Kalmsh - 24 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 24ત્રણ દિવસ તો આંખના પલકારામાં પસાર થઇ ગયા . વિવાનના ફિઝિશિયન પાસે જઈને રોજેરોજ ડ્રેસિંગ કરાવવા પછી ઈરાના મનમાં એટલી રાહત તો થઇ ગઈ હતી કે ઇન્જરી કોઈ વધુ સારવાર માંગે એવી નહોતી. ઈરાની ચિંતા બીજી હતી તે હતી જેમ બને એમ વહેલું ઘરભેળાં થવાય તો સારું. માના કોલ પણ જાણીજોઈને રિસીવ નહોતાં કર્યાં .ખબર હતી કે માનો પહેલો સવાલ હશે કે પહોંચી જઈને એક ફોન પણ ન કર્યો ?

માને શું જવાબ આપવો ? કે પોતે હજી ઇન્ડિયામાં જ છે ? ને પૂછે કેમ અને ક્યાં ? તો ? તો શું જવાબ આપવો ?

'શું વિચારમાં ગુમાઈ જાય છે વારે વારે ?' વિવાને હળવેકથી ખભા પર ટપલી મારીને પૂછ્યું.

પોતાના વિચારમાં પડેલી ખલેલથી ઇરા ઓછ્પાઈ ગઈ. વિવાનને વારેવારે નીનાની વાત સાંભળવી પસંદ નથી આવતી તે તો તેના પ્રતિભાવ પરથી ક્યારનું સમજાઈ ગયું હતું.પણ, બિચારી નીનાની મુસીબત એને કેમ કરીને સમજાવવી ?

ઇરા જરા ટટ્ટાર થઇ બેઠી થઇ. વિવાન જોડે વાત કરી લેવી જરૂરી હતી.
એ થોડીવાર સુધી વિવાન સામે જોતી રહી, વાત માટે પોતાની જાતને તૈયાર કરતી હોય તેમ. હજી તો એ બોલવાની શરૂઆત કરે તે પહેલા જ વિવાને એને અટકાવી, ન જાણે તેનું મન વાંચી લીધું હોય તેમ.

'ઇરા, હવે હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ...' વિવાન થોડે દૂર ખસીને બેડની બીજી બાજુએ પડેલી ચેર પર આરામથી બેસી ગયો. : આજે કે કાલે આ વાત કરવાની જ છે તો પછી આજે, હમણાં જ કેમ નહીં ?

અચરજભરેલી આંખોથી ઇરા એને જોતી રહી ગઈ.

'જો હું શું કહું છું એ સાંભળી લે પછી વિચારીને જવાબ આપજે. 'વિવાન બોડી લેન્ગવેજ એવી હતી કે જાણે એ કોઈ પરીક્ષાની આપવવાની તૈયારી કરતો હોય.

'મને ખબર છે કે ન્યુ યોર્ક પહોંચવું તારા માટે બહુ જરૂરી છે. જો આ એક્સિડન્ટ ન થયો હોત તો કદાચ અત્યારે પહોંચી પણ ગઈ હોત , પણ ઇરા , તને નથી લાગતું કે આપણે હવે પોતાના માટે પણ વિચારવું જરૂરી છે.'
વિવાન ક્ષણ માટે અટક્યો અને જોઈ લીધું કે ઇરા વાત બરાબર સાંભળે છે કે નહીં.
'એ વાત બરાબર છે કે નીનાને તારી મદદની જરૂર છે અને એક મિત્રના નાતે તારે એની સાથે ઉભા રહેવું તારી નૈતિક ફરજ પણ બને છે પણ મારો મત પણ સાંભળી લે.. ' વિવાને ફરી વાત અટકાવી ઈરાના ચહેરા સામે નજર નાખી . એ એકટશે વિવાનને જોઈ રહી હતી.

બંનેની નજર એક થઇ એટલે ઇરાએ માથું સહેજ નમાવ્યું , આંખોથી એને સંમતિ આપી દીધી હતી.

