College campus - 82 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 82

સમીરના બંને હાથ પરીના કોમળ હાથને સ્પર્શી રહ્યા હતા તેની આંખોમાં અનેરી ચમક આવી ગઈ હતી અને તે પરીની આંખોમાં પોતાની આંખો પરોવી રહ્યો હતો ત્યાં પરીએ ઈશારો કરીને તેનું ધ્યાન દોર્યું કે તેનાં ખખડધજ મજબૂત હાથ નીચે પરીના બંને નાજુક હાથ દબાઈ ગયા છે જેની તેને ખબર જ નથી અને સમીર જરા શરમાઈ ગયો અને "સૉરી" બોલ્યો.. અને પોતાના બંને હાથ લઈને પરીથી જરા દૂર ખસી ગયો. જવાબમાં પરીએ કહ્યું, "ઈટ્સ ઓકે" અને સમીરે પરીને બેસવા માટે કહ્યું.
પણ પરીએ તો ફરીથી પોતાનો હાથ સમીર સામે લંબાવ્યો અને સમીર કંઈ સમજે કે હાથ લંબાવે તે પહેલાં તો પરી તેની નજીક ગઈ અને ખૂબજ જુસ્સાથી અઢળક ખુશી સાથે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને, "કોન્ગ્રેચ્યુલેશન્સ યાર..." કહી તેનો હાથ હલાવી તેને બિરદાવવા લાગી... પરી જેવી માસુમ નાજુક છોકરીનો હાથ સમીર જેવા કસાયેલા ખખડધજ ઇન્સ્પેક્ટરના હાથમાં હતો.. પરીના માસુમ સ્પર્શે અને તેના અભિવાદને જાણે તેનું ભાન ભુલાવી દીધું હતું... અને શું પ્રત્યાઘાત આપવો તે તેની સમજમાં આવતું નહોતું....
સમય જાણે થંભી ગયો હતો અને ખુશીની એ ક્ષણને જાણે તે ધરાઈને જીવી લેવા માંગતો હતો શું બોલવું તે તેનાં મનમાં ગોઠવાય તે પહેલાં તો પરી જ બોલી કે, "મને બેસવાનું નહીં કહે.."
અને સમીર હસી પડ્યો અને તેણે પોતાની સામે રાખેલી ચેર સામે હાથ લંબાવ્યો અને હસતાં હસતાં તે બોલી પડ્યો કે, "હા બેસ ને યાર.. સોરી હું જરા...
"ઈટ્સ ઓકે..બટ યુ ક્નોવ ફ્રેન્ડશીપમાં નો સોરી નો થેનક્યુ...
"ઓકે ઓકે.."
અને સમીર પોતાની ચેર ઉપર બેસી ગયો અને તેની સામેની ચેર ઉપર પરી ગોઠવાઈ ગઈ.
સમીરે બેલ વગાડ્યો અને સેવકને અંદર બોલાવી પરીને પૂછ્યું કે તે ચા કોફી શું લેશે.
પરી સમીરની ફોર્માલીટી જોઈને બોલી કે, "સાંભળને તું અત્યારે બહુ કામમાં હોઈશ તો આપણે પછી શાંતિથી મળીએ એક્ચ્યુલી મેં મીડિયા ઉપર ન્યૂઝ જોયા એટલે હું ખૂબજ ખુશ થઈ ગઈ કે ઘણી બધી તારી મહેનત પછી તારા આ મિશનમાં તું સક્સેસ થયો છે અને એટલે મારાથી રહેવાયું જ નહીં અને તને કોન્ગ્રેચ્યુલેટ કરવા માટે આજે જ હું અહીં આમ સવાર સવારમાં જ દોડી આવી તો ઈટ્સ ઓકે એક કામ કરીએ આપણે પછી મળીએ શાંતિથી અત્યારે તું તારા કામ ઉપર ફોકસ કર અને આમ પણ મારે તારા મોઢે આ બધું તે કઈરીતે પૂરું કર્યું તે સાંભળવું છે એટલે અત્યારે હું કંઇજ નહીં લઉં."
અને સમીરે પેલા સેવકને બહાર જવા કહ્યું અને તે પરીને કહેવા લાગ્યો કે, "તો પછી એક કામ કરીએ આપણે આવતીકાલે સાંજે મળીએ તને કેટલા વાગે ફાવશે?"
"હં, આવતીકાલે? ઓકે આવતીકાલે પણ સાંજે નહીં બપોરે લગભગ ચારેક વાગે મળીએ હું તને કોલ કરું એટલે તું મારી કોલેજ ઉપર જ આવી જજેને.."
"કોલેજમાં શાંતિથી બેસીને વાત નહીં થાય" સમીરના આ વાક્ય ઉપર પરી જરા અકળાઈને બોલી કે, "અરે બાબા તને કોલેજમાં બેસવાનું કોણે કહ્યું સામે જ તો સી સી ડી છે ત્યાં બેસીશું ને અને સ્હેજ આગળ જઈએ ત્યાં , "મેન્ગો" રેસ્ટોરાં છે ત્યાં જવું હશે તો ત્યાં જઈશું.."
"ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે તો અત્યારે તું જા આપણે કાલે મળીએ છીએ ઓકે!"
અને સમીરે પોતાની ચેરમાંથી ઉભા થઈને પરીને વિદાય આપી અને પોતાના કામમાં બીઝી થઈ ગયો અને પરી પણ પોતાની કોલેજ તરફ જવા માટે નીકળી ગઈ.

