avak 31-32 books and stories free download online pdf in Gujarati

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 31-32

31

આ ઠીક ન થયું, ઠીક ન થયું આ.

હું ધુમ્મસમાં ચાલી રહી છું. ધુમ્મસ છે કે ધુમાડો ? મરા દિમાગમાં આ શું ભરાઈ રહ્યું છે ?

બેકાર ગઈ આખી યાત્રા...પાછા વળતી વખતે નામ જ ન નિકળ્યું મોંમાંથી...મહાદેવજીએ અસ્વીકાર કર્યું મારું જવાનું...હું નિર્મલને પણ મૂકી આવી ઉપર...

ખબર નહીં હવે શું થશે ?

આ ઠીક ન થયું, ઠીક ન થયું આ.

ઘોડો ક્યાં છે રોશન ? હું હવે સાવ પડી જઈશ ત્યારે પેમા ઘોડો લાવશે ?

ઘોડો તડકામાં ઊભો છે. સારી રીતે આરામ કરી લીધો ? હવે લઈજા બસ.....

-     દીદી, તમે ઉંઘી જાવ છો ઘોડા પર ? ઉંઘવાનું નથી...આંખો ખોલો ...પડી જશો....

ઠીક ન થયું આ. મહાદેવજીએ અસ્વીકાર કર્યો મારા આવવાનો....

મરી ભીતર કંઈક મરી રહ્યું છે...આ શું કરી નાખ્યું મેં ? ભગવાનનું નામ જ ન નિકળ્યું મોંમાંથી ? હું ઉંઘી રહી છું...

-      ઉતરો....

પેમા મને ઘોડા ઉપરથી ઉતરવા કહી રહ્યો છે.

-     શું વાત છે પેમા ? હજી દસ મિનિટ પહેલા તો તેં બેસાડી છે ? હવે પાછી ઉતરું ?

-     સામે જુઓ, ખતરનાક ચડાણ છે સામે...ઘોડો પાડી દેશે...જાતે આવો...આગળ મળીશ....

કમબખ્ત પેમા !

વારેવારે ચડઉતર કરાવી રહ્યો છે. હવે એ પહાડ પછી મળો.....

જેવી આંખ બંધ થવા લાગે કે રોશન આવી જાય છે કે પેમા, ઉંઘવાનું નથી....

હું મરવા ઇચ્છું છું ઈશ્વર ! તમે મારો અસ્વીકાર કર્યો...

ઉંઘી જાઉં, તો મરી જાઉં.....આ લોકો મને ઉંઘવા પણ દેતા નથી !

અમે જુતુલ સુધી પહોંચી ગયાં છીએ. આજ રાતનો અમારો પડાવ. મિલરેપાની ગુફા છે ઉપર, ચમત્કાર કરી દેખાડ્યો હતો એમણે.....

કોઈ ઇચ્છા નથી મરી....ભગવાન ક્યાંય નથી....ન્યાય ક્યાંય નથી... મારી સાથે ઠીક ન થયું...

પણ કરું શું ?

ધીરે ધીરે બધાં પહોંચી રહ્યા છે.....

રૂપા, પૂનાના ત્રણ પ્રોફેસર, મિસ્ટર અજિત, રૂબી-પંકુલ....

આજે રાત્રે આ ગેસ્ટ હાઉસમાં અમારે રહેવાનુ છે. દીવાલની પાસે-પાસે ચારે બાજુ આઠ પથરી છે, ઓશીકે- પાંગતે....

ઉંઘવા ઇચ્છું છું તરત. મરવા ઇચ્છું છું.

ભૂલી જઈશ આને, જે આજે બન્યું ? મોં પર જપ આવ્યો જ નહીં ? વારંવાર કહ્યું આ જીભને તો પણ....

ક્યાં જાઉં ? જાતથી ભાગીને ક્યાં જાઉં ?

-     ટોઇલેટ તો આવવું નથી ?

રૂપા પૂછે છે.

-     ચાલ.

બાકીનાથી તો મુક્તિ મળે !

-     રૂપા આજે અજબ વાત બની...

બહાર આવીને એને બધું કહું છું. એક દમ રડમસ છું.

એ મને જોઈ રહી છે, અવિશ્વાસથી, દયાથી...કંઈક વિચારી રહી છે.

-     ગભરાઈશ નહીં, આજે મારો અધ્યાત્મિક અનુભવ પણ નબળો હતો....તને ક્યાંક ઑક્સીજનની ઉણપથી તો આવું થતું નહોતું ? ....કહે છે મતિભ્રમ થઈ જાય છે... ઉટપટાંગ નીકળવા લાગે છે મોંમાંથી.....

કાશ, મને એ જ થયું હોય ! મન બહુ ઉદાસ છે.

અત્યારે જ્યારે લખી રહી છું ત્યારે બાઇબલની એ કથા યાદ આવી રહી છે.....

એક માણસ મર્યા પછી પોતાના આખા જીવનને જોઈ રહ્યો હતો...જોયું કે બધી જગ્યાએ રેતી પર પગના ચાર નિશાન છે, બે એના, બે ઈશ્વરના....સિવાય એક ભાગમાં...ઉદાસ થઈ ગયો. પ્રભુ, મરા જીવનમાં એ સમયે હું કેટલો એકલો હતો...તમે ક્યાંય નહોતા...પ્રભુ હસી પડ્યા. એ જે બે નિશાન જોઈ રહ્યો છે ને, એ મારા પગના છે. એ વખતે હું ત્યાં જ હતો તારી પાસે, તને ખોળામાં ઉંચકી લીધો હતો....