વિવાને એક ઊંડો શ્વાસ લીધો..બસ , હવે મનની વાત કહી દેવાની ઘડી આવી ચૂકી હતી.
'મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો ઇરા કે આ પળ મારા જીવનમાં આવશે , એટલે તું જાય એ પહેલા કહી દેવા ચાહું છું , વિવાન જરા રોકાયો , પણ પછી તરત જ વિચાર બદલ્યો હોય તેમ પૂછી લીધું : વિલ યુ મેરી મી ઇરા?

ઈરાના ચહેરા પરથી લાગતું હતું કે જાણે તેને ણ આ ઘડીની અપેક્ષા રાખી હતી. એક મોરપિંછ ચહેરા હળવેથી પર ફરી વળ્યું હોય તેમ એની આંખ વધુ ઝૂકી રહી પણ હોઠ પર આવીને બેસી ગયેલું નાનકડું સ્મિત એનો જવાબ આપી દેતા હતા.

ઘડીભર બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં.
પછી ઇરાએ જ મૌન તોડ્યું : વિવાન , જો તને લાગતું હોય કે તે મને આમ પ્રપોઝ કરી દીધું અને હું તરત ને તરત હા પાડી દઈશ તો ..... ઇરા અટકી ને ઊંડો શ્વાસ ભરીને વધુ ટટ્ટાર થઇ બેઠી. વિવાન માટે આ પ્રતિભાવ બિલકુલ અણધાર્યો હતો.

'ઇરા મને લાગ્યું કે આપણે બંને એમ જ ઇચ્છતાં હોઈશું કે ...' વિવાન અચકાયો.

'વિવાન હું તને તારી વાતનો જ જવાબ આપું છું, કે જો તેં ધારી જ લીધું હોય કે આટલા દિવસના સહવાસમાં તું મને પ્રપોઝ કરશે ને હું હા પાડી દઈશ તો ...' ઇરા અટકી, એને વિવાન સામે જોયું , વિવાનનો ચહેરો સહેજ ઓછ્પાઈ ગયો હતો. નજર એક થતાં એ નીચું જોઈ ગયો.

'.... તો વિવાન તું બિલકુલ સાચો છે. ' સાથે સંભળાયું ઈરાનું ખડખડાટ હાસ્ય... વર્ષો જૂની ઇરા ફરી એ જ અંદાજમાં આવી ગઈ હતી.
સાથે જ વિવાનના ચહેરાની પાછી રંગત ફરી હોય તેમ એનો ચહેરો આછો ગુલાબી થઇ ગયો.

'ઇરા , તું , તું જ છે. જરાય નથી બદલાઈ ....' વિવાને ઉભા થઈને ઈરાનો હાથ પકડી ચૂમી લઇ એને આલિંગનમાં લઇ લીધી.બંને ક્યાંય સુધી આગોશમાં રહ્યા। ઈરાના સુગંધી વાળને વિવાન હળવેથી ચૂમતો રહ્યો.

અચાનક જ વિવાને ઈરાને પોતાથી અળગી કરી.

'ઇરા, સમય ઓછો છે. હવે ખાસ મહત્વની વાતો કરી લઈએ? '
ઇરા એને અચંબાથી જોતી રહી. હવે કઈ મહત્વની વાત રહી જતી હતી ?

વિવાન એની બાજુમાં બેડ પર બેસી ગયો.
એની વાત સાચી હતી. જે વાત કરવાની હતી તે બંનેના ભવિષ્યની હતી.
બંને પોતાની સ્વતંત્ર કારકિર્દી ધરાવતા હતા. એક વસતું હતું ન્યુ યોર્કમાં અને બીજું મુંબઈમાં. એ બે વચ્ચેનો મધ્યમમાર્ગ કાઢવો જરૂરી હતો. શરૂઆત વિવાને જ કરી.

