Andhari Raatna Ochhaya - 8 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૮)

ગતાંકથી......

બીજા માણસ તરફ નજર નાખતા જ તે ચમકી ઉઠ્યો .એ માણસને જ કાલે સાંજે થિયેટર પાસે સોનાક્ષી સાથે વાતો કરતો જોયો હતો અને ખબરીએ પણ એના વિષય માં શંકા કરી હતી.
તે આ મકાનમાં શા માટે આવ્યો હશે? તેની સાથે રહેલો દુબળો પાતળો માણસ કોણ હશે? દિવાકર ખરપડી વડે જમીન સાફ કરતો ઉંડા વિચારમાં પડ્યો.
આવી રીતે તે ક્યાંય સુધી બેસી રહ્યો તેની તેને ખબર પણ ન રહી. અચાનક ચાંઉ ચાંઉ નો અવાજ તેના કાન પર પડ્યો :

"સાહેબ તમને બોલાવે છે ."
"અત્યારે ને અત્યારે જ !"
"હા, હમણાં જ."

દિવાકર તરત જ વિશ્વનાથ બાપુ ના રૂમ તરફ ચાલ્યો. રૂમમાં પ્રવેશ કરતા જોયું કે બંગલાના માલિક સામે પેલો દુબળો પાતળો માણસ ઉભો છે .દિવાકર એકદમ તિક્ષણ નજરે તેને નિરખવા લાગ્યો. તે માણસે પણ દિવાકર તરફ દ્રષ્ટિપાત કર્યો.તેની વિચિત્ર અને ઊંડી દૃષ્ટિ સમક્ષ દિવાકર નજર મેળવી શક્યો નહીં. તેણે મોં ફેરવી લીધું તેની દ્રષ્ટિમાં કોઈક પ્રકારનુ આકર્ષણ હતું .તેનો પ્રભાવ કોઈપણ રીતે અટકાવી શકાય તેમ નહોતું! વિશ્વ નાથ બાબુએ કહ્યું : "ડોક્ટર ,આપને હું આ માણસની વાત કરતો હતો."
પેલી અજાણી વ્યક્તિ દિવાકર તરફ જોઈ બોલી : "તમારું નામ શું દીવાકર છે?" તેના ઊંડેથી બોલાયેલા શબ્દોમાં પણ કઈ ઓછી આકર્ષણ શક્તિ નહોતી.
દિવાકરે સ્થિર દ્રષ્ટિથી પ્રશ્ન કરનારના ચહેરા સામે જોઈ માથું હલાવી જવાબ આપ્યો.
"મારું નામ ડોક્ટર મિશ્રા ...."
વાક્ય પૂરું થાય એ પહેલાં જ વિશ્વનાથ દત્ત વચ્ચે જ બોલ્યા :" પ્રખ્યાત મસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિશ્રા ! તેઓની કૃપાથી જ આજે હું જીવતો રહ્યો છું. મારી ટ્રીટમેન્ટ તેઓ કરી રહ્યા છે."
"વાત સાચી છે! હું વિશ્વનાથ બાબુ નો ડોક્ટર છું. અને તેથી જ તમને પૂછપરછ કરી તેમના નવા ડ્રાઇવર તરીકે તમારે નિમણૂક કરવી કે નહીં તેનો અધિકાર મને છે. વિશ્વનાથ બાબુ નું કહેવું છે કે તમને ડ્રાઇવર તરીકે રાખવામાં તેમને કંઈ ખાસ વાંધો નથી મને પણ કાંઈ ખાસ પ્રોબ્લેમ લાગતો નથી. ફક્ત એટલી જ ભલામણ કરવાની કે સાહેબની ગાડી તમારે બહુ સાવચેતીથી ચલાવવી તમારી અણઆવડતને લીધે તેમના મસલ્સને જરા પણ સ્ટ્રેસ ન થવો જોઈએ .સારું ચાલો ત્યારે તમે હવે જઈ શકો છો."
દિવાકરે બહાર નીકળી શાંતિ થી ઊંડો નિસાસો નાખ્યો.
તે જ્યાં સુધી ડોક્ટર મિશ્રા સમક્ષ ઉભો હતો, ત્યાં સુધી જાણે તેમના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હતા.તેમની આશ્ચર્યકારક મોટી મોટી આંખો! અને એ આંખની દ્રષ્ટિ પણ કેવી ભયાનક! એ દ્રષ્ટિ એક ક્ષણમાં માનવના શરીર- મનની બધી શક્તિ હરી લેવા સમર્થ હતી .
તેના હૃદયમાં ઘણી વાર સુધી ડોક્ટર મિશ્રાની આંખોની સ્મૃતિ છવાયેલી રહી!

