Connection-Rooh se rooh tak - 37 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | કનેક્શન-રૂહ સે રૂહ તક - 37

કનેક્શન-રૂહ સે રૂહ તક - 37

૩૭.શિવની લાચારી

વહેલી સવારે છ વાગ્યે શોરબકોરનો અવાજ કાને પડતાં જ અપર્ણાની આંખો ખુલી. એ આંખો મસળતાં મસળતાં ઉભી થઈ. એની આટલી જલ્દી ઉઠવાની આદત ન હતી. રાત્રે પણ એ મોડી સૂતી હતી. એકવાર તો એને થયું કે ફરી સૂઈ જાય. પણ, નીચેથી આવતો અવાજ જાણીતો લાગતાં એ રજાઈ હટાવીને નીચે આવી. નીચેનો નજારો જોતાં જ એની આંખો ફાટી ગઈ. નીચે જગદીશભાઈ અને જગજીતસિંહ વચ્ચે કંઈક વાતો થઈ રહી હતી. જેમાં જગદીશભાઈ ઉંચા અવાજે બોલી રહ્યાં હતાં. અપર્ણા હજું કંઈ સમજે એ પહેલાં જ શિવ પણ ઉઠીને એની પાસે આવીને ઉભો રહી ગયો.
"તારાં પપ્પા અહીં કેવી રીતે આવ્યાં?" શિવે હેરાન અવાજે પૂછ્યું.
શિવનો અવાજ સાંભળીને અપર્ણાએ ચોંકીને એની સામે જોયું. શિવ એનાં જવાબની રાહમાં એની સામે જ જોઈ રહ્યો હતો. અપર્ણાને કંઈ રસ્તો નાં સૂઝતાં એણે પોતે મુના બાપુનાં આદમીઓને કેવી રીતે છોડાવી લાવી? એ બધું શિવને કહી દીધું. હકીકત સાંભળીને શિવે પોતાનું માથું પકડી લીધું.
"ખરેખર તને સમજવી મુશ્કેલ છે." શિવે તરત જ કહ્યું, "આટલું મોટું કાંડ કરીને તે કાલે મને કંઈ જણાવ્યું પણ નહીં. હવે અંકલને કોણ હેન્ડલ કરશે? આઈ એમ સ્યૉર, એ આ બધાંનો જવાબદાર મને જ સમજતાં હશે." શિવે કહ્યું. ત્યાં જ જગદીશભાઈની નજર સીડીઓ પર ઉભેલાં અપર્ણા અને શિવ પર પડી. એ સમયે જ અપર્ણા અને જગદીશભાઈની નજર મળી. જેમાંનો ગુસ્સો અપર્ણા સ્પષ્ટપણે જોઈ શકતી હતી. એ ધીમાં પગલે સીડીઓ ઉતરીને નીચે આવી. એની જગદીશભાઈની સામે જવાની હિંમત ન હતી. એટલે એ જગજીતસિંહની બાજુમાં ઉભી રહી ગઈ. શિવ પણ નીચે ઉતરીને જગજીતસિંહની બીજી તરફ ઉભો રહી ગયો.
"તો આ શિવ સાથે રહીને તારામાં એટલી હિંમત આવી ગઈ, કે તું પોલિસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલોને બેહોશ કરીને બે ગુનેગાર, સજા પામેલાં ગુંડાઓને ભગાવીને અહીં આવી ગઈ?" જગદીશભાઈએ ઉંચા અવાજે કહ્યું. રાધાબા કિચનના દરવાજે ઉભાં બધું સાંભળી રહ્યાં હતાં.
"આ શું કહે છે, શિવ?" જગજીતસિંહે શિવ સામે જોઈને પૂછયું, "અપર્ણા અહીં કેવી રીતે આવી? શું તું અને અપર્ણા મુના બાપુનાં આદમીઓને અહીં લઈને આવ્યાં છો?" જગજીતસિંહને કાલે જે થયું. એ વિશે કંઈ જાણકારી ન હતી.
"એક મિનિટ બાપુ! હું તમને બધું સમજાવું." શિવે કહ્યું.
"તું શું સમજાવવાનો હતો?" જગદીશભાઈએ ફરી ઉંચા અવાજે કહ્યું, "મારો જ સિક્કો ખોટો છે. એમાં કોઈ શું કરી શકવાનું. મારી દીકરી જ બધાંની આંખમાં ધૂળ નાંખીને મુના બાપુનાં આદમીઓને અહીં લઈ આવી. એ પણ ખોટું બોલીને!"
"તમે પહેલાં શાંત થઈ જાવ. આપણે નિરાંતે વાત કરીએ." જગજીતસિંહે જરાં આગળ આવીને કહ્યું.
