Udta Parinda - 13 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 13









સુમિત્રાના મનમાં રહેલો ડર ધીમે-ધીમે વધી રહ્યો હતો. હોલમાં ઉભાં રહીને આંશીના રૂમ તરફ જેવી નજર કરી ત્યાં આંશી અરીસા આગળ ઉભી રહીને પોતાનાં હાથમાં રહેલાં ડ્રેસને બતાવીને વાતો કરી રહીં હતી. સુમિત્રાના મનમાં આંશીની માનસિક સ્થિતિ વિશે સતત ચિંતા વધી રહીં હતી. " હું કેવી લાગું છું ? " આછા પીળા રંગનો ડ્રેસ પહેરીને એકદમ સિમ્પલ તૈયાર થયેલી આંશીએ પોતાનો દુપટ્ટો સરખો કરતાં અધિકને સવાલ કર્યો. " જાણે આકાશમાંથી ઉતરી આવેલી કોઈ જાદુઈ પરી. " આંશી તરફ એકીટશે નજર કરતાં અધિકે એની વાતનો જવાબ આપ્યો. " દર વખતે એક જ બોરિંગ કોમ્પલીમેન્ટ આપવાનું ? " અધિકનો જવાબ સાંભળીને આંશીએ મોઢું મચકોડીને કહ્યું.

" એની નિર્મળ આંખોમાં ચહેરો દેખાય મારો,
‌ એવી આંશીને પામનાર હું યુવક અણગારો. "

અધિકે થોડાં શાયરાના અંદાજે આંશીના વખાણ કરતાં કહ્યું. " તારી આ બધી શાયરીઓ મારા આ નાનકડાં મગજની સમજ બહાર છે. મને કેમ, એવું લાગ્યું કે, તે પોતાનાં જ વખાણ કર્યા ? " આંશીએ મગજ પર થોડું જોર આપીને એને સમજવાનો પ્રયત્ન કરતાં કહ્યું. આંશીની વાત સાંભળીને અધિક હસવા લાગ્યો.

આંશીનો ફરીથી રણક્યો, " હેલ્લો! હા આપનો ખુબ ખુબ આભાર.‌ હું બસ નીકળી રહીં છું. " આંશીએ ફોન કાપી નાખ્યો અને ફરીથી ચહેરા પર થોડી ઉદાસી છવાય ગઈ.‌ " દર વખતે જન્મદિવસ પર આપણે સાથે સેલિબ્રેશન કરતાં અને બહું ઈન્જોય પણ કરતાં. એક જ દિવસમાં સમય અને લાગણી બધું જ બદલાઈ ગયું. તું મારાથી દુર જતો રહ્યો અને બસ તારી આ યાદી મારા હાથમાં રહી ગઈ. " આંશીએ હાથમાં પહેરેલી ડાયમંડ રિંગ તરફ નજર કરીને અધિકને સવાલ કર્યો.

એકાએક ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો. થોડાં ગંભીર પગલે સુમિત્રા દરવાજા તરફ આગળ વધી. જેવો દરવાજો ખોલ્યો ત્યાં, અભિમન્યુ દરવાજાની બહાર ઉભો હતો. અભિમન્યુને જોતાં સુમિત્રાના જીવમાં જીવ આવ્યો. " સારૂં થયું બેટા તું આવી ગયો. મને આંશીની વધારે ચિંતા થઈ રહીં છે. આજ સવારથી એ ઉઠી ત્યારે થોડી ખુશ હતી.‌એના ચહેરાં પરની ખુશી જોતાં મને પણ ઘણો આનંદ થયો. જાણે ભગવાન આંશીની સાથે મારી પણ પરિક્ષા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મારી દિકરીનાં ચહેરા ખુશી જોઈ પણ એ ખુશી એનાં મગજ પર કોઈ અવળી અસર તો નહીં કરે ? " સુમિત્રાએ પોતાની ચિંતા અભિમન્યુની સામે વ્યક્ત કરતાં કહ્યું. " આન્ટી તમે ચિંતા નહીં કરો. એક બે દિવસ રાહ જોઈએ નહીં તો, કોઈ સારા ડોક્ટર પાસે આંશીને લઈ જઈએ. " અભિમન્યુએ ઘરમાં પ્રવેશ કર્યો અને સુમિત્રાની ચિંતા જોઈ એને આશ્વાસન આપતાં કહ્યું. હોલમાં ઉભેલાં અભિમન્યુએ થોડી ત્રાંસી નજર કરીને આંશીના રૂમ તરફ ડોકું કાઢ્યું, ત્યાં આંશી પલંગ પર બેસીને હાથમાં રહેલી ડાયમંડ રિંગ સાથે વાતો કરી રહીં હતી.

