Niyat books and stories free download online pdf in Gujarati

નીયત

નીયત

- રાકેશ ઠક્કર

થિયેટરોમાં રજૂ થયેલી વિદ્યા બાલનની નીયતને સમીક્ષકો અને દર્શકોની વધુ પ્રશંસા મળી નથી. કોરોના પછી થિયેટરના વિકલ્પ તરીકે OTT નું મહત્વ વધ્યું હતું ત્યારે વિદ્યાની મહિલાપ્રધાન ફિલ્મોએ પોતાનો પ્રભાવ પાડ્યો હતો. તેની ફિલ્મો શકુંતલાદેવી, શેરની અને જલસા ની નોંધ લેવામાં આવી હતી. પણ મિશન મંગલ ના ચાર વર્ષ પછી વિદ્યાની કોઈ પ્રચાર વગર આવેલી ફિલ્મ નીયત ખરેખર OTT પર રજૂ કરવા જેવી હતી. એને થિયેટરમાં રજૂ કરીને અમેઝોન પ્રાઇમ એ મોટું જોખમ લીધું હતું.

નીયત એવી કોઈ વિશેષ ફિલ્મ નથી એટલે દર્શક માટે એવી સલાહ છે કે એ OTT પર આવે ત્યાં સુધી રાહ જોવામાં કોઈ વાંધો નથી. અગાઉ શકુંતલાદેવી બનાવનાર નિર્દેશક અનુ મેનને ફરી વિદ્યા સાથે જ પણ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ નીયત બનાવી છે.

વાર્તા જમાવટ કરે એવી અને ખતરનાક હોવા છતાં એની રજૂઆતમાં તે માર ખાઈ ગયા છે. 20000 કરોડની લોન લઈને ભારતથી ભાગેલા એક બિઝનેસમેન આશિષ કપૂર (રામ કપૂર) દ્વારા સ્કોટલેન્ડમાં ખાસ દોસ્તો સાથે જન્મ દિવસની ઉજવણી થવાની હોય છે.

એમાં ઉપસ્થિત રહેનારાઓમાં ખાસ મિત્ર સંજય સૂરી (નીરજ કાબી), પત્ની નૂર (દીપાનિતા), એમનો પુત્ર, બનેવી જિમી (રાહુલ), પ્રેમિકા લીસા (શહાના), ભત્રીજી સાશા (ઈશિકા), સેક્રેટરી (અમૃતા) વગેરે હોય છે ત્યારે ખાસ મહેમાન તરીકે મહિલા CBI ઓફિસર મીરા (વિદ્યા બાલન) નો પ્રવેશ થાય છે. ત્યારે લોકોને ખબર પડે છે કે બિઝનેસમેન આશિષ પોતાને ભારત સરકારને સોંપી દેવા તૈયાર થયો હોય છે.

બને છે એવું કે જન્મદિનની પાર્ટીમાં આશિષ કપૂરનું મોત થાય છે. મીરા જ્યારે એને હત્યા ગણીને કાતિલની શોધ શરૂ કરે છે ત્યારે હાજર બધા શંકાના દાયરામાં આવી જાય છે. મીરા રહસ્ય ઉકેલે એ પહેલા ત્યાં મોતનું તાંડવ શરૂ થઈ જાય છે. મીરા રહસ્ય કેવી રીતે ઉકેલે છે અને કોણ કાતિલ નીકળે છે એ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે.

નિર્દેશકે પહેલા ભાગમાં પાત્રોને સ્થાપિત કરવામાં વધુ સમય લીધો છે. સ્ક્રીનપ્લે ઢીલો હોવાથી ફિલ્મ બહુ ધીમી ચાલે છે. આગળ શું બનશે એનો અંદાજ સરળતાથી આવી જાય છે. જેમણે આવી વિદેશી ફિલ્મો જોઈ નથી એમને મજા આવી શકે છે. આ પ્રકારની ફિલ્મમાં રોમાંચ વધારવા બેકગ્રાઉન્ડ સંગીત વધુ સારું હોવું જોઈએ. અલબત્ત બે કલાકની ફિલ્મ લાંબી લાગતી હોવા છતાં એનો ક્લાઇમેક્સ બધી ફરિયાદ દૂર કરી દે એવો છે. પણ એમ લાગે છે કે આ એક સામાન્ય ડિટેકટીવ ડ્રામા છે.

વિદ્યા જ્યારે કોઈ ફિલ્મમાં હોય ત્યારે કંઈક અલગ હશે એવી આશા હોય છે. અભિનયનું પાવર હાઉસ કહેવાતી વિદ્યાએ જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી હશે ત્યારે દમદાર લાગી હશે પણ એને પડદા પર ઉતારવામાં ઘણી ખામી રહી ગઈ છે. વિદ્યા બાલને ભૂમિકાને પોતાના અંદાજમાં નિભાવી જાણી છે. કોઈ વિશેષ મહેનત કરી હોય એવું પણ લાગતું નથી. કદાચ કાયદા- નિયમ મુજબ એનું CBI ઓફિસરનું પાત્ર લખવામાં આવ્યું નથી. વાર્તાની ખામીઓને કારણે એ ઘણી જગ્યાએ પ્રભાવિત કરી શકતી નથી. શરૂઆતમાં વિદ્યાને જોઈ એમ પ્રશ્ન થશે કે નાની નાની વાતમાં ગભરાઈ જતી આ મહિલા CBI ઓફિસર કેવી રીતે બની હશે.

એ માનવું પડશે કે વિદ્યા બોલિવૂડની અન્ય અભિનેત્રીઓથી અલગ કરવાનો પ્રયત્ન જરૂર કરતી રહે છે. વિદ્યાના પાત્રને એવી રીતે લખવામાં આવ્યું છે કે બીજા પાત્રો એને સન્માન આપતા નથી. ઘણી જગ્યાએ બે પાત્રો વચ્ચેની વાતચીત બે ટપોરી કરતા હોય એવી લાગે છે.

ઘણી વાતો બાલિશ લાગે એવી છે. ક્લાઇમેક્સમાં રહસ્યને ચોંકાવી દે એવી રીતે ખોલવામાં આવ્યું નથી. હોલિવૂડની નાઇવ્સ આઉટ માં જે આવું જોઈ ચૂક્યા છે એમને નવાઈ લાગશે નહીં. રામ કપૂર ભાગેડુ બિઝનેસમેન તરીકે જામે છે. રાહુલ બોઝ, નિકી વાલિયા, દીપાનિતા શર્મા વગેરે પોતાની ભૂમિકામાં યોગ્ય રહ્યા છે. અંતિમ દ્રશ્યોમાં શેફાલી શાહ પ્રભાવિત કરે છે. નિર્દેશક અનુ અને અભિનેત્રી વિદ્યા બંનેએ નિરાશ કર્યા છે.