AABHA - 21 in Gujarati Fiction Stories by Chapara Bhavna books and stories PDF | આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 21

Featured Books
Categories
Share

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 21
*..........*..........*..........*..........*..........*


" તમે લોકો વાત કરો.. હું તારું ખેતર જોઈ લઉં." આકાશને એમની કૌટુંબિક વાત માં રહેવું યોગ્ય ન લાગતાં બહાનું કર્યું.

" આકાશ, મારા પરિવાર સાથે વાત કરતા પહેલા મારે તારી સાથે વાત કરવી છે." આદિત્ય એ કહ્યું.

" મારી સાથે?" આકાશ આશ્ચર્ય સાથે બોલ્યો.

" હું ગોળગોળ વાતો કરીને ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતો. એટલે હું તને સીધી જ વાત કરીશ." આદિત્ય બોલ્યો.

" હા, બોલ. શું કહેવું છે તારે?" આકાશે પૂછ્યું.

" આકાશ... તું આટલાં વર્ષોથી જેને શોધી રહ્યો છે એ આભા.... મારી વાઈફ છે. અને મારી અત્યારે જે પરિસ્થિતિ છે એ તું બરાબર જાણે છે. હવે મારી પાસે વધુ ટાઈમ નથી. મારા ગયા પછી શું તું એનો હમસફર બનીશ??" આદિત્ય એ સીધું જ પૂછી લીધું.

" આદિત્ય.. તું આ શું કહે છે?" આકાશે નવાઈ પામતા કહ્યું.

ઘરનાં બધાં સભ્યો પણ સજળ નયને આ સાંભળી રહ્યા. એ લોકોને પણ ભવિષ્યમાં જે થવાનું છે એ વિશે જાણ હતી જ. પણ આદિત્ય એનાં જીવતા જ પોતાની પત્ની માટે આ રીતે વિચારશે એ કોઈના માન્યામાં આવતું નહોતું.

" હું જાણું છું કે તું આજે પણ આભા ને ખૂબ ચાહે છે. પણ શું તું એક વિધવા ને અપનાવીશ? " આદિત્ય આશા સહ પૂછી રહ્યો હતો.

" આદિત્ય..... હું..." આકાશની આંખો આંસુ થી ભરાઈ આવી.

" તો તું મને પ્રોમિસ કર કે જે ખુશી હું આભા ને ના આપી શક્યો એ તું એને જરૂર આપીશ. દરેક પરિસ્થિતિમાં તું એની સાથે રહીશ." આદિત્યની આંખો આંસુઓથી ભરાઈ આવી.

" હું તો તેને કોઈ પણ પરિસ્થિતિમાં અપનાવી લઈશ. પણ શું આભા માનશે?? એ તો મને ઓળખતી પણ નથી. " આકાશે શંકા વ્યક્ત કરી.

" આકાશ.. તું એને મનાવવા પ્રયત્ન કરીશ તો એ માની જશે. એને માનવું જ પડશે. મને વિશ્વાસ છે કે તું એને મનાવી લઈશ." આદિત્ય‌એ મક્કમતાથી કહ્યું.


" બાપુજી, બા, હિતેશ ભાઈ તમે પણ વચન આપો કે મારા ગયા પછી તરત જ તમે આકાશ અને આભા નાં લગ્ન કરાવી દેશો. રૂઢી અને રીત રિવાજ નાં નામે આભા ને દુઃખી નહીં કરો." આદિત્ય પોતાના પરિવાર ને વચન લઇ બાંધી લેવા ઈચ્છતો હતો.

" પણ બેટા, સમાજ શું કહેશે? " આદિત્ય નાં બા સમાજ ને અવગણી શકે એમ નહોતા.

" શું કહેશે બા?? કહેશે કે પરિવાર એક ડગલું આગળ વધ્યો?. પુત્રવધૂ ને દીકરી ની જેમ વળાવી?." શું આ કંઈ ખરાબ વાત છે?" આદિત્ય એ સમજાવતાં કહ્યું.