'જો ઇરા, આપણે બંને જીવનમાં જે પામવું હતું એ તો પામી ચુક્યા , અને પામતા રહીશું . તારી કારકિર્દી એવી નથી કે તું ત્યાં હોય તો જ આગળ ધપાવી શકે. મારા માટે યુએસ સેટલ થવું જરા મુશ્કેલ પણ જો તું અહીં સેટલ ન જ થવા માંગતી હોય તો આપણે એ શક્યતા પણ વિચારી શકીએ. પણ, હવે એ સમય છે નિર્ણય લેવાનો..તું એકવાર જાય પછી ભલે વિડીયો કોલિંગ કરતાં રહીશું પણ મને રૂબરૂ કહેવું વધુ ઉચિત લાગે છે ઇરા....તું મુંબઈમાં સેટ થવાનું ન વિચારી શકે ? પ્લીઝ ? મારા માટે ?'

વિવાનની વાતે ઈરાને વિચારતી કરી મૂકી. વિવાન જોડે જિંદગી વિતાવવી એક સપના જેવી વાત હતી. હવે જયારે આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું હતું ત્યારે બે વચ્ચે પસંદગી વિષમ બની રહેવાની હતી.

'શું વિચારે છે ઇરા?'

ઇરાએ હોઠ ભીડ્યા અને માથું ધુણાવ્યું : વિવાન આપણે જેટલું ધારીએ એટલું સહેલું નથી બધું, મારી પણ જવાબદારી છે મારી કરિયર પ્રત્યે ...'

'પણ ઇરા વિચાર તો ખરી , હવે તો ઇન્ટરનેટે દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવી દીધી છે. ને તારો બિઝનેસ જ એવો છે કે તું ન્યુ યોર્કમાં હોય કે મુંબઈમાં એમાં કોઈ ફરક પડતો નથી . 'વિવાને ઈરાને સમજાવવાની કોશિશ કરતાં કહ્યું.
ઇરા શૂન્યનજરે વિવાનને જોતી રહી. કોઈ પ્રત્યુત્તર ન આવતો લાગ્યો કે વિવાન મૂંઝાયો.ક્યાંક ઈરા પોતાની વાતથી નારાજ તો નથી થઇ ગઈ ને !!

'ઇરા , મેં જે કહ્યું તે વિચારી જોજે. એમ તો મારું કામ પણ એવું નથી કે વિશ્વમાં ક્યાંય રહીને ન કરી શકાય , ચોક્કસપણે કરી શકાય પણ મારી રિસર્ચ તેના માટે થતું ટ્રાવેલિંગ , મારો સ્ટાફ, થયેલી અરેન્જમેન્ટ એ બધાને કારણે રિલોકેટ થવું જરા વધુ પડતું છે...'

વિવાનના સ્વરમાં લાચારી પડઘાતી રહી. હવે જયારે કોઈ બંધન નહોતું ત્યારે પોતપોતાની જિંદગીમાં રહેલી સ્વતંત્રતા બંધન બનીને ઉભી હતી.

'એવું નથી કે હું ઇન્ડિયા પાછી ફરવા નથી માંગતી પણ વિવાન ,પ્લીઝ સમજ, મારા માથે જવાબદારી બહુ મોટી છે. મેં મારો બિઝનેસ ઉભો કરવા મહેનત સાથે રોકાણ પણ ભારે કર્યું છે. એ બધું એક રાતમાં સમેટીને આમ અહીં આવી જવું ...એ જરા ....' ઇરા વધુ બોલી ન શકી. વધુ કહીને વિવાનને દુઃખી કરવાનો કોઈ અર્થ નહોતો સરતો.

ઈરાની વાત સાંભળીને વિવાન પણ વિચારમાં પડી ગયો હતો. અત્યાર સુધી જે વાત માત્ર બે ડગલાં દૂર લાગી હતી તે વચ્ચે જાણે સાત સમંદરનું અંતર પડી ગયું હતું.

' ઓહ વાત રોકાણની હોય તો એનો અર્થ કે તે બેન્ક લોન લીધી હશે કે ઘર મોર્ગેજ પર હશે ... સમજી શકાય એવી વાત છે પણ એ કોઈ મોટી સમસ્યા નથી. આપણે લોન પ્રીપોર્ન કરી દઈએ અને ઘર .....'
વિવાન ઉત્સાહથી બોલી રહ્યો હતો. એને લાગ્યું કે સમસ્યાનું સમાધાન મળી ગયું છે. પણ, ઇરાએ એને અટકાવ્યો.

