soul mate books and stories free download online pdf in Gujarati

આત્મસાથી



....આત્મસાથી....

પ્રેમ ભરેલા વાદળ થઈને એકમેકમાં વરસી જઈએ..
મેઘધનુષી રંગો લઈને પળેપળને ચીતરી દઈએ..


"સસસ્ સસ્..." ઇન્સ્યુલિન ભરેલા ઇન્જેક્શનની નાની સોય ખૂંચતા જ પુરુષોત્તમ દાદાથી સિસકારો નીકળ્યો. એમને સહન કરવો પડતો કારણકે, ઇન્સ્યુલિન તો એમની જીવાદોરી હતી. અને હવે તો રતનબા સાથે હજુ વધુ જીવવાની આશા સામે આ દુઃખ તો સામાન્ય હતું.

" આટલા વર્ષોથી ઇન્જેક્શન લ્યો છો, તોય સિસકારો કરવાનુ ભુલ્યા નહીં. હવે કંઈ તમે નાના નથી" રતનબાએ ઇન્જેક્શનની સિરીંજ ડબ્બામાં મૂકતાં કહ્યું.

" અરે રતન, તને હું મોટો લાગું છું?" દાદા હંમેશની જેમ બાને કહેતા. એમને મન તો "રતન બા" જ સર્વસ્વ. એક મિત્ર, એક સાથી, અને.... અને પ્રેમી પણ. એટલે જ તો, જયારે જયારે બા રોજ એની ચશ્માં ચડાવેલી આંખોને ઝીણી કરીને ઇન્જેક્શન ભરતાં, ત્યારે દાદા એકીટસે એમના ચહેરાં સામે જ જોતા રહેતા. અને ઇન્જેક્શન આપે ત્યારે સિસકારો કરવાનું ભૂલતા નહિ. રતનબા બધું જ જાણતા કે દાદા આ જાણી જોઈને જ કરે છે. છતાં પણ "સાચે બહુ દુઃખ્યું?" એમ પૂછવાનું ભૂલતા નહિ. અને દાદાની "ના" સાથે શરૂ થતો સંવાદ રતન બાની જીવાદોરી હતી.

દસ-દસ વર્ષ વીતી ગયા બંનેના આ વૃદ્ધાશ્રમ માં આવ્યાનાં. અહીં પહેલું ડગલું મુક્તા થયેલી દુઃખની લાગણી તો આજે હૃદયનાં કોઈ ખૂણામાં પડેલી નહોતી. આવ્યા ત્યારે બંનેના પગ જ સાથે ચાલતા હતા અને હવે હૃદયના ધબકાર પણ... જાણે એકના થંભી જશે તો બીજાનાં પણ....

******************
" હું અહીં બેસું?" રતનબા એ ગાર્ડનના હીંચકા પર પુરષોત્તમદાદા પાસે જઈને કહ્યું. પણ દાદાનું તો ધ્યાન જ નહોતું. એ તો એકીટસે કુંડામાં વાવેલા થોર નાં છોડ સામે જોઈ રહ્યા.

" હું બેસું?" બા એ ફરીથી પૂછ્યું. છતાં પણ, કંઈ જવાબ નહીં. બા પરવાનગી લીધા વગર જ બાજુમાં બેસી ગયા. થોડી ક્ષણ બંને વચ્ચે હીંચકા સાથે મૌન જ ઝૂલતું રહ્યું.

" તમે કેમ ફક્ત થોર ને જ જુઓ છો?" બાએ ધીમે ધીમે ચાલતા હીંચકાની ગતિને અચાનક થંભાવતા પૂછ્યું.

"બસ મને લાગે છે કે, મેં જીવનમાં થોર જ વાવ્યા છે. એટલે જ આજે હું અહીં છું" અચાનક રોકાયેલ હીંચકાથી દાદા જાણે ઊંઘમાંથી ઊઠ્યાં.

"થોરમાં ક્યારેક ફુલ પણ આવે છે. કદાચ આ આશ્રમ જ તમારું ફુલ બની રહે." રતનબાએ પોતાના આશાવાદી વિચાર વ્યક્ત કરતાં કહ્યું. ક્યારેક થોર પણ સંબંધની શરૂઆત હોઈ શકે.....

અહીં આવ્યા ત્યારથી દાદાનો ચહેરો ઉદાસ જ રહેતો. બધા સાથે બહુ ઓછી વાતો કરે, બસ એકલાં જ બેસી રહેતા કલાકો સુધી.... એકવાર રતનબાએ તેમને રાતના બે વાગે હીંચકા પર બેસેલા જોયાં.

" કેમ અત્યારે?" કદાચ રતનબા જ એકમાત્ર વ્યક્તિ હતા જેની સાથે દાદા થોડા શબ્દો બોલતાં.

