Trikoniy Prem - 7 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 7

ભાગ….૭

(પલ્લવસાન્યાને એકબીજામાં પ્રેમમગ્ન જોઈ અશ્વિન દુઃખી થઈ જાય છે, પણ તે પોતાને મક્કમ કરી કેસ પર ધ્યાન આપે છે. બાવાજી મહારાજ આ વખતે લાલચ પર પ્રવચન આપી રહ્યા છે, હવે આગળ....)

"અમે લૂંટાઈ ગયા... અમને તમારી શરણમાં લઈ લો."

બાવાજી મહારાજને પગે લાગી આવું બોલી રહ્યા હતા, એક સાઈઠ વર્ષના માયકાંગલા જેવા દેખાતો પુરુષ, તેનો પહેરવેશ એકદમ સાદો, શરીરથી વધારે પડતો નબળો અને સ્ત્રીના પહેરવેશમાં પણ એકદમ સાદી સાડી હતી, પણ તેના નેનનકક્ષ સુંદર હતા. એટલું ખરું કે સમયની થપાટે તેેને શરીરથી નબળી અને ચહેેરા પરથી નૂર ખેંચી લીધેલું. ફક્ત શરીરના ભરાવો પુરુષ કરતાં વધારે એટલે એમ કહી શકાય કે હજી તે સશક્ત હતી.

"શાંત પુત્ર, શાંત પુત્રી શાંત... શું થયું તે તો કહો?"

બાવાજી મહારાજે તેમને આશ્વસ્ત કરતા કહ્યું તો તે ભાઈ બોલ્યા કે,

"મારું નામ રામઅને મારી પત્નીનું નામ માયા. અમે બંનેને કોઈ સંતાન નથી. એકદમ ગરીબાઈમાં જીવીએ છે.

મહારાજ થોડા દિવસ પહેલાં મારા પર એક મેઈલ આવ્યો, જેમાં મને એક કરોડની લોટરી લાગી છે, એમ કહ્યું. અમે રહ્યા ગરીબ માણસ એટલે લાલચમાં આવી ગયા. અને તેમના કહ્યા મુજબ પહેલાં વીસ હજાર માંગ્યા તે આપ્યા. પછી પચાસ હજાર માંગ્યા અને છેલ્લે કરોડનો ચેક આપતાં પહેલાં લાખ રૂપિયા માગ્યાં. લાખ રૂપિયા ભરવા તો અમારી પાસે પણ નહોતા એટલે અમારી પાસે સંપત્તિમાં એક રૂમમાં જ રસોડું અને એક જ રૂમમાં બેડ કહો કે હોલ બધું જ આવી જાય એવું ઘર હતું. એ ઘર વેચીને પણ લાખ રૂપિયા આપ્યા.

અમને એમ કે કરોડ રૂપિયા આવશે એટલે અમે સરસ મોટું ઘર લઈ લેશું અને આરામથી જીવન વીતાવીશું. જેવો ચેક અમારા હાથમાં આવ્યો એટલે હું બેંકમાં તે જમા કરાવવા ગયો તો ખબર પડી કે આ ચેક તો નકલી છે. બાવાજી હવે તમે જ કહો કે ઘરબાર વેચી દીધું છે, અમે હવે ક્યાં જઈએ, માટે તમે જ અમારો આશરો છો. અમને તમારી શરણમાં લઈ લો."

માયાએ કહ્યું કે,

"હા, બાવાજી મહારાજ અમારા જેવી નબળા નારી માટે તમે જ શરણું છો. ત્વમેવ શરણં અસ્તિ... ત્વમેવ શરણં મમ..."

બાવાજીએ બંનેને શાંત કર્યા અને કહ્યું કે,

"પુત્ર પુત્રી, અહીં રહેવા માટે તો તમારે સંન્યાસ લેવો પડશે?"

"જી, એ માટે અમે તૈયાર છીએ."