શું ખરેખર આવું બને છે ?

ઈશ્વરના ખોળામાં  આપણે પેલે પાર પહોંચી જઈએ છીએ અને ખબર પણ પડતી નથી ?

*

એક મણિ એક પથ્થર

*

32

ક્યારેક ઘોડો, ક્યારેક પગપાળા. ક્યારેક ઘોડો, ક્યારેક પગપાળા.

પરિક્રમા પૂરી થઈ રહી છે ધીરે ધીરે.

કૈલાસ હવે દેખાતા પણ નથી. અમારી જમણી બાજુના પહાડોની પાછળ સંતાઈ ગયા છે. આકાશને નમસ્કાર કરી પાછા વળી જઈશું અમે. પાછા માનસરોવર પહોંચીશું ત્યારે દેખાશે કૈલાસ, એમ જ પોતાની પાસે બોલાવતાં....

ૐ મણિ પદ્મે હું.... ૐ મણિ પદ્મે હું...

કેટલાં સુંદર – સુંદર મણિ પથ્થર મૂક્યા છે અહીંયા ! કેવી લિપિ છે, બિલકુલ સંગીત જેવી....ગોળ ગોળ ફરતી...દેવનગરીમાંથી નીકળી છે ભોટી....

ઉપાડી લઉં એક પથ્થર ?

-     રોશન મારે રોકાવું છે, જરા જો તો, કયો પથ્થર હલકો છે ? સૌથી સુંદર છે ?

મણિ પથ્થરોની કોઈ કમી નથી, પરિક્રમાને કિનારે ઢગલો પડ્યા છે, એક ઉપર એક, આકાશ નીચે પ્રાર્થના રત....જે ઇચ્છું લઈ લઉં.

-     તમને ખબર છે આને જડાવવાનું પુણ્ય મળે છે ?

રોશન કહી રહ્યો છે અને મારા માટે પથ્થર શોધી રહ્યો છે.

-     માનતા માનવા માટે ચડાવે છે એને, માનતા પૂરી થઈ જાય પછી લામાને બોલાવે છે. એ શુભ લગ્ન જોઈ મંત્ર લખી આપે છે પથ્થર પર....પછી લોકો જડી ડે છે અથવા પૈસા આપીને જડાવી દે છે.. આ બધા એવા જ પથ્થર છે.

બહુ શુભ છે પથ્થર. દિલ્હી લઈ જઈશ મારી સાથે તો હમેશા મારૂ શુભ કરશે...અહીં એક ઓછો થઈ ગયો તો શું ફેર પડે છે....

એક પથ્થર પસંદ કરી બેગમાં મૂકી દીધો છે. આખે રસ્તે રોશન પર જ મારી બેગની જવાબદારી રહી.

અરે, અહીં આગળ તો બીજા પણ પડ્યા છે.

-     રોશન જરા જો તો, કોઈ એનાથી હલકો મળી જાય તો...

અમે પરિક્રમા પૂરી કરી ચૂક્યા. છેલ્લા દસ ડગલાં બાકી છે. એમાં પથ્થર શોધી રહ્યાં છીએ...હવે પછી મળે ન મળે.

ત્યાં સામે અમારી ગાડીઓ અને ડ્રાઈવર ઉભા છે. સુન્ના હાથ હલાવી રહ્યો છે. બસ આવી ગયા સુન્ના !

-     હા આ બરાબર છે.

હાથમાં પથ્થર છે, સુન્નાને બતાવવા માંગુ છું. જો આ ઠીક રહેશે મારા દિલ્હીવાળા ઘર માટે ?

સુન્નાએ મારા હાથમાંથી લઈ લીધો છે. એણે માથે અડાડી ત્યાં જ મૂકી દીધો છે. હાથથી ઈશારો કરી રહ્યો છે, ના, આને લેવાનો નથી...

કેમ ? આટલાં બધા પડ્યા છે ?

-     એ કહે છે, રસ્તામાં મુસીબત આવશે, આને છેડશો નહીં...

રોશન મને કહી રહ્યો છે, થોડીઘણી ભોટી સમજે છે એ.

-     ત્યારે પાછો મૂકી દો રોશન !

પાછો ચાલ્યો ગયો છે એ. હું ગાડીમાં આવીને બેસી ગઈ છું, સુન્નાની પાસે.

-     બધું બરાબર રહ્યું ?

સુન્ના ઇશારાથી પૂછી રહ્યો છે.

-     હા, બહુ સરસ ! વિશ્વાસથી પણ વધારે સારું !

અત્યાર સુધીમાં અમને ભાષા વિના વાત કરવાનું આવડી ગયું છે. સુન્ના બંને હાથે મારું માથું પકડે છે. બહુ ખુશ છે મને ખુશ જોઈને.

ચાર દિવસ પછી પાછી જઈશ એને આવજો કહીને, નેપાલ બોર્ડર પર, આ રીતે જ એ યાદ આવશે.

મારા માથાને પોતાના બે હાથથી સ્પર્શ કરતો....બહુ ધ્યાનથી મને જોતો....મૂંગા જેવો...

હવે કદાચ કદી દેખાઈશ નહીં આજ પછી.