Kalmsh - 25 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 25




ફ્લાઇટ ઉપડી તે સાથે જ ઇરાએ ઊંઘી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બ્રિટિશ એરવેયઝની ફ્લાઇટ હતી , લંડન થઈને ન્યુ યોર્ક પહોંચાડતી હતી. લંડનમાં વળી ત્રણ કલાકનો હોલ્ટ હતો. એટલે ઘરે તો પૂરાં ચોવીસ કલાક થવાના હતા. બહેતર હતું કે ફ્લાઈટમાં આરામ થઇ જાય. પણ, છેલ્લાં બે દિવસમાં થયેલી ઘટનાથી મન વ્યગ્ર હતું.

વિવાન જેવો માણસ એક નાની વાત ન સમજી શકે ? કોઈ આટલું સ્વાર્થી કઈ રીતે થઇ શકે ? પહેલા તો વિવાન આવો નહોતો. ન ચાહવા છતાં મન વર્ષો પૂર્વેના અને આજના વિવાન વચ્ચે સરખામણી કરતુ રહ્યું. ક્યાં એ વિનમ્ર ઓછાબોલો વિવાન અને ક્યાં આજનો વિવાન ?
ઇરા વિચારતી રહી.
વિવાનના આઉટલૂકમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું હતું એ તો પોતે જોયું જ હતું. માત્ર ડ્રેસિંગમાં જ નહીં , લાઈફસ્ટાઇલમાં , બોલવામાં , વિચારવામાં આવેલું પરિવર્તન દેખીતું હતું. એ વાત તો હકીકત હતી કે જયારે છૂટાં પડ્યા ત્યારે વિવાન પાસે ન તો કોઈ કારકિર્દી હતી ન ચોક્કસ આવક. ઈરાને યાદ આવી ગયું પૂનાનું ભાડેરાખેલું ઘર , જે પોતે નહિવત બજેટમાં સજાવ્યું હતું અને આજનો વિવાન ? આજનો વિવાન સેલિબ્રિટી હતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં , વિદેશોમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવતો હતો. પુસ્તક લખવા સાઈનિંગ અમાઉન્ટ કોઈ ફિલ્મસ્ટારની જેમ મેળવતો હતો , સ્વાભાવિક છે કે એ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને જોવા જાય તો અતીત સાથે જોડતી એકમાત્ર ઇરા હતી જેને એ આજે પણ ચાહતો હતો.
જે એ એટલો સફળ ન થયો હોતે તો આજે પણ પ્રપોઝ ન કરતે એ વાત પણ એટલી જ સાચી હતી.

ઈરા એ વિચાર આવતાં મનોમન મલકી ઉઠી. પોતે નીનાને સમજાવી શકી હોતે. આ નિર્ણય લેવામાં પોતે ઉતાવળ કરી નાખી એવું હવે કેમ રહી રહીને લાગી રહ્યું હતું ? મનમાં ચાલી રહેલા વિચારોના જુમલા પર ક્યારે નિદ્રારાણીએ હુમલો કરી દીધો એ સમજાય એ પહેલાં તો ઇરાની આંખો બીડાઈ ગઈ. આખા દિવસના થાક કે પછી મનમાં ચાલી રહેલા તણાવને હવે જરૂર હતી થોડી શાંતિની જે માત્ર ઊંઘ જ આપી શકે એમ હતી.

