Avak - 27 - 28 books and stories free download online pdf in Gujarati

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 27-28

27   

(જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે તમારા પગ એક પગલાં થી બીજા સુધીનો રસ્તો પાર કરતી વખતે વચ્ચેની જગ્યા છોડી દે છે. પરંતુ જ્યારે સાષ્ટાંગ પ્રણામ કરતાં જાઓ છો ત્યારે તમારું આખું શરીર એ પવિત્ર ધરતીને સ્પર્શે છે, એને પોતાના શરીરની સીમામાં બાંધે છે)

-ઘોડો ક્યાં છે ?

અત્યારે ત્રણ-ચાર કિલોમીટર આમ જ જવાનું છે બધાંએ. પગપાળા.

અમે જઈ રહ્યાં છીએ. કાફલામાં.કોણ જાણે કેટલાં લોકો અમારી આગળ-પાછળ છે. માથું-મોં ઢાંકીને, ધુમ્મસમાં. બાળકો-ઘરડાઓ, સ્ત્રીઓ, ઘોડાવાળા, તિબેટી, ભારતીય....

તિબેટી તીર્થયાત્રી કેટલાં એકાંતિક લાગે છે. ચાર-પાંચ લોકોના નાના નાના સમૂહ. હાથમાં માળા. પ્રાર્થના-ચક્ર. પોતાની સાથે જ ગણગણતા ચાલી રહ્યાં છે, જાણે આખી સૃષ્ટિમાં એમનાં અને એમનાં ઈશ્વર સિવાય કોઈ છે જ નહીં....

ભારતીય તીર્થયાત્રીઓના કોલાહલથી સાવ અલગ.

ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ.....

અમે ડેરાપુકની ઉપર જતી કેડી ઉપર છીએ. એની બરાબર નીચે લ્હા-છુની ધારા વહી રહી છે...અમે જમણે વળી જઈશું, ડોલ્મા-લા તરફ. લ્હા-છુ સીધી આગળ વધશે, સિંધુ બની જશે....

અમે સિંધુના ઉદગમની આસપાસ છીએ ! સ્વામી પ્રણાવાનંદનું પુસ્તક પાસે હોત તો બરાબર ખબર પડત કે કઈ બાજુ શું છે. સન ચાલીસના દશકમાં ત્રણ-ચાર વર્ષ આ વિસ્તારમાં રહીને એમણે બહુ વૈજ્ઞાનિક કામ કર્યું હતું. પહેલીવાર માનસરોવરમાં નાવ ઉતારીને યંત્રોથી સરોવરની ઊંડાઈ માપી હતી. બીજી પણ કેટલાય પ્રકારની શોધો. આજે પણ એમનાં પુસ્તકને લોકો અધિકૃત મને છે. સરળતાથી મળતું નથી, પણ મળી જાય છે.

અમે જમણી બાજુ વળીશું તો એવું નથી કે સીધા ચડી જઈશું પર્વત પર, ડોલ્મા-લા માટે.

પહેલાં નદી પાર કરવી પડશે, ડોલ્મા-છૂ.

વાંસનો પુલ છે. થોડો ડગમગે છે, પણ પાર પહોંચાડી દે છે !

અમે પાર થઈ રહ્યાં છીએ, એક પછી એક. હશે દોઢસો-બસો લોકો અત્યારે ? ત્રીસ-ચાલીસ-ઘોડા પણ ?

-મા !

પ્રાણ કંઠમાં રુંધાય એ પહેલાં જ ઘોડો આવી ગયો છે.

કાળો રંગ, ઉદાસ આંખો વાળો. માથા પર લાલ રીબીન બાંધી છે. ખબર નહીં, એની નીચે કશું દેખાય છે કે નહીં ?    

એના માલિકને હું ધન આપીશ. અને એને ? આટલી મોટી તીર્થયાત્રા એ મને કરાવશે, અડધું પુણ્ય તો એને મળવું જોઈએ ?

અત્યારે હું એ માટે તૈયાર નથી. પુણ્ય તો પહેલેથી જ બહુ ઓછું છે મારી પાસે.

બેસતાં પહેલાં હું એને સ્પર્શુ છૂ, એની ડોકને, એના શરીરને. મારી પાસે કૃતજ્ઞતાના આ સ્પર્શ સિવાય કશું નથી.

ઘોડા ઉપર રોશને જ મને બેસાડી છે, ‘બેબી’ની જેમ ! મારાં બંને પગ પેગડામાં નાખી દીધા છે, જીનને ક્યાંથી પકડવાથી મજબૂત રહેશે, સમજાવી દીધું છે.

