RETRO NI METRO - 35 - Last Part books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 35 - (અંતિમ પ્રકરણ)

મિત્રો રેટ્રોની મેટ્રો સફર માટે તૈયાર છો ને? આજે આપણી સફર છે એક વર્સટાઇલ બોલીવુડ કલાકાર સાથે.
રેટ્રો ભક્તો તમે તો જાણતા જ હશો કે 1966માં પ્રદર્શિત થયેલી આખરી ખત સુપર સ્ટાર રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ હતી. રાજેશ ખન્નાએ એક મુલાકાતમાં જણાવેલું કે "મારી શરૂઆતની ફિલ્મોમાં મારે માટે સૌથી યાદગાર ફિલ્મ છે "આખરી ખત" , આ ફિલ્મ સંપૂર્ણપણે દિગ્દર્શકની ફિલ્મ ગણાય અને ચેતન આનંદે ખૂબ જ નિપુણતાથી આખી ફિલ્મને ખૂબ જ કલ્પનાશીલ અને સંવેદનશીલ નિર્દેશકની માવજત આપી, ફિલ્મને ખાસ બનાવી દીધી .આખરી ખત નું અભિનયની દ્રષ્ટિએ એક ખૂબ જ પડકારજનક દ્રશ્ય મારા પર ફિલ્માવાયું ,ફિલ્મનું આખરી દ્રશ્ય -જ્યારે હું મારા પુત્ર બંટીને ઓળખવા મથી રહ્યો છું, એ સંવાદ વિહીન દ્રશ્ય ખૂબ અસરકારક બને તે માટે, ચેતન આનંદે મોડી રાત સુધી ફોન પર વાત કરી મને જગાડ્યો હતો.જેથી એ સીન માટે મને યોગ્ય લૂક મળી શકે.
ચેતન આનંદ નિર્દેશક,સ્ક્રીનપ્લે રાઇટર અને એક્ટર તરીકે ફિલ્મ જગતમાં કાર્યરત રહ્યા. તેમની"કિનારે કિનારે" ફિલ્મ પ્રદર્શિત થઈ 1963-64 માં .એનું એક ગીત ગાયક મુકેશના સ્વરમાં હતું.
"जब ग़म ए इश्क़ सताता
है तो हँस लेता हूँ
हादसा याद ये आता
है तो हँस लेता हूँ...."
આ ગીત ફિલ્માવાયું હતું ચેતન આનંદ પર.
ત્રીજી જાન્યુઆરી 1921ના દિવસે એડવોકેટ પિશોરીલાલ આનંદના ઘરે જ્યેષ્ઠપુત્રના રૂપે જન્મેલા ચેતન આનંદે,કેટલોક સમય દહેરાદૂનની સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરેલું ,ઇતિહાસ ભણાવતાં ભણાવતા તે સમયે તેમણે સમ્રાટ અશોક ના જીવન પરથી એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી, જે ફણી મજમુદારને બતાવવા તે મુંબઈ આવ્યા.સ્ક્રિપ્ટ જોવાને બદલે ફણી મજમુદારે તેમની ફિલ્મ"રાજકુમાર"માટે ચેતન આનંદને મુખ્ય ભૂમિકા માટે કરારબદ્ધ કરી લીધા ,અને આમ તેમની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ .
1964માં ચેતન આનંદે ચીન સાથે ભારતના યુદ્ધની પૃષ્ઠભૂમિ પર એક સરસ વોર ફિલ્મ"હકીકત"રજૂ કરી હતી. "હકીકત"ને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર સેકન્ડ બેસ્ટ ફીચર ફિલ્મ થી સન્માનિત કરાઈ ,તો M.S સથ્યુને ફિલ્મ ફેર બેસ્ટ આર્ટ ડિરેક્શન નો એવોર્ડ એનાયત થયો.
તે જ રીતે 1973 માં તેમણે બનાવી ફિલ્મ "હિન્દુસ્તાન કી કસમ".1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઓપરેશન કેક્ટસ લીલી પર આધારિત હતી ફિલ્મ"હિન્દુસ્તાન કી કસમ".