"મારે હવે કોઈ વાત નથી કરવી." જગદીશભાઈ હજું પણ ગુસ્સે હતાં. એમણે પોતાનો હાથ હવામાં ઉંચો કરીને, જગજીતસિંહને રોકતાં કહ્યું, અને શિવ સામે જોયું, "તું જે રીતે એ ગુંડાઓને અહીં લાવ્યો. એ રીતે હમણાં જ એ બંનેને ફરી અમદાવાદ પોલિસ સ્ટેશનમાં પહોંચાડી દેજે. બાકી પરિણામ સારું નહીં આવે." એમણે રીતસરની ધમકી આપી, અને અપર્ણાનો હાથ પકડી લીધો, "અને તું, તું અત્યારે જ મારી સાથે આવ. હવે આ ઘર સામે પાછું વળીને જોયું, શિવ સાથે વાત કરવાની કોશિશ કરી. તો આજ સુધી તને જેટલી છૂટ મળી છે. એ બધી છીનવી લેતાં હું જરાં પણ સંકોચ નહીં કરું." કહીને જગદીશભાઈ અપર્ણાનો હાથ પકડીને એને પોતાની સાથે ઢસડી ગયાં.
શિવ માત્ર અપર્ણાને જતી જોઈ રહ્યો. અપર્ણા પણ પાછળ ફરી ફરીને શિવને જ જોઈ રહી હતી. કદાચ એ મનોમન વિચારી રહી હતી, કે શિવ એને રોકી લે. પણ, શિવ મજબૂર હતો. અપર્ણાને એ રીતે જતી જોઈને શિવની આંખો ભીની થઈ ગઈ. એની આંખોમાં દર્દ ઉભરાઈ આવ્યું. કિચનના દરવાજે ઉભેલાં રાધાબાની આંખોમાં પણ પાણી આવી ગયું. એ તરત જ શિવ પાસે ધસી આવ્યાં, અને એનો હાથ પકડીને કહ્યું, "અપર્ણાને રોકી લે, બેટા."
"નહીં, માઁ! એ શક્ય નથી." કહીને શિવ સીડીઓ તરફ આગળ વધી ગયો.
એ બહારથી જેટલો સ્ટ્રોંગ બનવાની કોશિશ કરતો હતો. એટલો જ અપર્ણાનાં જવાથી અંદરથી તૂટી ગયો હતો. એ થાકેલાં કદમોએ પોતાનાં રૂમમાં આવ્યો. સાકા અને તેજા બંને ઉઠી ગયાં હતાં. શિવ એમની સામે નજર કરીને બાથરૂમમાં ઘુસી ગયો. બાથરૂમનો શાવર ચાલુ કરીને એ એની નીચે ઉભો રહી ગયો. પાણીનાં ફુવારા સાથે શિવનાં આંસુઓ પણ ક્યારે એમાં ભળી ગયાં? એની શિવને પણ જાણ નાં રહી.
"ચાલો." શિવે બહાર આવીને સાકા અને તેજા તરફ એક નજર કરીને કહ્યું. બંને એની પાછળ પાછળ ચાલતાં થયાં. નીચે હોલમાં જગજીતસિંહ સોફા પર બેઠાં હતાં, અને રાધાબા એમની પાછળ ઉભાં હતાં. શિવે જગજીતસિંહ સામે આવીને કહ્યું, "હું મુના બાપુનાં બંગલે એમનાં આદમીઓને એમનાં હવાલે કરવા જાવ છું."
"પણ, જગદીશ શાહે કહ્યું એનું શું? એણે બંનેને અમદાવાદ પહોંચાડવાનું કહ્યું છે." જગજીતસિંહે આવનારી મુસીબતનો અણસાર મેળવતાં થોડાં ચિંતિત સ્વરે કહ્યું.
"આ વખતે હું એમની વાત નહીં માની શકું." શિવે નજર નીચી રાખીને કહ્યું, "મારે મુના બાપુનાં આદમીઓને આજે જ એમનાં હવાલે કરવા પડશે."
"તું કહે છે તો સમજી વિચારીને જ કરતો હશે. ધ્યાન રાખીને જજે." જગજીતસિંહે ભારે હૈયે કહ્યું.
શિવ તેજા અને સાકા સાથે મુના બાપુનાં બંગલે જવાં નીકળી ગયો. થોડીવાર પહેલાં જે થયું. એ પછી જગજીતસિંહ અને રાધાબા બંને થોડાં વ્યથિત થઈ ગયાં હતાં. એક તરફ જગજીતસિંહ પોતાનો મકસદ પણ પૂરો કરવાં માંગતા હતાં, અને એક તરફ એમને અપર્ણા અને શિવનાં મનમાં હમણાં જ જાગેલા અહેસાસોની પણ ચિંતા હતી.

