affection books and stories free download online pdf in Gujarati

હૃદયવલોણું


...હૃદયવલોણું...

ગગન વાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવન દાતા જીવનકેરો અનુભવ તું કરી તો જો*..

" હાલ્ય હાલ, જલ્દી હાલ " એક હાથે પાંચ વર્ષ ની છોકરી નું સહેજ ત્રાસુ વાળીને બાવડું પકડતા એ સ્ત્રી બાળકોના વિભાગમાં પહોચી. બીજા હાથ થી એક વર્ષનું બાળક કાખ માં નાંખેલું , ને ત્રીજું ગાગર જેવા પેટ ની દીવાલ માંથી બહાર આવવા પાંટા ઝિંકતું " હું પણ છું " એવી સતત એની માં ને પ્રતીતિ કરાવતું.

" સા 'બ , સા 'બ..." દરવાજા ની અંદર પગ મૂકતાં જ એની બૂમ જાણે આખા વોર્ડ માં પ્રસરી ગઈ. ઘડિયાળ ના કાંટા નો અવાજ પણ સાંભળી શકે એવી આ નીરવ શાંતિની રાત ની ઘડીએ , સ્ત્રી ના કરૂણ અવાજે જાણે રાત ને પણ દ્રવી મૂકી .
ખુરશી પર સહેજ નીચું સરકીને ,માંથુ ખુરશીની ધાર પર ટેકવી , ટેબલ પર પગ લાંબા કરી સૂતેલો ડોક્ટર અચાનક આવેલા અવાજ થી જબકી ને જાગી ગયો, સાથે વોર્ડ ના બે ત્રણ બાળકો પણ...

" સા 'બ , સા 'બ.. જુઓ ને આ છોકરી ક્યારની હાથ પગ જ નથી હલાવતી , ખાલી ટગર - ટગર જોયા જ કરે છે, એ પણ માંડ માંડ ... સા 'બ બપોર સુધી તો કેવી બેય બેનું તડકા માં રમતી 'તી, ધૂળ માં આળોટતી 'તી.ખોટું કૌ તો પુછો આ છોડી ને " એ બેને એકી શ્વાસે બધું કહી દીધું. તેનો ચહેરો વ્યાકુળ હતો, ઉપર - નીચે થતી છાતી ધમણની ગતિએ દોડતી હતી. ઝીણી ને થોડી લાલ થયેલી આંખો રડું - રડું થઈ ગઈ હતી. માથા પર ચિંતાથી પડેલી કરચલીઓ, વિખરાયેલા ને ખરબચડા વાળ, એના ચહેરાને વધુ બિહામણો બનાવતા હતા.

ડોકટરે એની સામે એક નજર નાંખી. જોતા તો લાગતી હતી કે કોઈ ભિખારણ કે મજૂર વર્ગ ની સ્ત્રી હશે. શરીર પર નાનકડો સાડલાનો ટુકડો, એના શરીરને માંડ માંડ ઢાંકી શકતા હતા.

ડોક્ટરે બાળકને તરત જ બેડ પર સુવરાવવા કહ્યું. અને એનું ચેકઅપ કરવા લાગ્યા. ઊંડી ને સુકાઈ ગયેલી આંખો , કોરું મોં, કરચલીવાળી ને સૂકી એના પેટ પરની ચામડી, ને ધબકારા તો એટલા ધીમા હતા કે, એ જ ક્ષણે ડોક્ટરથી એની છાતી તરફ જોવાઈ ગયું. ધીમે - ધીમે ઉપર નીચે થતી છાતી તરફ જોતા ડોક્ટર ને મનમાં હાશકારો થયો.
" સિસ્ટર..ર્.ર્..."ડોક્ટરે બૂમ પાડી. આના બંને હાથમાં સોઈ નાંખો ને તરત જ પાઇન્ટ ચાલુ કરો. અને સિવિયર ડિહાઇડ્રેશન ( શરીરમાં પાણીની અછત) છે.
થોડી અકળામણ સાથે આંખો ચોળતા ચોળતા સિસ્ટર ઊભા થયા. જરૂરિયાતની બધી ચીજ વસ્તુ લઈ બેડ પાસે પહોંચ્યા.

