Connection-Rooh se rooh tak - 35 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 35




૩૫.અપર્ણાનું નવું કાંડ


અંશુમનના લીધે તાન્યા વિશ્વાસ જેવાં અવિશ્વાસી માણસથી બચી ગઈ હતી. આખી વાત જાણ્યાં પછી જગદીશભાઈનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો. પહેલાં વિશ્વાસની વાતોમાં આવીને તાન્યાનાં મમ્મી-પપ્પાએ પણ અપર્ણાને ખોટી સમજી હતી. પણ, વિશ્વાસ વિશેની હકીકત જાણ્યાં પછી એમને સમજાઈ ગયું હતું, કે અપર્ણાએ તો તાન્યાનાં ભવિષ્ય અને ખુશી માટે જ બધું કર્યું હતું. એટલે એમણે અપર્ણાને માફ કરી દીધી. તાન્યાને પણ એની ભૂલ સમજાઈ ગઈ હતી, કે એણે અપર્ણાની વાત નાં માનીને ખોટું કર્યું હતું. એણે તરત જ આગળ વધીને અપર્ણાને ગળે લગાવી લીધી.
"સોરી યાર." તાન્યાએ કહ્યું.
"ઇટ્સ ઓકે." અપર્ણાએ એકદમ શાંત અવાજે કહ્યું.
"તો હવે અમે પણ નીકળીએ." જગદીશભાઈએ હાથ જોડીને કહ્યું.
અપર્ણાને અચાનક જ શિવની વાત યાદ આવી. એની પાસે હવે મુના બાપુનાં આદમીઓને છોડાવવા માટે એક જ દિવસ બચ્યો હતો. જેનાં માટે અપર્ણાએ જગદીશભાઈને મનાવવાના હતાં. એ ફટાફટ તાન્યાને હાથ વડે બાયનો ઈશારો કરીને, શિવનો હાથ પકડીને તરત જ જગદીશભાઈની પાછળ પાછળ આવી. જગદીશભાઈએ પલટીને અપર્ણા તરફ જોયું, અને એમની નજર અપર્ણાએ શિવનો હાથ પકડ્યો હતો, એ તરફ ગઈ તો એણે તરત જ શિવનો હાથ છોડી દીધો. આ વાત શિવને થોડી એવી ખટકી, જેનું કારણ શિવ પણ જાણતો ન હતો.
"હવે ઘરે આવીશ કે સીધી મુંબઈ જઈશ?" જગદીશભાઈએ પૂછ્યું.
"ઘરે આવીશ." અપર્ણા એકદમ બોલી ઉઠી. જગદીશભાઈને અપર્ણાનું વર્તન સહેજ અજીબ લાગ્યું. છતાંય એ કારમાં ગોઠવાયાં. અપર્ણાએ શિવની સહેજ નજીક આવીને કહ્યું, "હું આપણો બીજો પ્લાન શરૂ કરવા જાવ છું. પછી મુંબઈ સાથે જ જાશું. મારાં કોલની રાહ જોજે." કહીને અપર્ણા જગદીશભાઈની કારમાં બેસી ગઈ. કાર તરત જ જતી રહી. શિવ માત્ર અપર્ણાને જતી જોઈ રહ્યો. એનાં કાનમાં અપર્ણાની એક જ વાત ગુંજી રહી હતી, "મુંબઈ સાથે જાશું. મારાં કોલની રાહ જોજે."
શિવ પોતાની કારમાં બેસીને હોટેલ આવી ગયો. એ હજું પણ અપર્ણાના વિચારોમાં જ ખોવાયેલો હતો. પોતે આ કેવાં અહેસાસોમાથી પસાર થઈ રહ્યો હતો? એ કંઈ એની સમજમાં આવતું ન હતું. એ હોટેલ રૂમમાં આવીને બેડ પર ફસડાઈ પડ્યો, અને આંખો બંધ કરીને સૂઈ ગયો. બંધ આંખોએ પણ એની નજર સમક્ષ અપર્ણાનો ચહેરો તરવરી ઉઠ્યો. ક્યારેક ગુસ્સામાં, ક્યારેક નાનાં બાળકની જેમ હસતો, ક્યારેક ગંભીર તો ક્યારેક નારાજ થઈને મોં ફુલાવેલો બધાં હાવભાવવાળા ચહેરાં એની નજર સમક્ષ તરવરવા લાગ્યાં. આટલાં દિવસોની દરેક મુલાકાત કોઈ ફિલ્મની જેમ એની નજર સામે આવવાં લાગી. બંધ આંખોએ પણ શિવનાં ચહેરાં પર સ્મિત આવી ગયું.
શિવને અપર્ણા સાથે વિતાવેલી પળો વાગોળવી ગમતી હતી. છતાંય એનાં મનમાં ક્યાંક એક ડર હતો. દિલમાં એક ખટકો હતો. શું આ બધું સારું થઈ રહ્યું હતું? આનું કેવું પરિણામ આવશે? બસ આ વિચારોથી જ શિવ અપર્ણાથી અને એનાં વિચારોથી દૂર રહેવાની કોશિશ કરતો હતો. પણ, નિયતિને તો કંઈક બીજું જ મંજૂર હતું. એ અચાનક જ બેડ પરથી ઉભો થઈને બારી સામે આવી ગયો. મન ચંચળ હોય છે, આ એક ખરી હકીકત છે. આપણે કોઈ વસ્તુ કે વ્યકિતથી જેટલાં દૂર જવાની કોશિશ કરીએ. એ આપણને એટલાં જ પોતાની વધું ને વધું નજીક ખેંચે છે. શિવની પણ હાલ કંઈક એવી જ હાલત હતી.
