Kalmsh - 23 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 23


ઇરાએ ધાર્યું હતું એમ જ થયું. નીના તો ઈરાનો ચહેરો જોઈને જ ડઘાઈ ગઈ હતી. એના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ હતી. કારણ એનું સાફ હતું. ઈરાના ગારામાટીથી ખરડાઈ ગયેલાં વસ્ત્રો જ નહીં , ચહેરો અને વાળ પણ લાલકાળી માટીથી ભરાઈ ચૂક્યા હતા. ડોક્ટરે કપાળમાં લાગેલી ચોટના ભાગમાંથી માટી સાફ કરી ડ્રેસિંગ કરી દીધું હતું પણ તો ય ઘાવમાંથી વહેલું લોહી પાટા પર ફૂટી આવ્યું હતું. આવ્યા હતા માત્ર ત્રણ ટાંકા પણ ઈરાના હાલહવાલ એવા હતા કે સામે રહેલી વ્યક્તિ ગંભીર સ્થિતિ માની બેસે.

ન તો બદલવા કપડાં હતા ન સાથે કોઈ સામાન.એટલે સ્વાભાવિક છે કે નીના સામે છેડે ઈરાના આ હાલ જોઈ સહેજે ગભરાઈ જાય.

'ઇરા , આર યુ ઓકે ? 'નીના સામેથી વારંવાર એકનો એક પ્રશ્ન દોહરાવતી રહી એટલે ઇરાએ વાત ટૂંકાવવા કહેવું જ પડ્યું : હું તને આરામથી ફોન કરીશ, ગભરાવવા જેવી કોઈ વાત નથી પણ એક વાત છે કે મારી ટ્રાવેલ ડેટ ફરી બદલવી પડશે. તું મેનેજ કરી લઈશ ને , નીના ? '

'અરે ઇરા, આવી ઇન્જરીમાં હું બધું મેનેજ કરી શકીશ ચિંતા કરે છે ?' નીનાના સ્વરમાં ચિંતા છલકી.

ત્યારે તો ઇરાએ ધરપત આપીને ફોન મૂકી દીધો હતો પણ નીનાના સ્વભાવની એને ખબર હતી.
એ છોકરી નકામી ઉચાટ કરતી બેસી રહેવાની ,પણ અત્યારે ફોન પર લાંબી વાતો કરવાનો અર્થ નહોતો. પાસે રહેલા મોબાઈલ ફોનની બેટરી ટકી રહે એ પણ મહત્વનું હતું.
સાથે લીધેલું ચાર્જર તો કારમાં પડ્યું હતું .સવારે પૂના જઈને સાંજ સુધીમાં પાછા આવવાનો કાર્યક્રમ હતો એટલે સાથે તો કોઈ સામાન રાખવાનો સવાલ પણ નહોતો. જો સામાન સાથે હોતે તો પણ એ નકામો થઇ ગયો હોત. વિવાનની કાર માટી દગડના ઢેર નીચે સંપૂર્ણપણે ઢંકાઈ ચૂકી હતી.

સ્વસ્થ થઇ રહેલી ઇરા પાસેથી વિવાન ખસ્યો નહોતો પણ ડોક્ટર સાથે વાતચીત કર્યા પછી નચિંત થઇ ગયો હતો. હવે એના ફોન શરુ થઇ ગયા હતા.

સહુથી પહેલો ફોન તો વિવાને પોતાના સેક્રેટરી ઉદયને કર્યો હતો. ઉદયને જણાવી દીધું હતું કે પાછા વળતાં કેવો અકસમાત થયો છે. મુંબઈ પાછા ફરવા ન તો કોઈ વાહન હતું કે ન કોઈ વ્યવસ્થા.
ચોમાસાની ઋતુ હતી એટલે લોનાવાલા સહેલાણીઓથી ઉભરાતું હતું. એવા સંજોગોમાં સૌથી સારો વિકલ્પ હતો મુંબઈથી વાહન મંગાવી લેવાનો.

'સર, એવું હોય તો હું અને અહેમદ બંને આવી જઈએ છીએ , ત્રણ કલાકથી વધુ નહીં થાય. ' ઉદયે જ સામેથી વિકલ્પ સૂચવ્યો.
એનો વિચાર ખોટો પણ નહોતો.