"સારું તો તમે એક રૂમમાં વિશ્રામ કરો અને પછી આપણે તમારા સંન્યાસ વિશે વિચારશું."

"જી મહારાજ..."

આત્માનંદ મહારાજે મુખ્ય શિષ્ય ચંપાનંદને ઈશારો કરતાં, તે તેમને એક રૂમ બતાવ્યો અને કહ્યું કે,

"દેખો તમે ભલે સંન્યાસ લેવા તૈયાર હોય, પણ એ પહેલાં તમારે સંપૂર્ણ મોહમાયાનો ત્યાગ કરવો પડશે. જે હોય તે દાન કરવું પડશે."

"અમારી પાસે તો કંઈ નથી. ફકતને ફક્ત એક પેન્શન આવે છે, એ પણ માંડ ત્રીસ હજારેક જેટલું જ, એમાં શું થાય?"

"કંઈ નહીં... તો પછી તમે અહીં કેમ આવ્યા? તમારા પેન્શનમાંથી તમારો આરામથી ગુજારો થઈ જતો. અને આમ પણ તમારે બાળક તો છે નહીં?"

"વાત તો સાચી મહારાજ, પણ જેમ માલવભાઈના તમે એકાઉન્ટમાં હેક થતા પૈસા રોક્યા હતા, તેમ તમે અમારા પૈસા પાછા અપાવવા મદદ કરશો. અમે એમાંથી અહીં ૨૦% દાન કરીશું."

ચંપાનંદ ચોકયા પણ કહ્યું કે,

"એ બરાબર, પણ તમને માલવવાળી વાત કોને કરી?"

રામના મનમાં થયું કે,

"આ તો ફસાયા...."

ત્યાં જ માયા વાત સંભાળતા બોલી કે,

"આ તો મહારાજ, પેલો ખેડૂત વાત કરતો હતો ને તે સાંભળ્યું હતું."

"સારું..."

કહીને તે જતાં રહ્યાં. અને સીધા જ તે બાવાજી મહારાજ પાસે ગયા અને કહ્યું કે,

"આત્માનંદ મહારાજ આ બે માણસમાં મને કંઈક ભેદ લાગે છે."

"કેમ, કાળુ?"

"તમને પેલી માલવવાળી વાત યાદ છે, જેની પાસેથી વીસ ટકા લઈએ છીએ?"

"હા, તો..."

"એનું તો હજી એકાદ જ વાર ઈન્સ્ટોલમેન્ટ આવ્યું છે અને બહુ લાંબી ચર્ચા થાય તેવી વાત પણ નથી."

"હમમમ"

"અને મને એક ડાઉટ પણ છે."

"ડાઉટ? શું?"

"પેલી વાત યાદ છે કે સાન્યા નામની છોકરીની મદદથી આતંકવાદીએ હોટલ હાઈઝેક કરી હતી એની અંદર ઘૂસી જઈને પોલીસ અને સૈનિકોએ મારી નાખ્યા હતા. એ વખતે આ છોકરીની આંતરીક શક્તિ જાગી ગઈ છે અને તે થનાર અને થઈ ગયેલું જોઈ શકે છે, એવી વાત બહાર આવી હતી."

બીજો શિષ્ય કેતાનંદબોલ્યો કે,

"હા, કદાચ તેને ખબર પડી ગઈ હોય અને પોલીસે સ્ટીંગ ઓપરેશન ગોઠવ્યું હોય તો."

"કેતો તો આમ પણ નેગેટિવ જ છે, છતાં બની શકે અને એ માટે પરીક્ષા કરવી પડે. પણ એ પહેલાં કહે કે તને શું લાગે છે કે ખરેખર એવું કંઈ હશે?"

બાવાજી મહારાજ બોલ્યા.

