Hindu Dharmnu Hard - 16 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 16

Featured Books
Share

હિંદુ ધર્મનું હાર્દ - 16

(16)

૭૩. અતિપ્રાકૃતિક તેટલું નાખો ખાડમાં

‘સત્યશોધક’ સહીથી એક સજ્જને લાંબો કાગળ લખ્યો છે. તેનો સાર અહીં આપું છું :

તંત્રીશ્રી,

સાહેબ,

ઔરંગઝેબ જેવા ઈમાનદાર મુસલમાને કાશી વિશ્વનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું અને તોડી પાડ્યું તેને વિશે આપ કહો છો કે તેમ કરવામાં તેણે પોતાના ધર્મની વિરુદ્ધ વર્તન કર્યું હતું. આમ કહેવામાં આપ પેગંબર સાહેબના કરતાં પણ ઈસ્લામ ધર્મનું વધારે જ્ઞાન ધરાવતા હોવાનો દાવો નથી કરતા ? કારણ, આપે જાણવું જોઈએ કે ઔરંગઝેબના આદર્શ જે પેગંબર સાહેબ તે પોતે પણ જ્યારે પોતાના દુશ્મનોને હરાવી મક્કાશરીફમાં દાખલ થયા ત્યારે તેમણે તે શહેરનાં બધીં મૂર્તિપૂજાનાં પાત્રો અને સ્થાનોનો નાશ કર્યો હતો, માત્ર કાબા જેવી વસ્તુઓને જ અભંગ રહેવા દીધી હતી, કારણ તેને વિશે તેમને આસ્થા હતી ! એટલે તમારે આ ત્રણમાંથી ગમે તે એક વાતનો સ્વીકાર કરવો રહ્યો : (૧) કાં તો તમે એમ કહો કે પેગંબર જેવાએ પોતાના ધર્મનું ઉલ્લંઘન કર્યું હતું, અથવા (૨) પેગંબર સાહેબે કરેલા મૂર્તિખંડનને તમારી રીત પ્રમાણે તમે ‘રૂપક’ કે એવું જ કંઈ નામ આપી છૂટો, અથવા તો (૩) મહમદ સાહેબના જીવનચરિત્રમાં એવી કોઈ વસ્તુ બની જ નહોતી એમ કહો. જો કોઈ ચોથો બચાવ આપની પાસે હોય તો જણાવશો.

ઈબ્ન સાઉદ વાહબીએ મક્કા, મદીના અને તાઈફની પાક જગાઓને ભ્રષ્ટ કરી તે વિશે મુસલમાનોમાં આજે પણ બે મત પડ્યા છે, પણ ઔરંગઝેબે જે મૂર્તિ તોડી હતી તેનો કોઈ મુસલમાને વિરોધ કર્યો હોય એવું મારી જાણમાં નથી. એ તો એના જેવું થયું કે કેટલાક સનાતનીઓ અસ્પૃશ્યતાને

હિંદુસ્તાનમાંથી કાઢવા માટે આપને ગરદન મારવા માગે છે, જ્યારે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને અસ્પૃશ્ય ગણતા ગોરાઓ પણ જો તેમના હાથમાં આવે તો તેમને પણ (તેઓ) ગરદન મારે !

આમ જે જે ધર્મમાં અપાકૃતિક તત્ત્વનો દાવો છે તે બધા ધર્મના સિદ્ધાંતોમાં અસંગતિ અને પરસ્પર વિરોધ રહેલો જણાશે. એટલે એવા ધર્મોને સુધારવા હોય તો તેને ખાડામાં નાખીને જ સુધારી શકાય એવું મારું માનવું છે.

યુધિષ્ઠિરે યક્ષને કહ્યું :

એમ ધર્મનું તત્ત્વ ભલે ગુફામાં જ રહ્યું.