દિવાકર ફરીથી બગીચામાં જઈ ઘાસવાળી જમીન સાફ કરવા લાગ્યો પરંતુ તેની ચિંતાથી દબાય રહેલી સ્મૃતિઓ તે બગીચાને છોડી ક્યાંક ની ક્યાંય ભટકી રહી હતી. છેલ્લા ચોવીસ કલાકની ઘટનાઓ તેમના માનસપટ પર કોઈ ફિલ્મી મુવી ની છબીઓની માફક તરવા લાગી.તેમના મનમાં ડોક્ટર મિશ્રાથી માંડીને ચીના સુધીના માણસો વારંવાર આવજા કરવા લાગ્યા. રાત્રે તેની એવી સ્થિતિ શા માટે થઈ હતી? કદાચ ચીનાએ તેને ભોજન સાથે કંઈ કેફી વસ્તુ ખવડાવી દીધી હશે. પોતે ખવડાવેલી કેફી વસ્તુની અસર જાણવા માટે તે અસ્ત્રો લઈને રૂમમાં આવ્યો હશે. પરંતુ તે એટલું સમજી શક્યો નહોતો કે તેના પ્રયત્નો આંશિક જ સફળ થયા છે પરિપૂર્ણ રીતે નહીં.

પરંતુ આમ કરવાનો તેનો હેતુ શો ?તેને યાદ આવ્યું કે ચીનાના ચાલ્યા જવા બાદ કારનો અવાજ થયો હતો .કાર એટલી મોડી રાતે કોને લઈ ગઈ હશે? શું વિશ્વનાથ બાબુ એટલી મોડી રાત્રે ફરવા નીકળતા હશે?
કારની વાત યાદ આવતા તેને ગેરેજ તરફ દ્રષ્ટિ કરી અને તેમની સમક્ષ આખુ જ દ્રશ્ય ખડું થઈ ગયું એ ભેદી મહેલનું બધું જ ભેદભરમથી ભરપૂર હતું !.ગેરેજ પણ કંઈ ઓછો ભેદભરેલો હોય તેવું લાગતું નથી .એ જ ગેરેજ ઉપર આવેલા મેડામાં રહેવા માટે ચીનાએ વાંધો ઉઠાવ્યો હતો નક્કી કંઈક તો છે જ!
નહિતર શા માટે , એ આમ વાંધો ઉઠાવે?
એમ કરવાનું કારણ શું!? મેળા ઉપર શું છે તે જાણવું જ જોઈએ તેની અંદર શું રહસ્ય છુપાયું હશે? એ ભેદ કેવો હશે? દિવાકરનું હૃદય જાણવાની કુતુહલતા માં ઉછળી રહ્યું. તેમણે આમ તેમ દ્રષ્ટિ ફેરવીને તરત જ ખરપડી દૂર ફેંકી ગેરેજ તરફ રવાના થયો.
બારણું ખોલીને દબાતા પગલે અંદર ગયો. કારના વ્હીલ પાસે નીચે બેસીને તપાસવા લાગ્યો. તેનુ અનુમાન સાચું જ હતું તો ટાયર પર કાદવ ચોટ્યો હતો ગાડી રાત્રે બહાર ગઈ હતી એ વાત પાક્કી હતી, પરંતુ ગાડી ચલાવી હશે કોણે ? ચિનાએ તો નહીં ચલાવી હોય ને! ભેદ અને રહસ્યના ભરમ ઉતરોતર ગાઢ બનતા જતા હતા. દિવાકર વધારે સમય બગાડ્યા વગર ગેરેજ ના ઉપર ની મેડી ઉપર ચડયો પરંતુ સીડી પર ચડતા સામે બારણા પર તાળું જ જોયું જો કે એની પાસેના નાના ઓરડાનું બારણું ખુલ્લું હતું પરંતુ એ ઓરડામાં પ્રવેશ કરતા કંઈ ફાયદો થાય એવું લાગતું નહીં, કારણકે એક મોટી લાકડાની પ્રચંડ ખાલી પેટી સિવાય ત્યાં બીજું કંઈ નહોતું. ઓરડામાં નજર ફેરવીને દિવાકર બહાર નીકળી નીચે આવવા જ તૈયાર થતો હતો ત્યાં તેણે જોયું કે ચિનો ગેરેજમાં આવે છે. કદાચ તે ઉપર પણ આવે.