" બસ ઊંઘ નથી આવતી" દાદાએ ઓછા શબ્દોમાં જવાબ આપ્યો.
" પણ કેમ?" બા એ કારણ પૂછ્યું. બા વાત કરવા માગતા હતા.
" બધી જ સ્થિતિનાં કારણ નથી હોતા"

" હોય તો છે જ, આપણે શોધવા નથી હોતા" બા એ તરત જ જવાબ આપ્યો.." તમે તમારી વાત કહી શકો છો. કદાચ થોડી હળવાશ મળે. કદાચ હું કારણ શોધી શકું." રતનબાએ રાતની હવામાં રહેલી ઝાકળ જેવા આર્દ્ર સ્વરે કહ્યું.

" હું મેજર ડિપ્રેશન નો દર્દી હતો." દાદાએ રાતના ખુલ્લા આકાશમાં રહેલા અગણિત તારાઓ સામે જોતા જોતા કહ્યું.

"તો?" બા નો ટૂંકો પ્રશ્ન હતો. રતનબાએ 'ડિપ્રેશન' શબ્દ સાંભળ્યો ન'તો એવું નથી. બા એના ગામની શાળાના શિક્ષક હતા. પણ બા નો સ્વભાવ આશાવાદી હતો. બધી જ પરિસ્થિતિનો હસતા મોઢે સ્વીકાર કરતાં.
બાના આવા ઉત્તરથી,દાદા ઉશ્કેરાઇ ગયાં.

" તો?...... તો એમ કે, આ.... આ બીમારીને કારણે જ હું અહીં આ વેરાન વૃદ્ધાશ્રમમાં છું. મેં મારા પૌત્ર પર હાથ ઉપાડ્યો હતો. અને કયા કારણથી ખબર છે? ખબર છે?" દાદા નું શરીર ધ્રુજતુ હતું. આંખો સહેજ મોટી અને આછી આછી લાલ થઇ ગઈ. અને એમની ભીની થયેલી આંખોમાં રહેલી વાત પાળ તોડીને વહેતી થઈ.

" ફકત.... તેનાથી મારી ઇન્સ્યુલિનની સીરીંજ તૂટી ગઈ. હું.... હું... હજુ પણ એ દ્રશ્ય આંખ સામે જોઈ શકું છું. નથી છોડતું મારો પીછો.આ કારણે જ મારા છોકરાએ મને હોસ્પિટલમાં દાખલ કર્યો. અને ત્યાંથી સીધો અહીં આ વેરાન આશ્રમમાં મુકવાનો નિર્ણય કર્યો. મેં.. મેં... મારા પૌત્ર રાહુલ પર હાથ ઉપાડ્યો?" દાદા પોતાને જ પ્રશ્ન પૂછવા લાગ્યા.બોલતા- બોલતા તેમને શ્વાસ ચડતો હતો.

" એ કેટલો રાજી રાખતો મને, એની દાદી ના ગયા પછી, એ એક જ તો મારો સહારો હતો. મારી લાકડી હતો એ. તમને ખબર છે, એ રોજ મંદિરે આવતો, મારી પાસે બેસીને હોમવર્ક કરતો, કંઈપણ નવી વાત 'દાદા.. દાદા' કહી મને પહેલા સંભળાવતો. અને મેં? રાહુલે આટ- આટલું કર્યું છતાં, તેની દાદીનો ખાલીપો મને ભરખી ગયો. મારાથી એકલાપણું સહન ના થયું." દાદાથી ધ્રૂસકા ભર રડાઇ ગયું. અને બાએ એમને ખાલી થવા દીધા. ફક્ત સાંભળતા જ રહ્યા, જ્યાં સુધી એ ખાલી ન થાય. આખરે ફક્ત સાંભળવું એ પણ એક કળા છે, બધા પાસે નથી હોતી.

એ રાત પછી રતનબા દાદા ની સંભાળ લેવામાં કંઈ જ કચાશ ન રાખતાં. એમની દવાઓ રોજ યાદ કરીને આપવી. ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન પણ એ જ આપતા. બંને સાથે બેસીને ભગવદ્ ગીતાનો પાઠ કરતા. તેના અર્થો સમજવા એકબીજા સાથે લાંબા સમય સુધી ગાર્ડનમાં ચાલતા રહેતા.ક્યારેક વાતમાં વિરોધાભાસ પણ થતો. અહીં તો છેલ્લે "નહીં તમે સાચા", "ના હું નહીં તમે" એવો મીઠો ઝઘડો પણ થતો. અને વર્ષો પછી દાદાનો 'વેરાન આશ્રમ' હવે ફુલવાળો રંગબેરંગી આશ્રમ બન્યો.

એક દિવસ રતનબાનો છોકરો એમને મળવા આવ્યો. તેણે બાને સાથે આવવા કેટલી આજીજી કરી. પણ બા ન જ માન્યા. ત્યારે છેક,દાદા ને ખબર પડી કે, રતનબા સ્વેચ્છાએ આશ્રમમાં આવ્યા છે.

