High Agassi Low Sky books and stories free download online pdf in Gujarati

ઊંચી અગાસી નીચુ આકાશ

ઊંચી અગાસી, નીચું આકાશ
**********************
(નવલિકા)
સી.ડી. કરમશિયાણી (C D K)



...તોય એણે અડપલું તો કરી જ લીધું.ભલે ને પવન નોહતો પણ, પોતે તો નાયલોનનું ને..? પોપલીન જેવું પાતળું પણ..તેથી તેને લહેરવા માટે એક નાની સરખી હવાની લ્હેરખી જ કાફી હતી....!તેથી જ તો પવન નોહતો છતાંય તેને ચંચળ બનાવવા જેટલી હવાની લહેરખી તો લાગતી જ હતી .
બાકી એ તો ધીર ગંભીર ,ને હજુ બધું પાણી એમાંથીયે નીતરી ન્હોતું ગયું.પોતે જાણે સમાધિ અવસ્થામાં. ને આમેય વજનદાર ને, તેથી જેવી તેવી હવા તેને ડોલાવી ના શકે....!
સખત પવન હોય તો કદાચ........!
પણ આજે સખત પવનની વાત જ ક્યાં કરવી? સવારથી જ ઝાકળના ગોટે ગોટા ઉમટી પડ્યા ને પવનને દબાવી દીધો.નહિ તો ગઇકાલે તો હવામાન ખાતા વાળાએ રીતસર છાપાં માં આગાહી કરતાં છાપ્યું હતું કે આવતી કાલે પતંગ રસિયાઓએ ચિંતા કરવાની જરૂર નથી.પવન ફૂકાશે જ. પણ, ઉલટાનું આજે તો ઝાકળ પડી ને પવનનો ધબડકો.....!!
જેમ ક્રિકેટના મેદાનમાં પીચ ખરાબ હોય ને ખેલાડીની જે હાલત થાય તેવી જ હાલત આજના ઉતરાયણના દિવસે રૂઠેલા પવનદેવે પતંગ ખેલંદાઓની
કરી નાખી...!
અમુક જણાએ તો ગઇરાતથી જ અગાશી પર પતંગોની કમાન બાંધીને પતંગોના થપ્પા ઝૂડી રાખ્યા હતા.તેથી થપ્પાના ઉપરના બે ચાર પતંગોની હાલત પલળેલા કબૂતર જેવી થઈ ગઈ હતી.
....અંતે તડકો નીકળ્યો તો ખરો.સૂરજદાદા પોતે મકરમાં છે તેની ખાતરી કરાવી.ને પોતાના સોનેરી કિરણોને જાણે લેઝર કિરણો બનાવીને મંડી પડ્યા ઝાકળનું ઓપરેશન કરવા..!
..સ્વામીજીએ સૂર્યનારાયણને નમસ્કાર કર્યા.સામાન્ય કરતાં વધુ ઊંચાઈ, માંથાના ને દાઢીના વાળ સફાચટ કરાવેલા તેથી ચકચકાટ કરતો ચહેરો,વિશાળ આંખો, ગોરો વાન અને શરીર પર ભગવા કપડાં...સૂર્યનારાયણે તેના પર તેજ પાથર્યું ત્યારે તે ભગવું રૂપ ખીલી ઉઠ્યું.
એને જરાય નોહતું ગમ્યું, વિધવા માયાદેવીની નાયલોનની સફેદ સાડી અને તેનાં ભગવા વસ્ત્ર ને એક જ તારમાં પાસે પાસે સુકવ્યા તે.....!
સ્વામીજીએ જોયું કે સફેદ સાડી તેના ભગવા વસ્ત્રને અડપલાં કરી રહી હતી. એક ક્ષણ માટે તેમને થયું કે એ પોતાનું ભગવું ત્યાંથી હટાવી લે.પણ બીજી જ ક્ષણે તેમને વિચાર આવ્યો કેશા માટે ?
આપણે તો સાક્ષીભાવમાં રહેવું ને?