'ના ઉદય , બંનેએ અહીં સુધી આવવાની જરૂર નથી. તું ફક્ત અહેમદને મોકલી આપ અને તું ત્યાંથી ટોઇંગ કંપની સાથે વાત કરી લે. કાર ટો કરાવવી પડશે, અને ઇન્શ્યોરન્સને લગતી ફોર્માલિટીઝ તો પછી થતી રહેશે.'

ઉદય સાથે વાતચીત કરીને વિવાન હળવો થઇ ગયો. હવે કોઈ ચિંતાનું કારણ નહોતું. ડોકટરના મતે સવારે ડિસ્ચાર્જ લઇ શકાય તેવી સ્થિતિ હતી, તો પછી રાત્રે અહેમદ કાર લઈને આવે ત્યારે પણ લઈ જ શકાયને.
'તો મેડમ હવે ડરવાનું કોઈ કારણ નથી. મુંબઈથી મારો ડ્રાઈવર થોડી જ વારમાં કાર લઈને નીકળશે અને એ અહીં આવે ત્યારે આપણે નીકળી શકીશું.' વિવાને ફરી એકવાર ઈરાનો હાથ પસવાર્યો. એના કાદવથી ખરડાયેલાં વાળ પસવાર્યા અને સ્મિત કર્યું.
હંમેશ હિંમતવાળી લાગતી ઇરા ન જાણે કેમ પણ આ અકસ્માતથી થોડી હચમચી ગઈ હોય એમ લાગી રહ્યું હતું. એ મૌન રહી, માત્ર માથું ધુણાવ્યું.

'તું શું વિચારમાં છે ? શેની ચિંતા કરે છે ઇરા? ' વિવાનને સમજમાં નહોતું આવી રહ્યું કે ઈરાને કઈ વાતની ચિંતા કોરી ખાઈ રહી છે. અકસ્માત નજીવો છે. કાર આવી રહી છે. ડિસ્ચાર્જ લઈને નીકળી જવાનું છે ને સવાર પહેલા તો ઘરે પહોંચી જવાનું છે તો પછી આટલી ચિંતા શેની થઇ રહી છે ઈરાને ,એ વાત વિવાનને સમજાતી નહોતી.
ઇરા નિરુત્તર રહી. એનું મૌન એ વાતની સાક્ષી પૂરી રહ્યું હતું કે એ ચિંતામાં તો હતી જ.

વિવાનને વધુ દબાણ કરવું યોગ્ય ન લાગ્યું. એટલે એ ઇરાના ચહેરા સામે તાકી રહ્યો.
ઈરાના ચહેરા પર આછું સ્મિત અંકાયું.
'વિવાન , આટલા વર્ષોમાં તું કેટલો બદલાઈ ચુક્યો છે !! આ એ જ વિવાન છે જે હંમેશ ગંભીર રહ્યા કરતો હતો. અને આ એ જ વિવાન છે જેની કાર ક્રેશ થઇ ચૂકી છે એનું પેટનું પાણી નથી હાલતું અને શાંતિથી બધી વ્યવસ્થા કરી રહ્યો છે , જાણે કશું થયું જ નથી. '

ઈરાની વાત તો સાચી હતી. વિવાન એ વાત પર મર્માળુ હસીને ચૂપ થઇ ગયો.

'ઇરા, તને તો ખબર છે તે વખતની પરિસ્થિતિ. એ સમય. જયારે એક એક રૂપિયો બચાવવો મારા માટે મહત્વનો હતો. સામે કોઈને કોઈ વિષમ પરિસ્થિતિ આવી જતી ને , ખેર, છોડ એ બધી વાતોને. પણ, હું એક વાત તો શીખ્યો. લોકો ભલે કહેતા હોય કે પૈસો હાથનો મેલ છે પણ હકીકત એ છે કે એ મેલ વિના જિંદગી બેરંગ હોય છે. એ પરિસ્થિતિ એ જ સમજી શકે જેને જોઈ હોય, ભોગવી હોય.
વિવાન બોલ્યો હતો સ્વાભાવિકરીતે પણ એ પાછળની પીડા સાફ છલકતી હતી.

