Hindu Dharmnu Hard - 21 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 21

Featured Books
Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 21

(21)

૯૯. પ્રાર્થનાની આવશ્યકતા અને અર્થ

(‘પ્રાર્થના પરનાં વ્યાખ્યાન’માંથી)

ગાંધીજીએ જેમનું પ્રત્યેક કાર્ય પ્રાર્થનામય છે, જેમને પ્રાર્થના એ આશ્રમનું એક મહાઆવશ્યક અને તાત્ત્વિક અંગ લાગે છે તેમની પાસે વિદ્યાર્થીઓ પ્રાર્થનાનું રહસ્ય સાંભળવા આવે એ તેમનું સદ્‌ભાગ્ય કહેવાય.

ગૂજરાત મહાવિદ્યાલયમાં ગયા સપ્તાહમાં રાષ્ટ્રીય શિક્ષણનો જે યજ્ઞ ચાલ્યો હતો તેની પૂર્ણાહુતિ છાત્રાલય સંમેલનથી થઈ, એ સંમેલનમાં બધા રાષ્ટ્રીય શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આવ્યા હતા એમ નહીં, પણ ગુજરાતના છાત્રાલયોમાં રહીને ભણતા વિદ્યાર્થીઓમાંના પણ થોડા આવ્યા હતા. ઘણાં છાત્રાલયો ઉત્તમ સંચાલકોના હાથ નીચે ચાલે છે, અને ઘણાકની ઈચ્છા છાત્રાલયમાં પ્રાર્થના ફરજિયાત કરવાની હશે એટલે દરેક સ્થાને સામુદાયિક પ્રાર્થના કરવાની ભલામણનો ઠરાવ સંમેલનમાં આવ્યો, પણ ઠરાવ ઊડી ગયો.

એ ઠરાવને તે જ માણસ લાવી શકે અને કરાવી શકે જેની રગેરગમાં પ્રાર્થનાનું રહસ્ય વ્યાપું હોય અને જેને પ્રાર્થના વિના જીવન અકારું થઈ પડેલું હોય.

એટલે એ ઠરાવ ઉપર એ વિષયના તજજ્ઞોની ચર્ચા થઈ એમ ન કહેવાય.

છતાં ઘણાને એમ થયું કે ઠરાવ ભલે ઊડી ગયો, પણ ઠરાવ ઊડી ગયા પહેલાં જે કરવાનું હતું તે ઠરાવ ઊડી ગયા પછી કરીએ - એ વિષયના તજજ્ઞ ગાંધીજી પાસે જઈએ અને તેઓ શું કહે છે તે સાંભળીએ. આશ્રમમાં પ્રાર્થના તે સ્થપાયું ત્યારથી થતી આવી છે, પણ ગયા વર્ષમાં પ્રાર્થનાની વ્યવસ્થિતતા, નિયમિતતા, શાંતિ અને ગાંભીર્ય વિશે ગાંધીજી જેટલા જાગ્રત થયા તેટલા પૂર્વે જાગ્ર નહોતા થયા. જાગ્રત થયા એટલે પ્રાર્થનામાં જવાના ત્યાં બેસવાના-ઊઠવાના, વગેરે આકરા નિયમો થયા છે. આ નિયમોથી ઘણાને આશ્ચર્ય તો થયું હશે જ, પણ કારણ વિના ગાંધીજી કશું ન કરે એવું તેઓ જાણતા હોવાને

લીધેસૌને પ્રાર્થના વિશે, તેમની પાસે, તેમની આ ઉગ્ર વૃત્તિમાં, જાણી લેવું એ સરસ લાગ્યું, અને એ ઠીક જ થયું. પરિણામે ગયા સપ્તાહમાં એક રમણી.

સાયંકાળે આશ્રમનું પ્રાર્થનાસ્થાન જે હજી પણ સત્યાગ્રહાશ્રમના નામને લાયક ગણાયેલું છે તેની ઉપર પ્રાર્થનાને સમયે ગાંધીજીએ પ્રાર્થનાની આવશ્યકતા અને રહસ્ય ઉપર પ્રવચન કર્યું. ખાસ આ પ્રસંગને લઈને જ પ્રાર્થનાનો સમય

અડધો કલાક વહેલો રાખવામાં આવ્યો, અને પ્રાર્થનાને અંતે ગાંધીજી સામાન્ય

રીતે હિંદીમાં બોલે છે તેને બદલેે ગુજરાતીથી ટેવાયેલા વિદ્યાર્થીઓના આતિથ્યથી પ્રેરાઈને તેમણે ગુજરાતીમાં જ પ્રવચન કર્યું. ખરે શાસ્ત્રીએ

પ્રાર્થનાના શ્લોકો પછી સુરદાસનું -

“મો સમ કૌન કુટિલ ખલ કામી

જિન તનુ દિયો તાહિ બિસરાયો

ઐસો નિમકહરામી.”