પેલી સ્ત્રી સામે જોઈ અને બોલ્યા " છોકરા પેદા કરવા સિવાય બીજું કંઈ કામ નથી કે શું ? કંઈ થાય તો લઈને દોડી આવો છો. અને તમારી સેવા અમારે કરવાની."
એ સ્ત્રી અવાક્ થઈને જાણે કંઇ જ ન સાંભળ્યું હોય એમ ઊભી રહી. એની નજર ફક્ત તેના બાળકની છાતી પર હતી. બાળકના વધતા ધબકારા સાથે જાણે એના હૃદયનાં ધબકારાની ગતિ વધતી હતી.

સિસ્ટરે બાળકના હાથ પર રૂ વડે સ્પિરિટ લગાવી ને મહામહેનતે સોય નાખી. ને દડ દડ કરતુ લોહી પ્લાસ્ટીકની નળી માં ધીમે પગલે આવવા લાગ્યું. પેલા બાળકે તો સહેજે ઉંહકારો પણ ના કર્યો. પણ એની માં, બાળકની હાથની ચામડીમાં સોય જતાં જ જાણે એના હૃદયમાંથી તીણી ચીસ નીકળી ગઈ.

ડોક્ટરે થોડો સમય ત્યાં ઊભા રહી, મોનિટરના કેબલ બાળકના કુમળા અને સૂક્કા શરીર પર લગાવ્યા ને મોનીટર તરફ જોવા લાગ્યા. સ્થિતિ થોડી ગંભીર જણાતા પેલી સ્ત્રીને પૂછ્યું " બેન તારી સાથે છે કોઈ બીજું ? તારો ઘરવાળો, તો એને બોલાવ." સ્ત્રી એ જાણે કંઈ જ સાંભળ્યું નહીં,એની નજર ફક્ત મોનિટર માં ઉપર - નીચે થતી લાઈન ઉપર હતી અને કાન ટી..ટી...ટી.. અવાજ કરતા મોનિટરને સાંભળવામાં વ્યસ્ત હતા.

" અરે બેન તને પૂછું છું, ઘરવાળો નથી આવ્યો ? બાળકની સ્થિતિ ખરાબ છે. કંઈ થઈ જશે તો ? કોઈ જવાબદારી વાળું હોવું જોઈએને." ડોક્ટરે થોડા ભારથી અને ગુસ્સામાં કહ્યું.

પેલી સ્ત્રીની રડું રડું થતી આંખોની પાળ હવે તૂટી પડી ને બસ....એ રડવા લાગી. કશું જ બોલવાની શક્તિ કદાચ આ ક્ષણે ન'તી એની પાસે. છતાં એ ત્યાં જ ઉભી હતી. એના બાળક તરફ મીટ માંડીને.

" સિસ્ટર આને પુછોને, ઘરવાળાને બોલાવે એનાં. આ તો રડવા લાગી. " ડોક્ટરે પૂછપરછ કરવા કહ્યું.સિસ્ટર ફરીથી એ જ અકળામણ સાથે ઉભા થયા. " હવે આ જ કામ બાકી છે " ને પેલી તરફ ગયા.

‌‌ " અરે મારી માં, ઘરવાળો હોય તો બોલાવી લે,બાળક રાત પણ કાઢે એવું નથી લાગતું " સિસ્ટરે સીધેસીધું કકૅશતાથી કહી નાખ્યું. પેલી સ્ત્રીના આંસુડાં બમણી ગતિથી ટપ...ટપ...પડવા લાગ્યાં.

" બેન અમારે મજૂર બાયડીઓ ને તો શું ઘરવાળો? એ તો સૂતો હશે પેલી લંપટ સાથે.એ મરી ગયો અમારા માટે તો. છોડીને જતો રહ્યો છે, આ છોકરા નો ભાર મારી છાતી પર મૂકીને.બોલો બેન કોને બોલાવું ?" એણે રડતા રડતા ટૂંકમાં એની કથા , નહીં.. નહીં..એની વ્યથા કહી નાખી.

