Shamanani Shodhama - 19 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 19

          “હા, આગળ..”

          “બસ સ્ટાર્ટ થઈ. દરવાજો ખુલ્લો હતો. હું ખુલ્લા દરવાજાથી બસમાં ચડવા માટે એ તરફ આગળ વધ્યો. મેં દરવાજાનું હેન્ડલ પકડી પગથીયા પર પગ મુક્યો એ જ સમયે મેં મારા ખભા પર કોઈ અજાણ્યા હાથનો સ્પર્શ અનુભવ્યો. હું પાછળ ફરી એ હાથ કોનો છે એ જોવા માંગતો હતો પણ એ પહેલા જ મારી હેન્ડલ પરની પકડ ઢીલી થઇ ગઈ. મારા ખભા પર વીંછી કરડ્યો હોય એવું દર્દ થયું. મેં પાછળ જોયું પણ મને શું દેખાયું એ હું સમજી શક્યો નહિ. મારા મગજે મારી આંખોએ મોકલેલા સંદેશને સમજવાનું બંધ કરી નાખ્યું હતું.”

          શ્યામ એકાદ પળ શ્વાસ લેવા અટક્યો. કદાચ એ એના જીવનના સૌથી ખરાબ દીવસને યાદ કરીને પણ થાકી ગયો હતો.

          મને દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો. હું સમજી ગયો બસ જઈ રહી હતી. હું હોશમાં હતો. હું કોઈ એક ચોક્કસ દિશામાં ડગલા ભરી રહ્યો હતો પણ હું કઈ તરફ જઈ રહ્યો હતો અને કેમ જઈ રહ્યો હતો એ મને ખબર ન હતી. મેં ત્રણ ચાર ડગલા ભર્યા ત્યારબાદ મારા પગ પરનો કાબુ હું ગુમાવી રહ્યો હોઉં એવું મને લાગ્યું. મેં પોતાની જાતને જમીન તરફ ઢળી પડતી અનુભવી પણ એ જ સમયે કોઈ અજાણ્યા હાથ મને ટેકો આપવા તૈયાર હતા. હું ઓળખી ગયો એ હાથ એ જ હતા જે મેં થોડીક ક્ષણ પહેલા મારા ખભા પર અનુભવ્યા હતા. હું એ હાથની પકડમાંથી દુર થવા માંગતો હતો પણ મેં હોશ ખોઈ નાખ્યો. જયારે મારી આંખો ખુલી હું આ ભયાનક સ્થળે કેદ હતો.”

          “તેં જે કહ્યું એ મુજબ એ લોકોએ તને પ્રોપોફોલ ઇનજેક્શન આપ્યું હશે..” ચાર્મિ તેને અટકાવતા વચ્ચે બોલી.

          “પ્રોપોફોલ...? એ શું છે..?” શ્યામે નવાઈથી પૂછ્યું કેમ કે એને એ બધું કેમ થયું એ જ સમજાતું નહોતું તો પ્રોપોફોલ એને ક્યાંથી સમજાય!

          “પ્રોપોફોલ માણસને તાત્કાલિક બેભાન કરવા માટે વપરાય છે. એ એક એવું ડ્રગ્ઝ છે જે ત્રણ સેકન્ડમાં અસર કરવાનું શરુ કરી નાખે છે. જોકે એની અસર માત્ર દસ જ મિનીટ રહે છે પણ એ દસ મીનીટમાં કિડનેપર પોતાનું કામ કરી લે છે. જયારે કોઈ વ્યક્તિને ભીડ ભર્યા સ્થળેથી કિડનેપ કરવાનો હોય ત્યારે એ ડ્રગ્ઝનો ઉપયોગ કરવામાં આવે છે.” ચાર્મિએ એને સમજાવ્યું.

          “મતલબ મને એ ડ્રગ્ઝ આપી એમણે કિડનેપ કર્યો..? પણ મેં તો સાંભળ્યું છે કે કિડનેપર ક્લોરોફોમ નો ઉપયોગ કરે છે..? કપડામાં ક્લોરોફોમ રાખી એ કપડું કોઈની સામે જાટકતા જ વ્યક્તિ બેભાન થઈ જાય છે.”