એ સુપ્રસિદ્ધ ભજન ગાયું, અને પછી ગાંધીજીએ આ પ્રમાણે પ્રવચન કર્યું :

“તમે બધા છાત્રાલયના વિદ્યાર્થીઓ અને ગૃહપતિઓ પ્રાર્થનાનું રહસ્ય અને આવશ્યકતા સમજવા અહીં આવ્યા છો, એથી મને બહુ આનંદ

થાય છે. મારી તો માન્યતા છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે; અને તેથી એ દરેક મનુષ્યના અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય

અંગ છે, હોવું જોઈએ. કારણ કોઈ મનુષ્ય કે સમાજ ધર્મરહિત રહી શકતા નથી. હા, કેટલાક માણસો એવા પડ્યા છે જે બુદ્ધિનો પ્રયોગ કરીને કહે છે કે અમારે ધર્મ સાથે લેવાદેવા નથી, પણ એ તો કોઈ માણસ શ્વાસોચ્છ્‌વાસ

લેતો છતાં કહે કે મને નાક નથી એના જેવું છે. માણસ જાણ્યેઅજાણ્યે માને જ છે; કારણ કે તે કાંઈક ધોરણ માને છે, અને તે ધોરણમાં પારલૌકિક ભાવ રહેલો છે, એટલે બુદ્ધિથી કહો કે વહેમથી કે પ્રેરણાથી માણસ કાંઈક પણ પારલૌકિક સંબંધ રાખે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ યત્કિંચિત્‌ પણ પારલૌકિક સંબંધ

રાખે છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ નીતિના કાંઈક ઘોરણને અવલંબે છે, અને એ પાલનથી કંઈક મળે અને ન પાલન કરવાથી કાંઈક ઊણપ રહે અથવા અહિત થાય એવી તેની વૃત્તિ રહે છે. બ્રૅડલો એક પ્રસિદ્ધ નાસ્તિક કહેવાયો. પોતાની નાસ્તિકતા એ જગજાહેર કરતો, એ જાહેર કરી મલકાતો, છતાં સત્યનું પાલન કરીને તેનાં આકરાં પરિણામો ભોગવવામાં તે અભિમાન

લેતો. પણ તે સત્યનું તેને કાંઈ ઐહિક પરિણામ મળેલું એ તે નહોતો બતાવી શકતો, અથવા ઐહિક પરિણામ તો દુઃખ જ હતું. છતાં તેમાં તે અભિમાન

લેતો, કારણ તેમાંથી એને સંતોષ મળતો, આનંદ મળતો. સત્યનો બદલો સત્ય જ હોય છે એમ એ કહેતો, છતાં તેના પાલનમાંથી તે સૂક્ષ્મ પ્રકારનો આનંદ મેળવતો એ નિર્વિવાદ છે. એ આનંદ ઐહિક નબીં પણ અલૌકિક હતા. ઈન્દ્રિયાતીત હતા. એટલે જ કહ્યું છે કે ધર્મનો ઈનકાર કરનાર માણસ પણ અલૌકિક તત્ત્વને સ્વીકારે છે, એટલે અનિચ્છાએ પણ ધર્મને માને છે.

અને જો ધર્મ છે તો તેનું ધ્યાન છે - એ જ પ્રાર્થના.

“પ્રાર્થના અનેક પ્રકારની હોય છે. આપણે બેનો વિચાર કરીએ : ઈશ્વરની પાસે કંઈક માગવાની, અને બીજી અંતર્ધ્યાન થઈ ઈશ્વરનું અનુસંધાન કરવાની, એને આપણે ઉપાસના કહીએ છીએ. ઈશ્વરને કોઈ બાહ્ય તત્ત્વ માનીને તેની પાસે કાઈકમાગદીએ કે તેને અંતર્યામી સમજી આપણે અંતરમાં જાગ્રત રહીને તેને આરાધીએ, ઉપાસીએ, પરિણામ અંતે એકનું એક જ છે.