**********

લંડન પર ફ્લાઇટ લેન્ડ થઈને ઈરાની નિદ્રા ખૂલી. ત્રણ કલાકનો હોલ્ટ હતો અને વળી ફ્લાઇટ પણ બદલવાની હતી.
એક લાંબી નિદ્રાને કારણે ઈરાના તન મનને તાજગી આપી દીધી હતી. એરપોર્ટની કાફેમાં બેસીને કોફી પીવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી.
કાફેમાં જઈને ઇરાએ કોફી ઓર્ડર કર્યા પછી ફોન સ્વિચ ઓન કર્યો .
મેસેજમાં એક મિસ્ડ કોલનો મેસેજ હતો. જે જોતા ઈરાની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઈ. મિસ્ડ કોલ હતો વિવાનનો। જેની અપેક્ષા ઇરાએ લેશમાત્ર રાખી નહોતી.
પોતાના ફોન પછી ત્રીજી જ મિનિટનો સમય હતો. એટલે વિવાનને કોઈ વાત કરવી હશે ? મનમાં એક સારો વિચાર સાથે નરસાને પણ લેતો આવ્યો : કે પછી વાત પર પૂર્ણવિરામ મૂકવું હશે ?
ના. પૂર્ણવિરામ મૂકવા માટે કોઈ ફોન કરવાની તસ્દી ન લે, એ કામ તો એક મેસેજ પણ કરી શકે ને !!
જે પણ હોય તે , વિવાનને કોલ બેક કરવો જરૂરી હતો.
ઇરાએ ફોન હાથમાં લીધો અને એ સાથે જ કાફેમાં રહેલા ક્લોક પર નજર પડી. સવારના આઠ વાગી રહ્યા હતા. ઇરાએ સમય અંદાજી લીધો. ઇન્ડિયામાં તો હજી સવારના ચાર પણ નહીં થયા હોય . એવા સંજોગોમાં વિવાનને ઊંઘમાં ખલેલ પાડવી ઉચિત ન લાગ્યું.
ઇરાએ ફરી ફોન હેન્ડબેગમાં મૂકી દીધો.
ન જાણે કેમ પણ વિવાનના એક મિસ્ડ કોલ મેસેજથી મનમાં રહેલી બેચેની દૂર થઇ ગઈ હતી.
પોતે જે કર્યું તે જ યોગ્ય હતું.
ઈરાને પોતાનો જ જવાબ યાદ આવ્યો :રસ્તો તો છે જ , ફક્ત લાંબો છે.
વિવાન એ વાતને જરૂર સમજી રહ્યો હશે. ઈરાનું મન કોઈક અજ્ઞાત આનંદથી ભરાઈ ગયું.
ઇરાએ કાફેમાં જઈને ચુસ્કી ગરમગરમ કોફીની લીધી. મનમાં રહેલો આનંદ સરસ બમણો કરી નાખ્યો હોવાનું અનુભવ્યું ઇરા એ.
કોફીની થોડી ચુસ્કીએ તો મનને જાણે ફિફ્થ ગિયરમાં નાખી દીધું હોય તેમ મન પ્લાનિંગ કરવા માંડ્યું.
બસ, હવે જેમ બને તેમ નીનાની સમસ્યાઓને ઉકેલી ઇન્ડિયા સેટલ થવા માટે શું શું કરવું રહ્યું એના ખ્યાલ આવવા શરુ થઇ ગયા.
કોફીની ચુસ્કીએ એવી તાજગી મનમાં ભરી દીધી કે ફ્લાઇટ હજી ન્યુ યોર્ક પહોંચે એ પહેલા મન લેન્ડ કરી ગયું.

ઇન્ડિયા આવવા પહેલા ચાલી રહેલા પ્રોજેક્ટસ , જે કંપની સાથે ચાલી રહી હતી તે અંગેની વાતચીત મન પર તાજી થતી ગઈ. ઇન્ડિયામાં દસ દિવસનું રોકાણ થઇ ગયું હતું એ કોઈ મોટો સમયગાળો ન કહેવાય પણ ભલું પૂછવું ક્લાયન્ટના મનનું , એ પણ ભાદરવાની ઋતુ જેવું હોય , ક્યારે બદલાય જાય ન સમજાય.
ક્લાયન્ટ સર્વિસ માટે નીનાને કોઈ સમસ્યા નડવાની નહોતી પણ નવા ક્લાયન્ટ સાથે ડીલ ક્રેક કરવાની ખાસ ફાવટ પણ નહોતી. એ કામ ઈરાનું રહેતું.
ઇરાએ કોફીનો કપ નીચે મૂકી ફોન હાથમાં લીધો. દસ દિવસમાં બિઝનેસમાં શું થયું એ જાણવાની દરકાર નહોતી અને હવે અચાનક તાલાવેલી જાગી.