          “એ માત્ર પુસ્તકો અને ફિલ્મોમાં બતાવાય છે. ખરેખર ક્લોરોફોમથી કોઈને બેહોશ કરવું હોય તો એ વ્યક્તિના મો પર ક્લોરોફોમથી ભીંજવેલ કપડું ત્રણ ચાર મીનીટ દાબી રાખવું પડે છે. ભીડ ભરી જગ્યાએ કિડનેપર એટલું જોખમ લઇ શકતો નથી. વળી ક્લોરોફોમથી બેહોશ થનાર વ્યક્તિ ત્યાજ ઢળી પડે છે એની બધી જ મુવમેન્ટ સ્ટોપ થઇ જાય છે એને ઉઠાવીને કોઈ વાહનમાં નાખવો પડે છે જે ભીડ વચ્ચે અશકય છે. એ ઉપરાંત પણ જો બેભાન કરનાર વ્યક્તિએ માસ્ક ન પહેરેલ હોય તો એ પોતે પણ ક્લોરોફોમની અસરથી બેભાન થઈ શકે છે.”

          “અને પ્રોપોફોલ...?” શ્યામ એ બધા ડ્રગ્ઝ વિશે જાણવા આતુર હતો. એને એના ફેવરીટ એકાઉન્ટના ટોપિક કરતા પણ એ માહિતી વધુ રસપ્રદ લાગી રહી હતી.

          “પ્રોપોફોલ એક અલગ જ ડ્રગ્ઝ છે. એનાથી વ્યક્તિ બેભાન થાય છે પણ માત્ર માનસિક રીતે જ. એનું શરીર બેભાન થતું નથી. એ વ્યક્તિ પોતાના પગ પર જ ઉભી રહે છે એ જમીન પર પડી જતી નથી માટે એને ઉઠાવીને કોઈ વાહનમાં નાખવાની જરૂર પડતી નથી. બસ કિડનેપર આવીને એને સહારો આપી ગમે તે એક દિશા તરફ લઇ જવા લાગે છે. નજરે જોનારા લોકોને એમ લાગે છે કે એ કોઈ બીમાર વ્યક્તિની મદદ કરી રહ્યો છે કે પછી એના કોઈ મિત્રએ વધુ પડતો પી લીધો છે અને એ એને ઘર સુધી સલામત મુકવા જઈ રહ્યો છે. આમ પ્રોપોફોલ ભીડમાં બેસ્ટ છે. એમણે તારા પર એજ વાપર્યું હશે.”

          “મીન્સ પ્રોપોફોલ કિડનેપર માટે બ્રહ્માસ્ત્ર છે?”

          “હા, એ એમના માટે એક વરદાન સ્વરૂપ છે... એને અન્ડરવર્લ્ડમાં ‘શયતાનના આશીર્વાદ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. કયારેય એને કોડમાં ‘ગીફ્ટ ઓફ ગોડ’ પણ કહે છે.” એટલું કહી ચાર્મિ ફરી હસી.

          શ્યામને એનું જ્ઞાન જાણીને નવાઈ ન થઇ કેમકે આખરે એ એક જાસુસ હતી.

          “શું મેં જે કહ્યું એ પરથી તું કોઈ અંદાજ લગાવી શકે છે...?” શ્યામે પૂછ્યું.

          “યસ, તારી અને મારી કીડનેપીંગ થીયરીને સાથે મેળવીને આપણે એક અંદાજ મેળવી શકીએ છીએ..”

          “શું?” એનાથી અનાયાસે જ બોલી જવાયું.