-     આનું ચોકડું પકડવાનું નથી ?

-     ના ના. એમાં ભૂલ થઈ જાય તો ભાગી શકે છે અને તમને પાડી નાખે.

હું ઘોડાનું ગળું પંપાળું છું. તને મારા ઉપર ગુસ્સો તો નથી આવતો ને કે મજાથી તારા ઉપર બેઠી છું ?

એણે માથું હલાવ્યું છે. મારા હાથનો સ્પર્શ એના સુધી પહોંચી ગયો છે. હવે હું ચૂપચાપ બેસી રહું, એને એનું કામ કરવા દઉં.

-     રોશન તું મને છોડીને તો નહીં જાય (તારા ‘બેબી’ (બાળક)ને ?)

-     હું અહીં જ છું, તમારી સાથે. આમ-તેમ ન જોશો. બસ સીધા. નહીંતર સંતુલન જળવાતું નથી.

-     રોશન, આ પેમા મને ઠીક લાગતો નથી. એકદમ લાપરવા છે. આમ-તેમ વાતો કરી રહ્યો છે. એનું ધ્યાન જ નથી કે ઘોડો પથ્થર ઓળંગે છે તો મારો પગ ક્યાંક પથ્થર અને ઘોડા વચ્ચે ફસાઈ ન જાય. મારો પગ એકદમ ફસાયેલો છે, હું એને બિલકુલ હલાવી શકતી નથી રોશન !

-     હવે બરાબર ?

-     હા.

ચડાણના પિસ્તાળીસ ડિગ્રીને ખૂણે તો અત્યારે અમે જઈ રહ્યાં છીએ, હું અને ઘોડો. મોટા-મોટા પથ્થરોની વચ્ચેથી. નીચે બરફના થર છે. ઘોડો વારંવાર લપસે છે. આ પથ્થર થોડા છે, ચટ્ટાનો છે. ઘોડો પણ કયાઁ સુધી કૂદે. આ પથ્થર અને એ પથ્થર વચ્ચે બિચારાની કાયા માટે જગ્યા તો હોવી જોઈએ ને !

આગળ સાઠ ડિગ્રી અને પંચોતેર ડિગ્રીનું ચડાણ આવવાનું છે !

ભીડ કેવી છે ! કોઈ કહી શકે કે અહીં મરી શકીએ ? બધાં એવી રીતે દોડી રહ્યાં છે જાણે આગળ ડોલ્મા-લા પર મોત નહીં જિંદગી ઊભી હશે...

પહેલાં શ્વાસની તકલીફ હતી, પીઠ-દર્દની તકલીફ હતી. હવે શ્વાસ, પીઠ-દર્દ અને ડરની તકલીફ છે.

-     હાડકું તૂટી જાય તો કેટલે દૂર જવું પડશે રોશન ?

અહીં મરવું વધું સારું રહેશે, હાડકાં તોડાવવા કરતાં. તો પણ પૂછી લેવું જોઈએ. ઘોડા પર બેસી ગઈ છું. હવે મરવા પર નિયંત્રણ નથી કે ન હાડકાં તોડાવવા પર. હવે પેમા જે ઇચ્છશે એ જ થઈને રહેશે !

પેમા કમબખ્ત ! પૈસા તો તું મારી પાસેથી લઈશ, વાતો બીજાની સાથે કરી રહ્યો છે ! જો તો ખરો, તારો ઘોડો ક્યાં જાય છે !

લ્યો ! હવે આ ત્રણ વર્ષના બાળકને મારી રાશ પકડાવીને ક્યાં ચાલ્યો ગયો ? ઘોડો સીધા ચઢાણ પર ઊભો છે. ઇચ્છું તો પણ પાછું વાળીને કમબખ્ત પેમાને બોલાવી શકતી નથી.

કેટલા ઘોડા છે એની પાસે ? લાગે છે અહીંના બધા ઘોડા એના છે. ક્યારેક એક ને ઠીક કરે છે, ક્યારેક બીજાને. બધા સવારોને એક સાથે જ પાડશે પેમા ! તને છુટકારો મળે અને અમને પણ ! બે ઘોડા એની સ્ત્રીએ પકડી રાખ્યા છે, એક સાથે. ત્યાં  પેલો કાણો પણ એનો સંબંધી છે, કાલે એ મારો ઘોડો ચલાવતો હતો. બે નાના નાના બાળકો પણ ઘોડા સાચવવા લાગ્યા છે. ઘોડા શું એમનું માનશે ?

