Pachchayatap - 1 books and stories free download online pdf in Gujarati

પશ્ચાતાપ - ભાગ 1

પશ્ચાતાપ (ભાગ-૧)

         મનોજભાઇ અને સેવંતીબેનને સંતાનમાં એકમાત્ર પુત્ર તરીકે અનુજ હતો. તેઓ બંને પતિ-પત્ની પોતે પણ એટલા ભણેલા હતા કે તેઓએ તેમના પુત્રના ભણતરમાં કોઇ કમી જ નહોતી રાખી. અનુજ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ધીમે-ધીમે સમય વહેતો ગયો ને તેમનો પુત્ર હવે એકવીસ વર્ષનો થઇ ગયો. તેમણે તેમના પુત્રને વિદેશ ભણવા મોકલ્યો. સેવંતીબેનને મનમાં થોડો કચવાટ હતો કે, એકમાત્ર પુત્ર છે ને તેનાથી અલગ વિદેશ જાય છે, પરંતુ સાથે-સાથે ખુશ પણ હતા કે તેમનો પુત્ર હવે જીવનમાં ઘણો આગળ વધવાનો છે.

અનુજે તેની વિદેશ જવાની બધી જ તૈયારી કરી લીધી. બીજા દિવસે તેની આઠ વાગ્યાની ફલાઇટ હતી. બીજા દિવસે સવારે તે બધી જ તૈયારી કરીને વિદેશ જવા માટે એરપોર્ટ પહોંચ્યો. મનોજભાઇ અને સેવંતીબેન તેને એરપોર્ટ પર મૂકવા આવ્યા. અનુજ તેની ફલાઇટમાં બેસી ગયો. બંને પતિ-પત્નીના આંખમાંથી હર્ષના આંસુ સરી આવ્યા પણ સાથે-સાથે ખુશ પણ બહુ જ હતા.

વર્ષો વીતતા ગયા અને રોજબરોજ અનુજ ફોન કરીને તેના સમાચાર આપતો રહેતો. બંને બહુ ખુશ હતા. એકવાર સવારમાં વહેલા જ અનુજનો ફોન આવ્યો કે, તે ઘરે આવી રહ્યો છે અને તેમના માટે એક સરપ્રાઇઝ છે. સેવંતીબેન તો હરખમાં આવી ગયા અને તેમને અંદાજો આવી ગયો હતો કે, અનુજ કોઇ નવા મહેમાનને લઇને આવી રહ્યો છે. સેવંતીબેન મનોજભાઇને કહેવા લાગ્યા કે, ‘‘તમે જોયું હું તેની મા છું. આટલા વર્ષોથી ફોન પર વાત કરતો હતો ત્યારે જ મને અંદાજો આવી ગયો હતો કે તે કોઇને પ્રેમ કરે છે. પણ મને તેનાથી કોઇ જ વાંધો નથી. મને ખબર છે તે આપણા માટે વહુ લઇને આવે છે અને મારો દીકરો જે પણ છોકરીને અહી લઇને આવશે તેના ગુણ તો સારા જ હશે તેટલો તો મને પૂર્ણ વિશ્વાસ છે.’’ મનોજભાઇએ કહ્યું, ‘‘હા તું કહે છે એ સાચું છે. અનુજ બહુ જ સમજદાર દીકરો છે આપણો.’’ બીજા દિવસ સવારથી સેવંતીબેન ઘરમાં સાફ-સફાઇ, ડેકોરેશન, આરતીની થાળી બધી જ તૈયારીમાં લાગી ગયા. તેમણે મનમાં વિચારી રાખ્યું હતું કે, આજે હું મારા પુત્રને સરપ્રાઇઝ આપીશ.