          “તને સેક્ટર 17 થી કિડનેપ કરવામાં આવ્યો. મતલબ એ સ્ટેશનની ભીડમાં તને સો ટકા પ્રોપોફોલ જ આપવામાં આવ્યું હશે. પ્રોપોફોલ દસ મિનીટથી વધુ અસર નથી કરતુ. જો તને ત્યારબાદ કોઈ અન્ય ડ્રગ્ઝ આપવામાં ન આવ્યું હોય તો આપણે સેકટર 17 થી દસ મિનીટની દુરી પર છીએ. મતલબ આપણે સેકટર 17ની આસપાસ જ ક્યાંક છીએ.”

          “એક મિનીટ...”  એને  અટકાવતાં એનાથી બોલી જવાયું.

          “શું..?”  

          “હું જયારે ભાનમાં આવ્યો ત્યારે એમણે મને ખુબ માર્યો. મને ખુબ ટોર્ચર કર્યો. ઘણા બધા સવાલો પૂછ્યા પણ હું એમના કોઈ સવાલના જવાબ ન આપી શક્યો કેમકે મને ખરેખર એ સવાલોના જવાબ ખબર જ નહોતી. આખરે એ લોકો મને મારી નાખવા તૈયાર થયા. મને મારતા પહેલા એમણે કોઈકને ફોન કર્યો. અને ફોન પર વાત ચિત કર્યા બાદ એમણે અંદરો અંદર ચર્ચા કરી કે મને કોઈ ચુનાવ સુધી જીવતો રાખવાનો છે.”

          “ગુડ” ચાર્મિએ કહ્યું.

          “ગુડ...?”

          “યસ ગુડ.. કેમકે જો તે એમના સવાલોના જવાબ આપી દીધા હોત તો એમણે તને જરૂર મારી નાખ્યો હોત...”

          “હું કાઈ સમજ્યો નહિ..? એમના જવાબ આપી દીધા હોત તો એ મને કેમ મારી નાખત..?”

          “કેમકે એ કોઈ સાધુ સંતો નથી કે તને જવાબો મેળવ્યા બાદ છોડી મુકે... એ કિડનેપર છે. એમને જે સવાલોના જવાબ જોઈએ છે એ નથી મળ્યા એટલે જ તું જીવતો છો ટીચર.”

          ચાર્મિની સમજુતી સંભાળતા જ શ્યામના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.

          “તો હવે..? હું ક્યાં સુધી સલામત છું...?

          “જ્યાં સુધી એમને એમના સવાલોના જવાબો ક્યાંકથી ન મળી રહે, જયારે એ જવાબો મળી જશે તું એમના માટે નકામો થઇ જઈશ અને મને નથી લાગતું કે એ લોકો એટલા દયાળુ હોય કે એક નકામાં માણસ પાછળ સમય અને ખાવા પીવાનું આપી પૈસા વેડફે..”

          “યુ મીન આઈ એમ ઓલરેડી ડેડ...?” શ્યામ તોતડાઈ રહ્યો હતો. એના હ્રદયના ધબકારા વધી ગયા હોય તો કાઈ નવાઈ ન કહેવાય.

          “યસ પણ જો તું બરાબર યાદ કરીને મારા એક બે સવાલોના જવાબ આપી દે તો અહીંથી આપણા જીવતા નીકળવાની શકયતા વધી જશે.” એના અવાજમાં થોડીક આશા લાગતી હતી, “જયારે તને હોશ આવ્યો તું કેવું ફિલ કરી રહ્યો હતો..?”

          “જયારે હું હોશમાં આવ્યો ત્યારે...” એ યાદ કરવા મથ્યો, “મને એકદમ તાજગી ફિલ થઈ રહી હતી...”

          “વોમિટ થતી હતી...?”

          “નહિ.”

          “નાક, ગળા કે ફેફસાંમા બળતર કે ઇચિંગ જેવું ફિલ થતું હતું..?” ચાર્મિએ ફરીથી પૂછ્યું. એના અવાજમાં ઉત્સાહ હતો.

          “ના, મને એમ લાગતું હતું જાણે હું આઠ દસ કલાક સુધી ઊંઘીને ઉઠ્યો હોઉં...”