'ને તને ખબર છે ઇરા, જે ચીજ એક સમયે કપરી લાગી હોય એ જ વાત સફળતા પછી લિજ્જત જેવી લાગવા લાગે છે એ પણ એટલી જ સાચી વાત છે. '

'ઓહ તો તને એ સમય હવે લિજ્જતદાર લાગી રહ્યો છે ? ઇરાએ હસીને મૌન તોડ્યું.

અકસ્માત ,ઇજા ,પરિસ્થિતિ બધું જ વિસરાઈ ગયું હતું. ઈરાને વિવાન ફરી પોતાની મસ્તીમાં આવી રહ્યા હતા. જે વર્ષો પૂર્વે શરુ થતાં પૂર્વે જ ઓગળી ગઈ હતી.

'....અને જોજે ઇરા , આ પળ પણ એક દિવસ આપણે યાદ કરીશું .....' વિવાને હાથમાં રહેલી ઈરાની હથેળી થપથપાવતાં કહ્યું.
ઇરાએ સંમતિમાં માથું તો ધુણાવ્યું પણ ફરી એનો ઉચાટ હોઠ પર આવી ગયો.

'વિવાન, મેં આમ પણ જવામાં મોડું કરી દીધું બાકી હોય તેમ આ અકસ્માત.બીજા બે ત્રણ દિવસ તો વધુ લંબાઈ ગયા , મને ડર એ વાતનો છે કે નીના કઈ રીતે મેનેજ કરશે ?'

વિવાનને આવી બાલિશ ચિંતા પર હસવું આવી ગયું. : જેટલી ચિંતા નીનાને પોતાની નહીં થતી હોય એટલી ચિંતા તું એની કરે છે ઇરા, લેટ હર મેનેજ ઈટ. વિવાન સ્વાભાવિકપણે બોલ્યો હતો પણ ઈરાના કપાળે ખેંચાયેલી રેખાઓ તંગ જ રહી.

'નહીં વિવાન , તું સમજતો નથી , એ એટલી સરળ વાત નથી. સામાન્યરીતે બિઝનેસ ડીલ હું સાંભળતી હોઉં છું. નીના સારી પ્રોગ્રામર , એનેલિસ્ટ છે એ સાચું પણ પૈસાની વાતમાં એને ઝાઝી ગતાગમ નથી અને આ તબક્કે અમે એવા સ્થાને ઉભા છીએ કે હાથમાં રહેલા નેગોશિયન્સ નાની સરખી ગફલતને કારણે બગડી જાય એ પોષાય તેમ નથી. ' ઇરાએ પોતાની નજર વિવાનની નજર સાથે પરોવતાં કહ્યું.
વિવાન એકચિત્તે ઈરાની વાત સાંભળી રહ્યો હતો.

'પણ એ તો તું એકાદ અઠવાડિયા પછી પણ જઈને કરી જ શકે ને !! '
વિવાનના મનમાં આવ્યો તે વિકલ્પ એને સૂઝવ્યો.
ઈરાના ચહેરા પરના ભાવ ન બદલાયા. : એક અઠવાડિયું ઓર ? , વિવાન તું શું વાત કરે છે ? હું આવી હતી માત્ર ચાર પાંચ દિવસ માટે, તેની બદલે દસ દિવસ થઇ ચૂક્યા છે બાકી રહી વાત બીજા એક અઠવાડિયાની , તો તું જ કહે ને કોઈ એટલી બધી રાહ જુએ ? કેવું અનપ્રોફેશનલ લાગે ? અને સચ્ચાઈ વાત કહું ? આ તબક્કે આ ડીલ હાથમાંથી જાય એ કોઈ હિસાબે પોષાય તેમ નથી.

વિવાન ઝાઝું તો નહીં પણ એટલું સમજી શક્યો કે ઇરા કોઈક રીતે નાણાંકીય મુસીબતમાં હોવી જોઈએ. એ ઈરાને બરાબર જાણતો હતો. એ ખુલીને બોલશે તો નહીં જ એટલે સામેથી જ પૂછી લીધું : તને હું કોઈક રીતે મદદ કરી શકું ?