આદિત્ય નાં પરિવારે તેની ઈચ્છા પૂરી કરવા વચન આપ્યું. આકાશ પણ જવાબદારી લેવા તૈયાર હતો. થોડા દિવસ પછી આદિત્ય એ અનંતની વાટ પકડી લીધી. પરિવાર શોકમગ્ન બની ગયો. એની અંતિમ વિધિ કરી. અને મહિના પછી તરત આદિત્ય ને આપેલું વચન પૂર્ણ કરવા બધા તૈયાર થઈ ગયા. પણ આભા વાત માનવા તૈયાર નહોતી. તે આકૃતિને લઈને પોતાની નોકરીનાં સ્થળ પર આવી ગઈ. પણ ઘરેથી વારંવાર એને સમજાવવા ફોન શરું જ હતાં.

*.........*.........*.........*.........*

" જો હવે આ ઘરમાં તને અમે આમ ન રાખી શકીએ. જુવાન, વિધવા વહુ અમારે નહીં પોષાય." બા વારંવાર તેને સંભળાવતા.

" જો તારી સામે આખી જિંદગી છે. એ આમ એકલા કેમ જશે.?" ભારતી ભાભીને ગમે તેમ કરીને આભા ને વિદાય કરી દેવી હતી. અને જો એ આકાશ સાથે પરણવાની હા પાડે તો મિલ્કતમાં ભાગ નહીં પડે એવું એનું માનવું હતું.

" આભા, આદિત્ય ની આ છેલ્લી ઈચ્છા છે. એનું માન રાખીને હા પાડી દે." હિતેશ ભાઈ રોજ એને કરગરતા.

" મમ્મા, પપ્પા પાસે." આકૃતિ રોજ તેનાં પિતા ને યાદ કરતી.

"બેટા, તારા માટે બહુ બધા માંગા આવે છે. તું કંઈક નક્કી કર એટલે અમેય શાંતિથી જીવીએ." આભા નાં મમ્મી પપ્પા એ પણ દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું.

" આભા.... ‌‌‌ હું જાણું છું કે આદિત્યને ભૂલી જવું તારા માટે આસાન નથી. પણ તું એ પણ જાણે છે કે તારા માટે હવે એમનાં ઘરમાં કોઈ જગ્યા નથી. અને તારા મમ્મી પપ્પા તને બીજે પરણાવી દેવા ઉતાવળા થયાં છે. બીજા કોઈ ને પસંદ કરીશ અને એ તારી સાથે આકૃતિને પણ અપનાવશે એની શું ગેરેન્ટી? " આકાશ વારંવાર આભા ને સમજાવવા પ્રયત્ન કરતો.

તે અઠવાડિયામાં એક વખત આકૃતિ ને મળવા જતો. આકૃતિ પણ આકાશ સાથે એવી હળી મળી ગઈ હતી કે હવે એ આદિત્ય ના બદલે આકાશ ને યાદ કરતી થઈ ગઈ હતી.

આકાશ નાં આવી રીતે આવવાથી તેનાં અને આભા વિશે ખોટી અફવાઓ ફરતી થઈ હતી.

" આકાશ, તું આ રીતે અહીં આવીને મારી મુશ્કેલીમાં વધારો શું કામ કરે છે.?" આભા એ રડમસ ચહેરે કહ્યું.

" આભા.. લોકોને બોલવાનો મોકો શું કામ આપે છે? તું મારી વાત માની લઈશ તો એ બધા નાં મોં આપોઆપ બંધ થઈ જશે." આકાશ પણ તેને સમજાવવા કોઇ કસર નહોતો છોડતો.

" આકાશ.. તું જાણે છે. આદિત્ય ને ભૂલી એની જગ્યા કોઈ બીજા ને આપવી મારા માટે શક્ય નથી. તું વર્ષોથી મને ચાહે છે. પણ મારા હ્રદયમાં તો ફક્ત આદિત્ય જ છે." આભા સમાજ થી થાકી ચૂકી હતી પણ પોતાના મનથી નહીં.