"હા, કેમ નહીં, જ્યારે આપણા મનની એકાગ્રતા સ્થિર થાય ત્યારે આપણું મન શાંત થાય અને મન શરીર પરનું પ્રભુત્વ છોડી દે. શરીર પોતાનું પ્રભુત્વ જમાવે અને સાથે સાથે આત્મા પણ. આત્મા તો અનેક શક્તિથી ભરપૂર છે, ફક્ત જાગ્રત કરવાની જરૂર છે. અને જ્યારે આત્માની શક્તિ જાગ્રત થાય ત્યારે આવું શક્ય બને. ભલે આજની ભાષામાં સિકસ્થ સેન્સ કહે પણ તે તો આંતરીક આત્માની જ શક્તિ છે. અને આ યોગથી થાય કાં તો ભગવાનની કૃપા વરસે તો બને. અને કદાચ એ છોકરી સાથે આવું થયું હોય."

કેતાનંદબોલી રહ્યો એટલે ચંપાનંદે કહ્યું કે,

"તો પછી સાન્યા આપણા માટે જોખમ ઊભું કરી શકે છે, તો તેને ઠેકાણે કરવી પડે."

"એવું ના પણ હોય, એમ ઉતાવળીયો નિર્ણય ના લેવાય, કાળુ. તને દરેકમાં મારફાડ અને ઉતાવળ નિર્ણય લેવો ગમે છે."

"અને મોડું થઈ જાય તો, આપણી પોલ ખૂલી જાય તો, પછી શું કરવાનું? એ ના થાય તે માટે વિચારવું જ પડે કે નહીં."

"હું ક્યાં ના પાડું છું અને એટલે જ તમને બંનેને હું ઓછો લોભ કરવાનો કહેતો હોઉં છું. પણ તમે લોકો તો ધરતાં જ નથી..."

બધા વિચારતા થઈ ગયા, કેતાનંદથોડી વારે બોલ્યા કે,

"બની શકે, કદાચ આવું ફક્ત અફવામાં જ હોય. અને એ પોલીસે ઉપજાવેલું પણ હોય."

"આવી વાતો કાલ્પનિક ના પણ હોય અને મહારાજ ગમે તે કહો, પણ મને પેલા બંને જણા પોલીસ જ લાગે છે."

ચંપાનંદ બોલ્યા તો આત્માનંદ મહારાજ બોલ્યા કે,

"એક મિનિટ, વિખવાદ ના કરો બંને. આપણે એક કામ કરીએ કે તે વિશે તપાસ કરીએ. કેતાનંદપેલી છોકરીનું શું નામ?"

"સાન્યા..."

"એના વિશે તપાસ કર, ત્યાં સુધી આ બંનેને સંન્યાસ નહીં આપીએ અને કાળુ તું આ લોકો પાસે હમણાં પૈસાની માંગણી ના કરતો. ખાસ ધ્યાન રાખ કે મારી વાત આવે તો હું પંદર દિવસ સુધી મેં મૌનવ્રત ધારણ કર્યુ છે, એમ કહેજે. એટલે ત્યાં સુધી વાત ટળી જશે અને તમને પંદર દિવસનો સમય મળી જશે. પંદર દિવસમાં તમારા બંનેનું કામ થઈ જશેને?"

"હા, મહારાજ.."

"સારું, કાળુ તું પેલા લોકો પર ધ્યાન રાખ અને તેમને મેં કહ્યું તેમ કહી દેજે."

ચંપાનંદે આત્માનંદ મહારાજનો સંદેશો રામઅને માયાને કહ્યું કે,

"બાપજીએ કહેવડાવ્યું છે કે તેમને આજથી પંદર દિવસ મૌનવ્રત લઈને ધ્યાનમાં બેસવાનું હોવાથી તમારી દીક્ષા પંદર દિવસ બાદ થશે. ત્યાં સુધી આપ અહીં રહીને સંન્યસ્ત વિશે જાણો. ૐ શાંતિ..."

(શું રામ અને માયાની પોલીસના માણસો છે? શું તેમનાથી સાન્યા તકલીફમાં મૂકાશે? રામ અને માયા શું કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....8)