'અરે ના, તું સમજતો નથી વિવાન. નીના બહુ તકલીફમાં છે. છેલ્લા છ મહિનાથી એ રાત્રે ઊંઘી નથી શકતી. એના ફાધરને પેન્ક્રિયાટિક કેન્સર છે. તું સમજી શકે છે ને એની તકલીફ ? એ સારવાર કેટલી મોંઘી હોય છે તે સમજવાની વાત છે. નીના પર એ તમામ જવાબદારી છે. કદાચ જરૂર પડી તો એના માતાપિતા યુએસ આવે તો એ બધી વ્યવસ્થા કરવાની છે એણે. આવા સંજોગમાં એક એક નાની મોટી ડીલ જરૂરી છે. '
વિવાન સમજી શકતો હતો ઈરાની વાતને. નીના માટે એની ચિંતા હવે સ્વાભાવિક લાગવા માંડી.

બે ત્રણ કલાકનો પ્રશ્ન હતો. એકવાર અહીંથી નીકળી મુંબઈ પહોંચી જવાય અને ત્યાં ડોક્ટર ઈરાને ચેક કરી લે પછી જ આગળનું પ્લાનિંગ થઇ શકે એમ હતું.
'ઇરા, તું બોલવાનું અને ચિંતા કરવાનું કાલ પર રાખ , હું બિલિંગ અને ડિસ્ચાર્જની ફોર્માલિટીઝ પૂરી કરીને આવું ' તકિયાના આધારે બેઠેલી ઈરાની પીઠ પાછળનો તકિયો લઇ વિવાને બાજુ પર મુક્યો. થોડીવાર આરામ કરી લે. '

વિના કંઈ કહ્યે ઇરાએ વિવાનની વાત માની લીધી।l. એને સાચવીને તકિયા પર માથું ટેકવ્યું. પીડા તો જરાય નહોતી પણ આંખો ઘેરાઈ રહી હતી.


*********


ગહેરી નિદ્રામાં રહેલી ઈરાને લાગ્યું કોઈ એનો ખભો થપથપાવી રહ્યું છે.
આંખો પર સીસું મૂક્યું હોય એવો ભાર પાંપણ પર વર્તાઈ રહ્યો હતો.પરાણે બળ કરીને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામે ધૂંધળો ચહેરો વિવાનનો દેખાયો.

'સોરી ,તને જગાડવી પડી પણ ડ્રાઈવર આવી ગયો છે , મેં બધી ફોર્માલિટીઝ પૂરી કરી લીધી છે. હવે જઈ શકાશે , આર યુ ઓકે? કે પછી સવારે નીકળવું છે ?
'ના, ના... નીકળી જ જઈએ. ' અસ્ફૂટ સ્વરે ઇરાએ કહ્યું : સવાર સુધી રાહ જોવાની જરૂર નથી.

વિવાને હાથ પકડીને ઈરાને ઉભી કરવામાં મદદ કરી. ઊંઘથી આંખો ભારે હતી છતાં ઇરાએ ડગલું માંડ્યું. વિવાન એને દોરી રહ્યો હતો. કમ્પાઉન્ડમાં ઉભેલી કાર સાથે અહેમદ ઉભો હતો. વરસાદ તો બંધ થઇ ગયો હતો અને આકાશમાં બીજનો ચંદ્ર તારાઓની સાથે વાતો કરી રહ્યો હતો.

વિવાને કાર ડોર ખોલ્યું , ઇરા, સાચવીને , જો જે માથું સાંભળીને ...
એ એવી કાળજી લઇ રહ્યો હતો જાણે ઇરા કોઈ નાની બાળકી હોય.
ઈરાને પાછલી સીટમાં બેસાડી વિવાન ડ્રાઈવર સાથે આગલી સીટમાં બેસી ગયો અને અહેમદે કાર સ્ટાર્ટ કરી.
વિવાનની એસયુવી સડસડાટ દોડી રહી હતી.
જ્યાં અકસ્માત થયો હતો તે જગ્યા વચ્ચે આવી રહી હતી. ત્યાં જેસીબી મશીન પોતાની કામગીરી પૂર્ણ કરી પરવાર્યા હોય એમ રસ્તો સાફ થઇ ચૂક્યો હતો. વિવાને પાછળ ફરીને ઇરા પર નજર નાખી. આંખ બંધ હતી. લાગતું હતું કે ફરી નિદ્રામાં સરકી પડી હતી. ડોકટરે આપેલા સેડેટિવ્ઝની કમાલ હતી.