ન્યુયોર્ક પહોંચવાને તો હજી બાર કલાક બાકી હતા. પોતે બસ પહોંચી જ રહી છે એ વાત નીનાને જણાવવાનું મન થઇ આવ્યું. ફોન હાથમાં લીધો તે સાથે થઇ ફોનમાં આવેલા એરલાઇન્સના મેસેજે ધ્યાન ખેંચ્યું . મેસેજ કહેતો હતો ન્યુ યોર્ક જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ બે કલાક મોડી ઉપડી રહી છે.

ખરેખર તો એ મેસેજ વાંચીને ઈરાને મનોમન શાંતિ થઇ. શાંતિથી બીજી એક કોફી થઇ જાય અને પછી જરા ફ્રેશ પણ થઇ જવાશે.
એ સાથે જ ધ્યાનમાં આવ્યો સમય. એટલે હવે ફ્લાઇટ તો પહોંચશે રાત્રે તો પછી નીનાને જાણ કરવી નકામી હતી.
પોતે આવે છે એ નીનાને ખબર પડશે તો એ એરપોર્ટ લેવા આવ્યા વિના નહીં રહે.ને વળી બીજે દિવસે વર્કિંગ ડે ...
ઈરાના મગજમાં એક સાથે કેટલીય ગણતરી થઇ રહી હતી. સવાર હોય કે સાંજ , રજાનો દિવસ હોય કે ચાલુ દિવસ, નીના જે ધારે તે જ કરે. એની સામે કોઈની દલીલ ન ચાલે. જેટલી નમ્ર એટલી જ જક્કી , મનનું જ ધાર્યું કરીને રહેશે.

ઇરાએ એવું કંઈક વિચારીને ફોન પાછો ટેબલ પર મૂકી દીધો.
ત્રણ કલાક પછી ફ્લાઇટ ટેક ઑફ થઇ ત્યારે સવારના અગિયાર વાગવા આવ્યા હતા. ઊંઘ તો આવવાની નહોતી છતાં ઇરા આંખ મીંચીને બેસી રહી. મનમાં ચાલી રહેલા વિચારો પર કોઈ બ્રેક લાગવાની નહોતી. બસ, હવે એક જ ઉદ્દેશ હતો જલ્દીમાં જલ્દી નીનાને બધી રીતે આત્મનિર્ભર કરી કાયમ માટે ઇન્ડિયા આવવાનો.

***********

બ્રિટિશ એરવેયઝની ફ્લાઇટ જેએફકે એરપોર્ટ પર લેન્ડ થઇ ત્યારે મધરાત થવામાં ગણતરીની ઘડી બાકી હતી. બધી ફોર્માલિટીઝ પતાવી છતાં લગેજ આવતાં થયેલી વારે બીજો એક કલાક બગાડી નાખ્યો હતો. સારું થયું નીનાને જાણ ન કરી, ઈરાએ મનોમન વિચાર્યું. બહાર નીકળીને મેટ્રો લેવાની ગુંજાઈશ નહોતી , ટેક્સી જ લેવી પાડવાની હતી. એટલે બીજો એક કલાક વધુ.
ટેક્સીમાં ઘરે જઈ રહેલી ઈરાનું મન અજબ વિચારોથી ઘેરાયેલું રહ્યું. અચાનક જ આ શહેર પારકું લાગવા લાગ્યું હતું. ન જાણે પોતે અહીં કેટલા સમયની મહેમાન હતી !!
સાવ કલાક પછી ટેક્સી જયારે એપાર્ટમેન્ટ પાસે પહોંચી ત્યારે ઇરાએ રાહતનો શ્વાસ લીધો.
ઇરાએ ટેક્સીભાડું ચૂકવતાં જ એપાર્ટમેન્ટના અગિયારમા ફ્લોર પર દેખાઈ રહેલા પોતાના ફ્લેટ પર નજર નાખી। બધી લાઈટ ઑફ હતી
નીના જાગતી હોય એવી તો કોઈ શક્યતા નહોતી.સમાન તો ખાસ હતો જ નહીં એટલે ઇરા પોતાની નાની કેબીન સાઈઝ બેગ અને હેન્ડબેગ લઈને લિફ્ટમાં દાખલ થઇ.
મધરાત થઇ હતી એટલે કોઈ સિક્યોરિટી સ્ટાફ પણ નજરે ન ચઢ્યો.
ઉપર આવી ઇરાએ બહાર કાઢી રાખેલી ચાવીથી સાવધાનીથી બારણું ખોલ્યું . અવાજ થશે તો નીનાની ઊંઘ બગડશે એવા કોઈક વિચારથી.
ઘરમાં દાખલ થઇ ત્યારે હોલમાં ઘોર અંધારું હતું.ઇરાએ લાઈટ કરવાની બદલે પાસે રહેલા ડાઇનિંગ ટેબલ નજીકના લેમ્પની સ્વિચ ઓન કરી.
ક્ષણભરમાં હળવા પ્રકાશથી વાતાવરણ ભરાઈ ગયું.