આ કાગળમાં કટાક્ષ, હાંસી અને વિનોદ છે. એમાં મારા ઉપર જે કટાક્ષ ચે તે બહુ સરસ છે. પણ જે વસ્તુનો બચાવ ન થઈ શકે એવી વસ્તુનો ત્રણ રીતે બચાવ કરતો લખનારે મને કલ્પ્યો છે. તેમાંથી એક બચાવ હું કરવા નથી માંગતો. મારી સમજ પ્રમાણે પેગંબર સાહેબે જે મૂર્તિ તોડ્યાનું કહેવાય

છે તેની વચ્ચે સામ્ય નથી. અને જો પેગંબર સાહેબે કોઈ વાર ભૂલ કરી હતી એમ સાબિત થાય તોપણ તેથી માત્ર એટલું જ સાહિત થાય કે પેગંબર સાહેબ પણ ભૂલને પાત્ર માણસ હતા. પણ તેથી તે એક પેગંબર હતા અને ઘણી વાર તેમનામાં ખુદાનાં દર્શન થતાં હતાં એ વાત ખોટી નથી ઠરવાની.

પોતાથી ભૂલ ન જ થાય એવો તેમણે કદી દાવો નથી કર્યો. ઊલટા ઘણી વાર તે પોતાના સાથીઓની સલાહ લેતા, અને એક વાર ઉમર સાહેબે તેમને કહ્યું કે આપને ખુદાની પાસેથી સીધી વહી ઊતરી આવે છે, આપને કોઈની સલાહ

લેવાની જરૂર નથી, ત્યારે તેમણે એવો સચોટ જવાબ આપ્યાનું કહેવાય છે કે

‘જો આ વેળા મને ખુદા પાસેથી વહી આવી હોત તો તના શા સારુ પૂછવા આવત ?’ હું કારણ વિના ગમે તે વસ્તુને ‘રૂપક’ કરી છૂટું એવો તો

‘સત્યશોધક’નો આરોપ નહીં હોય એમ મને આશા છે. માત્ર મારી પાસેથી વધુ કઢાવવાને માટે જ એમણે આક્ષેપો કર્યા છે એમ હું માનું છું. ગમે તે હોય, હું તો તેમને અને બીજા સૌને ખાતરી આપવા માગું છું કે જ્યારે કોઈ

પણ ઘટનાને હું ‘રૂપક’ તરીકે માનું છું ત્યારે તેને માટે મારી પાસે સબળ

કારણો હોય છે અને અંતરંગ પ્રમાણમાં હોય છે. વળી કારણ વિના હું એકે વસ્તુને ગપાષ્ટક અથવા પ્રક્ષિપ્ત તરીકે કાઢી નથી નાખતો. ‘સત્યશોધક’ની જેમ હું પણ એક સત્યશોધક છું, અને મારી ભૂલ અને મારી મર્યાદા કબૂલ

કરવાની મારામાં હિંમત છે એવી મને આશા છે. બધા ધર્મોમાં કેટલીક એવી એવી વસ્તુઓ પડેલી છે કે જેને હું ઉકેલી નથી શકતો, કોક દહાડે ઉકેલી શકીશ એવી આશા છે. પણ ત્યાં સુધી રાહ જોવા જેટલી નમ્રતા અને ધીરજ

મારે કેળવવી રહી - અલ્પ માણસને બધું જ જાણી જવાની કશી જરૂર નથી.

પણ લેખકના પત્રનો અતિશય મહત્વનો ભાગ તો પાછળનો છે.

જેમાં તેમણે અતિપાકૃતિક વસ્તુમાત્રને કાડમાં નાખવાની વાત કરી છે. મારે તેને જણાવવું જોઈએ કે આસ્તિકોને જેમ અનેક કોયડા ઉકેલવાના હોય છે તેમ

બુદ્ધિવાદી નાસ્તિકને પણ ઘણા કોયડા અને અસંગતિઓ ઉકેલવાનાં રહ્યાં છે.

કેટલાંક પવિત્રમાં પવિત્ર અને મહાનુભાવ આત્માઓએ એકસરખી સાખ પૂરી છે કે ઈંદ્રિયોથી જે દેખાય છે તેની પાર અતીન્દ્રિય એવી વસ્તુમાં પોતે માને છે, એટલું જ નહીં, પણ તે તેમના અનુભવમાં આવેલી છે, ત્યારે શું તેમની વાતને ગપાષ્ટક અને ભ્રમણા તરીકે કાઢી નાખશુ ? અતીન્દ્રિય એવી વસ્તુ જ નથી એવો દાવો કરવામાં ઉદ્ધતાઈ નથી રહેલી ? બુદ્ધિ જ્યાં પહોંચી નથી શકતી એવાં અનેક ગૂઢો પડ્યાં છે એવું ભાન કોને નથી થયું ? દૃઢ શ્રદ્ધાથી ઈશ્વરભજન કરનારા અનેકનાં હૃદયમાં રોજ રોજ અચાનક થતા કહેવાતા પલટા થતા સાંભળીએ છીએ તેથી શું નિર્વિવાદ સિદ્ધ નથી થતું કે બુદ્ધિથી અગમ્ય એવી ઘણી વસ્તુઓ પડેલી છે ?