" હું ક્યાં કહું છું કે તું આદિત્યની જગ્યા મને આપ.. પણ આપણે મિત્ર બની એકબીજાને સાથ તો આપી શકીએ ને?? આપણે પતિ પત્ની ભલે ના બનીએ પણ આકૃતિના મમ્મી પપ્પા તો બની શકીએ ને?? પ્લીઝ આભા.. આકૃતિ માટે માની જા." આકાશે કહ્યું.


" આકાશ, તું શું કામ જીદ કરે છે? " આભા એ કહ્યું.

" આભા જીદ તો તું પકડી ને બેઠી છે. તું જાણે છે કે એક સિંગલ મધર ને કેટલું સહન કરવું પડતું હોય છે. આઈ નો.. તું એ બધું જ સહન કરી શકે એટલી સક્ષમ છે. પણ આકૃતિ?? એનું શું?? એ જ્યારે થોડી સમજદાર થશે એટલે એનાં મિત્રો ને એમનાં પપ્પા જોડે જોશે. ત્યારે એ કેવી પરિસ્થિતિમાંથી પસાર થશે.? તું ફક્ત આદિત્યની પત્ની તરીકે ના વિચાર. આકૃતિ ની મમ્મી તરીકે વિચારી જો." આકાશે બરાબર નિશાન તાક્યું.

આકાશ તેને વિચારતી મૂકી જતો રહ્યો. એને હતું કે હવે કદાચ આભા માની જવી જોઈએ. પાંચ છ મહિનાનાં તેનાં અનુભવો, આકૃતિને તેનાં પિતા માટે ની ઉત્સુકતા, સમાજના મહેણાં ટોણાં, ઘરના સભ્યો તરફથી થતાં દબાણ, બધાંથી હારીને અંતે તેણે હા પાડવાનું નક્કી કર્યું. આકાશનો આકૃતિ પ્રત્યેનો લગાવ હતો એ બાબતે એ નિશ્ચિંત હતી. પણ એનો પરિવાર એને આકૃતિ સાથે સ્વિકારશે કે નહીં એ બાબતે એ થોડી ચિંતિત હતી. પણ આકાશનાં મમ્મી પપ્પા ને મળ્યા બાદ એણે હળવાશ અનુભવી. એનાં ઘરના બાકીના સભ્યો પણ ખૂબ જ પ્રેમાળ હતા. આકૃતિ જાણે પહેલાથી જ એ ઘરની હોય એવું લાગતું. આકાશ જે પ્રકારના સંબંધની વાત કરી રહ્યો હતો એ માટે આભા તૈયાર હતી.

આભા ની હા થી બધા જ રાજી થયા. આકાશનો પરિવાર તો ઘણા સમયથી તેનાં લગ્ન માટે ઉત્સુક હતા. ધામધૂમ થી લગ્ન કરવાનાં સપનાં સેવી રહ્યા હતા. પણ આભા અને આકાશે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું. પછી ખૂબ નજીકના સંબંધીઓની હાજરી માં બંને લગ્ન ગ્રંથી થી જોડાઈ ગયા.

*.........*.........*..........*..........*


લગ્ન ખૂબ સાદગી થી થયાં હતાં પણ આકાશ નાં ઘરે આભા અને આકૃતિ નું સ્વાગત ખૂબ જોરશોરથી કરવામાં આવ્યું. બધા રિવાજો વિધિ પૂર્વક કરવામાં આવ્યાં. નવવધૂ નો ગૃહપ્રવેશ, અંગૂઠી શોધવાની રમત, રાત્રે આકાશને જ્યારે પોતાના બેડરૂમમાં પ્રવેશતાં નણંદ ની જગ્યાએ દિયર રાહુલે અટકાવ્યો ત્યારે આટલાં સમય બાદ પહેલીવાર આભાના ચહેરા પર હળવી સ્માઈલ આવી. પણ થોડી જ વારમાં ભૂતકાળની યાદો તાજી થતાં એ સ્માઈલ ઓસરી ગઈ. બહાર બધા નવદંપતિ નાં નવા સંસાર માટે ખુશ થતાં હતાં એ જ સમયે આ નવયુગલ પોતાના ભવિષ્ય માટે નિયમો ઘડી રહ્યું હતું.


*.........*.........*.........*.........*

આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.