ઈરાની નજર ચારે તરફ ફરી રહી. એના આશ્ચર્યનો પાર નહોતો.
સોફા પાસે રહેલા સેન્ટર ટેબલ પર બે વાઈનના ગ્લાસ પડ્યા હતા. સાથે પડેલી હતી પ્લેટ જેમાં વધેલો પીઝા પણ એમ જ પડ્યો હતો.
ઈરાનું મન આશંકાથી ભરાઈ રહ્યું. નીના કોઈને ઘરે ઇન્વાઇટ કરે ? એ પણ આટલી રાત્રે ? પોતાની ગેરહાજરીમાં ? અને એને તો કોઈ ખાસ મિત્રો જ નહોતા જેની સાથે એ આટલી નજદીક હોય !!
ઈરાના મનમાં આશંકા જન્મે એ પહેલા એની નજર પડી હોલના સાઈડ કોર્નર પર રહેલા પોતાના લેપટોપ પર.
આ તો એનું જૂનું લેપટોપ હતું જે એ ઈન્ડિયાથી લાવી હતી. એનું શું કામ નીનાને ?

ઈરા એક જ મિનિટમાં મામલો પામી ગઈ. એના મનમાં ભયની ઘંટડી વાગવા લાગી.
એ એક મિનિટ થોભી અને કશુંક મનોમન વિચારી લીધું. હવે જે નિર્ણય લેવાનો હતો તે એક જ સેકન્ડમાં લેવાનો હતો.
ઇરાએ શ્વાસ રોકી રાખ્યો હતો. એ જેમ આવી હતી તેમ જ હળવે પગે બહાર નીકળી ગઈ. બહાર નીકળી ત્યારે લિફ્ટ હજી ત્યાં જ હતી. ઉપર જઈને નીચે ઉતરવામાં એને પાંચ મિનિટ પણ થઇ નહોતી,
ઇરાએ જોયું તો પોતે જે ટેક્સીમાં આવી હતી એ ટેક્સી ત્યાં જ ઉભી હતી. નાની ઉંમરનો નીગ્રો ટેક્સી ડ્રાઈવર બહાર ઉભો ઉભો સિગરેટ પી રહ્યો હતો.

ઇરા ઝડપભેર ટેક્સી પાસે પહોંચી.
હે , વૉટ ધ પ્રોબ્લેમ લેડી ? ટેક્સી ડ્રાઈવરને નવાઈ લાગવી સ્વાભાવિક હતી.
ઈરાને યાદ આવી નજીકની એક હોટેલ , આજની રાત ત્યાં રોકાવું જરૂરી હતું.
ઇરા ઝડપભેર ટેક્સીમાં ગોઠવાઈ ગઈ. ટેક્સી ડ્રાઈવરે અડધી ફૂંકાયેલી સિગરેટ નીચે ફેંકી શૂઝ તળે કચડી નાખી એ પણ પોતાની સીટમાં ગોઠવાયો અને ટેક્સી સ્ટાર્ટ કરી.
'ટેક ઈટ ટુ હિલ્ટન , ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ પ્લીઝ..'