          “ગુડ. કિડનેપરે તારા પર ક્લોરોફોમનો ઉપયોગ નથી કર્યો. એટલે કે તારા પર માત્ર પ્રોપોફોલનો જ ઉપયોગ થયો છે મતલબ કિડનેપર તને ક્યાય દુર નથી લઇ ગયા આપણે સેક્ટર 17 ની નજીક જ છીએ..”

          “મને કાઈ સમજાયું નહિ.....?”

          “એક મિનીટ...”

          ચાર્મિને કઈક ધ્યાનમાં આવ્યું હોય એમ એ અંદાજ કાઢવા લાગી. “આપણે સેક્ટર 17 થી મેક્સીમમ 30 મિનીટ દુર હોઈ શકીએ...”

          “ત્રીસ મિનીટ...?”

          “હા, કદાચ તારો પાતળો બાંધો જોતાં તું એટલો સમય બેભાન પણ રહ્યો હોય..”

          “હમમ... ભાનમાં આવ્યા પછીની અસર જોઇને તે નક્કી કરી લીધું કે મને પ્રોપોફોલ જ આપવામાં આવ્યું હતું. માનો કે મને સેકટર 17 થી એ લોકો દસ મિનીટ સુધી કોઈ એક દિશામાં હંકારી ગયા કદાચ એ સમય ૩૦ મિનટ પણ હોઈ શકે. આપણે ક્યા છીએ એ જાણવા માટે આપણે હવે રસ્તામાં કેટલી રેડ લાઈટ આવી હશે અને વહીકલ કેટલી વાર ટર્ન થયું હશે એ પણ જાણવું પડે..” શ્યામે પણ રહસ્યકથાઓ અને જાસુસી કથાઓ વાંચેલી એના આધારે તારણ કાઢ્યું.

          “ગુડ.કીપ ઈટ અપ. અબ તુમ્હારા દીમાગ ભી એક ડીટેકટીવ કી તરહ સોચને લગા હે.” ચાર્મિ ખુશીમાં હિન્દી જ બોલતી. ગુસ્સા અને ખુશીમાં એ એની માતૃભાષા પર પહોચી જતી હતી.

          “રહસ્ય ઔર જાસુસી કિતાબે મેને બહુત પઢી હે ઈસલીયે.” શ્યામે પણ હસીને કહ્યું. બંને વચ્ચે ટૂંક સમયમાં ઘણી વાતો થવા લાગી. માનવ સ્વભાવ જ એવો હોય છે જયારે અંધારી કોટડીમાં એકાએક કોઈ મળે તો એનાથી દોસ્તી થતા સમય નથી લાગતો.

          “વો તો દીખ રહા હે..” ચાર્મિએ કહ્યું, “થોડા કુછ તો સમજ આ રહા હે..”

          “કેસે..?’ એણે ઉત્સુકતાથી પૂછ્યું.

          “મને સેકટર 30 - B થી કિડનેપ કરવામાં આવી હતી - એ પણ ડે લાઈટમાં.”

          “તુમને તો કહા તુમ આર્મિ ડીટેકટીવ હો. તો તુમ ફિર સી.બી.આઈ.મેં ક્યા કર રહી થી..?”

          “લગ તો તુમ રહે હો સી.બી.આઈ. મેં. સેક્ટર-૩૦ B સુનતે હી તુમે કેસે પતા ચલા કી મેં સી.બી.આઈ. ઓફીસ મેં જા રહી થી..?” ચાર્મિએ વેધક નજરે એની સામે જોયું.

          “હું સેફટી મટીરીયલ્સ સપ્લાયરની કંપનીમાં કામ કરતો હતો.. સી.બી.આઈ., પી.જી.આઈ.,  જી.એમ.સી.એચ., ઈમટેક જેવી ગવર્નમેન્ટ ઇન્સ્ટીટ્યુટમા અમારી કંપની  મટીરીયલ્સ સપ્લાય કરતી હતી... ઈન્વોઇસ હું બનાવતો હતો તો મને એ બધી ઇન્સ્ટીટ્યુટ છે એ ખબર હોવી એ કોઈ નવાઈની વાત તો ન જ કહેવાય...” શ્યામ અટકયો, “અબ પી.જી.આઈ., જી.એમ.સી.એચ. સે મુજે ડોક્ટર યા ઈમટેક સે મુજે સાયન્ટીસ્ટ મત માન લેના.”