" તો ધ્યાન રખાય ને, આટલા પેદા કરતા પહેલાં,પછી સચવાતા તો છે નહીં. હવે બોલાવીશ કોને ? આ હાલતમાં એકલે હાથે બધું તારાથી થશે ? સિસ્ટરે એના પેટ તરફ ઇશારો કરી, લાગણીવશ થઈને કહ્યું.

" બેન અમારે આવું જ હોય. દિવસે માથા પર પથ્થરનો ભાર, ને રાતે છાતી પર ધણીનો. ઘણીવાર માર પણ ખાધેલો,પણ છોકરાને થોડા મરવા દઉં. એના બાપે નહિ મેં જણ્યા છે,‌અને જીવાડીશ પણ ખરા " એનાં અવાજમાં વર્ષોથી દબાયેલી સંવેદનાનો ભાર હતો અને આત્મસન્માન પણ...

" તારે જે કરવું હોય તે કર " ને બાળકની સ્થીતિ થોડી સારી થતાં,‌સિસ્ટર ચાલ્યા ગયાં.

બે કલાક પછી, ફરી પાછી પેલી સ્ત્રીએ બૂમાબૂમ કરી મૂકી.
એને પ્રસવની પીડા ઊપડી હતી." સિસ્ટર...સિસ્ટરરર... એ સા'બ...હા.. હં... હં.. હાંફતી હાંફતી એણે બૂમ પાડી. આવ્યાં ત્યારની એને થોડી થોડી પીડા તો થતી જ હતી, પણ પોતાના બાળક માટે એક ઉંહકારો ન'તો કર્યો.પણ હવે સહન થાય એમ ન'હતું.

" હવે શું થયું " સિસ્ટરે આવી ને પૂછ્યું.
" બેન ડીલીવરી ક્યાં થાય છે. મને ત્યાં લઈ જાવ. હવે નથી રહેવાતું. "
" પેલા કહેવાતું નથી ? ત્યારે તો મુગું મોં કરીને ઊભી હતી. " સિસ્ટર ના અવાજમાં એની ઊંઘ બગાડ્યા નો રોષ હતો.
" બેન.. બે... ન... હું... હં... લઈ જાવ હવે.. આહ..." હોઠોને દાંત વચ્ચે દબાવતાં એ બોલી. એની પીડા વધતી જતી હતી. સિસ્ટરે વ્હીલચેર પર એને બેસાડી, એ જ માળ પર આવેલા પ્રસુતિ વિભાગમાં એને પહોંચાડી.
પેટમાં નવા આવનાર બાળકની પીડા, મનમાં માંદા બાળકના મરવાનો ડર ને, હૃદય પર પતિ વડે તરછોડાયેલા યાદો ના ઉજરડા લઈને આવેલી એ સ્ત્રીને આખરે એક પીડામાંથી મુક્તિ મળી - પ્રસવપીડા.તેણે ફરીથી એક નવજાત બાળકીને જન્મ આપ્યો.

થોડી કલાકો બાદ સ્વસ્થ થતા, હમણાં જ જન્મેલી ગુલાબી પાંખડીને પોતાના અડધા ટુકડાના સાડલા માં વીંટાળી. એ બાળકના વોર્ડમાં ગઈ ને જોયું તો......

બીજી પીડા પણ શમી ગઈ - મનની. એના હાથમાં હજુ જન્મેલું તાજું બાળક ને બીજી બાજું ખાટલા પર એનું મૃત બાળક.

એની મનઃસ્થિતિ અસમંજસમાં હતી કે ખુશ થવું કે રડવું... આવાક્ મને એણે એ મૃત બાળક પાસે પોતાના નવજાત બાળકને સુવરાવી, એકીટસે બંને સામે જોતી રહી. કોરી આંખોએ...ભાવવિહિન આંખોએ... ને અંદર, હદય સાંબેલાધાર વરસી પડ્યું....

- કમલ કવા...

*પંક્તિ : નાઝિર દેખૈયા