***********
'વાસુ , ઉઠ...વાસુ ...' નીના બેડમાં પોતાની બાજુમાં ઊંઘી રહેલા વાસુને જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી. વાસુએ એટલું પીધું હતું કે એની આંખ કેમેય કરીને ઉઘડવાનું નામ લેતી નહોતી.
'ડાર્લિંગ , સ્લીપ પ્લીઝ ... ' આંખો ખોલ્યા વિના જ વાસુએ જવાબ આપ્યો.
'નો વાસુ , ગેટ અપ ,મને લાગે છે કે બહાર કોઈ છે !! ' નીનાના અવાજમાં ડર હતો. 'લેટ્સ ચેક ...'
'અરે સિલી, અત્યારે કોઈ ન આવે, બર્ગર એલાર્મ ક્યાં વાગ્યું ? ' વાસુ જરા આંખો ખોલીને બોલ્યો. એની આંખોમાં ઘેન તો એટલું જ ઘોળાયેલું હતું.
'વાસુ , ઉભો થા. બહાર જઈને ચેક તો કરીયે. મને લાગે છે કે ઇરા આવી ગઈ લાગે છે !!'
'તું ને તારા મનના વહેમ નીના, બે દિવસ પહેલા પણ તને આવો જ ડર લાગતો હતો. અરે એ આવતા પહેલા ફોન તો કરશે જ ને..'
'વાસુ , મારા માટે થઈને પણ પ્લીઝ ચેક કર. ' નીનાનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
'નીના, તું મને હવે પરેશાન કરી રહી છે. તે દિવસે પણ આમ જ કર્યું
હતું કોઈ ? તને રોજ ઈરાના નામના ભણકારા કેમ વાગ્યા કરે છે?'
વાસુ હવે પથારીમાં બેઠો થઇ રહ્યો હતો. નીનાએ એને હાથમાં ટીશર્ટ થમાવ્યું. 'પ્લીઝ ..'
બોક્સર શોર્ટ્સમાં સૂતેલો વાસુ ટીશર્ટ ચડાવી બહાર આવ્યો. પાછળ પાછળ નીના.
'લે બોલ કોણ છે અહીં ? ખાલી ખાલી ડર્યા કરે છે ? ' વાસુએ હોલમાં એક ચક્કર માર્યું પછી પાસે પડેલી બીન બેગ પર બેસી પડ્યો. ત્યાં સુધીમાં નીના કિચનમાં જોઈ આવી.
'ના પણ મને કેમ લાગે છે કે અહીં કોઈ ને આવી ગયું છે ?'નીનાના ચહેરા પર હજી પ્રશ્નાર્થ રમી રહ્યો હતો.
'નીની , ડાર્લિંગ તને બે દિવસ પહેલા પણ આમ જ લાગ્યું હતું પણ ત્યારે ય કોઈ નહોતું અને આજે , અત્યારે પણ કોઈ નથી. કેન વી ગો ટુ સ્લીપ પ્લીઝ ? વાસુ વાળમાં હાથ ઘસતાં બોલ્યો.

'એક મિનિટ વાસુ. જો આ લેમ્પ ઓન છે. આપણે બેડરૂમમાં ગયા ત્યારે બધી લાઇટ્સ ઑફ કરીને ગયા હતા ને ?'
'નીના , હું છેલ્લીવાર તને કહી રહ્યો છું , જો તને આમ જ ડર લાગતો હોય તો મને કહી દે, હું આમ મારી રાત બગાડવા નથી માંગતો..'
વાસુ ઉભો થયો એક આળસ મરડીને બેડરૂમ તરફ ચાલી ગયો. એ અસ્ફૂટ સ્વરે કશુંક બબડતો રહ્યો અને ફરી બેડ પર લંબાવ્યું.

વાસુના ગયા પછી પણ નીના હોલમાં જ ઉભી રહી. આજે જે થયું તેનાથી એનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. જાણે કોઈ અમંગળ તોફાન દસ્તક દઈ રહ્યું હતું.

ક્રમશ: