Trikoniy Prem - 2 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 2

ભાગ….૨

(બાવાજીના આશ્રમમાં આત્માનંદ મહારાજ પ્રવચન આપે છે. પ્રવચન બાદ એક માણસ પોતાની તકલીફ કહેવા બાવાજી મહારાજ જોડે જાય છે. હવે આગળ... )

"આત્માનંદ મહારાજ કી જય... બાવાજી મહારાજ, મને ઉગારો. મને આ તકલીફમાંથી ઉગારો. તમે જ મારો આશરો છો, હું તમારા પાસે બહુ આશાથી આવ્યો છું. મારો ઉદ્ધાર કરો."

આત્માનંદ મહારાજે તે માણસ તરફ ધ્યાનથી જોયું તો,

'હાથની આંગળીઓમાં જેટલા ગ્રહો એટલી વીંટી, ગળામાં રુદ્રાક્ષની માળા અને દસેક તોલા જેવી ભારે ચેન, હાથમાં સોનાની ભારે લકી, દેખાવ પરથી અને કપાળ પરથી તેની તેજસ્વીતા અને અમીર હોવાની સાબિતી આપી રહ્યા હતા.'

આત્માનંદ મહારાજના શિષ્યે પૂછ્યું કે,

"શું તકલીફ છે, બાળક? તું મારા બાવાજી મહાઅશ્વિને કહે તે તેનું નિવારણ કરી દેશે. પણ એ પહેલાં તેમના હાથનો પ્રસાદ ગ્રહણ કર, જેથી તારો આત્મા અને તારું ‌જીવન મુક્ત બનીને આ દુઃખી દુનિયામાં થી તારા જીવનને શાતા આપશે."

આત્માનંદ મહારાજે આંખો બંધ કરીને પહેલાં જાપ કરવા લાગ્યા, પછી અચાનક જ હાથ ઉંચો કરીને તેઓ મનમાં કંઈક બોલ્યા અને ત્યાં તો બુંદી નો લાડવો તેમના હાથમાં આવી ગયો. તે લાડવો તેમને પેલા માણસના હાથમાં આપ્યો અને બોલ્યા કે,

"બેટા, આ પ્રસાદ પહેલાં ગ્રહણ કર."

તે માણસે પ્રસાદ લઈને તેના મ્હોંમાં મૂકયો અને પછી બાવાજી મહારાજે પૂછ્યું કે,

"બોલ બેટા, શું નામ તારું? અને શું કામ તારું?"

"બાવાજી મહારાજ મારું નામ માલવ છે. મેં તમારા પરચા અને પ્રભાવ વિશે ઘણું સાંભળ્યું છે. તમે દરેકની તકલીફો દૂર કરો છો. વ્યક્તિના જીવનમાં ગમે તેવી તકલીફ હોય તો પણ તે તમને કહીએ તરત જ તમારા પ્રભાવથી દૂર થઈ જાય છે માટે મારી તકલીફનું નિવારણ કરો."

માલવે કહ્યુ તો મહારાજે,

"બોલ બેટા, તારી શું તકલીફ છે?"

"બાવાજી મહારાજ મારે મોટી એક મેન્યુફેકચરીંગની ફેક્ટરી અને એક શો રૂમ છે. પણ હમણાંથી મારો ધંધો ઘણો મંદો ચાલી રહ્યો છે."

"હમમ, તો આ તારી તકલીફ છે."

"ના મહારાજ, મારી તકલીફ તો એ છે કે ધંધો મંદો તો ચાલે જ છે. પણ મારું કોમ્પ્યુટર કે મારું એકાઉન્ટ હેક થઈ ગયું લાગે છે, જેવા પાર્ટી પૈસા મારા એકાઉન્ટમાં જમા કરે તેવા જ મારા પૈસા બીજાના એકાઉન્ટમાં જતાં રહે છે. એ એકાઉન્ટ શોધું ત્યાં સુધી તો બીજા એકાઉન્ટમાં... આમને આમ તો હું બરબાદ થઈ જઈશ, મારો ધંધો ચોપટ થઈ જશે. મને આ હેકરથી બચાવો, બાવાજી મહારાજ."