પહેલો માણસ ભક્તમાં ખપે, બીજો જ્ઞાનીમાં ખપે. આપણે ભક્તમાં ખપીએ તો જગ જીત્યા. ઈશ્વરની પાસે માગણી કરવાની હોત તોયે તે માગણી આત્મશુદ્ધિ માટેની જ હોય. આત્માનું શૌચ, આત્માનું પરિશોધન એ જ પ્રાર્થના છે. આત્મા આપમામાં મૂર્છિત સ્થિતિમાં છે, તેના ઉપર અંધકાર, અજ્ઞાનનાં કેટલાંયે પડો ચડેલાં છે, તે દબાઈ રહેલો છે. પ્રાર્થના કરીને આપમે એમાંનું એકેએક પડ ઉખેડીએ છીએ, એટલે જે માણસ આત્મજાગૃતિમાં, ધર્મજાગૃતિમા માને છે તે માણસને માટે પ્રાર્થના એ મોડામાં મોટું તત્ત્વ છે.

કેટલાક માને છે કે મંદિરમાં ગયા, આરતી ઉતારી, ભજનમાં ભળ્યા, રામનામ

લીધું એટલે પ્રાર્થના થઈ ગઈ. પણ ભજન, રામનામ વગેરે બધાં પ્રાર્થનાનાં સાધન છે, સાધ્ય ઈશ્વરની સાથે અનુસંધાન છે. એ નિશ્ચેષ્ટ રહીને પણ થઈ

શકે, મૂંદા રહીને પણ પ્રાર્થના કરી શકાય. શબ્દ વિનાની પણ હૃદયથી થતી

પ્રાર્થના ચાલે, હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે.

આત્માના પડને ઉખેડવાનો જાગ્રત પ્રયત્ન હોય તો જ પ્રાર્થના સાર્થક છે.

એમાં દંભ ન હોય. આડંબર ન હોય. જેમ ભૂખ્યા માણસને ભોજન મળે સ્વાદ

આવે છે. તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનાનો સ્વાદ આવવો જોઈએ. હૃદયમાંથી થતી પ્રાર્થના પોતાને સ્વચ્છ કર્યા વિના રહેતી જ નથી. હું મારા પોતાના અને

મારા કેટલાક સાથીઓઅનુભવથી કહું છું કે જેને પ્રાર્થની હૃદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે.

જો ભૂલેચૂકે પણ પ્રાર્થના વિના તેનો દિવસ જાય છે તો ટિતિતશુદ્ધિ કરીને તે પોતાના આત્માનો મળ કાઢે ત્યારે જ તેને શાંતિ થાય છે.

“ત્યારે શું આવી પ્રાર્થનાનો નિયત સમય હોતો હશે ? જેને સતત આત્મશુદ્ધિ કરવી છે તેની તો ચોવીસે ઘડી પ્રાર્થનામય જ હોય. તે વાતે સાચી છે, પણ એવું થતું નથી. કારણ આપણે પામર છીએ, આપણે મોહવશ છીએ, સતત પ્રાર્થના કરવાને આપણે અશક્ત છીએ, એટલે અમુક સમય

આપણે નિયત કરીએ છીએ. સુરદાસે ગાયું, ‘મો સમ કોન કુચિલ ખલ

કામી.’ શું એ દંભી હતા ? ના, એ આપણા ગજ પ્રમાણે તો નિર્વિકારી હતા, સાધુ હતા. પણ એમને તો પોતાના ગજ પ્રમાણે પોતાને માપ્યા હતા, અને તે પ્રમાણે એ વિકારી હતા; પોતાનામાં ઊંડે ઊંડે છુપાયેલા સૂક્ષ્મ વિકારો એમને વીંછીંની જેમ કરડતા હતા. એટલે જ એ પોતાને ‘ખલ’ કહીને ધગી ઊઠતા હતા. રાગદ્વેષ થતાંની સાથે એ ધગી જતા, અને એ મૂર્છા મટાડવા જતા તેમ તેમ એમને થતું કે ‘હું હજી કેટલે દૂર પડેલો છું ?’ છતાં સુરદાસ આપણા કરતાં હજારો જોજન આગળ હતા, પણ તેમની આત્મજાગૃતિ તેમને

‘નિમકહરામી’ કહેવડાવતી હતા, અને પોકારાવતી હતી કે ‘હું હજી કેટલો દૂર છછું ?’ એ વૃત્તિમાં ચોવીસે કલાકની પ્રાર્થના રહેલી છે. પણ આપણી એવી ચોવીસે કલાક પ્રાર્થના કરવાની શક્તિ નથી, એટલે એક સમય રાખીએ છીએ, તે વાળા જગતને, શરીરની જંજાળને ખંખેરી નાખીએ છીએ, એટલે બાર કલાક તેના ભણકારા આપણી હૃદયમાં રહે છે. રાત્રે પાછા એવીજ

પ્રાર્થના કરીને સૂઈએ એટલે રાતને માટે આપણા આત્માની રક્ષા થાય છે.

આમ નિયત સમય રાખવો એ આપણું સામાન્ય માણસનં કર્તવ્ય છે. આપણે તો સદા પ્રાર્થનામય જ છીએ એમ કહીને આપણે આપણને છેતરીએ નહીં.

“આપણે આ જગતમાં સેવા કરવાને સર્જાયેલા છીએ; સેવાનું કામ

ઈચ્છીએ છીએ. આપણે જો જાગ્રત રહેતા હોઈશું તો આપણી પ્રવૃત્તિ દૈવી હશે. રાક્ષસી ન હોય. મનુષ્યનો ધર્મ રાક્ષસી હોવાનો નથી, દૈવી હોવાનો છે.

એટલે મનુષ્ય પ્રાર્થનામય રહેતો હશે તો તેની બધી પ્રવૃત્તિ દૈવી હશે રાક્ષસી ન હોય, પણ પ્રાર્થનારહિત માણસની પ્રવૃત્તિ આસુરી હશે, તેનો વ્યવહાર અશુદ્ધ હશે, અપ્રમાણિક હશે. એકનો વ્યવહાર પોતાને અને સંસારને સુખી કરનારો હશે, બીજાનો પોતાને અને જગતને દુઃખી કરનાર છે. એટલે પરલોકની વાત છોડી દઈએ તોપણ આ લોકમાં શાંતિ અને સુખ આપનારું સાધન પ્રાર્થના છે. કવિએ હનુમાન લંકા ગયા ત્યારનું રાવણના મહેલનું વર્ણન આપેલું છે. એ મહેલ હતો, પણ તેમાં બધું અસ્તવ્યસ્ત હતું, પોતાના અંગનું કોઈને ભાન નહોતું; રાક્ષસી નગરીમાં સુવ્યવસ્થા હોઈ જ ન શકે. આપણે આપણી દેહનગરીને દૈવી બનાવી તેમાં સુવ્યવસ્થા ઈચ્છીએ છીએ; એ સુવ્યવસ્થા લાવવાને માટે પ્રાર્થના આવશ્યક છે.

“અહીં પણ પ્રાર્થનાનું કામ બહુ જ ઢીલું ચાલતું હતું - રગશિયા ગાડાની જેમ ચાલતું, અને અમે તે નભાવી લેતા. અહીં આવનારા ઘણા જિજ્ઞાસુ તો હતા, સત્યાગ્રહ શીખવાની ઘગશથી આવેલા હતા. પણ મારી શિથિલતા જોઈમે તેઓ પણ પ્રાર્થનાને વિશે બેદરકાર બન્યા. બીજી વાતની જેટલી અમને ચિંતા પડી હતા તેટલી પ્રાર્થનાને વિશે પડી નહોતી. આખરે અમારી મૂર્છા ઊતરી, મને થયું કે આ સંસ્થાનો હું વાલી હોઉં તો જે વસ્તુને હું આટલું મહત્ત્વ આપું છું તેને વિશે હું આટલા બેદરકાર કેમ રહી શકું ? હું જાગ્યો, અને પ્રાર્થના વિશે કડક નિયમો સૂટવ્યા. એ એક વસ્તુને ઠીક કરું તો બીજી વસ્તુઓ સિદ્ધ થશે એ મારો વિશ્વાસ હતો, અને એ કડક નિયમથી કોઈને હાનિ થઈ નથી એવી મને આશા છે. ચોરસનો એક ખૂણો સીધો કર્યો એટલે બીજા ખૂણા કાટખૂણા થઈ જાય છે.

એટલે મારી તમને સલાહ છે કે તમે પ્રાર્થનાને ઝોડની જેમ વળગજો.

પ્રાર્થના કરવી શી રીતે એમ ન પૂછજો. કેવળ રામનામ લઈને પણ પ્રાર્થના થઈ શકે. પ્રાર્થનાની રીત ગમે તે હોય. ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. જે રીતે ‘હરિને લહી’ શકાય તે રીત પસંદ કરવાની છે. આટલું યાદ

રાખજો કે પ્રાર્થના જીભની વાત નથી, પણ હૃદયની છે. છાત્રોનેમારી સલાહ છે કે તમે ગૃહપતિઓની ચોટલી પકડીને કહેજો : ‘તમે શું પ્રાર્થના ફરજિયાત કરવાના હતા, અમે જ ફરજિયાત કરવાનું તમને કહીએ છીએ. અમે તેનું

મહત્ત્વ સમજીએ છીએ, પણ અમે આળસને લીધે કરતા નથી. તેથી અમે અમારી ઉપર અંકુશ ઈચ્છીએ છીએ. પ્રાર્થનાના પાશમાં બાંધીને પાંસરા કરો.’

તમને પ્રાર્થના પ્રિય હોય, તમને પ્રાર્થનામાં શ્રદ્ધા થઈ હોય તો આ બંધનમાં ઈચ્છાપૂર્વક પડો, એ બંધનમાં પડીને જ ઈચ્છિત ફળ મેળવશો. અનેક માણસો સ્વેચ્છાચારી થઈ માને છે કે અમે સ્વતંત્ર,ા ભોગવીએ છીએ. પણ તેઓ વિષયવિકારનાં બંધનમાં છૂટી જાય છે.તમે તમારી પોતાની ઉપર બળાત્કાર કરો તે બળાત્કાર કહેવાતો હશે ? આખું જગત નિયમો ઉપર બંધાયેલું છે, સૂર્યચંદ્ર નિયમને વશ વર્તે છે. નિયમ વિના વિશ્વ ક્ષણ પણ ન ટકી શકે. તમે તો સેવા કરવાનો ધર્મ સ્વીકારેલો છે. તમે નિયમને વશ ન વર્તશો તો તમારા ભૂકેભૂકા થઈ જવાના છે એટલું યાદ રાખજો. આપણામાં પશુતા તો ભરેલી છે જ, પણ નિયમનની આપણે પશુથી જુદા પડી શકીએ છીએ. આપણે ટટ્ટાર ઊભા રહેવાને સર્જાયેલા છીએ, ચોપગાંની જેમ ઘૂંટણિયે ચાલવાને સર્જાયેલા નથી, એટલે જો આપણે માનવી બનવું હોય, તો જીવનને પ્રાર્થના વડે રસમય ને સાર્થ કરી મૂકીએ.’

૧૦૦. પ્રાર્થનામાં શ્રદ્ધા નથી !

એક રાષ્ટ્રીય વિદ્યાલયના આચાર્યને એક વિદ્યાર્થીએ પ્રાર્થનાના વર્ગમાંથી ગેરહાજર રહેવાની પરવાનગી મેળવવા માટે નીચેનો કાગળ લખ્યો હતો :

“પ્રાર્થનામાં મને શ્રદ્ધા નથી, કારણ ઈશ્વર એવી કોઈ વસ્તુ વિશે મને શ્રદ્ધા નથી કે જેની પ્રાર્થના કરું. મારે માટે કોઈ ઈશ્વરની કલ્પના કરવાની આવશ્યકતા મને કદી લાગતી નથી.ની પંચાતમાં પડ્યા વિના મારી પોતાની મતિ પ્રમાણે શાંતિથી અને મન દઈને કામ કર્યા કરું તો મને શી હાનિ છે ?

