Who am I? books and stories free download online pdf in Gujarati

હું કોણ છું?

કોઈ પૂછે કે તમે કોણ છો ? તો આપણે તરત જ બોલી ઉઠીએ, ‘હું ચંદુલાલ છું.’ (પોતાનું નામ) પણ શું ખરેખર આપણે ચંદુલાલ છીએ ? ખરેખર ‘શું ચંદુલાલ હું છું કે ચંદુલાલ મારું નામ છે ? આ તો ઓળખવા માટે આપેલું નામ છે. પણ આપણે શું એને ઓળખપત્ર પૂરતું જ રાખીએ છીએ કે ખરેખર ‘હું ચંદુલાલ છું’ એમ જ માનવા મંડી પડીએ છીએ ? એ તો ક્યારે ખબર પડે કે કોઈ ચંદુલાલને ગાળો આપવા માંડે ને તો તરત જ મહીં ઊંચું નીચું થઈ જાય કે હેં, મને ગાળો આપે છે ? માટે ઓળખપત્ર પૂરતું જ નહીં પણ ‘હું જ ચંદુલાલ છું’, એ માન્યતા દ્રઢ થઈ ગઈ છે, એમ પુરવાર થાય છે. તો ખરેખર ‘હું કોણ છું ?’
આ શરીરને ‘હું છું’ માનીએ છીએ પણ એને તો એક દિવસ બાળી મૂકે છે, આપણે પોતે એમાંથી નીકળતાંની સાથે જ ! ‘આપણે’ જો શરીર હોત તો એને આપણે બાળવા દઈએ ? અત્યારે કોઈને અડવા દઈએ ? એ તો ‘આપણે’ નીકળી ગયા પછી જ બાળવા દેવામાં આવે. એ ‘આપણે પોતે કોણ છીએ ?’ એને ઓળખવાનું છે. પછી અત્યારે જે આપણે નથી તેને હું માનીએ છીએ તેને આ બધો ભોગવટો આવે છે. પારકા ઘરની પીડા આપણા માથે વહોરી લઈને દીવેલ પીધા જેવું મોઢું લઈને ફર્યા કરીએ છીએ ! અને આપણે પોતે ખરેખર કોણ છીએ ? હું કોણ છું ? એ ઓળખાઈ જાય પછી આપણે આપણા નીજઘરમાં જ મુકામ કરીએ. પછી નીજઘરમાં હોય કશી ઉપાધિ ? તેથી તમામ જ્ઞાનીઓએ, તમામ ભગવાનોએ મૂળ બોધ તો આ જ આપ્યો છે કે ‘હું કોણ છું.’ આટલું જ ઓળખી લો. બીજું કશું જ કરવાનું કહ્યું નથી.
આજે આપણે કૃષ્ણ ભગવાન, રામ ભગવાન કે મહાવીર ભગવાનને ભજીએ છીએ, પણ એમણે શું બોધ આપ્યો, શું જ્ઞાન આપ્યું તે સમજવાનું રહી જાય છે. જ્ઞાન ભાગ આખો જ ઊડાડી મૂકાયો છે. આ બધાએ શું જ્ઞાન આપ્યું એ તપાસ કરીએ તો સ્પષ્ટ સમજાશે કે કૃષ્ણ ભગવાને આખી જિંદગી કોઈ ધર્મની ક્રિયાઓ કે મંત્ર, જાપ, તપ, કે ઉપવાસ કરવાનું કહ્યું નથી. એમણે તો કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો શું ઉપદેશ આપ્યો ? હે અર્જુન, તું આત્મા છે, અર્જુન નથી. તેને તું ઓળખ. અને પોતે પણ આત્મસ્વરૂપે જ છે, દેહ તો બધાના વિનાશી છે. તો આત્મસ્વરૂપે મને ઓળખ, જે બધામાં, જીવમાત્રમાં છે. ટુંકમાં આત્મા એ જ પરમાત્મા છે અને એ જ અંતિમ સનાતન સત્ય છે. રામચંદ્રજીને વશિષ્ટમુનિએ પણ આ જ બોધ આપ્યો છે, યોગવાશિષ્ટમાં કહ્યું કે આત્મસ્વરૂપે જ તમે છો, રામ સ્વરૂપે કે દેહ સ્વરૂપે નહીં. ભગવાન મહાવીરે પણ બધાને આ જ ઉપદેશ આપ્યો છે. દેહ તો બધાના વિનાશી છે અને આપણે પણ તે અનુભવીએ છીએ. તો ખરું સ્વરૂપ, આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે બધા ભગવાનોને ઓળખવાના છે, આપણાં પોતાનું સ્વરૂપ પણ તે જ છે એ જ્ઞાન જાણવાનું છે, ફીટ કરવાનું છે. પછી આ સંસારના કોઈ પણ દુઃખ અડે જ નહીં કારણ કે આપણે આત્મા છીએ અને આત્મા સ્વભાવથી જ નિરંતર પરમાનંદી છે. દેહભાવમાં કાયમ મુકામ થઈ જવાથી નર્યું દુઃખ, દુઃખ ને દુઃખ જ અનુભવાય છે.