લેખકે મહાભારતનો પ્રસિદ્ધ શ્લોક ટાંક્યો છે, તેમાં તો ધર્મું તત્ત્વ હૃદય દ્વારા જાણી શકાય, બીજી રીતે જાણવું મુશ્કેલ છે, એમ જ જણાવવામાં આવ્યું છે. જે મહાગ્રંથમાંથી એ શ્લોક ટાંકવામાં આવ્યો છે તેના કર્તા પોતે આસ્તિક હતા અને અતીન્દ્રિય તત્ત્વમાં માનતા હતા એની કોઈ ના પાડે એમ

છે કે ? જન્મ અને મરણના ગૂઢ કોઈ ઉકેલી નથી શક્યું એ શું બતાવે છે ?

એમ જ બતાવે છે કે અતીન્દ્રિય જેવું કાંઈક તત્ત્વ છે. એની મજાક તો બુદ્ધિ

ત્યારે કરી સકશે કે જ્યારે બુદ્ધિ જીવની સૃષ્ટિ કરવાને સમર્થ થશે.

ઌપટ્ટઌ

, ૧૯-૧૨-૧૯૨૬, પા. ૧૨૩

૭૪. પરમ નિર્ણાયક

(‘નોંધ’માંથી)

સંસ્કૃત કાવ્યો અને શાસ્ત્રના નામે જે કંઈ સંસ્કૃત ભાષામાં લખાયું તેનાથી અંધશ્રદ્ધાથી વળગી રહેવાના જવાબમાં શ્રીયુત્‌ એસ.ડી. નાડકર્ણી નીચેના શ્લોકો મને મોકલે છે. આ શ્લોકો તર્કને જ છેવટના નિર્ણાયક તરીકે ગણતા અધિકૃત ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે :

શાસ્ત્ર, ભલે મનિષ્યરચિત હોય, પણ જો તે બુદ્ધિગમ્ય હોય, તો તેનો સ્વીકાર કરવો અને તે ગમે તેટલું ‘પ્રેરિત’ ગણાતું હોય પણ તેની વિરુદ્ધ જતું હોય, તો તેનો અસ્વીકાર કરવો. આપણે આપણામાં રહેલી ન્યાયવૃત્તિથી જ દોરાવું જોઈએ. કોઈ પણ કથન બાળકના મુખેથી ઉચ્ચારાયેલું હોય તોપણ જો બુદ્ધિની કસોટીએ યોગ્ય લાગે, તો તેને સ્વીકારવું જોઈએ, પરંતુ તે બ્રહ્મવાક્ય

ગણાતું હોય છતાં તેની વિરુદ્ધનું હોય તો તેનો તૃણવત્‌ ગણીને અનાદર કરવો જોઈએ.

-યોગવાસિષ્ઠમાંથી

“સાધુ પુરુષોએ સ્વીકારંલી માન્યતાને વેદપ્રમાણ જેટલી જ

પ્રમાણભૂત લેખવી જોઈએ.”

-ૠક્રક્રમજીૠક્રઢ્ઢબ્ભ

માંથી (બીજું નામ)

આ શ્લોકો બતાવે છે કે શાસ્ત્રોએ બુદ્ધિનો કદી અનાદર કરેલ નથી પરંતુ તેને ટેકો આપ્યો છે અને તેથી જ કહેવાતાં ‘શાસ્ત્રવચનો’ દ્વારા અન્યાય

કે અસત્યને કદાપિ ટેકો ન આપી શકાય.