આંશી ઉભી થઇ અને પોતાના ડ્રેસને વારંવાર અરિસામાં જોયા કરતી હતી. " તમે તૈયાર છો ? " અભિમન્યુએ આંશીના રૂમની બહાર આવીને કહ્યું.‌ " હા એકદમ તૈયાર છું. તમે કેમ અહિયાં ? " આંશીએ એકાએક દરવાજે આવેલાં અભિમન્યુને સવાલ કર્યો. " અનાથ આશ્રમમાં બધાં બાળકો તૈયાર થઈને બેઠાં છે. સવારથી તમારા આવવાની રાહ જોઈને બાળકો દરવાજે નજર ટકાવીને બેઠાં છે. " અભિમન્યુએ આંશીના સવાલનો જવાબ આપ્યો. અભિમન્યુએ એનું થોડું બદલાયેલું વર્તન પણ નોટિસ કર્યું. " તમે પણ અમારી સાથે આવવાનાં છો ? " આંશીએ અરિસામાં જોઈ અને કપાળમાં નાનકડી બિદી લગાડતાં અભિમન્યુને સવાલ કર્યો.

" અનાથ આશ્રમનાં બાળકોને જમવાની એ બધી વ્યવસ્થા મારી ઉપર છે, એટલે મારૂં પણ અનાથ આશ્રમ આવવું જરૂરી છે. " અભિમન્યુએ કાંડે બાંધેલી ઘડિયાળ તરફ નજર કરીને આંશીના સવાલનો જવાબ આપ્યો. થોડાં ઉદાસ ચહેરા સાથે આંશી અભિમન્યુ સાથે અનાથ આશ્રમ જવા માટે તૈયાર થઈ. જેવો ઘરની બહાર પગ મુક્યો, ત્યાં બે પોલિસ કોન્સ્ટેબલ આંશીના ઘરની રખવાળી કરીને બેઠાં હતાં. અભિમન્યુને જોતાં વ્હેંત એણે સલામ કરી.‌ અભિમન્યુએ દરવાજો ખોલ્યો અને આંશી પાછળની સીટ પર બેઠી. અભિમન્યુએ ગાડી ચલાવી અને ગાડી ઈન્દિરા સર્કલ પાસે આવી પહોંચી. આગળ કોઈનું અકસ્માત થયું હોવાનાં કારણે આખા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ચોતરફ ગાડીના હોર્ન સંભળાય રહ્યાં હતાં.


બારીની બહાર આવીને એક બાળકીએ ટકોર કરી. આંશીએ બારીનો કાચ ખોલ્યો ત્યાં બારીની બહાર એક દસેક વર્ષની ઉંમરમાં લાગી રહીં હતી,એવી બાળકીએ હાથમાં રહેલું ગુલાબનું ફુલ આગળ કર્યું. " દીદી આજ સવારની બોણી નથી થઈ. એક ગુલાબ ખરીદી લ્યો, સુગંધિત અને ફ્રેશ છે. " પેલી બાળકીએ હાથમાં રહેલાં ગુલાબને આંશી તરફ આગળ કરતાં કહ્યું. બાળકીનો માસુમ ચહેરો તડકામાં પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. જીવનમાં ગરીબી હસતાં રમતાં નાના બાળકના હાથમાં રહેલાં રમકડાંની જગ્યાએ ઘર ચલાવવાની અને પેટ ભરવાની જવાબદારી માથે આવી પડે છે. " સર પ્લીઝ આ ગુલાબ લઈ લ્યો, તમારી પત્નિ કે પ્રેમીકા એકદમ ખુશ થઈ જશે. માથામાં નાંખવાની મોગરાની વેણી પણ છે. ઘરમાં કોઈપણ નાનો મોટો ઝઘડો થયો હોય તો, પત્નિને ખુશ કરવાનો સૌથી સારો ઉપાય છે. " એક અઠવાડિયા પહેલાં જ્યારે આંશી અને અધિક ગાડીમાં બેસીને ફરવા માટે નીકળ્યાં ત્યારે આવા જ એક સર્કલ પર રહેલાં બાળક પાસેથી ગુલાબ ખરીદીને અધિકે આંશીને આપ્યું હતું.