રતનબા તો એના ગામડે જ રહેવા માગતા હતા. પણ એના એકના એક દીકરાને બધું વહેંચી શહેરમાં આવવું હતું. બા સાદાઈથી જીવવા ટેવાયેલા હતાં. બાએ નિર્ણય સંભળાવ્યો કે," હું વૃદ્ધાશ્રમમાં રહીશ" ત્યારે પણ બા ન જ માન્યા અને વૃદ્ધાશ્રમમાં જ આવ્યા. એકાંત એ બાની પ્રકૃતિ હતી. બા એકાંત ને માણતા...

પણ બા કે દાદા ને ક્યાં ખબર હતી કે, અહીં આવ્યા પછી કોઈ એક સાથી મળશે. જેની સાથે નિરંતર વાતો કરી શકાય, ઝઘડી પણ શકાય, રીસાઈ પણ જવાય, અને મનાવી પણ શકાય.... આટલાં વર્ષો સાથે રહેવાથી એમની વચ્ચે સાત્વિક પ્રેમનો સેતુ બંધાયો હતો. બંને ફરીથી યુવાન થયા.... બંને ફરીથી પ્રેમમાં પડ્યાં... અને જિંદગી પ્રેમમય બની ગઈ. પ્રેમ ગમે તેટલીવાર થઈ શકે પણ, પ્રેમ વ્યક્તિ સાથે નહીં તેના વ્યક્તિત્વ સાથેનો હોવો જોઈએ.

દાદા ક્યારેક ફૂલોની વેણી બનાવીને બાને આપતા તો ક્યારેક, ગુલાબનું ફુલ આપતાં પણ એ શરમાતા નહીં. અને બા એ જ પ્રેમભાવથી સ્વીકારતાં અને બંને હસી પડતાં. બંને એક જ થાળીમાં જમતા. ક્યારેક એકબીજા ને જમાડતા પણ ખરા, અને ફક્ત એક જ કોળિયા થી ધરાઈ જતાં.

વૃદ્ધાશ્રમના લોકો તો ઘણી વાતો કરતાં, પણ બંનેમાંથી કોઈ એને ધ્યાનમાં ન લેતા." આ શું માંડ્યું છે આ ડોસા-ડોસી એ, શરમ નહી આવતી હોય, આ ઉંમરે તો ભગવાનના નામની માળા જપાય અને આ તો જુઓ..." કદાચ લોકોનો ગુસ્સો એટલે ન હતો કે, બંનેનું સાથે હોવું એ ખરાબ લાગતું, પણ પોતાની સાથે કોઈ આવું કેમ નથી એની ઈર્ષા હતી.

આ ઇર્ષા એ જ ફરીથી બા-દાદા ના જીવનમાં થોર વાવ્યા. લોકોએ સંચાલકને ફરિયાદ કરી."આ ઉંમરે આ બંને કેવા છાનગપતીયા કરે છે." એક વૃદ્ધ બોલ્યા "એમને આ રીતે કોઈ સાથે જોઈ જશે તો આશ્રમને મળતું દાન પણ કોઈ નહીં આપે." સંચાલકે ઉશ્કેરાઇને બા દાદાના ઘરે ફોન કરીને બધી વાત કરી. દાદાના ઘરે થી તો સ્વાભાવિક કોઈ જવાબ જ ન મળ્યો "તમારે જે કરવું હોય તે તમને છૂટ છે." આવો જવાબ હતો. પણ... બાને તો ઘરે લઇ જવા એનો છોકરો રાજી હતો..આ વખતે એણે પણ ઘસી ને ના પાડી."મને નહોતી ખબર કે મારી બા આ કારણે એકલી રહેવા માગતી હતી." આવું કહેતાં પણ એ અચકાયો ન હતો.

આખરે નિર્ણય લેવાયો કે, ગમે તે થાય પણ બા-દાદાને આ આશ્રમમાંથી બહાર કાઢવા.

નિર્ણય સાંભળતાં જ બા-દાદા માંથી કોઈએ પણ કારણ પૂછ્યું નહોતું" ગમે ત્યાં હોઈશું પણ સાથે હોઈશું" ની ખુશી જ પૂરતી હતી .બંને એકબીજાનાં શ્વાસ હતા હવે...

બાએ દરવાજાની બહાર જતા દાદા ને ફક્ત એટલું જ કહ્યું "હવે આગળનો રસ્તો કદાચ આપણા થોરનું ફુલ હશે" અને બંને એકબીજાના હાથનો ટેકો લઈ ચાલી નીકળ્યા. કંઈ પણ પરવા કર્યા વગર.... અનંતના.... પ્રેમના પ્રવાસે.....

- કમલ કવા.....