Mara Swapnnu Bharat - 10 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 10

પ્રકરણ દશમુ

મજૂરો શું પસંદ કરશે ?

હિંદુસ્તાનની આગળ અત્યારે બે માગ્ર છેઃ૧. કાં તો પશ્ચિમનું ધોરણ દાખલ કરવું, એટલે કે ‘બળિયાના બે ભાગ’, એ સૂત્રને સ્વીકારવું.

એટલે હથિયારબળ એ સાચું ; સાચું એ જ હથિયારબળ એમ નહીં. ૨.

અને કાં તો પૂર્વનું ધોરણ માન્ય રાખવું. તે એ છે કે ધર્મ ત્યાં જ જય, સાચને આંચ જ નથી. નબળા સબળા બધાને ન્યાય મેળવવાનો એકસરખો હક છે. મજૂરવર્ગથી આ પસંદગીની શરૂઆત થવાની છે. મજૂરો મારફોડ કરીને વધારો મેળવી શકે તો તે મેળવે ? ગમે તેવો તેમનો હક હોય તેમ છતાં તેઓનાથી મારફોડ તો થાય જ નહીં. મારફોડ કરીને હકો મેળવવાનો રસ્તો સહેલો તો જણાય છે, પણ આખરે તે અઘરો થઈ પડે છે. જેઓ તલવાર વાપરે છે તેઓ તલવારથી જ મરે છે. તારાનું મરણ પાણીમાં જ ઘણે ભાગે થાય છે.

યુરોપની દશા તપાસો. ત્યાં કોઈ સુખી જ નથી જોવામાં આવતું, કેમ કે કોઈને સંતોષ જ નથી. મજૂરોને માલિકનો વિશ્વાસ નથી, માલિકને નથી મજૂરનો. બન્નેમાં એક પ્રકારની પ્રવૃતિ છે, જોર છે. પણ તે તો પાડામાંયે છે. તેઓ મરે ત્યાં સુધી વઢ્યા જ કરે છે. બધી ગતિ તે પ્રગતિ નથી. યુરોપની પ્રજા ઊંચે ચડતી જાય છે, એમ માનવાનું આપણને કંઈ જ કારણ નથી. તેમની પાસે દ્રવ્ય છે એટલે નીતિ છે, ધર્મ છે એવું નથી.

દુર્યોધનની પાસે ઘણું દ્રવ્ય હતું. પણ તે વિદુર સુદામા કરતાં રંક હતો.

વિદુર સુદામાને આજે જગત પૂજે છે. દુર્યોધનનું નામ તેના દુર્ગુણોનો ત્યાગ કરવાને ખાતર જ આપણે લઈએ છીએ.

......સામાન્યરીતે કહી શકાય કે માલિક-મજૂરના ઝઘડામાં ઘણે ભાગે માલિકોમાં વધારે અન્યાય હશે. પણ જ્યારે મજૂરોને પોતાના બળનું પૂરું ભાન આવે ત્યારે મજૂરો માલિક કરતાં વધારે અન્યાય કરે, એ હું સમજી શકું છું,-જોઈ શકું છું. મજૂરમાં જો માલિક જેટલું જ્ઞાન આવી જાય

તો મજૂરની શરતે જ માલિક કામ કરવું પડે. એવું જ્ઞાન મજૂરમાં કોઈ

દહાડો ન આવે એ તો સ્પષ્ટ છે. તેવે સમયે મજૂર મજૂર મટી શેઠ જ થાય.

માલિકો કેવળ પૈસાના બળ ઉપર ઝૂઝતા નથી. તેમનામાં અક્કલ, કળા વગેરે રહ્યાં જ છે.

એટલે સવાલ આપણી પાસે એ જ રહ્યો છે કે મજૂરો જેવા છે તેવા જ રહેતા છતાં, તેઓમાં કંઈક વિશેષ ભાન આવવા છતાં તેઓએ કઈ રીતે વર્તવું. મજૂરો પોતાની સંખ્યા અથવા તો પોતાના બાહુબન ઉપર એટલે મારફાડ ઉપર આધાર રાખે તો તેઓ આપઘાત કરશે, ને તેઓ દેશના ઉધોગોને નુકસાન પહોંચાડશે. જો તેઓ કેવળ ન્યાય ઉપર ઊભી ન્યાય મેળવવા દુઃખ જ સહન કરશે તો તેઓ હમેશાં જય મેળવશે એટલું જ નહીં, પણ માલિકોને સુધારશે, ઉધોગો વધારશે અને માલિક મજૂર બન્ને એક કુટુંબના થઈ રહેશે.

