Mara Swapnnu Bharat - 9 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 9

પ્રકરણ નવમુ

હડતાળો

આજકાલ હડતાળો રાજની થઈ પડી છે. તે વર્તમાન અશાંતિની નિશાની છે. અનેક પ્રકારના અસ્પષ્ટ અને અનિશ્વિત વિચારો વાતાવરણમાં ફેલાયેલા છે. અનિશ્વિત આશા બધાને પ્રોત્સાહન આપે છે ખરી,પરંતુ જો તે નિશ્ચિત આકાર નહીં લે તો લોકો ખૂબ નિરાશ થઈ જશે. બીજા દેશોની માફક હિંદુસ્તાનમાં પણ મજૂરવર્ગ એવા લોકોની દયા પર નિર્ભર છે, જેઓ પોતે સલાહકાર અને માર્ગદર્શક બની બેસે છે. આવા લોકો હંમેશાં ચોકસ સિદ્ધાંતવાળા નથી હોતા અને કદાચ હોય છે તો તેમનામાં ડહાપણનો અભાવ હોય છે. મજૂરોમાં પોતાની સ્થિતિ વિષે અસંતોષ છે.

તેમના અસંતોષ માટે પૂરતાં કારણો છે. તેમને એમ શીખવવામાં આવે છે, અને તે યોગ્ય પણ છે, કે માલિકોને ધનવાન બનાવવામાં મુખ્ય સાધનરૂપ તેઓ જ છે. એમ હોવાથી તેમની પાસે હડતાળ પડાવવામાં ઝાઝો પ્રયત્ન કરવો પડતો નથી, દેશની રાજકીય પરિસ્થિતિની પણ દેશના મજૂરો પર અસર થવા લાગી છે. અને રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે હડતાળો પડાવી શકાય છે એમ માનવાવાળા મજૂર-નેતાઓનો પણ તોટો નથી.

મારા અભિપ્રાય મુજબ આવા હેતુ માટે મજૂર-હડતાળોનો ઉપયોગ કરવો એ ગંભીર ભૂલ ગણાશે. હું એમ નથી કહેતો કે આવી હડતાળોથી રાજકીય હેતુ સિદ્ધ ન થઈ શકે. પણ એ હડતાળોને અહિંસક અસહકારની યોજનામાં સ્થાન ન હોય. જ્યાં સુધી મજૂરો દેશની રાજકીય પરિસ્થિતિ ન સમજે અને સૌના કલ્યાણને માટે કામ કરવા તૈયાર ન થાય, ત્યાં સુધી તેમનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવો એ ઘણું જોખમ-કારક છે, એટલું સમજવા માટે બહુ મગજ કસવાની જરૂર ન પડવી જોઈએ. તેઓ પોતાની હાલત સુધારીને પોતાનું ભરણપોષણ સારી રીતે કરી ન શકે ત્યાં સુધી તેમની પાસેથી એકાએક એવી તૈયારીની આશા રાખવી નકામી છે.

મજૂરો સૌથી શ્રેષ્ઠ રાજકીય ફાળો એ આપી શકે કે તેઓ પોતાની હાલત સુધારે, પરિસ્થિતિને વધુ સમજે, પોતાના અધિકારોનો આગ્રહ રાખે અને જે માલ તૈયાર કરવામાં તેઓ આટલો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેના યોગ્ય ઉપયોગની માલિકો પાસે માગણી કરે તેથી મજૂરો ઉધોગમાં ભાગીદાર તરીકેનો દરજજો મેળવે તેમાં તેમનો સાચો વિકાસ છે.

તેથી હમણાં તો હડતાળો મજૂરોની પરિસ્થિતિ સુધારવા પૂરતી જ હોવી જોઈએ, અને જ્યારે તેમનામાં દેશભક્તિની ભાવના પેદા થાય,ત્યારે તેમણે ઉત્ન્ન કરેલા માલની કિંમત પર નિયંત્રણ મૂકવા તેઓ હડતાળ પાડી શકે.

સફળ હડતાળોની શરતો બહુ સાદી છે. અને તે પૂરી થતાં હડતાળ કદી નિષ્ફળ જતી નથી :

૧. હડતાળનું કારણ વાજબી હોવું જોઈએ.

૨. હડતાળિયાઓમાં વ્યાવહારિક એકતા હોવી જોઈએ.

૩. હડતાળમાં ભાગ ન લેનારાઓ સામે હિંસાનો ઉપયોગ ન થવો જોઈએ.

૪. હડતાળિયાઓમાં હડતાળના દિવસો દરમ્યાન મહાજનના ફંડ ઉપર આધાર રાખ્યા વિના પોતાનો નિર્વાહ કરવાની શક્તિ હોવી જોઈએ અને તે માટે તેમણે કોઈ ઉપયોગી અને ઉત્પાદક હંગામી ધંધો કરવો જોઈએ.

૫. હડતાળિયાઓની જગ્યાએ કામ કરવાવાળા બીજા મજૂરો પૂરતા પ્રમાણમાં હોય ત્યારે હડતાળનો ઉપાય નિષ્ફળ નીવડે છે. તે પરિસ્થિતિમાં જો અન્યાયી વર્તન ચલાવવીમાં આવતું હોય, પગારો ઓછા હોય, અથવા એવું કોઈ બીજું કારણ હોય, તો રાજીનામું એ તેનો એકમાત્ર ઉપાય છે.