દિવાકર તરત જ પાછો ફર્યો પહેલી રૂમમાં મુકેલી વિશાળ પેટી માં પેસી તેનું ઢાંકણું બંધ કરી દીધું. પેટી ની મોટી ફાટ માંથી તે બહારનું દ્રશ્ય જોઈ રહ્યો.
થોડીવારમાં ચીનો ઉપર આવ્યો તેના હાથમાં એક મોટું પોટલું હતું . પહેલા તે ઓરડાનું તાળું ખોલી પોટલું લઈને અંદર ગયો થોડી વાર બાદ ત્યાંથી બહાર આવ્યો દિવાકરે
જોયું કે તેમના હાથમાં પેલું પોટલું ન હતું. નક્કી તે પોટલું મુકવા માટે જ અંદર આવ્યો હશે!!
એ પોટલામાં શું હશે??
ચાંઉ ચાંઉ નીચે ઉતરીને અદ્રશ્ય થઈ ગયો .દિવાકર પોતાના છુપાવવાના સ્થાનમાંથી બહાર નીકળવા ગયો ત્યાં જ એક અજબ જ ઘટના બની. ઢાંકણું ખોલી બહાર નીકળવા જતા પેટી ની બાજુના લાકડા ઉપરથી જેવો તે પગ ઉપાડવા જાય ત્યાં પગ નીચે ખટ કરતો અવાજ થયો. તેણે માથું નીચું કરી જોયું તો પેટીનો દિવાલને અડીને રહેલો ભાગ ધીરે ધીરે ખસતો જાય છે અને એક ગુફા નું મોં ખુલતુ હોય એ રીતે એક ગુપ્ત દરવાજો ખુલ્યો. દિવાકર આશ્ચર્ય પામ્યો અચાનક ગુપ્ત ગૃહ નો પતો લાગવાથી તેના હૃદયમાં અપાર આનંદ થયો પરંતુ આનંદ સાથે આશ્ચર્યનો એટલો બધો ભાગ મિશ્ર થયો કે ક્ષણભર તો તે પોતાના મનથી એકદમ દિક્મુઢ બની ગયો. આશ્ચર્ય ની આ વિમૂઢ દશામાંથી મુક્ત થયા બાદ તેણે પેટીમાંથી બહાર નીકળી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યારબાદ તે પેલી ગુફા નું મુખ તપાસવા લાગ્યો. એ ગુફા જેવું દેખાતું હતું તે વાસ્તવિક રીતે એક છૂપો રસ્તો હતો .તે રસ્તો કોણ જાણે ક્યાં જતો હશે તે તેના ખ્યાલમાં આવ્યું નહિ. ચકિત બની ગયેલા અંતરે તેણે એ ગુપ્ત માર્ગમાં પગ લંબાવ્યો. બની શકે કે કદાચને અંદર જતા તેને એક ભારે આફતનો સામનો કરવો પડે! પરંતુ તેમ છતાં આ ઓચિંતા મળી આવેલી તકનો લાભ ઉઠાવ્યા સિવાય રહેવાય તેમ નહોતું ; આમ પણ આફતના નગારા વગડતા હોય છતાં તે કદી આવા કામમાંથી પાછો પડ્યો નહોતો. એ વાત તો તેના છૂપી પોલીસના કાર્યોના જાણકારોમાં જાણીતી હતી.

હવે આગળ દિવાકર ગુપ્ત રસ્તે કયા પહોંચી જશે? શું તે કોઈ આફત માં સપડાય જશે? આ માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશ .........