Jalpa Kachhia books and stories free download online pdf in Gujarati

ગુજરાતની ગોલ્ડન ગર્લ

ધનુરધારી અર્જુન પોતાના બાણને ઈચ્છા મુજબ વાળી શકતો હતો. કર્ણ પણ એ જ કામ ભલીભાતી કરવાની કળા ધરાવતો હતો. પણ બંનેના વિચારો, આદર્શો અને હેતુ એક સરખા ન રહી શક્યા. બસ એ જ રીતે શરીરને વાળવું અને વિચારને વાળવા એમાં ઘણો ફરક છે. છતાંય હજુ શોધવા જાવ તો આવા ફરિસ્તા નજરે પડી જાય એમ છે. અહીં ગુજરાતમાં સરદારનું લોખંડત્વ અને ગાંધીનું સત્ય માટી સાથે એકરસ છે. આજે એક એવી શાષ્ખિતની વાત કરવી છે જે ગુજરાતના માટીની મહેક દેશ-વિદેશ સુધી લઈ ગઈ છે. તેમજ જેનું શરીર તો અદભૂત રીતે વળે જ છે પણ સાથે સાથે વિચાર પણ વંદનીય છે.

આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકામાં જન્મેલી એક પ્રતિભા અને પ્રતિમા આજે તો કરમસદમાં રહે છે પણ એની ફોરમ ગુજરાતથી લઈ વિદેશના લોકોના નસકોરાંને સુગંધિત કરી ગઈ છે. આ ફૂલનું નામ છે જલ્પા મોનિકાબેન કાછિયા. બાળક ચાલતા શીખે પછી બોલતા શીખે. પણ જલ્પા આ બંને સાથે સાથે શરીરને વાળતા પણ શીખી ગઈ. બસ ત્યારે ખબર નોહતી કે આને યોગ કહેવાય. દાવોલ ગામમાં પ્રાથમિક શાળામાં જ્યારે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ૪ દિવસની યોગ શિબિર થઈ ત્યારે જલ્પા માટે એક નવી જ સીડીનું પગથિયું મંડાયું. પહેલા જલ્પા રમત રમતમાં જે શરીર વાળતી હવે એમાં રસ દાખવવા લાગી અને એ ઓળખ બનતી ગઇ.

ધોરણ પાંચથી જલ્પાના જીવનમાં યોગા પ્રસ્થાન કરી ચૂક્યા હતા. એ શિબિર પછી એવી બીજી શિબિરો અને યોગાની સ્પર્ધામાં જલ્પા ભાગ લેતી થઈ અને વિજેતા બનતી ગઈ. ગામ, તાલુકો અને શહેર સુધી હવે જલ્પા યોગા કરતી હતી અને વિજય પતાકા લેહરાવી ડંકા વગાડતી હતી. સ્કુલના જ સમયમાં રાજ્ય લેવલ સુધીની સફર જલ્પાએ ખેડી નાખી હતી. ત્યારબાદ નસીબના જોગે સુરતમાં ૨૦૦૫માં ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ. કે જેમાં દેશ વિદેશનાં લોકોએ યોગા કરવા માટે ભાગ લીધો હતો.

ઇન્ટરનેશનલ લેવલે જલ્પા માટે આ પેહલો અનુભવ હતો. પરંતુ આત્મવિશવાસ નવો નોહતો. જજબો તો ખૂનમાં હતો. સ્પર્ધામાં વિજેતા ના બની પણ આ છોકરીનું કૌવત, કરામત અને કળા લોકોના આંખે વળગી ગઈ. પછી તો ૨૦૦૬ અને ૨૦૦૭માં પણ.. આં રીતે સતત ૩ વર્ષ સુધી જલ્પાએ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં યોગા કરી જાદુ બતાવી બધાનું દિલ જીતી લીધું. હવે જલ્પા માત્ર જલ્પા નોહતી રહી. ગુજરાતની યોગા ક્વીન અને ગોલ્ડન ગર્લ જલ્પાની તખ્તી બની ગઈ હતી.