૭૫. બુદ્ધિ વિ. ગ્રંથપ્રામાણ્ય

એક પત્રલેખકે મને

ત્ખ્ક્રળ્ર ઼ક્રક્રથ્ભ

નો સપ્ટેમ્બરનો અંક મોકલી આપ્યો છે. એમાં એના તંત્રીએ તેમના રેંટિયો અને ખાદી વિશેના લેખોનો જવાબ આપવાનો મેં જે પ્રયત્ન કર્યો હતો તેનો જવાબ આપ્યો છે. જો એ જવાબથી તંત્રીને અને વાચકને સંતોષ થયો હોય તો હું મારી દલીલો આગળ ચલાવી ન શકું, અને આખરી જવાબ મારે સમય અને અનુભવ ઉપર જ છોડી દેવો જોઈએ. પણ તંત્રીના જવાબમાંની એક વસ્તુની નોંધ લેવી ઘટે છે. મેં જે એમ

કહ્યું હતું કે “તાર્કિક ચર્ચામાં કોઈ સ્વર્ગસ્થ મહાપુરુષનું પ્રમાણ અનુમાનને આધારે ચાંકવું એ પવિત્ર વસ્તુને ભ્રષ્ટ કર્યા બરાબર ગણાવું જોઈએ.” તેના ઔચિત્ય વિશે તંત્રીએ શંકા ઉઠાવી છે. એ વિધાનથી એમને ખાસ તો એટલા માટે રોષ ચડ્યો છે કે સ્વામી વિવેકાનંદે સ્થાપેલા સંઘનું મુખપત્ર છે. તેમ છતાં મારે મારા વિધાનને વળગી રહેવું જોઈએ. હું એમ માનું છું કે તાર્કિક ચર્ચામાંથી કોઈ સંઘના સ્થાપકનાં લખાણો ઉપરથી તારવેલાં અનુમાનને બાકાત રાખવાની ફરજ વિશેષ કરીને એ સંઘના સભ્યો અને એના મુખપત્રને માથે આવે છે, કારણ, અંધશ્રદ્ધાળુઓને મન તો એ સ્થાપકના વચનની કશી કિંમત જ ન હોય, જેમ જે શ્રીકૃષ્ણનો અનુયાયી નથી તેને માટે તેમના વચનનું કશું પ્રામાણ્ય નથી અને અનુભવે બતાવ્યું છે કે જેમ નિર્ણય બુદ્ધિને આધારે કરવાનો હોય એવી દરેક બાબતમાં ગમે તેવા મોટા માણસનાં લખાણ ઉપરથી તારવેલું અનુમાન અપ્રસ્તુત હોય છે અને તેનાથી ચર્ચાનો મુદ્દો ગૂંચવાવાનો સંભવ રહે છે. હું તંત્રીના અને વાચકના ધ્યાન ઉપર એક વાત લાવવા ઈચ્છું છું કે મહાપુરુષોનાં ચોક્કસ વચન ટાંકવામાં આવે એની મેં ટીકા કરી નથી, પણ મેં એમ સૂચવ્યું છે કે, એ લખાણોમાંથી વાચકને પોતાને તારણ કાઢી લેવા દેવાને બદલે પોતે જ તેમાંથી અનુમાન તારવવામાં ઔચિત્ય નથી. દા.ત.

કહેવાતા ખ્રિસ્તિઓએ ખ્રિસ્તના નિર્ભળ સંદેશને માર્યોમચડ્યો નથી ?

અશ્રદ્ધાળુઓએ ઈશુનાં એ ને એ વચનોમાંથી જુદો જ નિર્ણય તારવ્યો નથી ?

એ જ રીતે, જુદા જુદા વૈષ્ણવ સંપ્રદાયોએ ભગવદ્‌ગીતાનાં વચનોનો જુદો જુદો અને કેટલીક વાર પરસ્પર વિરોધી અર્થ ઘટાવ્યો નથી ? અને ભગવદ્‌ગીતા આજે ખૂનના સમર્થનમાં પણ ટાંકવામાં નથી આવતી ? મને તો એ દીવા જેવું ચોખ્ખું છે કે જ્યાં કેવળ શુદ્ધ બુદ્ધિને આધારે નિર્ણય કરવાનો હોય ત્યાં ગમે તેવા મહાપુરુષનાં વચન પ્રમાણ તરીકે ન ટાંકવાં જોઈએ.

