ મને મનાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પણ આજ... મને બદનામ કરવાનાં તારા કારસ્તાન ને હું માફ નહીં જ કરૂં." આભા પ્રણય પર બરાબર ખિજાય હતી.

ત્યાં જ પોલીસ આવી અને પ્રણય ને આભાને કીડનેપ કરી જબરજસ્તી હોટલ રૂમમાં પૂરી રાખવા, તેમજ આજે તેને ખોટી રીતે બદનામ કરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી લઈ ગઇ.


આદિત્યની પસંદ સાથે તેના બાપૂજી,ભાઈ,તેની બહેન બધા સહમત હતા એટલે એનાં બા અને ભાભી ને પણ આ સંબંધનો સ્વીકાર કરવો પડ્યો.
બાકી રહેલી સગાઈની વિધિ પૂર્ણ કરી આદિત્ય અને આભા એક બંધનમાં બંધાઈ ગયા.


*.........*...........*..........*..........*........*

વાર્તા પ્રકરણની મોડી પોસ્ટ બદલ માફ કરશો.🙏🏻

આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.