મજૂરોની સ્થિતિ વિચારતાં આટલાં તત્વોનો સમાવેશ થવો જ જોઈએ :

૧. મજૂરોનો નિરાંતનો વખત બચે એચલા જ કલાક કામ હોવું જોઈએ.

૨. તેઓને પોતાને કેળવણી મળે એવું સાધન હોવું જોઈએ.

૩. તેઓનાં બાળતોને પૂરતું દૂધ, પૂરતાં કપડાં ને પૂરતી કેળવણી

મળવાનું સાધન હોવું જોઈએ.

૪. મજૂરોને રહેવાનાં ધર સ્વચ્છ હોવાં જોઈએ.

૫. મજૂરો ઘરડા થાય ત્યારે તેઓ નભી શકે એટલું તેઓ બચાવી શકે એવી સ્થિતિ હોવી જોઈએ.

આમાંની એકે શરત આજે પળાતી નથી. તેમાં બન્નેનો દોષ છે.

માલિકો માત્ર મજૂરીની સાથે જ સંબંધ રાખે છે. મજૂરનું શું થાય છે તેની તેમને દરકાર નથી. ઓછામાં ઓછો પગાર આપી વધારેમાં વધારે મજૂરી

લેવામાં જ તેના પ્રયોગો સામાન્ય રીતે સમાયેલા હોય છે. મજૂર વધારેમાં વધારે પગાર મેળવી ઓછામાં ઓછું કામ કેમ કરે એવી યુક્તિઓ રચે છે.

તેથી મજૂરોને વધારા મળે છે છતાં કામમાં સુધારો નથી થતો, બન્ને વચ્ચે સંબંધ નિર્મળ નથી થતો, ને વધારાનો સદુપયોગ મજૂરો નથી કરતાં.

આ બન્ને પક્ષ વચ્ચે એક ત્રીજો પક્ષ ઉત્પન્ન થયો છે. તેઓ મજૂરના મિત્રો બન્યા છે. એ પક્ષની જરૂર છે.તેઓમાં જેટલે અંશે કેવળ મિત્રભાવ છે, કેવળ પરમાર્થદ્રષ્ટિ છે, તેટલે અંશે જ તેઓ મજૂરના મિત્ર બની શકે.

હવે સમય એવો આવે છે કે જ્યારે મજૂરોને અનેક રીતે સોગઠી ની જેમ વાપરવાના પ્રયત્નો થશે. આ સમય રાજ્યપ્રકરણી વિષયમાં પડનારાને વિચારવા જેવો છે. તેઓ શું કરશે ? પોતાનો સ્વાર્થ જોશે કે

મજૂરની ને કોમની સેવા કરશે ? મજૂરને મિત્રોની જરૂર છે. મજૂરો આધાર વિના આગળ નહીં જઈ શકે. તે આધાર આપનાર માણસો કેવા છે તે ઉપરથી મજૂરોની સ્થિતિ આંકી શકાશે.

‘સ્ટ્રાઈક’પાડવો, કામ બંધ કરવું, હડતાલ પાડવી,-એ ચમત્કારી વસ્તુ છે ; પણ તેનો દુરુપયોગ કરવો એ કઠિન નથી. મજૂરોએ મજબૂત યુનિયનો-સંઘ-બાંધવાં જોઈએ ને સંઘની પરવાનગી વિના હડતાલ ન જ પડાય. હડતાલ પાડ્યા પહેલાં માલિકોની સાથે મસલત પણ કરવી જોઈએ.

જો માલિક પંચ નીમે તો પંચનું તત્વ દાખલ કરવું જોઈએ, ને પંચ નિમાય તો તેનો ઠરાવ માલિક મજૂર બન્નેએ ગમે તેવો લાગે છતાં કબૂલ કરવો જોઈએ. ૧

મારો અનુભવ છે કે બધે ઠેકાણે સામાન્ય રીતે મજૂરો પોતાની જવાબદારીઓ માલિક કરતાં વધુ પ્રામાણિક પણે વધુ અસરકારક રીતે અદા કરે છે. જોકે મજૂરની માલિક પ્રત્યે જેવી જવાબદારી હોય છે તેવી જ માલિકની મજૂર પ્રત્યે પણ હોય છે. તેથી મજૂરો પોતાની વાત માલિકો પાસે કેટલી સ્વીકારાવી શકે એ જાણવું જરૂરી છે. જો આપણને પૂરતો પગાર કે પૂરતી રહેવાની સગવડ નથી મળતી એમ લાગતું હોય તો તે મેળવવા શું કરવું જોઈએ ? મજૂરોને જોઈતાં આરામનાં સાધનોનું ધોરણ કોણ નક્કી કરે ? બેશક, સારામાં સારો માર્ગ તો એ છે કે તમે મજૂરો તમારા અધિકારો કયા છે તે સમજો , મેળવવાની રીત સમજો અને તે મેળવો. પણ તેને માટે તમારે થોડી પૂર્વતાલીમની-કેળવણીની જરૂર છે.