આત્માનંદ મહારાજે આંખો બંધ કરીને કંઈક મંત્રોચ્ચાર કર્યો અને પછી તેને હાથમાં કંકુ આપીને કહ્યું કે,

"આ તારા કોમ્પ્યુટર પર છાંટી દે છે, પછી આ તકલીફમાંથી કાયમી મુક્તિ મળી જશે. બેટા તારું કલ્યાણ થાઓ."

આત્માનંદ મહારાજે આર્શીવાદ મુદ્રામાં હાથ કરીને ત્યાંથી જતાં રહ્યાં. માલવ ખૂબ જ આસ્થાથી એ કંકુ લઈને ઊભો થયો અને જવા નીકળ્યો, ત્યાં જ બીજા ચેલાએ કહ્યું કે,

"બાવાજી મહારાજનો પ્રસાદ અને આર્શીવાદ ખાલી હાથે ગ્રહણ ના કરાય, માટે આ પ્રતિમા આગળ કંઈક દાન ભેટ મૂકીને પૂજા કરો."

"જી, ગુરુજી..."

કહીને માલવે બે હજારની નોટ મૂકીને પૂજા કરી. માલવે પોતાની ફેક્ટરીના અને શો રૂમનાં કોમ્પ્યુટર પર કંકુ છાંટી દીધું. બીજા દિવસે એક મોટી પાર્ટીના દસ લાખનું પેમેન્ટ જમા થવાનું હતું. તો માલવ ગભરાતા મને કોમ્પ્યુટરથી એકાઉન્ટ પર નજર રાખી રહ્યો હતો. પેમેન્ટ જમા થયા બાદ પા કલાક, અડધો, પોણો, એક, બે, ત્રણ, ચાર કલાક થયા પણ એકાઉન્ટમાં થી પૈસા ના ગયા તો, એટલે તેને હાશ થઈ ગઈ. છતાં એક ડર હતો કે, બીજા દિવસે પણ સવારમાં જ એકાઉન્ટ ચેક કર્યું પણ તેના પૈસા જેમના તેમ જ હતાં એટલે નિરાંતનો શ્વાસ લીધો, તેને બાવાજી મહારાજ પર શ્રધ્ધા બેસી ગઈ અને તે બાવાજી મહારાજ પાસે ગયો.

બાવાજી મહારાજ તો ના મળ્યા પણ તેમના મુખ્ય તેવાની બધી વાત કરી તો તેને કહ્યું કે,

"દસ લાખ હેક થતાં બચી ગયાને બરાબર, અભિનંદન..."

"હા, બાવાજી મહારાજની કૃપા..."

"હા, કૃપા તો છે જ એમની, પણ આ આશ્રમની પણ થોડીક જરૂરિયાત છે. તો આ માટે...."

"હા બોલોને, હું શું કરી શકું?"

"એક કામ કરો, તમારા દસ લાખ બચી ગયાને તો તમારા બચેલા દસ લાખમાંથી વીસ ટકા આ આશ્રમને દાન આપો."

માલવનું મન તો કચવાયુ પણ છતાં બે લાખનું દાન આપ્યું. દાન ગ્રહણ કરતાં જ મુખ્ય ચેલા ચંપાનંદે કહ્યું કે,

"હવેથી જે પૈસા હેક થતાં બચી જાય તો દાન પુણ્ય કરતાં રહેજો અને દાન પુણ્ય માટે આ આશ્રમ યાદ રાખજો અને બચેલા હોય તેના એટલે કે તે પૈસાનાં વીસ ટકા પ્રમાણે દાન કરતાં રહેજો. ક્યાંક ફરી પાછું મહારાજની પાસે તકલીફ નિવારણ કરવા આવવું ના પડે."

માલવે ચૂપચાપ આદેશ સ્વીકારીને આશ્રમની બહાર નીકળ્યો અને મનમાં જ,

"આ તો હું ઉલમાંથી ચૂલમાં પડી ગયો, પણ થાય શું?"