આત્મા એટલે આપણે ‘પોતે’ જ, ‘સેલ્ફ’. આત્મા એક એલીમેન્ટ છે, તત્ત્વ છે, વસ્તુ છે. તત્ત્વ હંમેશા અવિનાશી હોય. વસ્તુ એટલે એનું દ્રવ્ય હોય, ગુણ હોય અને પર્યાય હોય. આત્મામાં અનંત ગુણો છે. એમાંના મુખ્ય જ્ઞાન, દર્શન અને પરમાનંદ એ છે. માટે આ જગતમાં કંઈ પામવા જેવું હોય તો તે આત્મા જ છે અને તે આપણે પોતે જ છીએ ! બધું જાણ્યુ, બધું મેળવ્યું પણ પોતાને જ ન પામ્યા ! પોતે કોણ છે તે જ ના જાણ્યું ? કેવી વિચિત્રતા ?!
હવે આત્મા જાણનારા માણસો આ દુનિયામાં ભાગ્યે જ કોઈ હોય. માટે મુશ્કેલ છે. આત્મા જાણવો હોય તો આત્મજ્ઞાની પાસેથી જ જાણી શકાય. એમણે આત્મા જોયો હોય, જાણ્યો હોય અને અનુભવ્યો હોય અને પોતે ‘આત્મસ્વરુપે’ જ નિરંતર રહેતા હોય. આવી વિભૂતિ પાસેથી આત્મા જાણી શકાય, પછી તે ગમે તે જાતિમાં, વેશમાં કે લીંગમાં હોય ! એક જ ફેર આત્મજ્ઞાની દાદા ભગવાન પાસેથી આત્મા જાણી લીધો પછી એ ક્યારે ય ભુલાય નહીં. અત્યારે ‘હું ચંદુલાલ છું’ એવું ક્યારે ય ભૂલાય છે ? એ યાદ કરવું પડે છે ? કેવું સહેજે વણાયેલું છે ? ઊંઘમાં ય ના ભૂલાય. તેમ જ્ઞાની પાસેથી આત્મા જાણ્યા પછી ‘હું આત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ એ એક ક્ષણ પણ ભૂલાય નહીં, સ્હેજે લક્ષમાં રહે. ‘હું આત્મા છું’ની પ્રતીતિ ક્યારે ય પણ જાય નહીં ! કારણ રીયલનું રીયલાઈઝેશન તો એક જ વાર કરવાની જરૂર છે, વારેવારે નહીં ! આ વિનાશી વસ્તુઓ ભુલાઈ જાય, અવિનાશી નહીં.
જેણે આત્મા જાણ્યો છે તેને ખોળો, બીજું કંઈ જ કરવા જેવું નથી. એવા આત્મજ્ઞાની મળી જાય, પછી આપણે કંઈ જ કરવાનું રહેતું નથી. ભોમિયા મળ્યા પછી મુસાફિરને કંઈ જ કરવાનું રહેતું નથી, માત્ર ‘ફોલો’ જ કરવાનું હોય છે અને તે ય પરમાનંદ સાથે. માત્ર માઈલસ્ટોન ચેક કરતા જવાનું. આત્મપ્રાપ્તિ થઈ હોય તો એમાં શું વર્તાય ? આપણા ક્રોધ-માન-માયા-લોભ સ્હેજે એની મેળે જ ફટાફટ ઊડવા માંડે અને અંતરસુખ, નિરાકૂળતા એની મેળે જ વર્તાય ! આધિ–વ્યાધિ-ઉપાધિમાં સ્હેજે સમાધિ વર્તાય ! એને ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ એની મેળે જ નિરંતર રહ્યા કરે. ‘અનુભવ, લક્ષ અને પ્રતીતિ’ આમાંથી આગળ નીચે ના જવાય અને સાચા અનુભવી જ્ઞાની મળે અને આપણને એમની ઓળખાણ પડી જાય ને સાંધો મળી જાય, પછી કામ થઈ ગયું. આવા આત્માનુભવી જ્ઞાની મળે, પછી આપણું કામ આમ કલાકોમાં થઈ જાય ! દાદા ભગવાન આ કાળમાં એવા આત્મજ્ઞાની થઈ ગયા, ત્યાં વર્ષોનાં વર્ષો ના લાગે. વર્ષોનાં વર્ષો લાગતાં હોય તો સમજવું કે સાચા જ્ઞાની મળ્યા નથી. ભોમિયો મળ્યા પછી મંઝિલે પહોંચતા શી વાર ? ના મળે ત્યાં સુધી જ ભટકવાનું ને દુખી થવાનું હોય !