નવાઈની વાત તો એ છે કે જે પત્રલેખકે મને

મોકલ્યું છે તેણે જ ભગિની નિવેદિતાનાં લખાણમાંથી પ્રસંગાનુરૂપ બે અવતરણો પણ મોકલ્યાં છે. એ અવતરણો આ પ્રમાણે છે :

“બીજાઓની પેઠે તેમણે (વિવેકાનંદે) વિચાર કર્યા વગર એમ માન્યતા શ્વીકારી લીધી હતી કે યંત્રો ખેતીને આશીર્વાદરૂપ થઈ પડશે, પણ હવે એમને સમજાયું કે અમેરિકન ખેડૂતોને અમુક ચોરસ માઈલના વિસ્તારમાં ખેતી કરવાની હોય છે એટલે તેને યંત્રો ઉપકારક થઈ પડે, પણ ભારતના ખેડૂતનાં નાનાં ખેતરને તો તે નુકસાન સિવાય બીજું ભાગ્યે જ કરે. બંને દાખલામાં સમસ્યા જુદી હતી. એની એમને પૂરી ખાતરી થઈ ચૂકી હતી.

વિતરણની સમસ્યા સહિત બધી જ બાબતોમાં તેઓ નાનાં નાનાં હિતોનો છેદ ઉડાવી દેવાના પક્ષમાં થતી બધી દલીલો શંકાપૂર્વક સાંભળતા અને બીજી અનેક બાબતોની પેઠે એ બાબતમાં પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભાવનાને અજાણતાં જ પૂર્ણપણે વ્યક્ત કરતા હોય એમ લાગતું.”

“તેમના (વિવેકાનંદના) અમેરિકન શિષ્યો તેમના એ ચિત્રથી અત્યાર પહેલાં જ પરિચિત થઈ ચૂક્યા હતા જેમાં એક પંજાબી કન્યા રેંચિયો કાંતતાં કાંતતાં તેમાં નું ગુંજન સાંભળતી હતી. જેના ઉલ્લેખ માત્રથી તેમના મોઢા ઉપર સ્વપ્નિલ આનંદ છવાઈ જતો હતો.” (એ જ. પા. ૯૫) આ ઉતારાઓ સ્વામીજીના વિચારને સાચી રીતે રજૂ કરે છે કે કેમ એ હું ન કહી શકું.

૭૬. આપ્તવાક્યની અંધપૂજા

(‘અન્નાહાર’માંથી)

એક પત્ર લખનાર માંસાહારી કુટુંબમાં જન્મ્યા છે. અત્યાર સુધી તો તેનાં માબાપ તેને માંસ ખાવાને લલચાવી રહ્યાં છે તેની સામે ટક્કર ઝીલવામાં તે ફાવ્યા છે. પણ હવે તે કહે છે :

મારી પાસે એક પુસ્તક પડ્યું છે તેમાં આ વિશે સ્વામી વિવેકાનંદનો અભિપ્રાય મારા વાંચવામાં આવ્યો અને મારો પોતાનો મત ઠીકઠીક હાલી ઊઠ્યો છે. સ્વામીજી માને છે કે હિંદીઓ માટે આજની દશામાં માંસાહાર આવશ્યક છે, અને પોતાના મિત્રોને તે બેધડક માંસ ખાવાની સલાહ આપે છે. આથી પણ આગળ જઈને સ્વામીજી કહે છે, “જો આમ કરવામાં તમને કશું પાપ લાગતું હોય તો તે મારા ઉપર નાખજો. તેનો ભાર મારે માથે.”

હવે મારે સૂડી વચ્ચે સોપારી જેવું થઈ પડ્યું છે - માંસ ખાવું કે નહીં ?

આપ્તવાક્યની અંધપૂજા એ મનની નબળાઈનું ચિહ્‌ન છે. જો પત્રલેખકની ઊંટા ખાતરી હોય કે માંસ ખાવું એ અયોગ્ય છે, તો આખું જગત તેથી વિરુદ્ધ કહેતું હોય તેમાં તેને શું ? નિશ્ચય બાંધવામાં જરાય ઉતાવળ ન કરવી, પણ એક વાર બાંધ્યો કે પછી આભ તૂટી પડે તોય તેને અડગપણે વળગી રહેવું.