વિવાનને આંખો પણ ઘેરાઈ રહી હતી. છતાં એની નજર રસ્તા પર હતી. હળવો વરસાદ ફરી શરૂ થઇ રહ્યો હતો. મધરાત થવા આવી હતી એટલે રસ્તા ખાલી હતા. બે કલાકમાં તો ઘરે પહોંચી જવાશે એ અટકળ સાચી પડી રહી હતી.
બે કલાક દરમિયાન ઇરા તો ઊંઘતી જ રહી હતી.
વિવાનના એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં કાર પ્રવેશી ત્યારે રાતના સાડા ત્રણ થવા આવ્યા હતા.

'ઇરા, ઇરા .... ' વિવાને હળવેથી ઈરાને ઉઠાડી: આપણે આવી ગયા, લેટ્સ ગો અપ ...
ઇરાએ ધીરેથી આંખો ઉઘાડી . સારી એવી ઊંઘ થઇ ચૂકી હતી એટલે હળવાશ અનુભવાઈ રહી હતી.
વિવાન હળવે હળવે ઈરાને લિફ્ટ સુધી દોરી ગયો.
પોતાના રૂમમાં પહોંચીને સહુથી પહેલું કામ કર્યું ઇરાએ બાથરૂમ ભેગા થવાનું.કાદવથી લથબથ કપડાંની માટી સુકાઈ ગઈ હોવાથી ખરી રહી હતી.

'ઇરા, ડોન્ટ બોધર , કપડાં બદલીને સુઈ જજે ' વિવાને તો કહ્યું હતું પણ એ કઈ રીતે શક્ય બને?

ઇરાએ પોતાની બેગમાંથી નવા કપડાં કાઢીને સાઈડ પર રાખ્યા અને બાથરૂમમાં ગઈ. માથાના ઘાવને પાણી ન લાગે તે રીતે શાવર કેપથી કવર કરીને ઇરાએ શાવર ચાલુ કર્યો. હૂંફાળા પાણીએ અદભૂત જાદુ કર્યો . પાણીમાં વહી જતી માટી સાથે ચિંતા પણ વહી જતી હોત તો ? ઈરાને પ્રશ્ન થયો.

પૂરી પચાસ મિનિટે ઇરા બાથરૂમમાંથી બહાર નીકળી ત્યારે વોલક્લોક સાડા ચારનો સુમાર દર્શાવી રહી હતી.હથેળી પર મોઇશચરાઈઝર લગાવી રહેલી ઈરાને વિચાર આવ્યો : ન્યૂયોર્કમાં વાગ્યા હશે સાંજના સાત. નીના કદાચ વાઈન્ડ અપ કરી ચૂકી હશે કે પછી કરી રહી હશે. આ જ સમય હતો વાત કરી લેવાનો.

ઇરાએ ફોન લગાવ્યો નીનાને.
રિંગ જઈ રહી હતી. સામે છેડે ફોન રિસીવ ન થયો.
ઇરાએ બે વાર ટ્રાય કરીને ફોન સ્વિચ ઑફ કરી દીધો. હવે આંખ ખુલે ત્યારે પડશે સવાર.

*******************

ન્યુ યોર્કની રળિયામણી સાંજે કિચનમાં નીના બીઝી હતી. આજનો દિવસ એને માટે એકદમ સ્પેશિયલ હતો. એને પોતાના ફોનની રિંગ કઈ રીતે સંભળાય ? એ તો ડાઇનિંગ ટેબલ પર બહાર પડ્યો હતો. અને એમાં સાથે ગુંજી રહેલી કેની જીની ધૂન હાઈ વોલ્યુમ પર હતી.

નીની , યોર કોલ ...... કેન્ડલ લાઈટ ડિનર માટે ટેબલ સેટ કરી રહેલો વાસુ ફોન લઈને અંદર આપવા આવ્યો ત્યાં સુધીમાં તો રિંગ વાગવી બંધ થઇ ચૂકી હતી.

'ઓહ, ઇરાનો ફોન હતો.' જરા સંકોચથી નીના બોલી.

'સો વૉટ ?, ચીલ બેબી ..... ' કહેતાં વાસુએ નીનાને પોતાની પાસે ખેંચી લીધી .

ક્રમશ:




--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000
pinkidalal.wordpress.com
pinkidalal.blogspot.com