" ક્યારેય મોલ પરથી શોપિંગ કરી શકીએ કે ન કરી શકીએ પણ આવા નાના બાળકો પાસેથી કાંઈક ને કાંઈક જરૂરથી ખરીદી કરવી. ખબર નહીં લોકો જ્યારે મોલમાં મોંધી બ્રાન્ડના કપડાં ખરીદે, દસ હજારનાં પગમાં પહેરવાના બુટ ખરીદે પણ જ્યારે આવા કોઈ બાળકોને જુએ ત્યારે વીસ રૂપિયાનાં એક ગુલાબ માટે ભાવતાલ કરે છે. ખરેખર એ વ્યક્તિ કરતાં આ ગુલાબ વેચનારા બાળકોનું હ્દય મોટું હોય છે. એનાંથી વધારે અમીર આ બાળકો હોય છે." આંશીના હાથમાં ગુલાબ આપીને અધિક એને આવા નાના બાળકોની પરિસ્થિતિનું વર્ણન કરતાં સમજાવી રહ્યો હતો.

" શું જુએ છે ? " મૌન બનીને જોઈ રહેલી આંશીના ચહેરાં તરફ નજર કરીને અધિકે સવાલ કર્યો. " તારી આવી સમજદારી ભરેલી વાતો સાંભળું છું. હું મારી જાતને બહું નસીબદાર માનું છું કે, મને તારા જેવો જીવનસાથી મળ્યો. " અધિકના નિર્મળ ચહેરાં તરફ નજર ટકાવીને આંશી જોઈ રહીં હતી.

" એ બધાં ગુલાબ હું ખરીદી કરીશ.‌આ રહ્યા તારા પૈસા. " અભિમન્યુએ ગુલાબનાં ફૂલ વેચનાર બાળકી તરફ હસતાં મોઢે એનાં હાથમાં પૈસા આપીને કહ્યું. " સાહેબ છુટા પૈસા નથી. " અભિમન્યુએ આપેલી બે હજારની નોટ તરફ ઈશારો કરીને પેલી બાળકીએ પોતાનાં કોમળ અવાજે કહ્યું. " પૈસા પાછા પરત નહીં જોઈતાં એમાંથી તારે જોઈતી વસ્તુની ખરીદી કરજે. " અભિમન્યુએ પેલી બાળકીનાં માસુમ ચહેરાં તરફ જોતાં કહ્યું. અભિમન્યુની વાત સાંભળીને પેલી બાળકી ખુશ થઈ અને રોડ પર કુદકા મારવા લાગી. " દીદી ગુલાબ " પેલી બાળકીએ આંશીને ગુલાબ આપ્યું અને આંશી વર્તમાનમાં આવી ગઈ. ત્યાં જ સિગ્નલ ચાલુ થઈ ગયું, ગ્રીન લાઈટ પર નજર કરીને અભિમન્યુએ ગાડીને આગળ ચલાવી.

ગાડી ' અનમોલ રત્ન ' આનાથ આશ્રમનાં દરવાજે આવીને ઉભી રહીં. " દીદી અને ભૈયા આવી ગયા...આવી ગયાં...ભૈયા આવી ગયાં. " દરવાજા બહાર જેવી ગાડી ઉભી ત્યાં, અંદરથી બાળકોનો અવાજ સાંભળાવા લાગ્યો. બાળકો બધાં દોડીને દરવાજે આવી પહોંચ્યા. હેપ્પી બર્થડે લખેલી કેપ પહેરી અને રંગબેરંગી નવા કપડાં પહેરીને બધાં બાળકો દરવાજે આવી પહોંચ્યા. આંશી જેવી ગાડીમાંથી બહાર ઉતરી, ત્યાં " દીદી આવી ગયાં, ' હેપ્પી બર્થડે ', ભૈયા હેપ્પી બર્થડે ". આગળનો દરવાજો જેવો ખુલ્યો ક, બધાં બાળકો અધિકને જન્મદિવસની શુભકામનાઓ આપવા લાગ્યાં.

ગાડીમાંથી અધિક ન ઉતર્યો પણ એનાં બદલે અભિમન્યુ બહાર આવ્યો. બધાં બાળકોને એકાએક આશ્ચર્ય થયો અને એકબીજાનાં ચહેરા પર જોવાં લાગ્યાં. એ બાળકોનાં મનમાં રહેલાં સવાલનો જવાબ આપવા આંશી પાસે હિમ્મત નહોંતી. " દીદી ભૈયા ક્યાં છે ? " ત્યાં ઉભેલાં બાળકો માંથી એક બાળકી આગળ આવીને એણે સવાલ કર્યો. આંશી એનો જવાબ ન આપી શકી.