ઘડિયાળના ટકોરે બાર વાગ્યે અનુજની ગાડી આવી અને સંવંતીબેનના ધાર્યા પ્રમાણે સાથે કોઇ છોકરી જ હતી. અનુજ દરવાજે આવ્યો તે પહેલા સંવંતીબેને તેને રોકી લીધો અને કહ્યું કે, ઉભો રહેજે. હાલ અંદર ના આવતો. મને પહેલા વહુની આરતી તો ઉતારી લેવા દે.’ અનુજ શરમાઇને કહે છે કે, ‘‘મા, મે લગ્ન નથી કર્યા. હું તમારી હાજરીમાં જ લગ્ન કરવા માંગું છું. આ એ જ છે જેની સાથે હું લગ્ન કરવા માંગું છું. પણ મા, તને કઇ રીતે ખબર પડી?’ મે તો કોઇ દિવસ વાત જ નથી કરી આ વિશે.’’ સેવંતીબેન કહેવા લાગ્યા કે, હું તારી મા છું. તારા મનની વાત હું સારી રીતે જાણી લઉં છું.’

સેવંતીબેને સ્મીતા વહુની આરતી ઉતારી અને પછી બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો. બધા સાથે જમવા બેઠા એટલે મનોજભાઇ અને સેવંતીબેને બંને સ્મીતા વહુની સારી આગતા-સ્વાગતા કર્યા પછી અનુજને પૂછવા લાગ્યા વહુ વિશે.

અનુજે કહ્યું કે, ‘હું અને સ્મીતા સાથે કોલેજમાં હતા અને નોકરી પણ સાથે શરૂ કરી. ત્યાં વાતચીત અને વર્ષોની મિત્રતા પ્રેમમાં પરિવર્તીત થઇ ગઇ અને આજે તે મારી સાથે છે.’ સેવંતીબેને અનુજને પૂછ્યું કે, ‘તેના માતા-પિતા સાથે પણ મુલાકાત કરી લઇએ. જેથી કરીને લગ્નની વાત થઇ જ જાય.’ સ્મીતા અને અનુજ થોડા ગંભીર થઇ ગયા. તેમને જોઇને મનોજભાઇ અને સેવંતીબેન એકબીજાની સામે જોઇને વિચારમાં પડી ગયા. તેમના મનમાં ચાલી રહેલ વિચારને સમજીને અનુજે તેમને વિસ્તારપૂર્વક વાત કહેવા માંડી.

અનુજે કહ્યું કે,‘સ્મીતાની માતા હાલમાં હયાત નથી.’ સેવંતીબેને કહ્યું કે, તો તેમના પિતા?’ અનુજે કહ્યું કે, મા હું કઇ જ છુપાવા નથી માંગતો. એટલે લગ્ન પહેલા જ તમને બંનેને વાતથી પરિચિત કરું છું. તમને કયાંક બહારથી આ વાત સાંભળો તો તેમને કેવું લાગે એટલે જ તમને હું કહું છું. તેમના પિતાએ બીજા કોઇ સાથે લગ્ન કરી દીધા એ પણ તેમની માતાની હયાતીમાં જ. તેઓ ત્યારથી જ તેમના પિતા વગર રહે છે. તેમના પિતાએ એ પણ વિચાર ના કર્યો કે તેમના નાના-નાના બાળકો શું કરશે? તેની માતાએ બે બાળકોને જાતે ઉછેર્યા અને તેમના ભાઇઓએ તેમને સહકાર આપ્યો એટલે તેઓ આજે બધા વિદેશમાં સ્થાયી થઇ ગયા છે. કેટલા સ્વાર્થી માણસો હોય છે આ દુનિયામાં ? મને તો બહુ જ નફરત છે આવા લોકોથી.

આ વાત સાંભળી મનોજભાઇ અને સેવંતીબેન થોડા તણાવમાં આવી  ગયા.

શું કારણ હતું કે મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગભરાટમાં આવી ગયા હતા ? કયાંક તેઓ સ્મીતાના ભૂતકાળ સાથે તો જોડાયા નહોતા ? 

( વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)

-  પાયલ ચાવડા પાલોદરા