એ થોડીવાર બારી સામે ઉભો રહીને ત્યાં પડેલાં સોફા પર બેસી ગયો. બારીમાંથી આવતો ઠંડો પવન એનાં ગાલને સ્પર્શ કરીને જતો હતો. એમ જ શિવની આંખો મીંચાઈ ગઈ, અને ક્યારે એ ગાઢ નિદ્રામાં સરી પડ્યો? એની એને ખુદને ખબર નાં રહી. એક અઠવાડિયાથી જે ભાગદોડ થઈ રહી હતી. એ પછી શિવ તન અને મન બંનેથી થોડો થાકી થઈ ગયો હતો. જેનાં લીધે એને તરત જ ઉંઘ આવી ગઈ. બે કલાક પછી પાંચ વાગ્યે અચાનક જ એનાં મોબાઈલની રિંગ વાગી. એનાં અવાજથી એની આંખો ખુલી. મોબાઈલ ટેબલ પર પડ્યો હતો. એ આંખો ચોળતા ચોળતા ઉભો થયો, અને ટેબલ પાસે આવીને નંબર જોયાં વગર જ મોબાઇલ કાને લગાવ્યો, "હેલ્લો!"
"ઓ હેલ્લો વાળા, જલ્દી મને પોલિસ સ્ટેશનની બહાર આવીને મળ." સામે છેડેથી અવાજ સંભળાતાં જ શિવની બધી ઉંઘ ઉડી ગઈ. એણે કાનેથી મોબાઈલ હટાવીને સ્ક્રીન પર જોયું. તો ત્યાં અપર્ણા લખેલું હતું. ત્યાં જ અપર્ણા ફરી બોલી, "તું આવે છે કે‌ નહીં?"
"હવે તે શું કાંડ કરી દીધું? ક્યાંક ફરી તો કોઈની પિટાઈ નથી કરી ને?" શિવે આંખો ફાડીને પૂછ્યું.
"મિસ્ટર શિવરાજસિંહ જાડેજા! તમારી પંચાયત ફરી કોઈ દિવસ બેસાડજો. હાલ પોલિસ સ્ટેશન આવ, નહીંતર હું એકલી જ મુંબઈ જાવ છું." અપર્ણાએ કહ્યું, અને તરત જ કોલ ડિસકનેક્ટ કર્યો.
"હે મહાદેવ! આ છોકરીનો કોઈ ઈલાજ હોય તો બતાવો. પાર્વતી મૈયા! આ વખતે બચાવી લેજો." શિવે હાથ જોડીને ડોક ઉપર કરીને કહ્યું, "હે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા! આજે તમારી બહું જરૂર છે. હવે જીવનમાં કોઈ નવું વિઘ્ન નાં આવવાં દેતાં. આવે તો જરાં તમારાં પપ્પા શિવને કહેજો એની સામે લડવાની આ શિવને હિંમત આપે." કહીને શિવે મોબાઈલ ખિસ્સામાં નાંખ્યો, અને તરત જ હોટેલમાંથી ચેક આઉટ કરીને પાર્કિગમાં આવી ગયો. એણે જેટલી ઝડપથી કાર ભગાવી શકાય એટલી ઝડપે કારને પોલિસ સ્ટેશન તરફ ભગાવી.
શિવની કાર પોલિસ સ્ટેશન સામે ઉભી રહી. અપર્ણા પોલિસ સ્ટેશનની બહાર જ બે આદમીઓ સાથે ઉભી હતી. જે ચહેરાથી જ ગુંડા જણાતાં હતાં. શિવ કારની નીચે ઉતરીને અપર્ણા પાસે આવ્યો. આદમીઓ પર નજર પડતાં જ એનાં હોશ ઉડી ગયાં. એણે તરત જ અપર્ણા સામે જોયું.
"હાલ કોઈ સવાલ કર્યા વગર જ કારમાં બેસી જા. આપણે અત્યારે જ મુંબઈ જવાં નીકળીએ છીએ." અપર્ણાએ શિવની કોઈ વાત સાંભળ્યાં વગર જ કહ્યું. એણે પેલાં બે આદમીઓને પણ કારમાં બેસવા ઈશારો કર્યો. એ બંને એકબીજા સામે જોઈને સ્મિત કરતાં કારમાં ગોઠવાયાં. શિવની સમજમાં કંઈ આવી રહ્યું ન હતું. એ પણ ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. અપર્ણા એની બાજુની સીટમાં ગોઠવાઈ. એ સાથે જ શિવે કાર ભગાવી. હાલ એનાં મગજમાં સેંકડો સવાલો ચાલી રહ્યાં હતાં. પણ, અપર્ણા એનો જવાબ નહીં આપે, એ વિચારે જ શિવે કંઈ પૂછ્યું નહીં. એનું પૂરું ધ્યાન સડક પર હતું.
અમદાવાદની સીમા ઓળંગતા જ શિવથી નાં રહેવાયું. એણે તરત જ અપર્ણાને પૂછ્યું, "આ બંને આદમી? આ બધું શું છે? તે ફરી કોઈ કાંડ તો નથી કર્યું ને?"
"કર્યું છે, એનાં સિવાય કોઈ ઓપ્શન ન હતો." અપર્ણાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું. બસ અહીં જ શિવ હંમેશા પીગળી જતો. આજે પણ એ પીગળી ગયો. એની આગળ કોઈ સવાલ કરવાની હિંમત જ નાં થઈ. હાલ સાંજનાં સાત વાગી રહ્યાં હતાં. શિવની કાર સડક પર દોડી રહી હતી. એને મુંબઈ પહોંચવાની જલ્દી હતી. એટલે કારની સ્પીડ પણ વધારે હતી.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"