'વિવાન , વાત ફક્ત પૈસાની નથી. ' ઇરા હળવેથી બોલી : નીનાનું શું ?

'ઇરા ....' વિવાનના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. 'વાત આપણી આખી જિંદગીની છે ને તું નીના વિષે વિચારે છે ? એટલે શું નીના માટે થઈને આપણે લગ્ન ન કરી શકીયે એમ ? '
વિવાનને પહેલીવાર જરા ચીડ આવી હોય એમ એના ભવાં તણાઈ ગયા.

'ઇઝી પ્લીઝ, વિવાન ....' ઇરાએ પાસે આવીને વિવાનના ખભે પોતાની હડપચી ટેકવી : તું નથી જાણતો એ છોકરી મારા કપરાં દિવસોમાં કેવી સાથે ને સાથે રહી છે. આજે એની પરિસ્થતિ ખરાબ છે. મેં તને જણાવ્યું તો ખરું કે એને માથે કેટલી જવાબદારીઓ છે અને વિવાન , હું જાણું છું કે એ સંજોગોમાં એને આમ એકલી મૂકી દેવી એ વાત પસ્તાવારૂપે મને જિંદગીભર પજવશે !! મને એ પણ ખબર છે કે એ ક્યારેય ન પોતાની સમસ્યા કહેશે , ન કોઈ મદદ માંગશે , એના સ્વભાવથી હું પરિચિત છું. મનની વાત મનમાં રાખવાની એને ટેવ છે. આપણી વાત જાણીને એ તો બલ્કે ખુશ થશે , પણ મારી પણ કોઈ ફરજ જેવી ચીજ તો હોય કે નહીં ? એને આવા કપરા સમયમાં એકલી મૂકી દેવાની ગુનાહિત લાગણી ક્યારેય પીછો નહીં છોડે, એ પણ એટલું જ સત્ય છે. 'ઇરા ચૂપ થઇ ગઈ. મનનો ભાર મનમાં ધરબી રાખવાને બદલે ખાલી કરી નાખવો હોય એમ એ બોલી ગઈ હતી.

'તો પછી હવે રસ્તો શું બાકી રહ્યો આપણી પાસે ? ' વિવાનના સ્વરમાં નિરાશા હતી. એક સાવ ક્ષુલ્લક લાગતી વાતને કારણે બધા સપના પર પાણી ફરી વળતું જોયું એણે.

'રસ્તો તો છે જ આપણી પાસે વિવાન, હા, ફક્ત લાંબો છે. ' ઇરાએ શાંતિથી કહ્યું.

વિવાનનો ચહેરો ઉતરી ગયો હતો. ઇરાએ એનું મન બનાવી લીધું હતું ન્યુ યોર્ક પરત ફરવાનું , જેમ વર્ષો પહેલાં વધુ ભણવા માટે યુએસ જવાનું મન બનાવી લીધું હતું એમ જ. હવે એને રોકવી આસાન કામ નહોતું.

અચાનક જ બે દિલ વચ્ચે એક અંતર ગહેરૂં થઇ ગયું હોય તેમ બંનેમાંથી કોઈ કંઈ ન બોલી શક્યા.

'હવે તે મન બનાવી જ લીધું છે તો ... તારી ક્યારની ટિકિટ બુક કરું ?' વિવાનનો સ્વર સપાટ હતો.

' આવતીકાલની બ્રિટિશ એરવેઝની ટિકિટ બુક કરી લીધી છે વિવાન, તને કહેવાની જ હતી પણ ...'ઇરા બોલતી હતી અને વિવાનને એનો એક એક શબ્દ સોંસરવો ઉતરી ગયો.

ઈરાને બુકિંગ કરવા પૂર્વે એકવાર વાત કરવી પણ જરૂરી ન લાગી ? એ વિચાર સાથે જ વિવાન ઉઠીને બહાર જતો રહ્યો.