“સામુદાયિક પ્રાર્થનાની જો વાત કરતા હો તો તે તો મને સાવ નિરર્થક લાગે છે. ગમે તેવી નજીવી વસ્તુ ઉપર આવડું મોટું ટોળું એકચિત્ત થઈ શકે ખરું કે ? અને તે ન થઈ શકતું હોય તો ઈશ્વર, આત્મા અને

મનુષ્યમાત્રની એકાત્મતા તથા બીજાં એવાં ભડકાવનારાં સૂક્ષ્મ તત્ત્વ આપણાં શાસ્ત્રોમાં આવે છે તે ઉપર તો કુમળી વયનાં અજ્ઞાન બાળકો શી રીતે એકાગ્રચિત્ત થઈ શકે ? અને આ સામુદાયિક પ્રાર્થના ‘પ્રભુ’ વિશે પ્રેમ શી રીતે બંધાઈ શકે ? જુદી જુદી પ્રકૃતિનાં માણસો એક જ રીતે વર્તે એવી આશા રાખવી એના કરતાં બુદ્ધિથી વધારે ઊલટી વાત કઈ હોઈ શકે ? એટલે પ્રાર્થના ઉપજિયાત ન રાખવી જોઈએ. જેને એ વિશે રસ હોય તે ભલે પ્રાર્થના કરે અને જેમને અણગમો હોય તે તેમાંથી અલગ રહે. કારણ સમજ્યા વિના જે કાંઈ કરવામાં આવે તે અનીતિમૂલક અને અવનતિકારક છે.”

આ છેલ્લા વિચારમાં કેટલું તથ્ય છે તે પ્રથમ તપાસીએ.

નિયમપાલનની આવશ્યકતા બરોબર સમજાય તે પહેલાં તેને વશ થવું એ અનીતિમૂલક અને અવનતિકારક છે ? શાળાના અભ્યાસક્રમની ઉપયોગિતા વિશે જેમને ખાતરી થઈ ન હોય તેવા વિદ્યાર્થીએ તે તે વિષયો ભણવા એ અનીતિમૂલક અને અવનતિકારક છે કે ? એક વિદ્યાર્થીએ એમ માની લીધું કે પોતાની માતૃભાષા શીખવી નિરર્થક છે, તેથી તેને તેની માતૃભાષા શીખવામાંથી મુક્તિ મળી શકે ખરી કે ? સાચી વાત એ નથી કે શાળાના વિદ્યાર્થીને પોતાને શીખવાના વિષયો વિશે અને પાળવાના નિયમો વિશે ખાતરી થયેલી હોવાની જરૂર નથી ? આ બંને બાબતમાં તેને જો કશી પસંદગી કરવાની હતી જ તો જ્યારે તેણે અમુક સંસ્થામાં જવાની પસંદગી કરી ત્યારે તે પસંદગી પૂરી થઈ. અમુક સંસ્થામાં તે જોડાય છે તેનો અર્થ જ એ છે કે તેના નિયમો વગેરેનું પાલન કરવાનું તે સ્વીકારે છે. તે સંસ્થા છોડી શકે છે, પણ સંસ્થામાં હોય ત્યાં સુધી તે શું શીખવું અને કેવી રીતે શીખવું એ વિશે તેની પસંદગી ન જ ચાલી શકે.

વિદ્યાર્થીઓને પ્રથમ જે ઘૃણા અથવા અણગમો ઉપજાવનારું લાગે તેને આકર્ષક અને સુગમ કરવાની ફરજ શિક્ષકોની છે.

“મને ઈશ્વર વિશે શ્રદ્ધા નથી” એમ કહેવું તો સહેલું છે. કારણ ઈશ્વર વિશે જેને જે કહેવું હોય તે કહેતાં ઈશ્વર તેને રોકતો નથી. તે તો માત્ર આપણાં કર્મ જોતો રહે છે. અને તેના નિયમનું ઉલ્લંઘન કરીએ તો તેની સજા અવશ્ય મળે છે જ - પણ તે સજામાં સજાનો ગુણ નહીં પણ પાવન કરવાનો અને અવશ્ય સુધારવાનો ગુણ રહેલો હોય છે. ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ

શકે જ નહીં, સિદ્ધ કરવાની જરૂર જ નથી. ઈશ્વર છે જ. તેનું અસ્તિત્વ આપણા હૃદયમાં ન ઊતરતું હોય તો આપણું દુર્ભાગ્ય છે; એ એક રોગ છે જે મને કમને કોક દિવસ તો આપણે કાઢી નાખવાના છીએ જ.

