My name is Govinda books and stories free download online pdf in Gujarati

ગોવિંદા મેરા નામ

ગોવિંદા મેરા નામ

-રાકેશ ઠક્કર

વિકી કૌશલની 'ગોવિંદા મેરા નામ' ને OTT પર રજૂ કરવાની ફરજ પડી છે. કેમકે વિકીના સારા દિવસો ચાલી રહ્યા નથી. 'ઉરી' અને 'રાઝી' ને બાદ કરતાં વિકીની છેલ્લી કેટલીક ફિલ્મો કોઇ કમાલ કરી શકી નથી. એ વાત ખાસ નોંધવી પડશે કે વિકી અને કેટરીનાએ લગ્ન કર્યા પછીની બંનેની પહેલી ફિલ્મ દર્શકોને નિરાશ કરી ગઇ છે. કેટરિનાની 'ફોન ભૂત' અને વિકીની 'ગોવિંદા મેરા નામ' માં કંઇ જ ઉલ્લેખનીય ગણાયું નથી. 'ફોન ભૂત' હોરર ન હતી અને 'ગોવિંદા મેરા નામ' માત્ર કોમેડી ફિલ્મ નથી. નિર્દેશક શશાંક ખેતાને અસલમાં કોમેડી – રોમાન્સની પાછળ રહસ્ય મૂકીને 'ગોવિંદા મેરા નામ' ને એક ટાઇમપાસ મસાલા ફિલ્મ બનાવી દીધી છે. માત્ર મનોરંજન આપવાનો જ ઉદ્દેશ રાખ્યો છે. એમાં થોડા સફળ થયા છે.

વાર્તા એવી છે કે ગોવિંદ વાઘમારે (વિકી) અભિનેતા નહીં કોરિયોગ્રાફર બનવા માગે છે પણ એને જિંદગીમાં મુસીબતો ઘણી છે. તે પત્ની ગૌરી (ભૂમિ) ના અત્યાચારોથી પરેશાન છે ત્યારે સાથી ડાન્સર સુકુ (કિયારા) સાથે લફરું રાખે છે. તે ગૌરીથી જલદી છૂટાછેડા લેવા કહે છે. ગોવિંદા ગૌરીને છૂટાછેડા આપવા માગે છે પણ જ્યાં સુધી એને રૂ.૨ કરોડ ના આપે ત્યાં સુધી છુટો થાય એમ નથી. તેની રૂ.૧૫૦ કરોડની પ્રોપર્ટીના વિવાદની મુસીબત અલગ છે. એ માટે તે પોતાની મા આશા (રેણુકા) સાથે ઘણા વર્ષથી કોર્ટના ચક્કર કાપી રહ્યો છે. વળી આશા બીજા એક કારણથી લકવાગ્રસ્ત બની છે. ત્યાં ગોવિંદાની પત્નીની હત્યા થાય છે અને લાશ પણ ગાયબ થઇ ગઇ હોય છે. એના પર પત્ની ગૌરીની હત્યાનો આરોપ લાગે છે. ગોવિંદા બધી જ મુસીબતોમાંથી પાર ઉતરે છે કે નહીં એ જાણવું રસપ્રદ બની રહે છે.

ફિલ્મમાં ખરેખર કોણ હીરો અને કોણ વિલન છે એની ખબર પડતી નથી. બહારથી કોમેડી ડ્રામા લાગતી હશે પણ આગળ જતાં થ્રીલર અને સસ્પેન્સ ફિલ્મ વધારે લાગે છે. જરૂરી અને બિનજરૂરી અનેક ટ્રેક રાખ્યા હોવાથી દર્શકને જકડી રાખવામાં નિર્દેશક સફળ થયા છે. ફિલ્મમાં એટલા બધા પ્રસંગો બનતા રહે છે કે એનો બીજો ભાગ લાંબો હોવા છતાં ખેંચાતો લાગતો નથી. કેટલાક દ્રશ્યો અતાર્કિક લાગે છે. વિકીએ ફિલ્મમાં પરિવર્તન તરીકે કોમેડી કરી છે પરંતુ એમાં એ જલદી નામ કમાઇ શકે એમ નથી. એક અભિપ્રાય એવો છે કે ગંભીર અભિનેતા તરીકેની ઇમેજને આવી મસાલા ફિલ્મથી બદલવાની તે ભૂલ કરી રહ્યો છે. એણે કોમેડી ઝોનરમાં કામ કરવું હશે તો વધારે મહેનત કરવી પડશે. તે પરેશાન પતિ ગોવિંદાની ભૂમિકાને ન્યાય આપી જાય છે. તેની આ પહેલી વ્યવસાયિક ભૂમિકા છે. ગોવિંદાની જેમ સારો ડાન્સ કર્યો છે. ફિલ્મનું નામ વાંચીને એમાં ગોવિંદાની ફિલ્મો જેવી કોમેડી હોવાની આશા પૂરી થતી નથી. ટ્રેલર જોઇને અપેક્ષા હતી એવી સામાન્ય કોમેડી પણ નથી.

અસલમાં નિર્દેશક શશાંક ખેતાને 'મિસ્ટર લેલે' નામથી વરુણ ધવન સાથે આ ફિલ્મ બનવાની યોજના બનાવી હતી. વરુણ ખસી જતાં એમાં વિકી કૌશલ આવ્યો હતો. 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' ના નિર્દેશક પાસે દર્શકોને કદાચ આવી અલગ ફિલ્મની અપેક્ષા નહીં હોય. થોડું હાસ્ય પૂરું પાડતી ભૂમિ પેડનેકરની ભૂમિકા ખાસ નથી. તેને કિયારાથી ઓછી તક મળી છે. કિયારા અડવાણીની ભૂમિકા દમદાર છે અને કામ એનાથી ઘણું સારું છે. તે બહુ સુંદર દેખાય છે. ડાન્સ સાથે અભિનયથી બીજા ભાગમાં પ્રભાવિત કરે છે. રણબીર કપૂર મહેમાન ભૂમિકામાં ખુશ કરી દે છે. રેણુકા શહાણે- રાણા વિકીની માતાની ભૂમિકામાં યોગ્ય સાબિત થઇ છે. તે મનોરંજન પણ પૂરું પાડે છે. ફિલ્મના ગીતો 'પપ્પી ઝપ્પી' અને 'બીજલી' થોડું મનોરંજન પૂરું પાડે છે. 'ક્યા બાત હૈ ૨.૦' ગીત એકદમ અંતમાં આવે છે. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. એમ કહી શકાય કે 'ગોવિંદા મેરા નામ' એના નામ પ્રમાણેની ફિલ્મ નથી.