હવે સ્વામીશ્રીના અભિપ્રાય વિશે. તેમનો મૂળ લેખ તો મેં નથી જોયો. પણ મને લાગે છે કે તેમનો અભિપ્રાય ટાંકવામાં ભૂલ નથી થતી. પણ મારા વિચાર જુદા છે, અને તે સૌ જાણે છે. જે દેશકાળમાં મનુષ્યોને માટે સામાન્ય રીતે જીવવું શક્ય હોય તે દેશકાળમાં માંસાહાર કરવાની જરૂર હોય એમ હું નથી માનતો, અને તે માંસાહાર માનવજાતિ માટે અયોગ્ય લાગે છે.

જો આપણે પશુવર્ગથી ઊંચા હોઈએ તો પશુવર્ગનું અનુકરણ કરવામાં આપણી ભૂલ જ છે. અનુભવ બતાવે છે કે જેમને વિષયવિકાર જીતવા છે તેમને માટે મંસાહાર અયોગ્ય છે.

પણ ચરિત્ર બાંધવામાં અથવા વિકારોને કાબૂમાં રાખવામાં ખોરાકનું મહત્ત્વ છે તેના કરતાં વધારે માનવું એ પણ બરોબર નથી. એ બાબતમાં ખોરાક એક અગત્યની વસ્તુ છે ખરી, જેની અવગણના ન જ થવી જોઈએ.

પણ આ દેશની જેમ ધર્મ ખોરાકમાં જ આવી જાય છે, એમ માનવું, તે તો ખોરાકમાં જરાય સંયમ ન રાખવો અને જે આવે તે ખવાય એમ માનવા જેવું જ અયોગ્ય છે. અન્નાહાર એ હિંદુ ધર્મનો એક ભારેમાં ભારે વારસો છે. એ વગર વિચાર્યે તો ન જ છોડી દઈ શકાય. એટલે અન્નાહારી થઈને આપણે મન અથવા શરીરે નબળા પડી ગયા છીએ અથવા કાર્ય કરવામાં મંદ અથવા અશક્ત થઈ ગયા છીએ એ ભૂલ સુધારવાની તો જરૂર છે જ. મોટા મોટા હિંદુ સુધારકોએ તેમના જમાનામાં પારાવાર કામ કર્યું છે અને તેઓ તો અન્નાહારી જ હતા. શંકરાચાર્ય અને મહર્ષિ દયાનંદે તેમના જમાનામાં જે કામ કર્યું તેનાથી વધુ કામ કોણ કરી શક્યું હતું ?

પણ પત્રલેખકે મારા અભિપ્રાયને પણ આપ્તવાક્ય ન બનાવી દેવું.

ખોરાકની પસંદગી શ્રદ્ધાની ઉપર ન રાખી શકાય. એનો તો દરેકે પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરવો રહ્યો. પશ્ચિમમાં જ આજે અન્નાહારના સંબંધમાં એટલું બધું સાહિત્ય લખાયું છે જે વાંચવાથી કોઈ પણ સત્યશોધકને લાભ થાય એમ છે. આ સાહિત્ય લખનારાઓમાં ઘણા પ્રસિદ્ધ વૈદકશાસ્ત્રીઓ પણ છે.

અહીં હિંદુસ્તાનમાં તો અન્નાહારની દલીલ કરવાની જરૂર નથી પડી. કારણ અત્યાર સુધી એ વસ્તુ અતિશય ઈષ્ટ અને આદરપાત્ર ગણાતી આવી છે. પણ પત્રલેખકની જેમ જેઓને કંઈ અંદેશો હોય તેઓને પશ્ચિમમાં અન્નાહારના સંબંધમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેનો અભ્યાસ કરવો કદાચ લાભદાયી થઈ પડે.