મારા નમ્ર અભિપ્રાય મુજબ મજૂરો પૂરતો સંપ જોળવે અને આત્મભોગ આપવા તૈયાર થાય તો તેઓ મૂડીદારો ગમે તેટલા જુલમી હોય તોપણ, હમેશાં ન્યાય મેળવી શકે. મને ખાતરી છે કે જે લોકોને મજૂરો સાથે સંબંધ છે, જેઓ મજૂર ચળવળને દોરવણી આપે છે તેમને પણ મજૂરો પાસે જે સાધનો છે તે મૂડીદારો પાસે કદી ન હોઈ શકે, તેનો ખ્યાલ નથી.

મજૂરો જો એટલું જ સમજે ને સ્વીકારે કે મજૂરો સિવાય મૂડીદારો લાચાર છે તો તેઓ તરત જ પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લેશે. ૨

દુર્ભાગ્યે આપણા પર મૂડીએ ભૂરકી નાખી છે અને તેથી આપણે માનીએ છીએ કે દુનિયામાં મૂડી જ સર્વસ્વ છે. પણ એક ક્ષણ વિચાર કરીએ તો આપણને જણાશે કે મજૂરો પાસે જે મૂડી છે તે મૂડીદારો પાસે કદી નહીં હોય...અંગ્રેજીમાં એક ભારે શક્તિશાળી શબ્દ છે. તે શબ્દ ફ્રેંચ

ભાષામાં અને દુનિયાની બધી ભાષાઓમાં છે. એ શબ્દ છે- ‘ના’. અને અમે જે રહસ્ય શોધી કાઢ્યું તે એ છે કે જ્યારે મૂડીદારો મજૂરો પાસે ‘હા’કહેવડાવવા માગતા હોય ત્યારે જો મજૂબરો ‘ના’પાડવી જોઈએ. આમ કરવાથી મજૂરોને તરત સમજાય છે કે તેઓ જ્યારે ‘હા’કહેવી હોય ત્યારે ‘હા’કહેવાને અને ‘ના’પાડવી હોય ત્યારે ‘ના’પાડવા સ્વતંત્ર છે. અને તેમને સમજાશે કે મજૂર મૂડીદારોથી સ્વતંત્ર છે અને મૂડીદારોએ જ મજૂરોને રાજી રાખવા જોઈએ. મૂડીદારો પાસે બંદૂક અને ઝેરી ગૅસ છે તેથી આ સ્થિતિમાં કશો ફરક પડતો નથી. મજૂરો ‘ના’નો અમલ કરીને પોતાનું ગૌરવ જાળવશે તો મૂડીદારો પાસે બધાં શસ્ત્રો હોવાં છતાં તેઓ નિરૂપાય

બની જશે. પછી મજૂરોને વેર લેવાની જરૂર નહીં રહે ; પણ તેઓ ગોળીઓ અને ઝેરી ગૅસ સામે અડગ ઊભા રહેશે અને પોતાના ‘ના’ના આગ્રહને વળગી રહેશે. મજૂરો ઘણી વાર પોતાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડે છે તેનું એ જ કારણ છે કે મેં મૂડીને પાંગળી બનાવી દેવાનું સૂચવ્યું છે તેને બદલે તેઓ (હું પોતે મજૂર તરીકે જ આ કહું છું)પોતે મૂડી પડાવી લેવા માગે છે અને ખરાબમાં ખરાબ અર્થમાં મૂડીદાર થવા માગે છે. અને તેથી જ મૂડીદારો જેઓ સારી રીતે સંગઠિત થઈ મોરચો બાંધીને ઊભા છે તેઓ મજૂરોમાં પોતાના જેવા મૂડીદાર થવા માગતા મજૂરોને શોધી કાઢીને તેમનો મજૂરોને દાબી દેવાના કામમાં ઉપયોગ કરે છે. જો આપણે મૂડીના જાદુથી આંધળા ન બન્યા હોત તો આપણામાંના દરેક પુરુષ કે સ્ત્રી આ પાયાનું સત્ય સહેલાઈથી સમજી જાત.