એણે તો પોતાનો નિર્ણય રાત્રે જ જણાવી દીધો હતો કે તે આવતીકાલે નીકળી જશે.પણ,આ ભગવું પલાળવા પાછળ માયાદેવીની યુક્તિ મુક્તિ નો સ્પષ્ટ ખ્યાલ તેમને આવી ગયો. તેણે વિચાર્યું કે વાધો નહીં ,ભીનું તો ભીનું લઈને પણ આજે જ નીકળી જવું.સાધુ તો ચલતા ભલા...!
બાજુની અગાસીમાં એક બહેન તલની લાડુડી લઈને આવ્યા ને છોકરાંઉને વહેંચતા બોલ્યા, " થોડીવાર ખમી જાવ જો જો પછી પવન ઉપડશે. આ તો શું માંક પડી હતી ને એટલે..". એકાદ છોકરું પતંગ ને ખેંચા ખેંચ કરતું હતું ને તેમાંય વચ્ચે આ લાડુડી આવી તેથી ગુસ્સે ભરાઈ " નથી ખાવી" કહી પતંગની કમાન સરખી કરવા લાગ્યો
" સ્વામીજી તમે લેશો આ સંક્રાંત નો પ્રસાદ?" એ બહેને બાજુની અગાસીની પાળ પાસે આવી ને સ્વામીજી ને કહ્યું.પણ સ્વામીજીએ પ્રત્યુતરમાં માત્ર બે હાથ જ જોડ્યા."રાત્રે સત્સંગમાં મે ભજન ગાયું ઈ તમને પસંદ પડ્યું ને? મને ભજન ગાવાનો બહુ શોખ" એમ કહી એ બહેને ફરી સ્વામીજીના મોમાં આંગળા નાખ્યા. સ્વામીજીએ મોઢું ફેરવી લીધું ને મનમાં જ બોલ્યા કે મારે કંઈ નથી કહેવું ભલે અવિવેક થતો
....પવનની લહેરકીઓ શરૂ થઈ હતી. સફેદ સાડીના અડપલાં વધી ગયા હતા.ભગવું લૂગડું તો સ્થિર હતું.પણ, સ્વામીજીને તેની અસર વર્તાતી હતી.પણ તરતજ તેને વેદાંત હાજર થયું ને મનમાં સમાધાન શરૂ થયુ કે
એક જ બનાવ ઘણી દ્રષ્ટિથી જોઈ શકાય છે.એ બાબત બરાબર સમજાય તો જીવનમાં સાચું જ્ઞાન અને સરળતા આવી શકે. આ પદ્ધતિમાં વર્તમાન દર્શન ફરવાથી દેશ અને કાળ ફરી શકે છે.દર્શન સમજવાથી પોતાનું સ્વરૂપ સમજાઈ જાય છે"
તેણે વિચાર્યું. કે મારે શું? મારે તો સ્વપ્ન અને જાગૃત બંને અવસ્થામાં. સાક્ષી જ રહેવું છે.બાકી સંજોગો તો ખરા જ ને?
તેણે પાછું પૃથક્કરણ કર્યું કે
નહીં તો આજે જ પવન કેમ બંધ થાય? ને તોય જુવો તો ખરા આ સામાન્ય પવન માં પણ કોઈ કોઈના પતંગ ચગી પણ ગયા છે. જેના પતંગ ચગી ગયા છે તેઓ સફળતાના મદમાં...અને જેના નથી ચગ્યા તેનાં પર દોષારોપણ થાય છે કે તેનામાં આવડત નથી, તેનામાં આત્મવિશ્વાસ નો અભાવ છે વગેરે.....!
સ્વામીજી દ્રષ્ટા બની અગાસી પરથી દેખાતા પતંગના દ્ર્શ્યોનું વિશ્લેષણ કરવા લાગ્યા.
