Maa-Baap Chhokarano Vyavhar books and stories free download online pdf in Gujarati

મા-બાપ છોકરાંનો વ્યવહાર

            ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, ‘શું નામ ?’ ત્યારે કહે છે, ‘દાદાજી, મારું નામ મશરૂર.’ પછી મેં કહ્યું, ‘શું કરું છું તું ?’ ત્યારે કહે, ‘ હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, ‘શાદી-બાદી કરી કે નથી કરી ?’ ત્યારે કહે, ‘ના. શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.’ મેં કહ્યું, ‘ ક્યાં થયેલાં છે, મુંબઈમાં ? ત્યારે કહે ‘ના, પાકિસ્તાનમાં.’ ‘પણ હવે ક્યારે પૈણવાની છું ?’ ત્યારે કહે, ‘હવે છ મહિનામાં જ.’ મેં કહ્યું, ‘કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢયો છે?’ ત્યારે કહે, ‘લોયર છે.’ મેં કહ્યું, ‘એની જોડે શાદી કર્યા  પછી તારો પ્રોજેક્ટ શો છે ? એની જોડે શાદી થઇ પહેલાં તું પ્રોજેક્ટ તો કરી રાખે ને ? કે એની જોડે આવી રીતે વર્તવું ? કે ના કરી રાખે ? ત્યાં પૈણ્યા પછી કંઈ તે તૈયારી રાખી મેલી છે કશી ? પૈણ્યા પછી એ લોયર જોડે મેળ કેમ પડશે કે નહીં તેની ?’ ત્યારે એ કહે છે, ‘મેં બધી તૈયારી કરી રાખી છે, એ જરાક આમ બોલશે તો હું સમો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે.’

            આ જેટલી આ રશિયા એ તૈયારી કરી નાખી છે ને, એટલી જ તૈયારીઓ કરી રાખી છે. ફૂલ તૈયારીઓ બન્ને જણાએ. તે આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો ઝઘડો કરે તે પહેલાં જ ફોડે ! જેમ આ અમેરિકાની સામે રશિયાએ બધી તૈયારી રાખી મેલી છે ને, એવી એણે તૈયારી રાખેલી કે પેલું આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું. એટલે જતાં પહેલાં જ હુલ્લડને ! એ આમ તીર છોડે. ત્યારે આપણે આ બાજુ છોડવાનું રડાર. એ આમનું છોડે ત્યારે આપણે આ બાજુ છોડવાનું. મેં કહ્યું, આ તો કોલ્ડ વોર તેં ઉભી કરી. ક્યારે શમે એ ? કોલ્ડ વોર બંધ થાય ખરી ? આ જુઓને થતી નથીને મોટા સામ્રાજ્યવાળાને રશિયા-અમેરિકાને ?!

              મેં કહ્યું, ‘આ કોણે શીખવાડયું છે તને ? કાઢી મેલશે ને ડાયવોર્સ લઇ લેશે અને પેલો આપી દેશે તલ્લાક !’ તલ્લાક આપી દે કે ના દે ? મેં કહી દીધું કે આ રીતથી તો છ મહિનામાં તલ્લાક મળશે. તારે તલ્લાક લેવા છે ? આ રીત ખોટી છે. પછી મેં એને કહ્યું, તલ્લાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું. ત્યારે કહે છે, ‘દાદાજી એ ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે.’ મેં કહ્યું, ‘એ શું દબાવવાનો હતો ? લોયર ભમરડો એ તને શું દબાવવાનો હતો ?!’ પછી મેં કહ્યું, ‘બેન મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુઃખી થવું છે ? બાકી જે બઈઓ બધી તૈયારી કરીને તો એના ધણી પાસે ગયેલી, પણ છેવટે દુઃખી થયેલી. તું મારા કહ્યાથી જાને, બિલકુલે ય કશી તૈયારી કર્યા વગર જા.’ પછી એને સમજાવ્યું.     

               ધણી જોડે આવી રીતે વર્તન કરવું જોઈએ. આવી રીતે એટલે એ વાંકાં થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તો ય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તો ય કહેવું આપણે એક છીએ. કારણ કે આ બધી રીલેટીવ સગાઈઓ છે, એ ફાડી નાખે તો આપણે ફાડી નાખીએ તો છૂટી જાય કાલે સવારે. એટલે તલ્લાક આપી દેશે. ત્યારે કહે, ‘મારે શું કરવાનું ?’ મેં એને સમજણ પાડી, એનો મૂડ જોઇને ચાલવાનું, કહ્યું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર ‘અલ્લાહ’ નું નામ લીધા કરવું અને મૂડ ફરે, એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ.

              એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ.

              તે મશરુરને મેં તો ભણાવી દીધી, એવી ભણાવી દીધી. મે કહ્યું, કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો આપણે સ્થિરતા પકડીને ‘દાદા, દાદા’ કર્યા કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને ‘દાદા, દાદા’ કરજે. તું ના એકું ય ફેંકીશ, કહ્યું પછી પૂછ્યું કે, ‘તારે ઘરમાં કોણ કોણ છે ?’ ત્યારે કહે, ‘મારે સાસુ છે.’ ‘સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ ?’ તો કહે, ‘એ એની જોડે ય હું પહોંચી વળીશ, સાસુને.’

              પણ પછી મેં એને સમજણ પાડીને. પછી કહે છે, ‘હા, દાદાજી મને ગમ્યું આ બધી વાત.’ ‘ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલ્લાક ના આપે, ને સાસુ જોડે રાગે પડે.’ એને ચારિત્રબળની વાત કરેલી. એ ધણી ગમ્મે તે બોલે, ગમ્મે એવું તને કરે, તો ય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર. લોયર હોય તો ય. નહીં તો તૈયારી કરવાના વિચાર આવે ને તો ય આપણું ચારિત્રબળ તૂટી જાય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે એને સ્થિર   રહેજે ! મનમાં એમ થશે કે આ કેવી ! આ તો હારતી જ નથી. પછી એ હારે. એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ ‘લૂઝ’ થઇ જાય. અમે કોઈ જાતની તૈયારી ના કરીએ. બાકી ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો, પણ એનાંથી તમારામાં જે ચારિત્રબળ છે એ ‘લૂઝ’ થઇ જાય છે અને જો ચારિત્રબળ ખલાસ થઇ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે. એટલે એ બાઈને સારી સમજ પડી ગઈ. એટલે મને કહે છે કે ‘હવે દાદાજી, હું કોઈ દહાડો ય હારીશ નહીં. આવી ગેરેન્ટી આપું છું.’ એટલે પણ કર્યું એવું, છોકરી એવી હતી.