પણ વિદ્યાર્થીથી દલીલ ન કરાય. તેણે તો પોતાની સંસ્થામાં

પ્રાર્થનામાં હાજર રહેવાનું ફરજિયાત હોય તો નિયમપાલનની ખાતર પણ તેમાં જવું જ જોઈએ. પોતાની શંકા તે પોતાના શિક્ષકો આગળ રજૂ કરી શકે છે. જે વસ્તુ તેને ગળે ન ઊતરે તે ભલે તે ન માને, પણ જો તેને પોતાના શિક્ષકો પ્રત્યે માન હશે તો માનતો ન છતાં તેને કહેવામાં આવશે તે અવશ્ય કરશે, - ભયથી નહીં, અપ્પટપણાથી નહીં, પણ એ કરવું યોગ્ય છે એવા જ્ઞાનથી, અને આજે જે સમજાતું નથી તે કોક દિવસ તો સમજાશે જ એવા જ્ઞાનથી.

પ્રાર્થના એ માગણી નથી. એ તો આત્માનો ઉત્કંઠ અભિલાષ છે.

એમાં નિત્ય પોતાની નબળાઈઓનો સ્વીકાર આવી જાય છે. ભલભલા ચમરબંધીને પણ જરા, મરણ, રોગ, અરસ્માત આદિ આગળ પોતાનું અલ્પપણું હરઘડીએ સ્વીકારવું પડે છે. ઈપણે મૃત્યુના મોંમાં જીવીએ છીએ. જો પલકવારમાં આપણે જ ઝડપાઈ જશું તો “આપણી મતિ પ્રમાણે આપણું કામ કર્યા કરશું” એમ કહેવામાં કશો અર્થ નથી. પણ જો આપણે સાચા બાવપૂર્વક એમ કહી શકીએ કે “અમે તો ઈશ્વરપ્રીત્યર્થે અને તેની યોજનાને અધીન રહીને કામ કરીએ છીએ” તો તો મેરુની જેમ અડગ રહી શકીએ ખરા. કારણ ત્યારે કોઈ વાતનો અંદેશો નથી, ત્યારે કોઈ વસ્તુનો નાશ નથી, નાશ માત્ર ભાસમાન છે. મડત્યુ અને વિનાશ તે વેળા, અને ત્યારે જ અસત્‌ થઈ જાય છે. કારણ મૃત્યુ અથવા વિનાશ એ તે વેળા એક પરિવર્તનરૂપ બનશે - ચિત્રકાર પોતાનું એક ચિત્ર ચીરી નાખીને બીજું વધારે સારું ચીતરે છે તેમ, ઘડિયાળી ખરાબ સ્પ્રિંગ ફેંકી દઈને નવી અને સારી સ્પ્રિંગ નાખે છે તેમ.

સામુદાયિક પ્રાર્થના વિદ્યાર્થીઓ નિશ્ચય થવાની જરૂર નથી. જો તેમને પ્રાર્થનાનો સમય થાય કે તરત દોડી જવાનું મન થાય, અંતર ડંખે નહીં, તો તેમને આનંદ આવશે. પણ ઘણાને નથી આવતો. તેઓ તોફાન પણ કરે છે, છતાં જે અજ્ઞાત અસર થાય છે તે થયા વિના નહીં રહે. એવા વિદ્યાર્થીઓના દાખલા નથી મળી આવતા કે જેઓ આરંભમાં ઠઠ્ઠામશ્કરી કરવા પ્રાર્થનામાં જતા, પણ જેઓ પાછળથી સામુદાયિક પ્રાર્થનાના ગુણ વિશે મહાશ્રદ્ધાવાળા થયા ? પાકી શ્રદ્ધા જેમને ન હોય તેવા ઘણી વાર સામુદાયિક પ્રાર્થનામાંથી આશ્વાસન મેળવે છે એ તો સામાન્ય અનુભવની વાત છે. દેવળમાં, મંદિરમાં કે મસ્જિદમાં જનારા બધા જ ટીકાખોર કે દંભી નથી હોતા. તેઓ પ્રામાણિક સ્ત્રીપુરુષો હોય છે. તેમને માટે સામુદાયિક પ્રાર્થના નિત્ય સ્નાનની જેમ આવશ્યક નિત્ય કર્મ બની જાય છે. એ દેવળો, મંદિરો અને મસ્જિદો કેવળ વહેમ નથી કે જેમને પહેલી તકે જમીનદોસ્ત કરવાં જોઈએ. અત્યાર સુધી થયેલા ગમે તેટલા હુમલા સામે તેઓ ચકી રહ્યાં છે અને અનંત કાળ સુધી તે કાયમ રહેવાનાં.