બીજે દિવસે સવાર સવારમાં જ પરીએ સમીરને ફોન કર્યો સમીર ન્હાવા માટે બેઠો હતો એટલે તેણે ફોન ન ઉપાડ્યો. પરી પોતાની કોલેજ જવા માટે નીકળી ગઈ અને પોતાની સ્ટડીમાં બીઝી થઈ ગઈ ચાલુ ક્લાસમાં તે પોતાનો મોબાઈલ સાઈલેન્ટ મોડ ઉપર જ રાખતી હતી.
સમીર નાહી ધોઈને તૈયાર થયો અને તેના માટે એક પોલીસ સ્ટેશનથી એક જરૂરી ફોન આવી ગયો એટલે તે પણ પોતાની ડ્યુટી બજાવવા માટે નીકળી ગયો.
પરીની કોલેજમાં લંચ બ્રેક પડી ત્યારે ફરીથી પરીએ પોતાનો મોબાઈલ હાથમાં લઈને ચેક કર્યું કે કોઈનો ફોન આવ્યો છે કે નહિ જોયું તો કોઈનો ફોન નહોતો તેને નવાઈ લાગી કે સમીરે કેમ મને રિપ્લાય ન આપ્યો તેણે ફરીથી સમીરને ફોન કર્યો તો ફરીથી સમીરે ફોન ન ઉપાડ્યો એટલે તે ચિંતામાં મૂકાઈ ગઈ કે સમીર ફોન કેમ નથી ઉઠાવી રહ્યો?

પરી અને તેની ફ્રેન્ડ ભૂમી બંને લંચ કરવા માટે કેન્ટિનમાં આવ્યા અને પોત પોતાનું ટિફિન ખોલીને જમવાનું શરૂ કર્યું પરીનો ચિંતાગ્રસ્ત ચહેરો અને તેને આમ મોબાઈલમાં ખોવાયેલી જોઈને ભૂમીએ તેને પૂછ્યું કે, "કેમ આમ ચિંતામાં પડી ગઈ છે પેલા તારા પોલીસ ઇન્સ્પેકટરના ફોનની રાહ જૂએ છે કે શું?"
પરી પોતાના મોબાઈલમાં વોટ્સએપ મેસેજ અને ટેક્સટ મેસેજ ચેક કરવા લાગી કે સમીરનો કોઈ મેસેજ આવ્યો છે..?? અને તે જોતાં જોતાં તે બોલી, "હા યાર એનો ફોન આવવાનો હતો પણ ફોન પણ નથી આવ્યો અને કોઈ મેસેજ પણ નથી આવ્યો એટલે જરા જોતી હતી."
"હવે પોલીસવાળાને ક્યાં એવો બધો ટાઈમ હોય તું પણ ક્યાં એની આશા રાખે છે અને રાહ જૂએ છે ચાલ હવે એનાં વિચારો કર્યા વગર શાંતિથી જમી લે."
બંનેનું જમવાનું પણ પૂરું થયું અને તેમની બ્રેક પણ પૂરી થવા આવી એટલામાં પરીના મોબાઈલમાં રીંગ વાગી અને જોયું તો સમીરનો ફોન.. હાં શ.. તેનાં જીવમાં જીવ આવ્યો અને ભૂમી બોલી કે, "લે આવી ગયો તારો પોલીસવાળો જલ્દીથી વાત કરી લે એની સાથે કારણ કે આપણે ફટાફટ ક્લાસમાં જવું પડશે."
"હા યાર.."
અને પરીએ ફોન ઉપાડ્યો...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/7/23