૬. ઉપરોક્ત બધી શરતો પૂરી ન થઈ હોય તેવા સંજોગોમાં પણ સફળ હડતાળો થઈ છે. પરંતુ તે પરથી તો એટલું જ સાબિત થાય છે કે કાં તો માલિકો કમજોર હતા અથવા પોતે કરંલા અન્યાયને કારણે તેમનું દિલ ડંખતું હતું. ઘણી વાર આપણે ખોટાં ઉદાહરણોની નકલ કરીને ભયંકર ભૂલો કરીએ છીએ. આપણને જેનું પૂરતું જ્ઞાન ભાગ્યો જ હોય તેવાં ઉદાહરણોની નકલ કરવી, પણ સફળતા માટે જે શરતો આવશ્યક છે એમ માનતા હોઈએ તેમનું પાલન કરવું, એ સૌથી સુરક્ષિત માર્ગ છે. ૨

વજૂદવાળાં-કારણો વિના હડતાળ પાડવાની ન હોય. કોઈ પણ અન્યાયી હડતાળ સફળ ન થવી જોઈએ. એવી હડતાળો તરફ જનતાની સહાનુભૂતિ ન હોય.

જનતાનો વિશ્વાસ જેમણે સંપાદન કરેલો છે, એવી વ્યક્તિઓનો ટેકો હોય, તે સિવાય, હડતાળના ગુણદોષમાં ઊતરી તેને વિષે અભિપ્રય આપવાનું જનતા પાસે બીજું સાધન નથી, તેથી બન્ને પક્ષોએ સ્વીકારેલા પંચ મારફતે લવાદી ચુકાદો અથવા કાયદાની અદાલતનો ચુકાદો મેળવવો જોઈએ. સામાન્યપણે બન્ને પક્ષ લવાદીનો અથવા કાયદાની અદાલતના ચુકાદાનો સ્વીકાર કરે છે, ત્યારે હડતાળનાં કારણો અથવા મુદા જનતાની નજરે ચડતાં નથી. તુમાખીવાળા માલિકોએ લવાદના ચુકાદાને અવગણ્યાના અથવા અવળે રસ્તે દોરવાયેલા, અને પોતાનો કકકો ખરો કરાવવાની તાકાતના ભાનવાળા નોકરો અથવા મજૂરોએ એ રીતે લવાદી ચુકાદો મંજૂર ન રાખતાં બળજબરીથી પોતાની માગણીઓ માલિકો પાસે કઢાવવાની મમત પકડ્યાના દાખલાઓ જોકે મળ્યા છે.

આર્થિક અન્યાયના નિવારણ માટે પાડવામાં આવતી હડતાળોના પેટામાં રાજકીય હેતુ સિદ્ધ કરવાની વધારાની તેમ જ જુદા જ પ્રકારની નેમ કદી ન રખાય. જુદી જુદી જાતની નેમ આ રીતે ભેળસેળ કરી દેવાથી રાજકીય નેમ સાધવાનું કામ તો આગળ નથી જ વધતું, સામાન્યપણે હડતાળિયાઓ મુશ્કેલી વહોરી લે છે અને ટપાલીઓની હડતાળની માફક જોહેર ઉપયોગની કામગીરી બજાવવાનું બંધ કરી દેવામાં આવે છે, તોયે સમાજનો વહેવાર ખોળાઈ કે થંભી જતો નથી. સરકારને થોડી-ઘણી અગવડ વેઠી લેવી પડે છે, પણ તેનું તંત્ર અટકી નથી પડતું. તવંગર લોકો ટપાલનો ખરચાળ બંદોબસ્ત કામટલાઉ ઊભો કરી લે છે, પણ પ્રાથમિક જરૂરિયાતની સગવડથી પેઢીદર ટેવાયેલા, બાકીની ગરીબ આમજનતાના વિશાળ સમુદાયને તે સગવડ મળતી નથી. બાકીના બધા વાજબી અથવા ન્યાયી ઈલાજો અજમાવી લેવાય અને નિષ્ફળ જાય ત્યાર બાદ જ આવી હડતાળોનો ઈલાજ લેવાનો હોય.

ઉપરની વાતમાંથી એવો સાર નિકળે છે કે, રાજકીય હડતાળો સાથે તેમના પોતાના ગુણદોષ ખ્યાલમાં રાખીને કામ લેવું જોઈએ અને તેમને આર્થિક અન્યાયના નિવારણ માટેની હડતાળો સાથે ભેળી ન દેવી જોઈએ અથવાતેમને તેવી હડતાળો સાથે સંબંધ ન હોવો જોઈએ. અહિંસક લડતના કાર્યમાં રાજકીય હડતાળોનું ચોક્કસ સ્થાન છે. તે કદી ફાવે તેમ વગર વિચારે કે વગર તૈયારીએ પાડવાની ન હોય. તે હડતાળો જાહેર રીતે, ખુલ્લી રીતે પડે, તેમની આગેવાની સમાજનાં ગુંડા તત્વોના હાથમાં કદી ન હોય. અને એવી હડતાળોનો આશય લોકોને હિંસાને રસ્તે ખેંચી યા દોરી જવાનો તો કદી ન જ હોય. ૩

Share

NEW REALESED