જગદીશભાઈ અપર્ણાને લઈને એનાં ફ્લેટ પર આવી ગયાં હતાં. હજું પણ એમનો ગુસ્સો શાંત થયો ન હતો. અપર્ણા બહાર હોલમાં જ સોફા પર બેઠી હતી. જગદીશભાઈ એની સામે ઉભાં હતાં. શાંતિબાઈ કિચનમાંથી આવીને બે ચા નાં કપ મુકી ગઈ. પરિસ્થિતિનો તાગ મેળવતાં એ ચૂપ જ રહી.
"પપ્પા! ચા." અપર્ણાએ એકદમ ધીમા અવાજે કહ્યું.
જગદીશભાઈએ અપર્ણા તરફ એક તીખી નજર કરી, અને ટેબલ પર પડેલો અપર્ણાનો મોબાઈલ લઈને બહાર જતાં રહ્યાં. અપર્ણા એમની આવી હરકતને સમજી નાં શકી. છતાંય હાલ પૂરતું કંઈ પણ પૂછવું એને યોગ્ય નાં લાગતાં એ પણ ચૂપ જ રહી. આજે શૂટિંગ પર જવું તો શક્ય ન હતું. એમ વિચારીને અપર્ણા પોતાનાં રૂમમાં આવી ગઈ. રૂમમાં આવીને, નાહીને એ રૂમની બારી સામે ઉભી રહી ગઈ. એની નજર સમક્ષ વારંવાર શિવની બે આંખો આવી રહી હતી. જેમાં અપર્ણાએ એક દર્દ, લાચારી અને અપાર પ્રેમ જોયો હતો.
અપર્ણા હજું શિવનાં વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ જગદીશભાઈ એનાં રૂમમાં આવ્યાં. કોઈનાં આવવાની આહટ કાને પડતાં જ અપર્ણા દરવાજા તરફ પલટી. જગદીશભાઈ દરવાજે ઉભાં હતાં. એ ધીમાં પગલે અપર્ણાની સામે આવ્યાં.
"તારી મમ્મી, કાકા-કાકી અને ભાઈ મુંબઈ આવવાં નીકળી ગયાં છે." જગદીશભાઈએ અચાનક જ કહ્યું.
"પણ, કેમ?" અપર્ણાને પૂછવાનું મન તો થયું. પણ, એ મનમાં જ પૂછી શકી. જગદીશભાઈને કંઈ પૂછવાની એની હિંમત નાં થઈ.
અપર્ણાને ચૂપ જોઈને જગદીશભાઈએ કહ્યું, "તારો મોબાઈલ હવે મારી પાસે જ રહેશે. મારી નજર તારી ઉપર જ છે. ખબરદાર જો શિવને મળવાની કે એની સાથે વાત કરવાની કોશિશ કરી છે તો." કહીને જગદીશભાઈ જતાં રહ્યાં. એમણે ઘરની અંદર રહેલાં ટેલિફોનના વાયર પણ કાંપી નાંખ્યા.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 10 months ago

Keval

Keval 10 months ago

Vipul

Vipul 10 months ago

MINAXI PATEL

MINAXI PATEL 10 months ago