" બેટા અધિક ભૈયા એક જરૂરી મિશન પર ગયાં છે, આજે તમારી સાથે નહીં આવી શકે, પણ કોઈએ ઉદાસ થવાની જરૂર નથી આપણે એકદમ ધુમધામથી અધિક ભૈયાના જન્મદિવસની ઉજવણી કરવાની છે. ચાલો બધાં અંદર. " નાની બાળકી પાસે જમીન પર બેસીને અભિમન્યુએ એનાં માથાં પર હાથ ફેરવતાં કહ્યું. બધાં બાળકો આંશી અને અભિમન્યુ સાથે આશ્રમમાં પરત ફર્યા.

" ચાલો બાળકો આપણે એક ગેમ રમીએ. જે બાળકો વિજેતા બનશે એને ગીફ્ટ આપવામાં આવશે. બધાં તૈયાર છો ? " અભિમન્યુએ એકાએક ઉત્સાહથી બાળકોને પ્રશ્ન કર્યો. " બધાં બાળકોએ એકાએક કુદાકુદ કરીને હા પાડી. " પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળો, આ રમતમાં દરેક બાળકને એક એક ચિઠ્ઠી આપવામાં આવશે. અહિયાં આ સ્પિનીગ બોર્ડ પર એક એક નંબર સાથે જોડાયેલી ગેમ હશે એ ગેમમા વિજેતા બનનારને ઈનામ આપવામાં આવશે. " અભિમન્યુએ પડદાંથી ઢાંકેલા બોર્ડને ખુલ્લો મુકાયો અને બાળકોને ખેલના નિયમો સમજાવી રહ્યો હતો.

બાળકો વારાફરતી એ બોર્ડ પર આવેલાં નંબરની ચિઠ્ઠી સાથે મળતી આવતી ગેમ રમી રહ્યા હતા. આખરે બધાં બાળકોને અભિમન્યુએ ગીફ્ટ આપ્યું. " દીદી કેક ખાવા માટે ક્યારે મળશે ? " એક નાનકડી બાળકી આંશી પાસે આવીને સવાલ કર્યો. " તમારી બધાંની ગેમ પુરી થઈ ગઈ છે, હવે આપણે કેક કાપીએ. " આંશીએ બાળકીના માથા પર હાથ ફેરવતાં પ્રેમથી કહ્યું. બાળકોને ક્દાચ પહેલા આટલા ખુશ આંશીએ જોયાં નહોતાં. " આજે તે મને મારી જીંદગીનું સૌથી મોટું ગીફ્ટ આપ્યું છે. " આંશીના કાન પાસે આવીને એકાએક અધિક બોલ્યો. આંશીની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.

" હેપ્પી બર્થડે અધિક! આ ગીફ્ટ મારા માટે પણ બહું યાદગાર છે. " આંશીએ મનોમન અધિકને કહ્યું. આશ્રમની બહાર ગાડી આવીને ઉભી રહી. ગાડીમાંથી રોમા અને જયકાર નીચે ઉતર્યાં. બધાં બાળકો અને આંશીને થોડો આશ્ચર્ય થયો. રોમાએ પાછળની ડેકીમાંથી કેક બહાર કાઢી અને અંદર ઉંચકીને લઈ આવી. " આઈ લવ યુ ઓલ. " કેક પર મોટા અક્ષરે નામ લખ્યું હતું. જયકારે આંશીના હાથે કેક કાપવાનો ઈશારો કર્યો.

આંશીએ બધા બાળકોની સાથે ચાકુ વડે કેક કાપી. કેક કાપતી સમયે આંશીના આંખમાં પાણી આવી ગયાં. એક તરફ બધાં બાળકોનાં ચહેરાં પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. બધાંને કેક પીરસવામાં આવી અને બાળકો હોંશે હોંશે એનો સ્વાદ માણી રહ્યા હતા. " આજે અધિક આપણી વચ્ચે નથી પણ, આ બાળકોનાં ચહેરાં પર ખુશી લાવનાર અધિક છે. નહીંતર આજકાલની યુવા પેઢીને જન્મદિવસની ઉજવણી કરવા માટે કોઈ હોટેલ કે, પાર્ટી ક્લબમાં મિત્રો સાથે મોજ મસ્તી કરે છે. પોતાની પહેલાં આવા માસુમ બાળકનું વિચાર કરીને એનાં ચહેરા પર ખુશી લાવે એવી તદ્દન ભિન્ન વિચારધારા ફક્ત અધિકની જ હતી. આજે આ બાળકોના ચહેરા પરની ખુશી અધિકની આત્માને વધુ શાંતિ આપશે. " જયકારે બાળકો તરફ ઈશારો કરીને આંશીને કહ્યું.