          શ્યામે ખુલાસાબંધ જવાબ આપ્યો. એનો જવાબ સાંભળી ચાર્મિનો શક ઓગળી ગયો એટલે એણીએ આગળ વાત વધારી.

          “10 નવમ્બરના દિવસે હું પઠાનકોટથી ચંડીગઢ આવી. સેક્ટર-૪૩ થી સીટી બસમા જવા માટે સેક્ટર-૩૦ માટેની બસની વેઇટ કરવો મને ઠીક ન લાગયું કેમકે એ રૂટ પર જલ્દી બસ નથી મળતી. હું ઓટો કરી સી.બી.આઈ. ઓફીસ પહોચી. જયારે હું મારું કામ પતાવી બહાર નીકળી ત્યારે સાંજના ચાર વાગી ગયા હતા. સંડે હતો એટલે મેં વિચાર્યું કે રસ્તામાં પડે છે તો સાઈબાબાના દર્શન કરી લઉં. સાંઈ ટેમ્પલ રસ્તામાં જ છે...”

          “સેક્ટર-29 A...”  શ્યામ બોલ્યો. અર્ચના અને એ મોટા ભાગે ગુરુવારે સેક્ટર-29 Aમાં સાઈ મંદિરે દર્શન કરવા જતા.

          “પુરા ચંડીગઢ ઘૂમ લિયે લગતે હો....” એણીએ મલકાટ સાથે પૂછ્યું.

          “યસ, ચંડીગઢ આવ્યા પછી પંદર વીસ દિવસ નોકરીની તલાશમાં અને ઈન્ટરવ્યું આપવાના ચક્કરમા ચક્કર લગાવતો હતો. અર્ચના સાથે સાઈ મંદિર, સુખના લેક અક્સર જતો. નોકરી મળ્યા પછી કંપનીના કામથી હપ્તામાં ચાર વાર ચંડીગઢના કોઈને કોઈ સેકટરમાં જવાનું થતું.”

          “હમમમ....” ચાર્મિએ પોતાની વાત આગળ વધારી, “હવે મંદિર કાઈ ખાસ દુર નથી એટલે મેં ત્યાં ચાલતા જ જવાનું નક્કી કર્યું. હું સેકટર - 29 A  તરફ ચાલતા જઈ રહી હતી એ જ સમયે પાછળથી એક વેન આવી અને એમાં બેઠેલા એક વ્યક્તિએ મારા પર ગન એન કરી નાખી. હું કોઈ પ્રતિરોધ કરી શકું એ પહેલા જ એમણે મને વેનમાં ખેચી લીધી અને વેનનો દરવાજો બંધ કરી નાખ્યો. હું કઈ ન કરી શકી કેમકે હું બેધ્યાન હતી અને એમના પાસે ગન હતી. મને મારી ગન નીકાળવાનો મોકો જ ન મળ્યો.”

          પોતે થાપ ખાઈ પકડાઈ ગઈ એ વાત કહેતી વખતે પણ ચાર્મિના સુંદર નાક પર ગુસ્સાની લાલાસ તરી આવી.

          “ફિર..?”

          “મારા મોં પર ડકટ ટેપ લગાવી દેવાઈ. મારા હાથ પણ એવી જ ટેપ વડે મારી પીઠ પાછળ બાંધી દેવામાં આવ્યા. મને એમણે એક સીટ નીચે દબાવી નાખી. મને કઈ દેખાતું નહોતું. એ ત્રણ માણસો હતા. મેં વેન કેટલો સમય કઈ તરફ ચાલે છે એ અંદાજ લગાવ્યો. દસેક મિનીટ જેટલો સમય ગાડી સીધી ચાલી ત્યાર બાદ ગાડી લેફટમા વળી... એ પછીની પાંચેક મિનીટ ગાડી સીધી ચાલતી રહી અને સ્લો થઇ રાઈટમા વળી....”