કોઈ ઊંચી અગાસી પર પોતાની ચગી ગયેલી પતંગની ફરકી ટેસથી પકડીને નીચની અગાસી વાળાને સલાહ આપતા બૂમ પાડે છે
" એય નમન બાંધ નમન...પૂંછડી લગાડ પૂંછડી...તમારા કામ નહીં" વગેરે....

તેમણે ભેદ રેખા પકડી પાડી . તેમણે વિચાર્યું કે જેમની પતંગ ચગી ગઈ છે અને જેની નથી ચગી તેમાં ભેદ છે અગાસીની ઊંચાઈનો.
તેમણે એવાય દ્રશ્યો જોયા કે પવનની લ્હેરકી આવે ત્યારે જે તકવાદી હોય તે આવેલી લ્હેરકીને ઝડપી લે છે ને પોતાની પતંગને એક ઉડાન ભરાવી લે છે એટલું જ નહીં મોકો મળતાં એક નવા આકાશની શક્યતા પ્રાપ્ત કરી લે છે. પણ કોઈ બદનસીબ એવાય હોય છે કે બરાબર જ્યારે પવન લાગે છે ત્યારે જ તે પતંગની તૂટી ગયેલી કમાન સરખી કરવા બેસે...! ને ત્યારે પેલો તકવાદી તો બોલે જ કે, તમે પહેલે થી જ પતંગ ખોટું પસંદ કર્યું છે.કાગળના પતંગ લેવાય જ નહીં,પ્લાસ્ટિક ના જ લેવાય..વગેરે...

...હવે પતંગ ચગી શકે તેવો પવન તો નીકળ્યો જ હતો.કાપાકાપી ચાલુ થઈ ગઈ હતી. તેમણે વિચાર્યું કે ભૂલે ચૂકે કોઈ નિષ્ફળ ખેલંદાનું પતંગ ચગી ગયું તો પણ બાજુની અગાસીવાળો તેનું પતંગ કાપી નાખશે ,ને દોષનો ટોપલો પાછો દોરીની કાચાઈનો...! તમને દોર પાતા જ ક્યા આવડે છે?
તેમણે જોયું કે આમને આમ સહુ કોઈ પોતાના પતંગને સફળતાની એક ઊંચાઈ સુધી લી જવા માગે છે જ્યાં પોતે સલામત હોય .પણ સફળ વ્યક્તિને હમેંશા અસલામતીના ચીંથરા ચોંટેલા જ હોય છે.
એક કપાયેલો પતંગ ડોલતો ડોલતો સ્વામીજીના ચરણોમાં આવીને આળોટવા લાગ્યો ને તે સાથે જ આજુબાજુથી કાપ્યો કાપ્યો નો દેકારો ચાલુ થયો.સ્વામીજી એ અર્થઘટન ચાલુ રાખ્યું કે કોઈ એવાય નસીબદાર હોય છે કે કોઈની કપાયેલી પતંગ પોતાની અગાસીમાં આવીને ખરી પડે ને સાથે થોડીક દોર પણ લેતી આવે, ત્યારે આનંદ તો એવો થાય જાણે આકાશમાંથી કોઈ પૂછડિયો તારો હાથમાં આવી ગયો હોય.
બીજાના કપાયેલા સુખ આપણે ખોળે આવીને પડે ત્યારે રાજી થવામાં વાંધો નહીં પણ જ્યારે આપણાં સુખ કપાઈને બીજાના ખોળે જાય ત્યારે એવો બક્વાસ ના કરવો કે ,તમને પચશે નહીં , ઉભે પગે ,રોમે રોમ નીકળશે વગેરે જેવા શ્રાપ આપવા નહીં...!
આવી રીતે સ્વામીજીએ દેખાતા દ્રશ્યોના અર્થઘટન કરી જ્ઞાનની રમત રમવાની ચાલુ રાખી.
રાત્રે કરેલો સત્સંગ તેને યાદ આવ્યો.
રાત્રે માયાદેવીએ જિજ્ઞાસા દર્શાવતા કહ્યું હતું કે "સ્વામીજી દર્શનનો મહિમા સમજાવોને?"