થોડી મિનિટ માટે થયેલા સંવાદે આખું વાતાવરણ ફેરવી નાખ્યું. મોડી સાંજે ઇરા રૂમની બહાર નીકળી ત્યારે વિવાન ડાઇનિંગ ટેબલ પર એની રાહ જોઈ રહ્યો હતો. ઇરા ચૂપચાપ આવીને બેઠી. યંત્રવત વ્યવહાર થતો રહ્યો. ટેબલ પર સજાવેલા કેસેરોલ્સમાંથી ઇરા પીરસવા જાય એ પહેલા જ વિવાને પોતાની રીતે પ્લેટ પીરસવા માંડી.

'વિવાન , નારાજ છે ?' ઇરાએ જ શરૂઆત કરવી પડી.

'શેની નારાજગી ઇરા? આપણે બંને સ્વતંત્ર વ્યક્તિ છીએ. આપણાં વિચારો એકબીજાને ગમવા જ રહ્યા એવી કોઈ સમજૂતી તો સાઈન કરી નથી ને આપણે !!' વિવાનનો ચહેરો ગંભીર હતો. શબ્દમાં સ્થિરતા હતી પણ એમાં રહેલી કડવાશ ઈરાને સ્પર્શી જાય તેવી હતી.

'વિવાન, હું શું વધુ માંગુ છું ? થોડો સમય , બસ, આટલી વાત પર તું આટલો બધો નારાજ છે ?

વિવાન જવાબ આપ્યા વિના ચૂપચાપ જમતો રહ્યો. ઈરાને એ ન ગમ્યું હોય તેમ એને પણ આગળ વાત કરવાની બંધ કરી દીધી.

જમ્યા પછી ઇરા બેગ ગોઠવવી છે એમ કહી રૂમમાં જતી રહી અને વિવાન ટીવી પર ન્યુઝ ચેનલ સર્ફ કરતો બેઠો રહ્યો.

બીજો આખો દિવસ પસાર કરવો મુશ્કેલ કામ હતું પણ વિવાન પોતાના સ્ટડી રૂમમાંથી બહાર જ ન નીકળ્યો.ઇરા પણ પેકીંગ કરવાને બહાને રૂમમાં જ બેઠી રહી.
આટલા દિવસો પાણીની જેમ પસાર થઇ ગયા હતા અને આજનો દિવસ ? જાણે સમય સીસા જેવો ભારે થઇ રહ્યો હતો.

સાંજ પડી ત્યારે ઇરાએ જ વાત શરૂ કરવી પડી.

'મારી રાત્રે બાર ને પચાસની ફ્લાઇટ છે. મોડામાં મોડું સાડા નવે તો એરપોર્ટ પહોંચવું પડશે, તો પછી કેટલા વાગે નીકળવું પડશે ?'
'ડોન્ટ વરી , અહેમદ તને સમયસર પહોંચાડી દેશે. ' વિવાને એ જ સપાટ સવારે જવાબ આપ્યો.

ઈરાની રહીસહી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. એને હતું કે ઘરેથી થોડા વહેલા નીકળી જવું , જેથી વિવાન જયારે એરપોર્ટ પર મુકવા આવશે ત્યારે કોફી પીતાં પીતાં શાંતિથી કોઈક નક્કર વાત થઇ શકે પણ આ તો ઉલટું થઇ ગયું. વિવાનની વાત પરથી સમજાયું કે વિવાન હવે એરપોર્ટ મૂકવા પણ નહીં આવે.ઇરાએ વાતને ખેંચવી ઉચિત ન માની હોય તેમ ત્યાં જ પૂર્ણવિરામ મૂકી દીધું. હવે વિવાન સાથે કોઈ વાત કરવાનો અર્થ નહોતો.

હવે એક જ ઉપાય હતો , થોડા દિવસ જાય અને વિવાનના મનનો ધૂંધવાટ ઓછો થાય પછી જ વિચારી શકાશે એવા કોઈક વિચારથી ઇરા ઉઠી અને પોતાનો લગેજ ચેક કરવા લાગી.