          “તને કઈ રીતે ખબર પડી કે વેન લેફ્ટમા ક્યારે વળી અને ક્યારે રાઈટમા...?” શ્યામે એને એકાએક અટકાવી.

          “મેને તીન સાલ ટ્રેનીંગ લી હુયી હે જનાબ. ગડ્ડીમેં લગે છોટે જર્ક સે હી મુજે પતા ચલ જાતા હે કી ગડ્ડી લેફ્ટ મૂડી યા રાઈટ.” ચાર્મિ ફરી હસી. શ્યામને એ જ સમજાતું નહોતું કે ચાર્મિ એટલી શાંત કઈ રીતે રહી શકતી હતી.

          “એક મિનીટ...” શ્યામને કંઇક યાદ આવ્યું હોય એમ એ બોલ્યો.

          “શું..?”

          “તુ સી.બી.આઈ. ઓફીસથી સાઈમંદિર તરફ જઈ રહી હતી. વેન તારા પાછળના ભાગેથી આવી. હવે તારા અપહરણ પછી વેને યુ - ટર્ન લીધો હોત તો તને ખબર પડી ગઈ હોત. તુ સેક્ટર 30 B થી 29 A જઈ રહી હતી પણ તુ સેક્ટર 30 B ના રોંડ પર ચાલતી હતી. એ સેક્ટરના અંદરનો રસ્તો છે માટે મારા ખ્યાલથી વચ્ચે કોઈ જ રેડ લાઈટ આવતી નથી કે કદાચ નાનકડી રેડ લાઈટ આવી હશે – મને એ રૂટની રેડ લાઈટ બરાબર તો યાદ નથી પણ જો નાનકડી લાઈટ આવી હશે તો પણ એ જંપ કરવામાં વેનને કોઈ મુશ્કેલી થાય એમ નથી.” શ્યામ અટક્યો, એણે પ્રશ્નાર્થ નજર ચાર્મિની આંખોમાં કરી.

          એ આંખો જાણે કહી રહી હતી કે હા, તું જે કહી રહ્યો છે એ મને સમજાઈ રહ્યું છે       

          “હું પૂર્વ માર્ગ અને સુખના પથની વચ્ચેના સમાંતર રોડ જેને ચંડી પથ કહે છે એની વાત કરી રહ્યો છું. જો ત્યાં રેડ લાઈટ હોત તો એ જંપ કરવી મુશ્કેલ હતી. સી.બી.આઈ. ઓફીસથી ત્યાં સુધી પહોચતા વેનને 5 મિનટ થઇ હશે. ત્યાં વેન રોકાઈ નહિ કે ટર્ન પણ ન લીધો મતલબ ત્યાં સિગ્નલ ક્લીયર હશે. રેડ લાઈટ નહિ હોય એટલે વેન આગળ નીકળી ગઈ. એ સાઇ મંદિર પાસેથી પસાર થઇ એ પછીની પાંચ મીનીટમાં પૂર્વમાર્ગ પર આવી. ત્યાંથી વેન ડાબી બાજુ વળી અને પાંચ મિનટ પછી વેન જમણી તરફ વળી દક્ષીણ માર્ગ અને ઈલાન્ટે મોલના વચ્ચેવાળા રસ્તાથી નીકળી. એ પછી કેટલો સમય વેન ચાલતી રહી..?”  

          ચાર્મિ શ્યામનું અંદાજીકરણનું જ્ઞાન જોઈ સ્તબ્ધ થઇ ગઈ હતી.

          “10-15 મિનીટ. પણ એ 10-15 મિનીટમા વેને ત્રણ ચાર વાર વળાંક લીધા. પછી વેન એક આંચકા સાથે ઉભી રહી ગઈ હતી. મારી આંખો પર પટ્ટી બાંધી નાંખવામાં આવી. એ પછી મને વેનમાંથી ખેચીને બહાર નીકાળી હતી. સીડી ઉતરતી વખતે મેં કો-ઓપરેટ ન કર્યું એ માટે એમણે મને ટોર્ચર કરી અને એના પછી જે થયું એ તને પણ ખબર છે.”