ત્યાં પેલો પડી ગયો છે કાલ વાળો જાડો ! એનો ઘોડાવાળો પેમાથી પણ નાલાયક છે ! અરે, તારો ઘોડો સીધો બે પગ ઉપર ઉભો થઈ ગયો છે, સવાર નીચે પડ્યો છે. તને ખબર નથી, કેવી રીતે એને રોકવાનો છે?

-     ઑ મેડમ, ઑ મેડમ !

હેં ? મને કોઈ બોલાવે છે ? હા, હા, મને જ તો !

-     ઘોડાના ગાળા તરફના ખૂણે વળી જજો આગળ ! સાવ ! ચડાણ પર કેવી રીતે બેસવું તે કહ્યું નથી ઘોડાવાળાએ ? હમણાં ઘોડાનું સંતુલન બગડતું તો બીજા સવાર તમે જ પડ્યા હોત નીચે !

ખૂબ આભારી છું પાસેથી પસાર થતાં ગાઈડની. ગાઈડ બીજા ગ્રૂપનો છે, બચાવી મને રહ્યો છે ! સારો માણસ છે.

-     તમને ખબર છે ઊતરતી વખતે શું કરવાનું છે ? એ પણ નથી કહ્યું ? વિચિત્ર વાત છે ! ઊતરતી વખતે પાછળ ખેંચાઈને બેસવાનું છે, ઘોડાની પીઠના ખૂણે.

-     થેન્ક યુ, થાનક યુ સો મચ !

પેમો હજી સુધી ક્યાં ગાયબ છે ? મારી સામે આવી, માફી માગી પાછો ચાલ્યો ગયો છે.

આગળ ઘોડા ઊભા રહી ગયા છે. ત્યાં કાદવમાં એક ઘોડો ફસાયો છે. બિચારાએ તો પણ સવારને પાડ્યો નથી ! સારું જાનવર છે, બિલકુલ દેવતા !

-     રોશન ! તને ઘોડો સંભાળતા આવડે છે ? ખબર છે શું કરવાનું છે ?

કંઈક બોલ ભઈલા ! પહેલા પેમાએ લોહી બાળ્યું છે, હવે તું બાળ. ઘોડો સંભાળવાની બધી પ્રેક્ટિસ મને બેસાડી રાખીને ન કરીશ ભાઈ !

કશું કરતો નથી. ઘોડાની રાશ સાવ ઢીલી મૂકી દીધી છે ! ઘોડો ઇચ્છે તો મને ભગાડીને લઈ જાય !

ઘોડો ભગશે નહીં, એટલા માટે કે આસપાસ ભારે ભીડ છે, નહીંતર તમે લોકોએ તો મને મારવામાં કોઈ કસર બાકી રાખી નથી ! લઈ જજો મારા મડદા ને પીઠ ઉપર નાખીને. તમને એનો તો અભ્યાસ છે !

ઘોડો ખૂબ શાંતિથી નીચે જોતો રસ્તો કરતો આગળ વધી રહ્યો છે.

રોશન એને કહેતો નથી, ક્યાંથી જવાનું છે. એ પથ્થરો જોઈ જાતે જ નક્કી કરે છે, આમથી આવે કે તેમથી. ન રોશન એને થપથપાવી રહ્યો છે, ન બોલાવી રહ્યો છે. બસ રાશને એના રસ્તામાંથી હટાવી દે છે.

લગભગ આખે રસ્તે, ચડાણની સાથે-સાથે પ્રાર્થના ધ્વજ બાંધેલા હતા. એટલે જ્યારે રોશને એક પથ્થર પાસે રોકીને હાથ લંબાવ્યો, ઉતરો, તો મને સમજાયું નહીં.

-     આ જુઓ !

કેટલી વાર લાગી હશે ઉપર આવવામાં ? દોઢ-બે કલાક?

પહાડની પીઠ સીધી છે, એટલી સીધી કે એના પર બરફ પણ ટકતો નથી....નીચે જૂનો જામેલો બરફ છે અને તાજો કાદવ...એક આંગણા જેટલી સમથળ જગ્યા છે ટોચ ઉપર. ત્યાં સામે એક ડંડા ઉપર સેંકડો પાર્થના-ધ્વજ, ત્યાંથી દરેક પથ્થર સુધી જતાં તોરણ બાંધ્યા છે પ્રાર્થના ધ્વજોના.....

નીચે ઢગલે ઢગલા કપડાં, નવાં-જૂના, કેવો કેવો સામાન.......પહોંચી ગઈ હું ? ડોલ્મા-લા ?

28

દેવીના ચરણોમાં પહેલેથી જ બહુ ભીડ છે.

એમાં જ મારે મારાં પ્રિયજન એમને સોંપવા છે.