ઇરા એરપોર્ટ જવા નીકળી ત્યારે પણ વિવાનનો ઈરાદો ન બદલાયો હોય એમ એ એરપોર્ટ આવવા ધરાર તૈયાર ન થયો. લિફ્ટ સુધી મૂકવા આવવાનું સૌજન્ય તો બતાવ્યું પણ વિવાનનો નૂરવિહીન ચહેરો જ તેના દિલમાં ચાલતા ઘમસાણનો સાક્ષી હતો.

હળવા વરસાદને કારણે ટ્રાફિક જામ હતો પણ ઇરા સમયસર એરપોર્ટ પહોંચી ગઈ હતી.
મનમાં રહી રહીને વિવાનનો ચહેરો જ તાદશ થયા કર્યો. પોતે ભૂલ તો નહોતી કરી દીધી ? એક તરફ હતું પોતે જેને માંથી ચાહ્યો હોય તેની સાથે સંસાર વસાવવાનું સોનેરી ભાવિ અને બીજી તરફ મૈત્રી , બંનેમાં જરૂરી તત્વ તો એક જ હતું , નિષ્ઠા અને વફાદારી.
વિવાન સાથે રહી જવાનો ફેંસલો કરી લેતે તો નીના કંઈ ન કહેતે પણ પોતાની સુખદુઃખની મિત્રનો દ્રોહ આખી જિંદગી પીડતેએ પણ હકીકત હતી.

ચેક ઈનની ફોર્માલિટી પતાવીને ઇરાએ એક છેલ્લો પ્રયત્ન કરી જોયો. વિવાનને ફોન કર્યો.
ફોનની રિંગ જતી હતી. સામે ફોન રિસીવ ન થયો.
..... તો હજી રીસ ઉતરી નથી , ઇરાએ મનોમન ધારી લીધું અને ફોન ઑફ કરી એરપોર્ટ પરની ચહલપહલ જોવા લાગી.

*******


વિવાન પાસે પડેલા ફોનને જોતો રહ્યો. જે થોડી ક્ષણ પહેલાં જ ઈરાના મનની ગવાહી આપતો ગાજી રહ્યો હતો , હવે શાંત પડ્યો હતો.

પોતે જે કર્યું તે ઠીક કર્યું ? એ પ્રશ્ન મનમાં ફરી થયો. ન જાણે આ સવાલ કેટલીયવાર મનમાં આવી ચૂક્યો હતો. પણ, પહેલીવાર એનો ઉત્તર મળતો હોય તેમ લાગ્યું.
ઈરાની ભૂલ શું હતી ?? પોતાની મિત્ર માટેની ખેવના ? નિસ્વાર્થ મૈત્રી નિભાવવાની એની વાત માટે પોતે જે કર્યું એ ઠીક હતું ?
ઇરા પોતાનો બિઝનેસ દુનિયાના ગમે તે ખૂણે બેસીને કરી શકે એમ હતું તો પોતે પણ એ ન કરી શકે ....?

સમાધાન માત્ર સ્ત્રીએ કરવાનું ? પોતે એવી વિચારસરણીવાળો તો ક્યારેય નહોતો.
પોતે આટલો બધો મેલ શૉવિનિસ્ટ ક્યારથી થઇ ગયો ?

ઈરાના ગયા પછી મનને શાંતિથી પૂછેલા પ્રશ્નનો જવાબ મળતાં લાગ્યું કે ઇરા સાથે એકવાર વાત કરી લેવી જરૂરી છે.
એને ઇરાને ફોન લગાવ્યો.
ઈરાનો ફોન સ્વીચ ઑફ આવી રહ્યો હતો.
એક મિનિટ માટે પડી ગયેલું અંતર હવે દોઢ દિવસ રાહ જોવડાવવાનું હતું.

ક્રમશ :

--
Pinki Dalal

Author , Novelist, Traveller, Blogger

Director,
ORIOR IT Consulting Pvt Ltd.
127, Parekh Market,
Opera House,
Mumbai 400004

Mobile: 91 9167019000
pinkidalal.wordpress.com
pinkidalal.blogspot.com