૭૭. શાસ્ત્રપ્રમાણ જ્યારે બુદ્ધિને વીનવે છે

(‘જ્ઞાતિવ્યવસ્થા’માંથી)

હિંદુઓમાં ઘર કરી બેઠેલી અસ્પૃશ્યતાની ભાવનાને હું માનવજાતિની સામે એક ઘોરમાં ઘોર અપમાન રૂપે ઓળખાવું છું એ ભાવનાના મૂળમાં સંયમ નહીં પણ ઊંચપણાની ઉદ્ધત ભાવના જ રહેલી છે. એ ભાવનાએ પોતાની કોઈ પણ જાતની યોગ્યતા નથી બતાવી આપી; ઊલટા જેઓ કોઈ પણ વાતમાં આપણાથી જુદા નથી, અને જેઓ અનેક દિશાઓમાં સમાજની ભારે સેવા બજાવી રહ્યા છે, તેવા મનુષ્યજાતિના એક પ્રચંડ જનસમૂહને આપણે માણસમાંથી કાઢી નાખ્યાનું ઘોર પાપ કર્યું છે. આ પાપમાંથી હિંદુ ધર્મ જેયલો સત્વર ઊગરી નીકળે તેટલી તેની મોટપ અને પ્રતિષ્ઠા છે. આ હીન ભાવનાને ટકાવવાની તરફેણમાં એક પણ દલીલ મને હજુ જડી નથી. અને આવી પાપી પ્રથાની હિમાયત કરનારાં શાસ્ત્રવચનો - જેના પ્રામાણ્ય વિશે સંકા છે - ને બાતલ કરવા હું બિલકુલ અચકાતો નથી. અલબત્ત, ઠરેલ બુદ્ધિ અને અંતરના અવાજની વિરુદ્ધ જનારી કોઈ પણ શાસ્ત્રાજ્ઞને માથે ચડાવવાની હું ના પાડું છું. શાસ્ત્રપ્રમાણે જ્યારે બુદ્ધિના પાયા ઉપર રચાયેલું હોય છે ત્યારે તે નબળાઓને મદદરૂપ નીવડે છે અને તેમને ચડાવે છે; પણ જ્યારે તે અંતરના ઊંડાણમાંથી આવતા નાદથી પાવન થયેલી બુદ્ધિની માગણીને સંતોષવાની ના પાડી તેની જગા જ રોકી દેવા માગે છે ત્યારે તે માણસને પાડે છે.

૭૮. જ્યારે શ્રદ્ધા આંધળી થાય છે

મારી બુદ્ધિ મારા અંતરને અનુસરે છે. અંતરની ઊર્મિ વગર બુદ્ધિ ચાતરી જાય. શ્રદ્ધા દિલની વસ્તુ છે. બુદ્ધિ એનો અમલ કરનાર કારભારી છે. ઘણા માને છે તેમ બેઉ એકબીજાનાં વિરોધી નથી. શ્રદ્ધા જેયલી ઊંડી તેટલી બુદ્ધિ સતેજ બને છે. તેથી ખાદીમાં મારી શ્રદ્ધા વધ્યે જાય છે. છતાં મેં બુદ્ધિને મેં વીંટી મૂકી નથી. બધી વિરોધી ટીકાઓ હું ખુલ્લા અને ગુણગ્રાહી દિલથી સાંભળું છું. સાર ગ્રહણ કરું છું અને ફોતરાં ફેંકી દઉં છું. મારી ભૂલો સુધારી લેવા હું હંમેશ તૈયાર રહું છું. ખુલ્લી રીતે અને નિખાલસપણે પોતાની ભૂલોનો એકરાર કરવાથી તે ફરીને થતી અટકે છે. પોતાની ભૂલો સંપૂર્ણપણે સમજાવી એ તેનું ઉત્તમ પ્રાયશ્ચિત પણ છે. બધા સાથીઓ મારા કથનને બુદ્ધિની સરાણ પર ચડાવીને તપાસી જુએ. શ્રદ્ધા આંધળી થાય છે ત્યારે તે મરણ પામે છે.

૭૯. દેખાદેખી કરવું

(‘નોંધ’માંથી)

સ. - તમે કહો છો કે, ‘માંસ ખાનાર મને જોઈને માંસ છોડે, તેમાં તે સારું કરે છે, એમ ન કહેવાય’, એમાં દોષ નથી ?