હાથ કેમ કંપી રહ્યાં છે? આ જ ક્ષણ માટે આટલે દૂર આવી હતી. હવે પહોંચી ગઈ છું તો સંકોચાઇ રહી છું.....

થોડો સમય ટાળી ન શકાય આ ક્ષણ ?

નિર્મલ.....

જુઓ, કેટલે દૂર તમને લઈ આવી. શું શું નથી કર્યું. શાંતિ મળી નહીં. કેટલી વાર લાગ્યું કે આ અનુષ્ઠાન પછી તમને બીજા લોકમાં મોકલી દીધા છે. થોડા દિવસ પછી એવું ને એવું.

હવે આ સૌથી વિશ્વાસપૂર્ણ ખોળો છે, શરણ છે. ઠીક ?

મા, મારા નિર્મલને સંભાળી લેજે....હું સંભાળી શકી નહોતી.....ડોક્ટરે કાતરથી શર્ટ કાપ્યું હતું. હજી સુધી દૂધ જામેલું છે કપડાં પર. છેલ્લી વાર પીવડાવી રહી હતી ટ્યુબથી અને વારંવાર બહાર પડતું હતું....

સારું નિર્મલ !

બધું મૂકી દીધું છે બરફ પથરાયેલી ભૂમિ પર.

નિર્મલનું શર્ટ.

રિનપોંછેના નખવાળો ગુલાબી કાગળ.

કેવો તાજો સફેદ નખ હતો તે દિવસે, જ્યારે મેં એમની પાસેથી માંગી લીધો હતો....એમને ક્યાં ખબર હતી કે એક દિવસ આ નખ ડોલ્મા-લા પહોંચી જશે, તારાદેવીના ચરણોમાં ?

દારજીની કેસરી પાઘડી....

હવે હું એને કદી સૂંઘીશ નહીં. એમના પરસેવાની ગંધ એના વિના પણ મારા મનમાં રહેશે...

માની ઓઢણી.

યાત્રા પર નીકળતા પહેલાં આગળની સાંજે મંગાવી હતી મેં. એમને ખબર નથી, હું એમને તારામાને સોંપવા જઈ રહી છું !

તનુનો કાગળ...

તનુપ્રીત કોર નામ હતું એનું ! અમે એની કોઈ પૂજા કરી નહોતી. ત્યારે ખબર નહોતી. વરસોના વરસો રોતાં રહ્યાં. પાઠ કરી લઈએ, ખબર જ ન પડી....અમારી બાળકી બહુ ભટકી હશે...એના પર દયા કરજો મા !

આટલો જ છે મારો સંસાર મા. આ બધાંના હોવાથી. એમની રક્ષા કરજો !

આકાશ કેવું થઈ ગયું છે, વાદળો વાળું ? ધરતીથી દૂર, વાદળોની પાસે છું હું.

કોઈ ઉતાવળ નથી. ચૂપ બેઠી છું.

ચાલી જઈશ થોડીવારમાં. એ પછી તો જવાનું જ છે.

પાછા જવાથી કોઈ બચી શકે ?

હૃદય શાંત છે એકદમ. ધક-ધક. બસ. ધક-ધક.

ડોલ્માના શિખર પર સાંભળ્યો હતો આ ધ્વનિ બસ એ જ યાદ છે. પોતાના જ હૃદયની ધક-ધક. એક લાંબી અશાંતિ પછી.

-     તમે અહીં શું કરો છો ?

કોઈ બૂમ પાડે છે.

ગભરાઈને જોઉં છું તો એ જ ગાઈડ છે જેણે ઘોડા ઉપરથી પડતાં બચાવી હતી.

-     કેટલીવારથી બેઠાં છો અહીંયા ? કાંઈ ખબર છે તમને આ કેટલી ખતરનાક જગ્યા છે ? અહીં કંઈ પણ થઈ શકે છે, દિમાગમાં ઑક્સીજનની ઉણપ...મતિભ્રમ....ઉલ્ટીઓ...તરત ઉતરવાનું શરૂ કરો.....

રોશનને ધમકાવી રહ્યો છે.

-     ખરો માણસ છે તું. તને ખબર નથી એમણે અત્યારે તો નીચે ઉતરી જવું જોઈતું હતું ?

એ બબડી રહ્યો છે. હું એમ જ બેઠી હતી, એનો કોઈ અધિકાર છે મારા ઉપર ?

કેટલો દેકારો કરી રહ્યો છે આ માણસ. ઠીક છે, મોડુ થઈ ગયું, જઈએ છીએ....

અમને અમારી ચિંતા નથી ?