જલ્પા નાની હતી ત્યારે જ માતા પિતાને જઘડો થવાના કારણે અલગ પડી ગયા હતા. મમ્મીએ બીજાના ઘરે કામ અને નોકરી કરીને બધું સેટ કર્યું. જલ્પા અને તેની એક બહેન સાથે ૩ લોકોનો પરિવાર. તો વિચારી જ શકીએ કે જલ્પાને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. પણ હવે આ સંઘર્ષનાં પરસેવાની સુગંધ ચોમેર ફેલાવાની હતી. ગુજરાતમાં અને ભારતમાં ઠેર ઠેર જલ્પાના યોગા હવે ત્રીજા માણસના મોઢે ચર્ચાનો વિષય હતો. પરંતુ આ સફર અહીંયા વિરામ પામવા માટે નોહતી. દુનિયાને હજુ જલ્પાનો જાદુ જોવાનો બાકી હતો. ૨૦૧૭માં એક જ મુદ્રામાં ૫ કલાક સુધી સ્થિર રહીને જલ્પાએ ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડની બુકના પાનામાં પણ પોતાનું નામ છાપી દીધું છે.

વિદેશ પ્રવાસની વાત માંડીએ તો સૌથી પહેલી વખત ૨૦૧૨માં યુરોપમાં જલ્પાએ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો. ગુજરાત અને ભારતમાં જલ્પાની આ સિદ્ધિ લોકોએ ખોબલે ખોબલે વધાવી. ત્યારબાદ શરૂ થયો એક નવો જ અધ્યાય. ૨૦૧૩માં તાયવાન, ૨૦૧૫માં થાઇલેન્ડ અને પછી તો એશિયન ચેમ્પિયનશિપમાં પણ જલ્પા ગોલ્ડ મેડલ મેળવવા લાગી. આખી રામાયણ કેહવા જઈશ તો સમય ખૂટશે. સરવૈયું કહું તો માત્ર ૨૭ વર્ષની જલ્પા પાસે હાલમાં ૧૯ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ, ૯ બ્રોન્ઝ મેડલ અને ૨૯ ટ્રોફી છે. હવે સર્ટિફિકેટનું કોઈ પૂછતા નહીં, નહીતર ગણવા માટે કોઈ એકાઉન્ટન્ટને ભાડે રાખવો પડશે.

જો જલ્પાના આવક સોર્સ જોવા જઈએ તો પોતે છેલ્લા ૧૦ વર્ષથી સ્વામીવિવેકાનંદ વિદ્યાલય કરમસદમાં યોગ શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છે. સાથે પોતાનું પર્સનલ ટ્યુશન ક્લાસ પણ ચલાવે છે. તેમજ ગુજરાત સરકારમાં જલ્પાનું નામ યોગ કોચ તરીકે પણ રજીસ્ટર છે. જો કે એમાંથી કોઈ આવક નથી. પણ છતાં હાલમાં ઘર ચલાવવા માટે જલ્પા સમર્થ છે.

ઘણી વખત એવું બનતું હોય કે પ્રતિભા કે પ્રતિમા જેટલી ચમકતી હોય અંદરથી એટલી પીઢ નથી હોતી. ક્યારેક ખોખલી નીકળે છે. પણ જલ્પા સાચું સોનું છે. કારણ કે આટલું ઘરનું કામ, પોતાના ક્લાસ, નોકરી આ બધા સાથે તે નિસ્વાર્થ પ્રવૃત્તિ પણ કરી રહી છે. પોતે વૃદ્ધાશ્રમમાં યોગાની સેવા આપવા જાય છે. જલ્પાની તો એવી ઈચ્છા છે કે, નાનું કે મોટું દરેક માણસને અઠવાડિયામાં એકવખત યોગા કરવા જ જોઈએ. જો યોગાનું શાસ્ત્ર અને વિજ્ઞાનમાં આટલું મહત્વ છે, તો પછી અભ્યાસ ક્રમમાં પણ દરેક ફિલ્ડમાં યોગાને સ્થાન મળવું જોઈએ. કેમ કે માત્ર એક દિવસ માટે ખોટા ખોટા બણગા ફૂંકીને કંઈ જ નથી થવાનું. તો આવો ગુજરાતી આ ગોલ્ડન ગર્લ અને યોગા કવીનને હરખ ભેર વધાવીએ અને યોગા વિશે વિચારતા થઈએ.

અલ્પેશ કારેણા.