" એ હરહંમેશ જ્યારે બહાર જતો કોઈપણ કામ અર્થે ત્યારે બાળકોને મળવા માટે આવતો, એનાં માટે ગીફ્ટ અને ચોકલેટ લઈને આવતો. આ બધાં બાળકો અધિકના દિલમાં વસેલાં હતાં. " આંશીએ આંખમાં આવેલાં આંસુને રોકીને જયકારની વાતનો જવાબ આપ્યો. " દીદી આ કાર્ડ અમે ભૈયા માટે બનાવ્યું હતું, તમે એમને આપી દેશો ? " બધાં બાળકોએ આંશી પાસે આવીને કાર્ડ આગળ કરતાં કહ્યું. આંશીએ માથું ધુણાવીને હા પાડી. બધાં બાળકોએ આંશીના હાથમાં કાર્ડ આપ્યું. આંશીએ બધાં કાર્ડને છાતી સરખાં ચાંપી દીધાં.‌ એ અધિકને યાદ કરી રહીં હતી.‌

" દીદી અમારે બધાને અધિક ભૈયા સાથે ફોન પર વાત કરવી છે. " આશ્રમનાં બાળકોમાંથી એક નાનકડો બાળક આંશી આપે આવ્યો અને એની કાલીઘેલી ભાષામાં કહ્યું. એ બાળકનાં શબ્દો આંશીના હદય પર ભરેલો બોજ વધારી રહ્યાં હતાં.‌ " બેટા અધિક ભૈયા તો બહાર ગયા છે, એટલે ફોન નહીં ઉપાડી શકે પણ આપણે એને વોઈસ મેસેજ મોકલી શકીએ. તમારે બધાને જે કહેવું હોય એ તમે અહિયાં કહીં શકો છો. " અભિમન્યુએ આંશીના ચહેરા તરફ નજર કરી અને એની વ્યથા સમજીને વધુ દુઃખ ન પહોંચે એ માટે એક યુક્તિ શોધી કાઢી અને પોતાનો ફોન બાળકો સામે રાખીને કહ્યું.

" હેપ્પી બર્થડે અધિક ભૈયા! અમે બધાએ આજે બહું જ મજા કરી. કેટલી બધી ગેમ રમી અને અભિમન્યુ ભૈયાએ અમને ગીફ્ટ પણ આપી છે. રોમા દીદી બહું જ સરસ કેક લઈને આવ્યાં હતાં. અમે બધાએ ખુબ મજા કરી પણ તમારી બહુ જ યાદ આવે છે. તમે જ્યારે પણ ઘરે પરત ફરો ત્યારે અમને બધાંને જરૂરથી મળવા માટે આવજો. અમે બધા તમને બહું યાદ કરી રહ્યાં છે. " બાળકોએ પોતાનો પુરેપુરો ઉત્સાહ અને આનંદ અધિકને વ્યક્ત કર્યો અને છેલ્લે તેઓ પણ થોડાં ઉદાસ બની ગયાં. અભિમન્યુએ પોતાનાં ફોન એ વોઈસ નોટ સેવ કરી. બધાં બાળકોને ભેટીને આંશી રડવા લાગી અને સાથોસાથ ત્યાં ઉભેલાં બધાંનાં ચહેરાં પર થોડી ઉદાસી છવાય ગઈ.

" ચાલો બાળકો આપણે જલ્દીથી પાછા મળીશું. " અભિમન્યુએ બધાં બાળકોને ભેટીને કહ્યું. આંશીએ પણ બાળકોને ખુબ વ્હાલ કર્યો અને તેને અલવીદા કહ્યું. અભિમન્યુની ગાડીમાં આંશી બેઠી અને ઘર તરફ આવવાં માટે રવાનાં થયાં. " અધિકનુ અધુરૂં રહેલું કામ શું છે ? " આંશીએ ગાડી ચલાવી રહેલાં અભિમન્યુને એકાએક સવાલ કર્યો. અભિમન્યુએ આંશીનો સવાલ સાંભળીને એકાએક ગાડીને બ્રેક મારી.

આંશીએ વારંવાર અધિક દેખાય છે, એ ફક્ત એનો ભ્રમ હશે કે હકીકત ? અધિકનુ અધુરૂં રહેલું કામ શું હશે? આંશીનો સવાલ સાંભળીને અભિમન્યુ શું કહેશે ? જોઈએ આગળનાં ભાગમાં.

એ આખી દુનિયાનો અલવિદા કહી ગયો,
અમર બનીને બાળકોનાં હૈયે વસી ગયો.


ક્રમશ....