ત્યારે સ્વામીજીએ વેદાંતના પાયાના સિધ્ધાંત સમજાવતા કહ્યું હતું કે:
જુવો જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય છે- બધી રમત એક જ્ઞાનની છે તેથી પહેલા તેનું પૃથક્કરણ કરવું જોઈએ.એ દ્રષ્ટિએ જોતાં જ્ઞાન અને જ્ઞેય તથા તેમના ભેદ -દેશ- કાળ - બધું જ એક જ્ઞાનમાંથી બને છે.જેવું સ્વપ્નમાં બને છે તેવું જાગ્રતમાં બને છે.જ્યાં રજ્જુમાં (દોરડા)માં સર્પ પ્રતીત થાય છે ત્યાં મુખ્ય તો જ્ઞાન - અધ્યાસ છે અને તે અર્થ અધ્યાસનું રૂપ લે છે.આ એક દર્શનની માયા છે પણ ઘણા તેમને દ્રશ્યની માયા સમજી લે છે.અહી દર્શનની માયા હોવા છતાં જ્યારે તેને દ્રશ્યની માયા સમજવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળવું બહુ અઘરું થઈ પડે છે.આખી જાગૃત અવસ્થા સાક્ષીભાસ્ય છે.કારણકે, સુષુપ્તિમાં - સ્વપ્નમાં -મદ - મૂર્છામાં તે જતી રહે છે .અહી કહેવાનો ભાવાર્થ એવો છે કે અર્થાધ્યાસ ખરી રીતે જ્ઞાનાધ્યાસ છે,જ્યાં જ્ઞેય એ જ્ઞાનનું રૂપ છે જે જ્ઞાનથી જુદું નથી.
ગઇ રાતના કરેલા આ સત્સંગથી સ્વામીજી થોડા નિરાશ થઈ ગયા હતા.
સ્વામીજી અગાસીની દીવાલને ટેકો દઈ ઊભા હતા . આજુ બાજુમાંથી પતંગરસિયાઓના દેકારા ને લાઉડસ્પીકરમાં વાગતા ગીતોના અવાજ કાને અથડાતા હતા.સ્વામીજીએ દીવાલનો ટેકો છોડી દીધો ને અગાસી માં ચકર લગાવવા માંડ્યા ચાલતાં ચાલતાં મનમાં માર્મિક હસ્યા ને મનમાં જ બોલ્યા કે દર્શન ને દ્રશ્યની માયા તો સમજાઈ જાય પણ મારા જેવા સાધુ ને આ....!!!
જાત ને આશ્વસ્ત કરતાં વિચાર્યું કે હું તો નીર્લેપ ...
મારા ગુરુએ મારું નામ નિર્લેપ સાધુ એમને એમ તો નહીં જ આપ્યું હોય ને.
ફરી પાછા નિર્લેપ સ્વામી ચકર મારતા મારતા ગઇ રાત ની બનેલી ઘટના ના તાજા જ ભૂતકાળમાં લેપાઈ ગયા.
રાત્રે સ્વામીજીને લાગ્યું કે વેદાંતની વાતો કોઈને ગળે ઉતરે એમ લાગતી નથી.બધાને ભજન ના રાગડા તાણી ને સ્વામીજીને પ્રભાવિત કરવાની હોડ હતી તેવું સ્વામજી સમજી ગયા.તેથી તેણે સત્સંગ વહેલો પૂરો કરી ને પોતાના રૂમ માં ચાલ્યા ગયા.જ્યાં અગાઉથી સુગંધી અગરબતી ચાલુ હતી. તેમણે વિચાર કર્યો કે મને તો ગંધ - સુગંધનો મહિમા નથી તો પછી આ? આગળ વિચારે તે પહેલાજ માયાદેવી દૂધનો ગ્લાસ લઈને આવ્યા. 'લ્યો સ્વામીજી આ દૂધનો ગ્લાસ.વાંકાવળી ટીપોય પર ગ્લાસ મૂકતા બોલ્યા."સ્પેશિયલ અગરબતી છે. તમારું મન પ્રફુલ્લિત રહશે".સ્વામીજી એ સ્પષ્ટતા કરતાં કહ્યું કે "મારા મનને પ્રફુલ્લિત કરવા માટે આવા ઉપકરણોની જરૂર નથી.તમને વેદાંત સમજાય છે ને?આજના સત્સંગમાં કોઈ નવા પ્રશ્નો ઉત્પન્ન થયા? પ્રશ્નો થવા જ જોઈએ, તો જ સાચું સમાધાન થાય". દૂધનો ગ્લાસ ખાલી કરતાં સ્વામીજી બોલ્યા.
"ભલે હવે હું આરામ કરીશ તમે જાવ"
સ્વામીજી એ આરામ ફરમાવ્યો..પણ અડધી રાતે માયાદેવીએ સ્વામીજીના રૂમનો દરવાજો ખુલાવ્યો
સ્વામીજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું "કેમ અત્યારે?"
માયાદેવી રૂમની અંદર પ્રવેશીને બોલ્યા "કંઈ નહીં, આપ આરામ કરો."
સ્વામીજી પલંગ પર આડા પડ્યા અને માયાદેવી ને પૂછ્યું" શું મનમાં કંઈ વેદાંત સબંધી સંશય થયો છે? પ્રશ્નો ઉઠ્યા છે? પૂછો જરૂરથી પૂછો .સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ.વેદાંત છે જ એવું મનમાં ઘૂંટાય પછી અડધી રાતે પણ જગાડે.બોલો. કંઈ સંશય હોય તો..?."
માયા દેવી ખચકાતા સ્વરે બોલ્યા " ના બીજુકાઈ નહીં પણ થયું તમારા પગ દાબી દવું. તમારા ચરણોની સેવા કરવા આવી છું.તમે મારા મહેમાન છો.લાવો તમારા પગ" કહી માયાદેવીએ સ્વામીજીના પગ પકડી લીધા.
સ્વામીજી તરત બેઠા થયાં અને જરા કડકાઈ થી બોલ્યા" તમે વિચલિત થયાં લગો છો તમારા રૂમમાં જાવ"
પણ માયાદેવીએ સામે પ્રશ્ન કર્યો " સ્વામીજી શું તમને તમારા આ યુવાન શરીર પ્રત્યે ક્યારેય રાગ નથી જનમ્યો?"
તેમ કહી માયાદેવી બધો વિવેક ચૂકી સ્વામીજીને વળગી જ પડ્યા.
સ્વામીજી ક્ષણીક હતપ્રભ થઈ ગયા પણ તરત જ જાગૃત થયાં અને માયાદેવીને હળવેક થી દુર કરી સાક્ષીભાવથી બોલ્યા
"દેહ સાથેની એકતા એજ પરમાત્મા સાથેની આપણી ભિન્નતા છે.જો તત્વને જાણ્યું તો પછી સંસાર નથી અને દેહ પણ નથી.હું દેહ છું એ અધ્યાસ છે તેને નિવૃત્ત કરવાનો છે પણ, તેને સત્ય માની , પતંગિયારૂપ થઈ તેમાં બળવાનું નથી"
"શું તમે ક્યારેય કોઈ યુવાન સ્ત્રી પ્રત્યે આકર્ષાયા નથી ?"
માયાદેવીએ હાંફતા હાંફતા સવાલ કર્યો.
સ્વામીજીએ એજ સ્થિરતાથી જવાબ આપ્યો "મુક્ત પુરુષ વિષયોને ધિક્કારતો નથી કે વિષયોમાં આસક્ત પણ થતો નથી.સદા અનાસક્ત ચિત્તવાળો બનીને તે પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુનો ઉપભોગ કરે છે."
તે આગળ બોલ્યા
"માયાદેવી તમે શ્રીમંત વિધવા છો.તમે કપડાં તો સફેદ ધારણ કર્યા છે પણ, તમારી ચિત્તની વૃત્તિઓ રંગીન છે.તે પતંગિયાની માફક ભમે છે.તમે હાલ પૂરતું વેદાંત છોડી દયો."સ્વામીજી કંઈ આગળ બોલે તે પહેલાં જ માયાદેવી બોલી ઉઠ્યા.
"મે વેદાંત પકડ્યું જ નથી .મે તો હરિદ્વારમાં પહેલી વખત તમને જોયા ત્યાર થી જ તમારું આકર્ષણ થઈ ગયું છે વેદાંતની વાતો ..વેદાંતના પુસ્તકો તમને પ્રાપ્ત કરવા માટે જ સ્વામીજી....!"એમ કહી ફરી થી સ્વામીજીને વળગી પડવાની કોશિષ કરી પણ સ્વામીજી ની અડગતા જોઈ પાછા હટી ગયા. સ્વામીજી બોલ્યા
"તમે કબૂલ કર્યું એ ગમ્યું.તમારામાંથી વાસનાની નિવૃત્તિ થઈ જ નથી. બલ્કે તમે પ્રયત્ન પણ નથી કર્યો.તમે પહેલા તમારી ચિત્તવૃત્તિ સ્થિર કરો.તમારા જેવા કેટલાય બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે,તેમને ઈશ્વરના સ્વરૂપ વિશે સ્પષ્ટ ખ્યાલ ન હોવા છતાં ઈશ્વરને બાધિત બનાવી બ્રહ્મસ્વરૂપની વાત એવી રીતે મૂકતા હોય છે કે જાણે તેમને વેદાંત નું જ્ઞાન થઈ ગયું છે.તમને હજુ અપરાવિદ્યા અને પરાવિદ્યાના ભેદનું રહસ્ય મળ્યું જ નથી.આથી તમારે ઈશ્વરથી આગળ વધીને સત્સંગ કરવો કે કરાવવો યોગ્ય નથી..બ્રહ્મ સ્વરૂપની વાતો કરવાને હજુ ઘણી વાર છે.
જોકે તમારી આ કબૂલાત પછી આ બધી વાતો વ્યર્થ છે. એટલે હાલ માં તમે તમારા સત્સંગને ઈશ્વર સુધી સીમિત રાખો તો ઉત્તમ ગણાશે.
અને હા આવતી કાલે હું નીકળી જઈશ. "
એક પતંગ આવી ને સ્વામીજી ને સેહેજ અડી ને ઊંચે ચડી ગયું તે સાથે જ સ્વામીજી વર્તમાન માં આવી ગયા.અગાસીમાં આંટા મારતાં મારતાં વિચારવા લાગ્યા કે સાધુઓની દશા અને દિશા બદલાવવામાં માયાદેવી જેવી સ્ત્રીઓની ભૂમિકા નાની નથી. તેણે એક નજર દોરીમાં સુકાતા તેના ભગવા કપડાં પર કરી.હજી સુકાતા વાર લાગે એમ છે તેને જોયું અને એ વિચાર આવ્યો કે આમતો વેદાંતીઓ સફેદ કપડાં ધારણ કરતા હોય છે પણ હું તો ક્યાં પહેલેથી વેદાંત ના માર્ગે હતો.આતો સાધુ બન્યા પછી વેદાંત નો અભ્યાસ થયો.
રાત્રે બનેલી ઘટના માં વેદાંત ઉપયોગી થયું તેનું સ્વામજીની જાત ગૌરવ થયું.
એક પતંગ આવીને તેમની પાસે અટક્યું.બીજી અગાસી માંથી અવાજ આવ્યો "સ્વામીજી....."
ત્યાંતો બીજું પતંગ ગુલાંટ મારતું મારતું સ્વામીજી ને ઠોલો મારતું નીચે આંગણામાં પડ્યું.તેની દોર સામે મંદિરના શિખરની ધજામાં અટવાણી હતી. તે પતંગ ચક્કર ખાઈ ને આંગણામાં ઉભેલા માયાદેવીના હાથમાં આવ્યું. માયાદેવીએ બૂમ પાડી
"સ્વામીજી આ પતંગ જરા ખેંચો તો...." સ્વામીજીએ દોર પકડી.
સ્વામીજીએ નીચે જોયું તો બન્ને હાથની બાહો ફેલાવી માયાદેવી ઊભા હતા. ગઇ રાતની ઘટનાની કોઈ અસર માયાદેવી ના ચહેરા પર નોહતી. એ સ્વામીજીએ નોંધ્યું.
' સ્વામીજી ખેચો" માયાદેવી નો ફરી અવાજ આવ્યો .નીચે સ્વામીજી જોતાં હતાં કે માયાદેવી હજી એજ રીતે બૂમો પાડે છે. સ્વામજીનેં લાગ્યું કે નીચે પણ એક બીજું આકાશ છે.શેરીમાં છોકરાઓ કપાયેલા પતંગ લેવા દોડાદોડી કરતાં હતાં ને માયાદેવી સ્વામીજીને દોર ખેચવા માટે" સ્વામીજી ખેંચો " ની બૂમો પાડતા હતા.
ત્યાં તો ત્રીજું પતંગ ગુલાંટ ખાતું ખાતું આવ્યું ને તાર પર સુકાતા બન્ને કપડાંની વચ્ચે ચાંચ મારીને પટકાયું ને પતંગ જોરથી ખેંચાયું ને તે સાથે જ પવન ના કારણે સ્વામીજીના ભગવા કપડાં પર ચડી ગયેલી માયાદેવીની સફેદ સાડી ખેંચાણી ને પતંગ તેને ચાંચો મારતું છેક તારના છેવાડે લઈ ગયું.બન્ને વસ્ત્રોને અલગ કરી ગુલાંટ મારતું પતંગ ઉચી ઉડાન ભરી ગયું..
સ્વામીજી આ ખેલ જોતાં રહ્યા અને જોયું કે માયાદેવીની સફેદ સાડીની કિનાર પર તેનાં ભગવા વસ્ત્રના આછા ધાબા પડી ગયા હતા.
ઊંચી અગાસીએ ઉભેલા સ્વામીજીએ નીચે આકાશમાં જોયું કે માયાદેવી હજી પણ હાથ ફેલાવી હાથમાં પતંગ લઈને ઉભા હતા. સ્વામીજી એ અર્થઘટન કર્યું કે કોઈને આકાશ આપવાવાળો હું કોણ? દરેકને પોતાની એક ઉચી અગાસી છે દરેક ને પોતાનું એક નીચું આકાશ છે.તેને પતંગની દોર છોડી દીધી.
તેની નજર દૂર દૂર ઊંચે ઉડતા એક એકલવીર પતંગ પર પડી.તે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં હતું.તેની અગાસીએ અલગ ને આકાશ પણ અલગ.તે નથી કોઈનાથી કપાતું કે નથી કોઈને કાપતું.તે નિર્ભય છે. આવા સમાધિસ્થ ને એક ઊંચાઈ પછી પવન હોય તોય ભલે ને ના હોય તોય ભલે.આવા પતંગને નથી પવનની અછત વર્તાતી કે નથી વાવાઝોડું ડોલાવી શકતું.તેતો નિજ સ્વરૂપમાં પોતામાં મસ્ત છે.તે તો સ્વરૂપ અનુભવીને એકલો આનંદમાં રહે છે.તે કાપા - કાપી ,રાગ - દ્વેષના પ્રપંચમાં પડતો જ નથી,તેની પાસે તો હોય છે એક નોખું જ બ્રહ્મત્વનું આકાશ....!
સ્વામીજી ક્યાંય સુધી એ એકલવીર પતંગ ને જોતા રહ્યા..હવે તેને માયાદેવીનો અવાજ બિલકુલ સંભળાતો નોહતો.

સી.ડી.કરમશીયાણી.(C D K)
9426143122
****************