જ. - હું કંઈ દોષ નથી જોતો. બીજાને માંસ ખાતો જોઈને પાછો ખાવા માંડે ખરો કે નહીં ? એવા માણસને વિશે કહેવાય, ‘નહીં ઘાટનો, નહીં

વાટનો’, મારા કહેવાનો સાર એટલો જ કે, જે કરવું તે મનથી કરવું. બીજા જે કહે કે કરે, તે વિચારીએ, તોળીએ ને પછી ગળે ઊતરે તો જ કરીએ. એ દેખાદેખી કર્યું ન કહેવાય. પણ, એક માણસ ખાઈમાં પડે એટલે એને જોઈને આપણે પણ પડીએ, તો વગર વિચાર્યે કૂદકો માર્યો ગણાય ને કદાચ હાડકાં પણ ભાંગે.

૮૦. પુરાણું છતાં મૂળભૂત તત્ત્વોની વિરુદ્ધનું (‘ત્રાવણકોરને સંદેશો’માંથી)

સંસ્કૃતમાં જે કાંઈ લખાયું હોય અને શાસ્ત્રોમાં છપાયું હોય તે આપણને બંધનકર્તા છે એવું માનીને આપણી જાતને છેતરીએ નહીં. જે નીતિનાં મૂળભૂત તત્ત્વોની વિરુદ્ધ છે, અને જે, કેળવાયેલા તર્કની વિરુદ્ધ જાય છે તે, ગમે તેટલું પુરાણું હોય તોપણ તેની શાસ્ત્રમાં ગણના થઈ શકે નહીં.

૮૧. શાસ્ત્રોમાં પ્રમાણ અભ્રાન્ત છે ?

(એક પંડિત અને ગાંધીજીનો વાર્તાલાપ ‘સાપ્તાહિક પત્ર’ માંથી)

‘આ કળિયુગમાં પરાશરસ્મૃતિ એ અભ્રાન્ત પ્રમાણ અથવા માર્ગદર્શક ન ગણાય ?’

‘ના, હું તો કોઈ પણ પ્રમાણ કે સ્મૃતિને અભ્રાન્ત માર્ગદર્શક મનતો નથી.’

‘વારુ; પણ સ્મૃતિનો અમુક ભાગ સ્વીકારીને બીજો ભાગ તમે છોડી દો ખરા કે ?’

ગાંધીજી પ્રથમથી જ કડકાઈથી બોલ્યા : ‘અમુક ભાગ સ્વીકારીએ તો આખી સ્વીકારવી જ જોઈએ એ વસ્તુને હું માનતો નથી.’

‘ત્યારે તમને જે અનુકૂળ પડે તે સ્વીકારો, અને અનુકૂળ ન હોય તે છોડી દો એમ જ કહેવા માગો છો ને ?’

‘એ પ્રશ્ન સારો છે. હિંદુ ધર્મ કાંઈ ચોક્કસ ઘડાયેલા કાનૂનો અને પેટા-કાનૂનોનો બનેલો ધર્મ નથી. તેમાં સેંકડો અને હજારો પુસ્તકો પડેલાં છે, જેમનાં નામો પણ આપણે જાણતા નથી, પણ જેમને આપણે ‘શાસ્ત્ર’ નામનું ટૂંકું નામ આપ્યું છે. હવે કોઈ વસ્તુ ઈષ્ટ છે કે અનિષ્ટ છે, સારી છે કે નરસી છે, એ જોવા હું અમુક પુસ્તક નથી જોવા જતો, પણ હિંદુ ધર્મનું તત્તવ શું કહે છે એ જોઉં છું અને એને માટે એક સીધો અને સરળ ગજ આપણી પાસે પડેલો છે. એ ગજ ‘સત્ય’નો. સત્યના માપમાં જે ન આવે તે તજવું, પછી ભલે તે મોટામાં મોટી સ્મૃતિમાં કેમ નહીં લખેલું હોય, એટલે જે માણસ કોઈ પ્રથાનો બચાવ કરવા ઈચ્છતો હોય, તેણે સિદ્ધ કરવું રહ્યું કે તે પ્રથા સત્યને અનુકૂળ છે. એટલું બતાવ્યા વિના તે હજારો શાસ્ત્રોનાં પ્રમાણો આપે તે મારે માટે વ્યર્થ છે.’