          “અભી તીન ચાર બાર યહા પર ભી ટોર્ચર કરેંગે. સવાલ કરેંગે. ફિર ધીરે ધીરે ટોર્ચર કમ હો જાયેગા.” શ્યામે ઉદાસ થઇ કહ્યું. ઉદાસીમાં એ પણ ચાર્મિની ભાષામાં વાત કરી રહ્યો હતો. જોકે એ આપણા બધાની રાષ્ટભાષા છે એટલે એમાં વાત કરવી કોઈ માટે મુશ્કેલ નથી હોતું - ખાસ કરી કોઈ શિક્ષક કે ટ્યુટર માટે તો નહિ જ. એક ગ્રેજ્યુએટ વ્યક્તિ માટે તો બિલકુલ નહી.

          “ખબર છે હજુ તો એ લોકો બહુ ટોર્ચર કરશે...” ચર્મીએ એ શબ્દો પણ હસીને કહ્યા ત્યારે શ્યામને લાગ્યું આ છોકરી ચોક્કસ પાગલ છે.

          “મને લાગે આપણે ઉદ્યોગિક એરિયા ફેઝ-વનમાં છીએ. કદાચ કોલોનીમાં કે દરિયામાં પણ હોઈ શકીએ.. તુમ્હે ક્યા લગતા હે....?”

          “તેરા અંદાજા બિલકુલ સહી હે પર તીનમેં સે કોનસે એરિયામેં હોંગે વો પતા નહિ ચલ રહા હે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-વનની કોઈ પણ બંધ ફેક્ટરીમાં પણ એ લોકો આપણને રાખી શકે. કોલોનીના કોઈ મકાન કે દરિયાના જંગલ પાસેના કોઈ ફાર્મહાઉસ પર પણ હોઈ શકીએ.. ત્રણે જગ્યાએ કોઈને કિડનેપ કરી રાખવું સહેલું અને  સલામત છે.”

          “ચલો તીનમેં સે કહી પે ભી હો પર હમ ચંડીગઢમેં હે, હમ સેક્ટરોમેં નહિ હે. કમ-સે-કમ હમ રેલ્વે સ્ટેશનસે નજદીક હે.” શ્યામ એટલું બોલી હસ્યો.  

          કદાચ શ્યામને ખબર હતી કે ભાગીને રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જવું એકદમ સલામત અને એકદમ રિસ્કી બંને હતું. સલામત એટલા માટે કે  ભીડ અને એકાદ બે પોલીસમેનની હાજરીનો લાભ મળે. રિસ્કી એટલા માટે કે કિડનેપર સૌથી પહેલા ત્યાંજ તૈયાર હોય કેમકે એ જાણતા હોય કે કેદમાંથી ભાગનાર વ્યક્તિ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જ જશે.

          ચાર્મિ પણ હસી. એ પણ એવુ જ વિચારતી હોય એમ શ્યામને એના હસવા પરથી લાગ્યું.

          “યહાં સે ભાગ કે કહા જાના વો આનેવાલે સમય પે નિર્ભર રહેગા. હમ ભાગકે બહાર નીકલતે હે તબ હમ તીનમેં સે કોનસી જગહપે હે ઔર બહાર કિતને આદમી હોગે? ઔર હમારે પીછે કિતને આયેંગે? ઇન ચીજોકે હિસાબ સે હમે ઉસ વક્ત તય કરના પડેગા.”

          એમણે મોટાભાગનો અંદાજ લગાવી લીધો હતો બસ હવે બહાર નીકળવા કોઈ પ્લાનની જરૂર હતી અને એ કામમાં ચાર્મિ માહિર હતી – કમસેકમ આજ સુધી તો એ આ કામમાં માહેર રહી હતી.

          શ્યામ અને ચાર્મિ વિચારોમાં ખોવાઈ ગયા.