તેને બબડતો જોઈને એક દાદાએ તેને હલાવ્યો અને કહ્યું કે,

"મારી જેમ તું પણ ફસાઈ ગયો ને, આ બાવાજી મહારાજની અને તેમના તેવાની ચાલમાં...."

"હા, પણ તમને કેવી રીતે ખબર પડી, દાદા?"

"કેમ કે હું પણ તારા જેવો જ બકરો છું."

માલવ તેમની સામે જોઈ રહ્યો એટલે તે દાદાએ કહ્યું કે,

"હું સાચું કહું છું, બેટા."

"ના દાદા, હું તમારા પર શક નથી કરતો, આવો આપણે પેલી વિસામો પર પર બેસીને વાત કરીએ."

કહીને માલવે તે દાદાનો હાથ પકડીને દોર્યા અને ત્યાં જઈ બેઠા. ચાનો ઓર્ડર આપીને માલવે દાદાને કહ્યું કે,

" દાદા, હવે કહો તમે કેવી રીતે ફસાયા?"

"બેટા, મારું નામ ચંપકભાઈ. હું એક જીઈબી માં સારી પોસ્ટ પર કામ કરતો હતો. એમ કહો કે ક્લાસ વન ઓફિસર, મારા નામની જે તે સમયે ધાક હતી. હું રિટાયર્ડ થયો એટલે સરકારી કર્મચારી હોવાથી મને 55 હજાર જેવું પેન્શન મળતું.

હું હવે આરામથી જીવવા, સામાજિક સેવા અને આખી દુનિયા ફરવા ઉત્સુક હતો. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું."

દાદા બોલતાં બોલતાં ઊભા રહી ગયા એટલે માલવે પૂછ્યું કે,

"શું થયું, દાદા?"

"કંઈ નહીં બેટા, આ તો ઉંમર જેને એટલે... મારો દીકરો એ સમયે જાણીતો બિઝનેસમેન હતો. તેને સારો બિઝનેસ ચાલતો અને તેને એક દિકરી અને દિકરો સંતાનમાં, બંનેમાંથી એક નવ અને એક છ વર્ષનાં. પૌત્ર અને પૌત્રી સાથે અમારું આરામથી જીવન પસાર થઈ રહ્યું હતું.

એક વખતે મારો દીકરો અને તેની પત્ની બાળકો અમારી સાથે મૂકીને બે દિવસ આઉટિંગ માટે ગયા. આને તે ગયા તે ગયા, પછી પાછાં જ ના આવ્યા..."

"કેમ દાદા, તેમનો એક્સિડન્ટ થયો કે?"

માલવે પૂછ્યું તો દાદાનો અવાજ રૂંધાઈ ગયો પણ પાણી પીને ગળું સાફ કર્યું.

"હા, બેટા, પણ તેમના બાળકોની જવાબદારી અમારા પર આવી ગઈ. દિકરાનો બિઝનેસ મારા જેવા નોકરિયાતને ના ફાવ્યો એટલે તે વાઈન્ડ આપ કરી અને તેમાંથી મળેલા રૂપિયા બે બાળકોના ભવિષ્ય માટે મૂકી દીધા. મને પેન્શન દર મહિને સારું એવું મળતું હતું. એમાંથી અમારી આરામથી જિંદગી પસાર થઈ જાત. બસ દુઃખ એ વાતનું જ હતું કે જે વિચાર્યું હતું તે ના થઈ શક્યું. તેનો અફસોસ પણ ભરપૂર હતો.

જીવનનું ગાડું ચાલી રહ્યું હતું એવામાં એક દિવસ મારું પેન્શન મારા એકાઉન્ટમાં જમા થયું અને બીજી જ મિનિટે બેલેન્સ ઝીરો....

(શું થયું હશે એ દાદા સાથે? કેવી રીતે તેને ફસાવે છે

એ જાણવા માટે વાંચો આગળનો ભાગ….)