પોતાની દરેક ફિલ્મનાં ગીતો માટે કાવ્યની પસંદગી, ગીતો નું સંગીત ,અને ગીતોનાં ફિલ્માંકન પર ચેતન આનંદ વિશેષ ધ્યાન આપતા અને એ રીતે ગીતોને વિશિષ્ટ બનાવી દેતા.ચેતન આનંદ દિગ્દર્શિત ફિલ્મ ફન્ટુશ ને 1956ની હિટ ફિલ્મોમાં સ્થાન મળ્યું હતું . તેના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયેલા.કિશોરકુમારની મસ્તીભરી ગાયન શૈલીથી વિપરીત અંદાજમાં ગવાયેલું ,"दुखी मन मेरे सुन मेरा कहना
जहाँ नहीं चैना वहाँ नहीं रहना दुखी मन मेरे..."
તો ખૂબ જ લોકપ્રિય નીવડ્યું હતું .
"કાલા બજાર" ફિલ્મ પ્રદર્શિત થઈ 1960માં,નવકેતન ફિલ્મ્સના બેનર હેઠળ દેવાનંદે તેનું નિર્માણ કર્યું અને દેવાનંદના નાનાભાઈ વિજય આનંદે તેનું લેખન, નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં ૧૯૫૭ ની ફિલ્મ"મધર ઇન્ડિયા"નું પ્રીમિયર દર્શાવવામાં આવ્યું હતું,એ દ્રશ્ય માં સૌપ્રથમવાર સિનેઉદ્યોગના ઘણા કલાકારોએ એકસાથે મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ત્રણે આનંદ બંધુ દેવ આનંદ,ચેતન આનંદ અને વિજય આનંદે ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ચેતન આનંદ બન્યા હતા એડવોકેટ દેસાઈ.
1973માં પ્રદર્શિત થયેલ હસતે જખમના નિર્માતા-દિગ્દર્શક હતાં ચેતન આનંદ, તેમના સ્પેશિયલ ટચે ફિલ્મને બોક્સ ઓફિસ હિટ ની શ્રેણીમાં મૂકી દીધી. તે સમયે આ ફિલ્મે કેપિટલ સિનેમામાં 72 હજાર રૂપિયા નો વકરો કરીને વિક્રમ સર્જ્યો હતો. ફિલ્મના ગીતો (1)"ये माना मेरी जाँ, मोहब्बत सजा है...",(2)"बेताब दिल की तमन्ना यही है...",(3) "तुम जो मिल गये हो, तो ये लगता है, कि जहाँ मिल गया...",(4)"आज सोचा तो आँसु भर आये...."આજે પણ એટલા જ લોકપ્રિય છે,તે કહેવાની જરૂર ખરી? ચેતન આનંદની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ નીચા નગરને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઇન્ટરનેશનલ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત થતાં જ ફિલ્મ નીચા નગર બની ગઈ,આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ અને ચેતન આનંદ એ સાથે જ જગ મશહૂર બની ગયા.1982માં ફિલ્મફેર શ્રેષ્ઠ વાર્તા પુરસ્કાર ફિલ્મ"કુદરત" માટે તેમને મળ્યો હતો.
તેમની ઉલ્લેખનીય ફિલ્મો-નીચા નગર (1946) અફસર (1950)આંધિયાં (1952)ટેક્સી ડ્રાઈવર (1954) ફન્ટૂશ (1956)અર્પણ (1957)કિનારે કિનારે (1963)હકીકત (1964)આખરી ખત (1966)હીર રાંઝા (1970)હસતે ઝખ્મ (1973)હિન્દુસ્તાન કી કસમ (1973)જાનેમન (1976)સાહેબ બહાદુર (1977)કુદરત (1981)હાથોં કી લેકીરેં (1986)અને
ટીવી ધારાવાહીક પરમ વીર ચક્ર (1988)
1997ની ૬ઠ્ઠી જુલાઇએ ૭૬ વર્ષની ઉંમરે કર્મભૂમિ મુંબઈમાં જ ચેતન આનંદે અંતિમ શ્વાસ લીધા. સમાંતર ફિલ્મો નો પાયો નાખનાર આ અદ્ભુત કલાકાર,ફિલ્મ સર્જકને અને તેમની કલાયાત્રાને યાદ કરતા કરતા રેટ્રોની મેટ્રો પરત આવી ગઈ છે માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર.આપણી રેટ્રોની મેટ્રો સફર અહીં પૂર્ણ થાય છે. આપ સૌની સાથે બોલીવુડની યાત્રા કરવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો. આપ મારી સાથે આ યાત્રામાં જોડાયા અને મને પ્રોત્સાહિત કરી તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.
© શ્વેતલ પટેલ
સુરત.